You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાનમાં હમાસના ટોચના નેતા ઇસ્માઇલ હાનિયાની હત્યા, ગુરુવારે અંતિમયાત્રા
હમાસના ટોચના નેતા ઇસ્માઇલ હાનિયાની ઈરાનમાં હત્યા કરી દેવાઈ છે. પેલેસ્ટાઇનના ઉગ્રવાદી સંગઠને આ જણકારી આપી છે.
હમાસે બુધવારે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું કે ઈરાનના પાટનગર તહેરાનમાં ઇઝરાયલી દરોડા દરમિયાન હાનિયાની એમના ઉતારે હત્યા કરી દેવામાં આવી હતી.
હમાસના જણાવ્યા અનુસાર ઇરાનના નવા રાષ્ટ્રપતિ માટે મંગળવારે યોજાયેલી શપથવિધીમાં ભાગ લીધા બાદ હાનિયાની હત્યા કરી દેવાઈ હતી.
ઈરાનના ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડએ આપેલી જાણકારી પ્રમાણે, હાનિયાની સાથે એક સુરક્ષાકર્મી પણ માર્યો ગયો છે.
62 વર્ષના હાનિયા 80ના દાયકામાં શરૂ થયેલી હમાસ ચળવળના મુખ્ય નેતા હતા.
હમાસે જણાવ્યું કે ઇસ્લાઇલ હાનિયાની અંતિમયાત્રા એક ઑગસ્ટ એટલે કે ગુરુવારે તેહરાનમાં નીકળશે. બાદમાં તેમના મૃતદેહને કતારની રાજધાની દોહા લઈ જવાશે, જ્યાં તેઓ છેલ્લા કેટલાંક વર્ષોથી રહેતા હતા.
હાનિયાના મૃતદેહને બે ઑગસ્ટે કતારના લુસેલના એક કબ્રસ્તાનમાં દફનાવાશે.
હમાસે શું કહ્યું?
ઇઝરાયલે આ અંગે હજુ સુધી કોઈ નિવેદન નથી આપ્યું. જોકે, હમાસે કહ્યું છે, “હાનિયાની હત્યા એક વિશ્વાસઘાતી ઝિયોનિસ્ટ હુમલામાં કરવામાં આવી છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હમાસે પોતાના નિવેદનમાં શોક વ્યક્ત કરતાં કહ્યું,“ઇસ્લામિક પ્રતિકારની ચળવળ હમાસ પેલેસ્ટાઇનના મહાન લોકો, આરબ અને ઇસ્લામિક રાષ્ટ્રો અને વિશ્વના બધા જ સ્વતંત્ર લોકો માટે શોક વ્યક્ત કરે છે.”
હાનિયા છેલ્લી વખત જાહેરમાં ઈરાનના નવા રાષ્ટ્રપતિ પેજશ્કિયાનના શપથવિધી સમારંભમાં જોવા મળ્યા હતા. તેમણે નવા રાષ્ટ્રપતિ ઉપરાંત ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનાઈની મુલાકાત કરી હતી.
અહેવાલો પ્રમાણે, આ મુલાકાત દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિએ હમાસના નેતાને જણાવ્યું કે ઈરાન 'પેલેસ્ટાઇનના લોકોનો સાથ આપશે.'
વૉશિંગ્ટન ઇન્સ્ટિટ્યૂટ ફૉર નિયર ઇસ્ટ પોલીસીએ હમાસે ગત વર્ષે સાત ઑક્ટોબરે કરેલા હુમલા બાદ લખ્યું હતું, “હમાસ દ્વારા આ પ્રકારનો હુમલો વર્ષોની ઈરાનની તાલીમ વગર શક્ય ન બન્યો હોત.”
ઇઝરાયલી સૈન્ય કોઈ પ્રતિક્રિયા નહીં આપે
ઇઝરાયલના મંત્રીએ કહ્યું કે હાનિયાનું મોત આ દુનિયાને વધુ સારી જગ્યા બનાવશે.
હાનિયાના મૃત્યુ પર ઇઝરાયલે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. જોકે, ઇઝરાયલના હેરિટેજ મંત્રી અમીચાઈ એલિયાહુ સહિત કેટલાક રાજકારણીએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી.
