You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઓશોનું સામ્રાજ્ય કઈ રીતે વિખરાઈ ગયું અને એમણે ભારત કેમ છોડી દીધું?
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
પોતાના લાખો પ્રશંસકો, શિષ્યો અને અનુયાયીઓ માટે તેઓ ફક્ત ‘ઓશો’ હતા. ભારત અને પછી સમગ્ર દુનિયામાં તેઓ ‘આચાર્ય રજનીશ’ અથવા ‘ભગવાન શ્રી રજનીશ’ એવા નામે જાણીતા થયા હતા.
‘ઓશો’ શબ્દનો અર્થ થાય છે એવી વ્યક્તિ જેણે પોતાને સાગરમાં સમાવી લીધી હોય. અંતિમ વિદાય લીધી તે વાતને 33 વર્ષ થઈ ગયાં છે, પણ આજેય તેમનાં લખેલાં પુસ્તકો વેચાઈ રહ્યાં છે. તેમના વીડિયો અને ઑડિયો સોશિયલ મીડિયા પર સતત દેખાતા રહે છે. લોકો આ વીડિયો જુએ છે, સાંભળે છે.
ઓશોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું, કેમ કે તેઓ કોઈ પરંપરા, કોઈ દાર્શનિક વિચારધારા કે ધર્મના કંડારેલા માર્ગે ચાલ્યા નહોતા. મધ્ય પ્રદેશમાં 11 ડિસેમ્બર, 1931ના રોજ જન્મેલા ઓશોનું અસલી નામ ચંદ્રમોહન જૈન હતું.
વસંત જોશીએ ઓશોની જીવનકથા લખી છે ‘ધ લ્યૂમનસ રેબેલ, લાઇફ સ્ટોરી ઑફ એ મેવરિક મિસ્ટિક’. તેઓ લખે છે, "ઓશો એક સામાન્ય બાળકની જેમ જ ઊછર્યા હતા, પણ ત્યારે કેટલાંક એવાં લક્ષણો હતાં જે બીજાં બાળકોથી તેમને અલગ તારવી આપતાં હતાં. નાનપણથી જ તેમને પ્રશ્નો પૂછવાનો અને પ્રયોગ કરવાનો ગુણ હતો. તેમને મનુષ્યોમાં રસ પડતો હતો. માનવ પ્રવૃત્તિને ઝીણી નજરે જોતા હતા અને એ જ તેમનો મુખ્ય શોખ બની ગયો હતો. થયું એવું કે બાહ્ય દુનિયા અને મનુષ્યના મનમાં શું ચાલે છે તેના પર ઝીણવટથી વિચારતા રહ્યા હતા."
કૉલેજમાંથી હકાલપટ્ટી
બીએની ડિગ્રી લીધા પછી 1951માં ઓશો જબલપુરની હિતકારિણી કૉલેજમાં દાખલ થયા હતા. અહીંના દર્શનશાસ્ત્રના એક પ્રોફેસર સાથે તેમની જામી ગઈ. તેમના લેક્ચર વખતે એવા એવા સવાલો પૂછતા હતા કે પ્રોફેસર જવાબ આપી આપીને કંટાળવા લાગ્યા. તેમને જવાબ આપવામાં જ સમય જતો હતો અને કોર્સ પૂરો થતો નહોતો.
વસંત જોશી લખે છે, "આખરે પ્રોફેસર માટે સહનશક્તિની મર્યાદા આવી ગઈ ત્યારે તેમણે પ્રિન્સિપાલને અલ્ટીમેટમ આપ્યું કે આ કૉલેજમાં કાંતો પોતે રહેશે કાંતો ચંદ્રમોહન જૈન. પ્રિન્સિપાલે ચંદ્રમોહનને બોલાવીને કૉલેજ છોડી દેવા કહ્યું. જોકે તેમણે એ સ્વીકાર્યું હતું કે આ કિસ્સામાં ચંદ્રમોહનનો કોઈ વાંક નહોતો. જોકે આવા મુદ્દે પોતાની કૉલેજના એક સિનિયર પ્રોફેસરે રાજીનામું આપવું પડે એવું તેઓ ઇચ્છતા નહોતા. ચંદ્રમોહન એ શરતે કૉલેજ છોડવા તૈયાર થયા કે પ્રિન્સિપાલે બીજી કોઈ કૉલેજમાં તેમને પ્રવેશ અપાવી દેવો."
