બેઠાડુ જીવન આપણા શરીરને કેટલું નુકસાન કરે એ જાણી લો

    • લેેખક, એનાબેલ બોર્ને
    • પદ, બીબીસી ફ્યુચર

ઑફિસમાં, બસમાં કે ટ્રેનમાં કે પછી ઘરમાં બેઠા રહેવું એ મોટા ભાગના લોકોની દિનચર્ચાનો એક હિસ્સો છે, પરંતુ રક્તવાહિનીમાં શિથિલતાને કારણે બહુ લાંબા સમય સુધી બેઠા રહેવાથી હૃદયરોગ અને ટાઈપ ટુ ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી શકે છે.

રોગચાળાના નિષ્ણાત જેરેમી મોરિસે 1953માં શોધી કાઢ્યું હતું કે લંડનના બસ કંડક્ટરો કરતાં બસ ડ્રાઈવરોમાં કોરોનરી હાર્ટ ડિસીઝ થવાની શક્યતા બમણાં કરતા વધુ છે.

વય, લિંગ અને આવકની શ્રેણીમાં વસ્તી વિષયક રીતે કામદારોનાં બે જૂથ સમાન હતાં, છતાં આટલો નોંધપાત્ર તફાવત શા માટે હતો?

મોરિસનો જવાબ એ હતો કે બસ કંડક્ટરોએ સતત ઊભા રહેવું પડે છે. ડબલ ડેકર બસના પ્રવાસીઓને ટિકિટ આપવા માટે પગથિયાં ચડવાં-ઊતરવાં પડે છે, જ્યારે ડ્રાઈવરો લાંબા સમય સુધી બેઠેલા રહે છે. મોરિસના સીમાચિહ્નરૂપ અભ્યાસે શારીરિક પ્રવૃત્તિ અને કોરોનરી હેલ્થ વચ્ચેની કડી વિશે સંશોધનનો પાયો નાખ્યો હતો.

ઑફિસ કલ્ચરથી ફેરફાર

જોકે, લંડનના બસ કન્ડક્ટર્સ હવે ભૂતકાળ બનવાના છે ત્યારે મોરિસના અભ્યાસનાં તારણો વધારે સુસંગત છે. કોવિડ-19 રોગચાળા પછી ઘણા લોકો ઑફિસને બદલે ઘરેથી કામ કરતા થયા છે. તેને કારણે આપણા બેસી રહેવાના કુલ સમયમાં વધારો થવાની શક્યતા છે.

ઑફિસમાં વોટર કૂલર અને મીટિંગ રૂમ સુધીની હાલચાલ વિના ડેસ્ક સામે બેસીને કલાકો પસાર કરવા સરળ છે.

અલબત, ઑફિસ કલ્ચરથી 1980ના દાયકા સુધીમાં આપણા જીવનમાં એટલો મોટો બદલાવ આવ્યો હતો કે કેટલાક સંશોધકો મજાક કરતા હતા કે આપણી પ્રજાતિ હોમો સેપિયન્સને બદલે હોમે સેડેન્સ (બેઠાડુ માણસ)ની બની ગઈ છે.

લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેઠા રહેવું તે બેઠાડુ વર્તનનું એક સ્વરૂપ છે. આપણે બેઠા હોઈએ કે અઢેલીને પડ્યા હોઈએ ત્યારે ખૂબ જ ઓછી ઊર્જાનો વપરાશ થાય છે.

આવા સેડન્ટરી બિહેવિયર ટેલિવિઝન જોવાનો, ગેમિંગનો, ડ્રાઈવિંગનો અને ડેસ્ક બાઉન્ડ વર્ક સહિતની બાબતોનો સમાવેશ થાય છે. સેડન્ટરી બિહેવિયર સાથે હૃદય સંબંધી રોગો, ટાઈપ ટુ ડાયાબિટીસ તથા અકાળ મૃત્યુદરનું મોટું જોખમ સંકળાયેલું છે.

આપણે ખાસ કરીને બેસીને જે સમય પસાર કરીએ છીએ તેને સ્વાસ્થ્ય સંબંધી તકલીફોની શ્રેણીમાં એક સ્વતંત્ર જોખમી પરિબળ ગણવામાં આવે છે. સેડન્ટરી બિહેવિયરમાં ઘટાડો કરવા માટે વિશ્વ આરોગ્ય સંગઠને 2020માં કેટલાંક પગલાં સૂચવ્યાં હતાં.

બેઠાડુ જીવનથી શું થાય?