તેમણે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું, “હનિયાની મોતથી વિશ્વ એક વધારે સારી જગ્યા બનશે.”
તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, “આ વિશ્વને આ ગંદગીમાંથી મુક્ત કરવાનો સાચો રસ્તો છે. હવે કોઈ કાલ્પનિક શાંતિ/સમર્પણ સમજૂતી નહી, આ લોકો પર કોઈ દયા ન રાખવી જોઇએ.”
ઇઝરાયલની સેના (આઈડીએફ)એ કેટલીક અંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થા જેવી કે સીએનએન અને એએફપીને જણાવ્યું કે સેના હાનિયાના મૃત્યુ વિશે આવી રહેલા મીડિયા અહેવાલો પર પ્રતિક્રિયા નહીં આપે.
ઇસ્માઇલ હાનિયા કોણ હતા?
આ પહેલાં ગત એપ્રિલમાં હાનિયાના ત્રણ પુત્રો અને ચાર પૌત્રોનાં ગાઝામાં ઇઝરાયલે કરેલી ઍરસ્ટ્રાઇકમાં મૃત્યુ થયાં હતાં
ઇસ્માઇલ હાનિયા હમાસના પૉલિટિકલ બ્યૂરોના પ્રમુખ અને 10મી પેલેસ્ટાઇન સરકારના વડા પ્રધાન હતા. તેમનું ઉપનામ અબુ-અલ-અબ્દ હતું. તેમનો જન્મ પેલેસ્ટાઇન શરણાર્થી શિબિરમાં થયો હતો.
તેઓ 2006થી પેલેસ્ટાઇનના વડા પ્રધાનના રૂપમાં કામ કરી રહ્યા હતા. 2017થી તેમના બદલે યાહ્યા સિનવારે આ જવાબદારી સંભાળી હતી.
ઇઝરાયલે તેમને 1989માં ત્રણ વર્ષ માટે કેદ કરી લીધા હતા. ત્યાર બાદ તેમને હમાસના ઘણા નેતાઓ સાથે માર્જ-અલ-જુહૂર નિર્વાસિત કરી દેવામાં આવ્યા હતા. આ ઇઝરાયલ અને લેબનન વચ્ચે એક નૉ-મેન્સ લૅન્ડ છે. અહીં તેઓ એક વર્ષ સુધી રહ્યા હતા.
નિર્વાસન પૂરું થયા પછી તેઓ ગાઝા પરત ગયા. તેમણે 1997માં હમાસના આંદોલનના આધ્યાત્મિક નેતા શેખ અહમદ યાસીનના કાર્યાલયના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા. તેનાથી તેમનું કદ વધી ગયું.
હમાસે 16 ફેબ્રુઆરી, 2006ના રોજ તેમને પેલેસ્ટાઇનના વડા પ્રધાન નામાંકિત કર્યા હતા. તેમને એ જ વર્ષે 20 ફેબ્રઆરીએ નિયુક્ત પણ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ એક વર્ષ બાદ જ પેલેસ્ટાઇન ઑથૉરિટીના પ્રમુખ મહમૂદ અબ્બાસે તેમને તેમના પદ પરથી હઠાવી દીધા.
ઇઝ-અલ-દીન અલ-કાસમ બ્રિગેડે ગાઝા પટ્ટી પર કબજો કરી લીધો હોવાને કારણે તેમને હઠાવવામાં આવ્યા હોવાનું મનાય છે.
હાનિયાએ પોતાનું સસ્પેન્શન ગેરબંધારણીય ગણાવતાં નકારી દીધું હતું. તેમનું કહેવું હતું કે તેમની સરકાર પોતાનાં કર્તવ્યોનું પાલન ચાલુ રાખશે અને પેલેસ્ટાઇનના લોકો પ્રત્યે પોતાની જવાબદારીઓને છોડશે નહીં.
હાનિયાને 6 મે, 2017ના રોજ હમાસના પૉલિટિકલ બ્યૂરોના પ્રમુખ પસંદ કરાયા હતા. અમેરિકાના વિદેશ વિભાગે 2018માં હાનિયાને આતંકવાદી જાહેર કર્યા હતા.