રજનીશનું નામ ત્યાં સુધીમાં એટલું કુખ્યાત થઈ ગયું હતું કે કોઈ કૉલેજ તેમને પોતાને ત્યાં રાખવા તૈયાર નહોતા. બહુ મહેનત બાદ તેમને ડીએન જૈન કૉલેજમાં પ્રવેશ મળ્યો હતો.
યુવાનીમાં રજનીશને માથામાં વારંવાર દુખાવો થતો હતો. એક વાર એટલો બધો દુખાવો થયેલો કે તેની ફૂઈના ભાઈઓ ક્રાંતિ અને અરવિંદે ફોન કરીને તેમના પિતાને બોલાવવા પડ્યા હતા. પિતાને લાગતું હતું કે વધારે પડતો અભ્યાસ કરવાના કારણે રજનીશનું માથું દુખ્યા કરતું હતું. તેમને યાદ હતું કે કેવી રીતે માથે બામ લગાવીને પણ રજનીશ અભ્યાસ ચાલુ રાખતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રોફેસરની નોકરી છોકરી છોડીને બન્યા આધ્યાત્મિક ગુરુ
રજનીશના કરિયરની શરૂઆત 1957માં રાયપુરમાં સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં થઈ હતી. સન 1960માં તેમને જબલપુર યુનિવર્સિટીમાં દર્શનશાસ્ત્રના પ્રોફેસર તરીકેની નોકરી મળી. એ જમાનામાં તેમની તેજસ્વી અધ્યાપક તરીકે નામના થઈ ગઈ હતી.
એ જ સમયગાળામાં આધ્યાત્મિક ગુરુ તરીકે પ્રવચનો આપવાનું પણ તેમણે શરૂ કરેલું. તે માટે સમગ્ર ભારતમાં પ્રવાસ કરતા હતા અને રાજનીતિ, ધર્મ અને સેક્સ વિશે વિવાદાસ્પદ વ્યાખ્યાનો આપવા લાગ્યા હતા.
થોડા વખત પછી તેમણે પ્રોફેસર તરીકે રાજીનામું આપી દીધું અને સંપૂર્ણપણે વ્યાખ્યાનો આપવાનું કામ શરૂ કરી દીધું. સન 1969માં તેમણે મુંબઈને પોતાનું મુખ્ય મથક બનાવ્યું. એક વર્ષ પહેલાં જ તેમને મળેલાં મા યોગ લક્ષ્મી તેમનાં મુખ્ય સહાયિકા બન્યાં હતાં અને 1981 સુધી તેમની સાથે કામ કર્યું હતું.
આ જ સમયગાળામાં તેમની મુલાકાત એક અંગ્રેજી મહિલા ક્રિસ્ટિના વુલ્ફ સાથે થઈ. રજનીશે તેમને 'મા યોગા વિવેક' એવું સંન્યાસી નામ આપ્યું. પોતાના આગલા જન્મનાં એ દોસ્ત છે એવું તેઓ માનતા હતા. ક્રિસ્ટિના પણ તેમના નિકટના સહયોગી બની ગયાં હતાં.
મૌલિક વિચારોને કારણે મળી પ્રસિદ્ધિ
રજનીશે પ્રારંભથી જ સદીઓથી ચાલી આવતી ધાર્મિક માન્યતાઓ અને કર્મકાંડ વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું હતું. તેમને લાગતું હતું કે સંગઠિત ધર્મ લોકોને આધ્યાત્મનું જ્ઞાન આપવાને બદલે તેમને વિભાજિત કરીને રાખે છે.