સંશોધકો 2010થી સૂચવી રહ્યા છે કે બેઠાડુ વર્તન અને શારીરિક પ્રવૃત્તિના અભાવ વચ્ચે ફરક છે. તમે રોજ પૂરતા પ્રમાણમાં કસરત કરતા હો તેમ છતાં તમે લાંબો સમય બેઠેલા રહેતા હો તે શક્ય છે. જે લોકો પૂરતો વ્યાયામ કરતા નથી તેમના પર સેડન્ટરી બિહેવિયરનું જોખમ વધી જાય છે.

બેઠાડુ જીવનથી હૃદય સંબંધી રોગોનું જોખમ શા માટે વધે છે? પ્રાથમિક પૂર્વધારણા એવી છે કે તેનાથી વેસ્ક્યુલર ડિસફંક્શનમાં વધારો થાય છે, ખાસ કરીને પગમાં.

વેસ્ક્યુલર સિસ્ટમ એટલે કે રક્તવાહિનીઓ રક્ત તથા લસિકા દ્રવ્યને ફરતું રાખવા માટે જવાબદાર હોય છે. તે શરીરની રોગપ્રતિકારક પ્રણાલીનો હિસ્સો છે.

ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં ડીકિન યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ફોર ફીઝિકલ ઍક્ટિવિટી ઍન્ડ ન્યૂટ્રિશનના ફિઝિયોલોજિસ્ટ ડેવિડ ડન્સ્ટને લાંબા સમય સુધી એક જગ્યાએ બેઠા રહેવાની અસરો અને સંભવિત હસ્તક્ષેપ વિશે વ્યાપક સંશોધન કર્યું છે.

ડન્સ્ટન કહે છે, “એક જગ્યાએ સતત બેઠા રહેવાથી સ્નાયુઓની પ્રવૃત્તિમાં ઘટાડો થાય છે. હું ખુરશી પર બેઠો હોઉં તો બધી જવાબદારી ખુરશી લેતી હોય છે.”

સ્નાયુઓની પ્રવૃત્તિમાં ઘટાડો, ઓછી ચયાપચયની જરૂરિયાત અને ગુરુત્વાકર્ષણ બળની સંયુક્ત અસરને કારણે પગના સ્નાયુઓમાં રક્તનો પ્રવાહ ઘટે છે. તેના પરિણામે પગની પિંડીઓમાં રક્ત એકત્ર થઈ શકે છે. આપણે બેઠા હોઈએ ત્યારે આપણા પગ વળેલા હોય છે અને બેસવાનું આ બાયોમિકેનિક્સ પણ રક્તના પ્રવાહને ઘટાડી શકે છે.

પગના સ્નાયુઓની પ્રવૃત્તિમાં ઘટાડો થવાથી તેમની મેટાબોલિક માંગમાં ઘટાડો થાય છે. મેટાબોલિક માંગ એ રક્તપ્રવાહની પ્રથમ નિર્ધારક છે. 21 સ્વસ્થ યુવાનો પર હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં બે કલાક દરમિયાન તેમના પગની પિંડીઓના પરિઘમાં લગભગ એક સેન્ટીમીટર જેટલો વધારો થયો હતો. તે રક્તના પ્રવાહને પણ ઘટાડી શકે છે.

સંશોધન શું સૂચવે છે?

સામાન્ય રક્ત પ્રવાહ રક્તવાહિનીઓની દિવાલના એન્ડોથેલિયલ કોષો સામે ધમનીના દબાણ તરીકે ઓળખાતું ઘર્ષણ પૂરું પાડે છે. એન્ડોથેલિયમ આ બળને પ્રતિસાદ આપે છે અને એડેનોસિન, પ્રોસ્ટાસાયક્લિન અને નાઇટ્રિક ઓક્સાઇડ જેવા વાસોલિડેર્સનો સ્ત્રાવ કરે છે. તે રગોને પૂરતા પ્રમાણમાં વિસ્તારે છે અને વેસ્ક્યુલર સિસ્ટમની ખુદને નિયંત્રિત કરવાની ક્ષમતા જાળવી રાખે છે. તેને હોમિયોસ્ટેસિસ તરીકે ઓળખવામાં આવે છે.

રક્તપ્રવાહમાં ઘટાડાથી શીયર સ્ટ્રેસ ઘટે છે અને એન્ડોથેલિન-વન જેવા વાસોકોન્સ્ટ્રિક્ટર્સનું ઉત્પાદન એન્ડોથેલિયમ કરે છે. એન્ડોથેલિયન-વન રક્તવાહિનીઓના સાંકડા થવામાં કારણભૂત હોય છે.