તેમને લાગતું હતું કે ધર્મ કુરિવાજોનો શિકાર બની ગયો છે અને તેની જીવનશક્તિ ખતમ થઈ ગઈ છે. ઓશો માનતા હતા કે ધર્મ અને રાજનીતિ એક જ સિક્કાની બે બાજુ છે, જેનો એક માત્ર ઉદ્દેશ લોકોને નિયંત્રિત કરી રાખવાનો છે. તેમણે પૂર્વના ચિંતન અન ફ્રોઈડના મનોવિશ્લેષણનું સમન્વય અનોખી રીતે રજૂ કર્યું અને ખુલ્લેઆમ ‘સેક્સુઅલ લિબરેશન’ની તરફેણ કરવા લાગ્યા હતા.
જટિલ વિચારોને સરળ ભાષામાં રજૂ કરવાની તેમની શૈલીને કારણે અનેક ક્ષેત્રના લોકો તેમના તરફ આકર્ષાયા. જાણીતા લેખક ખુશવંતસિંહે તેમની પ્રસંશા કરતા લખ્યું હતું કે, "ઓશો ભારતમાં જન્મેલા સૌથી મૌલિક વિચારકોમાંના એક છે. તેઓ સૌથી વધુ વિચારશીલ, વૈજ્ઞાનિક અને નવા વિચારો આપનારા છે."
અમેરિકાના લેખક ટૉમ રૉબિન્સનું માનવું છે કે ‘ઓશોનાં પુસ્તકો વાંચીને લાગે કે તેઓ વીસમી સદીના સૌથી મહાન આધ્યાત્મિક ગુરુ હતા.’
લાકડીની માળા અને લૉકેટમાં ઓશોની છબી
ઘણાં વર્ષો સુધી ઓશોના સચિવ તરીકે કામ કરનારાં મા આનંદશીલા બહુ નાની ઉંમરે તેમના સંપર્કમાં આવ્યાં હતાં. ઓશો પોતાની મહિલા અનુયાયીઓને ‘મા’ એવી રીતે નામ આપતા હતા, કેમ કે તેઓ દરેક મહિલાને માતૃત્વનું પ્રતીક માનતા હતા. દરેક પુરુષ અનુયાયીને ‘સ્વામી’ કહેતા હતા, જેથી તેમને એ યાદ રહે કે હંમેશા સ્વ પર નિયંત્રણ રાખવાનું છે.
શીલાએ પોતાની આત્મકથા ‘ડોન્ટ કિલ હિમ, ધ સ્ટોરી ઑફ માઈ લાઇફ વિધ ભગવાન રજનીશ’માં લખ્યું છે, "મેં તેમના કમરામાં પ્રવેશ કર્યો ત્યારે ભગવાન મારી સામે મુસ્કુરાયા અને પોતાની બાહુઓ ફેલાવી દીધી. મને આલિંગન આપીને બહુ ધીમેથી મારો હાથ પકડી લીધો. હું તેમની ગોદમાં માથું નાખીને પડી રહી. થોડી વાર પછી હું ઊઠીને જવા લાગી તો ફરી મને બોલાવી. તેમણે કહ્યું કે શીલા કાલે અઢી વાગ્યે મને મળવા આવજે. એમ કહીને મારા માથા પર તેમણે હાથ મૂક્યો."
ઓશો પોતાના શિષ્યોને લાકડાની બનેલી એક માળા આપતા અને તેની અંદર એક લૉકેટ રહેતું જેમાં બંને બાજુ ઓશોની છબી રહેતી હતી. દરેક સંન્યાસી આ લૉકેટ પહેરી રાખે તેવી અપેક્ષા રહેતી. તેઓ દરેક સંન્યાસીને એક નવું નામ પણ આપતા, જેથી તે ભૂતકાળથી પોતાને સાવ અલગ કરી દે. તેઓ ઇચ્છતા કે શિષ્યોએ નારંગી અથવા લાલ રંગનાં વસ્ત્રો ધારણ કરવા. કપડાં ઢીલા હોવા જોઈએ, જેથી 'શરીરમાં સરળતાથી ઊર્જાનો સંચાર થતો રહે'.
વિવાદાસ્પદ વિષયો પર ભાષણ
ઓશો હિન્દી અને અંગ્રેજીમાં પ્રવચને આપતા હતા. અનુયાયીઓને સૂચના અપાતી કે પ્રવચન વખતે આંખો બંધ રાખીને સાંભળવાનું. ઓશો વિવાદાસ્પદ વિષયો પર બિનધાસ્ત અભિપ્રાયો આપવા માટે મશહૂર થઈ ગયા હતા.
વિન મેકકૉર્મકે પોતાના પુસ્તક ‘ધ રજનીશ ક્રૉનિકલ’માં લખ્યું છે, "તેમના વિચારો એટલા વિવાદાસ્પદ હતા કે તેમના પર પ્રતિબંધ મૂકવા માટે અનેક વાર ભારતની સંસદમાં પણ ચર્ચાઓ થઈ હતી. જુદા જુદા લોકોને આકર્ષવા માટે ઓશો અલગ-અલગ વિષય પસંદ કરીને વ્યાખ્યાન આપતા હતા. તેમના શ્રોતાઓ બહુ વૈવિધ્યપૂર્ણ પૃષ્ઠભૂમિમાંથી આવતા હતા."
"દરેક વય, ધર્મ અને જાતીના લોકો તેમને સાંભળવા આવતા હતા. તેમના સંપર્કમાં આવનારી વ્યક્તિ તેમની શિષ્ય બની જતી હતી અથવા તેમની વિરોધી. કોઈ તેમની અવગણના કરી શકે નહીં એવા હતા."
1972માં વિદેશથી આવનારા પર્યટકો તેમના તરફ આકર્ષાવા લાગ્યા હતા. તેમના સચિવ તરીકે કામ કરતાં લક્ષ્મી બહુ સમજીવિચારીને કોની સાથે મુલાકાત કરાવવી તે નક્કી કરતાં હતાં. તેઓ સૌ લોકોને પ્રથમ ‘ડાયનેમિક મેડિટેશન’માં સામેલ થવા જણાવાતું અને તે પછી જ તેમની ઓશો સાથે મુલાકાત કરાવાતી હતી. શરૂઆતમાં તેઓ રોજ સવારે છ વાગ્યે ચોપાટીમાં સમુદ્રકિનારે પોતાનું પ્રવચન આપતા હતા.
રાત્રે કોઈ હૉલમાં અથવા પોતાના ઘરે જ લોકોને તેઓ સંબોધન કરતા. ક્યારેક ક્યારેક તેમને સાંભળનારની સંખ્યા 100થી 120 જેટલી રહેતી, પણ કોઈ વાર શ્રોતાઓની સંખ્યા વધીને 5000થી 8000 સુધીની થઈ જતી હતી.
પૂણેમાં બનાવ્યો રજનીશ આશ્રમ
થોડા સમયમાં મુંબઈમાં રહેવાનું મુશ્કેલ લાગવા લાગ્યું. મુંબઈમાં જોરદાર વરસાદ થાય અને એલર્જીને કારણે તેમને શરદી અને દમ વારંવાર થઈ જતો હતો. તેમના વિદેશી અનુયાયીઓને પણ મુંબઈનો અવિરત વરસાદ માફક આવતો નહોતો. તેમને જાતભાતની બીમારીઓ લાગી જતી હતી. તેમણે પોતાના સચિવને કહ્યું કે મુંબઈની આસપાસમાં કોઈ સારી જગ્યા શોધો.