આ દુષ્ટ ચક્રમાં રક્તવાહિનીઓનું સંકોચન લોહીના પ્રવાહને વધુ ઘટાડે છે અને લોહીના સતત પરિભ્રમણના પ્રયાસમાં બ્લડપ્રેશર વધે છે. હાઈ બ્લડપ્રેશર અથવા હાઈપરટેન્શન રક્તવાહિનીઓના રોગ માટેનાં મુખ્ય જોખમી પરિબળો પૈકીનું એક છે.

ડન્સ્ટન કહે છે, “વેસ્ક્યુલર ડિસફંક્શન સંભવિત મિકેનિઝમ્સ પૈકીનું એક છે, પરંતુ સત્ય એ છે કે અમે ચોક્કસ મિકેનિઝમ્સ નિર્ધારિત કરી શક્યા નથી અને તે બહુવિધ હોવાની સંભાવના છે.”

અંતર્ગત મિકેનિઝમ્સ અનુમાનિત છે, પરંતુ તાજેતરના અભ્યાસો આ થિયરીને સમર્થન આપે છે.

16 સ્વસ્થ યુવાનો પરના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ત્રણ કલાક સુધી સતત બેઠા રહેવાથી પગમાં લોહીનું એકત્રીકરણ, વેસ્ક્યુલર પ્રતિકાર, ડાયસ્ટોલિક બ્લડપ્રેશર અને પગના પરિઘમાં વધારો થાય છે. એક અન્ય અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે સતત બેઠા રહીને સમય પસાર કરવાથી બ્લડપ્રેશર વધે છે.

સંશોધકો એ વાત સાથે સહમત છે કે બેથી ત્રણ કલાક સતત બેઠા રહેવું તે સંભવતઃ એ મર્યાદા છે, જેમાં તમે લાંબો સમય બેઠેલી સ્થિતિમાં પસાર કર્યો છે, પરંતુ બેઠેલા રહેવાની સાથે વેસ્ક્યુલર ડિસફંક્શનમાં વધારો થાય છે.

ખાસ કરીને બહુ વધારે ચરબી હોય તેવો આહાર કર્યા પછી લાંબા સમય સુધી બેઠા રહેવું હાનિકારક માનવામાં આવે છે.

શરીરના સ્નાયુઓને પણ અસર થવાની શક્યતા હોય છે. લાંબા સમય સુધી બેઠા રહેવાથી સ્નાયુઓની મજબૂતી ઘટે છે, હાડકાંની ઘનતા ઘટે છે અને એડિપોઝ પેશીઓમાં કુલ તથા આંતરડાની ચરબીમાં વધારો થાય છે.

એ ઉપરાંત લાંબો સમય બેઠા રહેવાને શારીરિક અગવડતા, કામમાં તણાવ અને ઉચ્ચ ડિપ્રેશન સાથે પણ સંબંધ છે. તેનાથી પ્રેશર અલ્સર પણ થઈ શકે છે.

ટાઇપ ટુ ડાયાબિટીસના સંશોધનમાં નિષ્ણાત ડન્સ્ટને નોંધ્યું છે કે બેઠાડુ વર્તન ભોજન પછી અથવા પોસ્ટ-પ્રાન્ડિયલ, લોહીમાં ગ્લુકોઝ અને ઈન્સ્યુલિનમાં વધારો કરે છે. ક્ષતિગ્રસ્ત ઇન્સ્યુલિન સેન્સિટિવિટી અને વેસ્ક્યુલર ડિસફંક્શન બન્ને હૃદય સંબંધી રોગો અને ટાઈપ ટુ ડાયાબિટીસના ઊંચા જોખમમાં વધારો કરે છે.

આપણે લાંબા સમય સુધી બેસવાની ટેવ છોડી શકીએ?

આ બધા સંભવિત પરિણામોને ધ્યાનમાં લેતાં સવાલ થાય કે આપણે શા માટે લાંબા સમય સુધી બેઠા રહીએ છીએ? આપણે એ આદત છોડી શકીએ?

સરે યુનિવર્સિટી ખાતેના હેબિચ્યુઅલ બીહેવિયર વિષયના નિષ્ણાત સોશિયલ સાયકોલોજિસ્ટ બેન્જામિન ગાર્ડનર, લોકો લાંબા સમય સુધી શા માટે બેઠા રહે છે એ વિશે સંશોધન કરી રહ્યા છે. તેઓ કહે છે, “મને લાગે છે કે લોકો વધુને વધુ બેઠાડુ બની રહ્યા છે, કારણ કે સમાજે તેને પ્રોત્સાહન આપ્યું છે.”