ઘણો વિચાર કર્યા પછી નક્કી કરાયું કે પૂણેમાં આશ્રમ બનાવવો. પૂણેની આબોહવા મુંબઈથી ઘણી સારી હતી. તેમણે કોરેગાંવમાં પોતાનો આશ્રમ બનાવ્યો.
આનંદશીલા લખે છે, "પૂણે પહોંચ્યા બાદ ઓશોએ બીજા લોકોથી પોતાને અલગ પાડવાનું શરૂ કરી દીધું. શરૂઆતમાં તેઓ આશ્રમના ગાર્ડનમાં લોકોને મળતા હતા. બાદમાં તેમને મળવાનું મુશ્કેલ બનવા લાગ્યું."
"તેઓ પોતાની આસપાસ માત્ર મજબૂત અને ભરોસાપાત્ર લોકોને જ રાખવા માગતા હતા. હકીકતમાં તેમને શિષ્યોની નહીં, મજૂરોની જરૂર હતી."
"તેમણે મોટા ભાગે ભારતીય હોય તેમની અવગણના કરવાનું શરૂ કરી દીધું હતું. તેમને લાગ્યું કે લોકો માત્ર જિજ્ઞાસા ખાતર આશ્રમમાં આવે છે ત્યારે તેમણે આશ્રમમાં પ્રવેશ માટીની ફી વધારી દીધી. એટલું જ નહીં, પોતાના ભારતીય શિષ્યોને નિરુત્સાહ કરવા માટે તેમણે અંગ્રેજીમાં ભાષણ આપવાનું શરૂ કરી દીધું."
જાતીયતા સાથે જોડાયેલા નૈતિક મુદ્દાને વિસારે પાડ્યા
તેઓ ખુરસી પર બેસતા અને તેમના શિષ્યો જમીન પર. થોડા જ વખતમાં પૂણેમાં તેમની જમાવટ થઈ ગઈ અને હવે રોજ લગભગ 5,000 લોકો તેમને સાંભળવા માટે એકઠા થવા લાગ્યા હતા.
પૂણેમાં રજનીશ આશ્રમને કારણે પર્યટકો વધવા લાગ્યા. રજનીશ આશ્રમને કારણે પૂણેનું દુનિયાના નકશામાં સ્થાન થઈ ગયું. એક રીતે તેના કારણે પૂણેના અર્થતંત્રને પણ ફાયદો થયો અને શહેરમાં ધન અને રંગીની આવી ગઈ.
ઓશોના આશ્રમમાં જાતભાતની થૅરેપી આપવાનું શરૂ થયું અને તેના કારણે પાણીની જેમ પૈસો આવવા લાગ્યો. આ થૅરેપીઓમાં સૌથી વધુ સેક્સ થૅરેપીને મહત્ત્વ મળવા લાગ્યું હતું. તેમાં જાતીયતાને કોઈ જાતના સંકોચ વિના સ્વીકાર કરી લેવાની વાત હતી. જાતીયતા સાથે જોડાયેલા નૈતિક મુદ્દાઓને કોરાણે રાખી દેવાયા.
આનંદ શીલા લખે છે, "ભગવાન ઇચ્છતા હતા કે આપણે કોઈ ઈર્ષ્યા કે અધિકારની ભાવના વિના કર્મ કરીએ. આવી થૅરપીમાં ભારતીય લોકોને જોડવામાં આવતા નહોતા. કોઈ સમજી શકતું નહોતું કે આવી થૅરેપીમાં ભારતીય લોકોને સામેલ ના કરવા માટે શા માટે તેમણે કહ્યું હતું."
"આ વિશે તેમને ઘણી વાર પૂછવામાં આવ્યું હતું ત્યારે તર્ક આપતા હતા કે પશ્ચિમના લોકો એક એવી દુનિયામાંથી આવે છે અને તેમની જીવનશૈલી અને માનસિકતા ભારતીયોથી જુદી છે એટલે તેમને આ થૅરેપી આપવી પડે."