તેઓ ઉમેરે છે, “તેમના પર કોઈ દબાણ કરી રહ્યું છે એવું નથી, પરંતુ આપણી આજુબાજુની વસ્તુઓ વધુને વધુ કાર્યક્ષમ બની રહી છે એટલે આપણે ખાસ કંઈ કરવું પડતું નથી.”

ગાર્ડનર અને તેમના સહયોગીઓએ 2018માં શોધી કાઢ્યું હતું કે લોકોને મીટિંગમાં ઊભા રહેવા પ્રોત્સાહિત કરવાથી સામાજિક અવરોધ સર્જાય છે.

ગાર્ડનર કહે છે, “અમે લોકોને ત્રણ અલગ-અલગ મીટિંગમાં ઊભા રહેવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમનો એ અનુભવ જાણવા માટે દરેક મીટિંગ પછી અમે તેમના ઇન્ટરવ્યૂ કર્યા હતા. તેનાં તારણો આશ્ચર્યજનક હતાં. ફોર્મલ મીટિંગમાં ઊભા રહેવું યોગ્ય જણાયું ન હતું.”

અન્ય હસ્તક્ષેપોમાં હાઇટ-ઍડજસ્ટેબલ વર્કસ્ટેશન, સીટિંગ કે સ્ટેંન્ડિંગ ચેર્સ, ટ્રેડમિલ વર્કસ્ટેશન્શ અને પગને હલાવતા રહેવાનો સમાવેશ થાય છે, જેનાથી રક્તનો પ્રવાહ વધે છે.

વારંવાર જગ્યા પરથી ઊઠવું અને થોડું ચાલવું અથવા કેટલાંક પગથિયાં ચડવાં એ પણ ફાયદાકારક હોવાનું જાણવા મળ્યું હતું.

વેરએબલ ટેકનોલૉજી પણ આપણને આગળ ધકેલવામાં મદદરૂપ થઈ શકે. એક નવા આશાસ્પદ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે એક્સીલેરોમીટર તરીકે ઓળખાતી વેરએબલ ડિવાઈસે બેસવા, ઊભા રહેવા, ઊંઘવા અને વ્યાયામ કરવા સહિતની વ્યક્તિગત વર્તણૂંક પેટર્નનો 24 કલાકનો ડેટા પ્રદાન કર્યો હતો.

ડન્સ્ટને જણાવ્યું તેમ, તેના વડે દરેક વ્યક્તિ માટે બેઠા રહેવાના અને ઊભા રહેવાના મહત્તમ સમયનું આકલન કરી શકાય છે. એ પછી આપણે ખૂબ લાંબો સમય બેઠા રહ્યા હોઈએ ત્યારે આ ડિવાઈસ ઓટોમેટિક રીમાઈન્ડર્સ મોકલે છે. જોકે, ટેકનૉલૉજીનો વપરાશ ક્ષતિરહિત નથી, કારણ કે તેના આદેશોથી કેટલાક હતાશા અનુભવી શકે અથવા તેની દરકાર ન કરે તે શક્ય છે.

સૌથી વધુ મહત્ત્વની વાત એ છે કે ગાર્ડનર અને તેમના સહકર્મીઓ બેઠા થવા અને વારંવાર ઊભા થવાના પ્રોત્સાહન આપે છે. ઊભા રહીને બેઠાડુ વર્તનની સાંકળને તોડવી સરળ છે, પરંતુ ખાસ કરીને ઓછી સક્રિય વ્યક્તિઓ માટે તેનાથી આરોગ્ય સંબંધી નોંધપાત્ર લાભ પણ થાય છે. ગતિશીલતા સંબંધી મર્યાદા ધરાવતા, વ્હીલચેરનો ઉપયોગ કરતા લોકો માટે ચોક્કસ પ્રકારનો વ્યાયામ ફાયદાકારક સાબિત થઈ શકે.

ઘણા લોકો બેઠાડુ જીવનશૈલીને આધુનિક જીવન અને કાર્યનું અનુવાર્ય પરિણામ ગણે છે, પરંતુ તમારી દિનચર્યામાં સ્ટ્રેચિંગ જેવા, ઊઠબેસ કરવા જેવા નાના ફેરફારો પણ બેઠાડુ જીવનની આદતને છોડવામાં મદદ કરી શકે છે.