"તે લોકોને એક સક્રિય થૅરેપીની જરૂર છે, જ્યારે ભારતીય લોકો માટે નિષ્ક્રિય અને શાંત થઈને કરાતું ધ્યાન પર્યાપ્ત છે."
આશ્રમમાં મહિલાઓ સાથે ઉન્મુક્ત યૌનાચાર
ઓશો પોતાના આશ્રમમાં સેક્સ પાર્ટનર બદલવા માટે હંમેશાં પ્રોત્સાહન આપતા હતા.
ઓશોના શિષ્ય તરીકે રહી ચૂકેલા ટિમ ગૅસ્ટે પોતાના પુસ્તક ‘માઈ લાઇફ ઇન ઑરેન્જ, ગ્રોઇંગ અપ વિધ ધ ગુરુ’માં લખ્યું છે, "ઘણા ભારતીયો તેમનું પુસ્તક ‘સંભોગથી સમાધિ’ને પોર્નોગ્રાફિક માનતા હતા. તેના કારણે તેમની ધાર્મિક માન્યતાઓને ધક્કો લાગતો હતો. તેમાં ખુલ્લેઆમ સેક્સ વિશે લખવામાં આવ્યું હતું."
"આ પુસ્તક લખીને જાતીયતાના દબાવવા માટેનો ઉપદેશ આપનારા સાધુ સંતો માટે તેઓ દુશ્મન બની ગયા હતા. પોતાના વિચારો મુક્તપણે વ્યક્ત કરવા માટેના તેમના ઉપદેશને સેક્સ પાર્ટનર બદલવા માટેના પ્રોત્સાહન તરીકે જોવામાં આવ્યો. આશ્રમની નારીઓમાં યૌન ઉન્મુક્તતા વધારવા માટેનો આરોપ પણ તેમના પર લાગ્યો".
થોડા સમયમાં જ પૂણેનો રજનીશ આશ્રમ મોટો થઈને 25 હજાર ચોરસમીટરનો થઈ ગયો. અહીં એક મેડિકલ સેન્ટર પણ ખોલવામાં આવ્યું, જ્યાં દુનિયાભરના ડૉક્ટરો અને નર્સો કામ કરતાં હતાં. આશ્રમમાં રહેનારા તથા કાયમી મજૂરી કરવા આવનારા લોકો માટે અહીં તબીબી સેવા મફતમાં આપવામાં આવતી હતી.
આનંદ શીલા લખે છે, "ઓશો નહોતા ઇચ્છતા હતા કે આશ્રમમાં બાળકોને રાખવામાં આવે એટલે તેઓ સંન્યાસીનીઓ ગર્ભવતી ના થાય તે માટે તાકીદ કરતા. ઓશોના ઘણા પદાધિકારીઓને ગર્ભનિરોધક ઑપરેશન કરવાનું કહેવાયું હતું, જેથી તેમના સંબંધોને કારણે કોઈ ગર્ભવતી ના બને, બાળકો પેદા ના થાય. ગર્ભવતી થયેલી મહિલાઓ અને બાળકોને કારણે આશ્રમમાં મુશ્કેલી ઊભી થાય તેમ હતી. આશ્રમમાં સંતાનના જન્મની મનાઈ હતી અને ગર્ભવતીઓને પણ આશ્રમમાં રહેવા દેવાતી નહોતી."
ઓશો ઘણી વાર ‘સેક્સ રિપરેશન’ની વાત કરતા હતા. તેના કારણે સંન્યાસીઓ મુક્ત સેક્સ જીવન જીવવા લાગ્યા હતા અને તેના કારણે સંન્યાસી અને આશ્રમમાં ચેપી ગુપ્તરોગો થવા લાગ્યા હતા. કેટલાક સંન્યાસીઓ મહિનામાં 90 વાર સંભોગ કરતા હોય તેવું પણ જોવા મળ્યું હતું.
આનંદ શીલા લખે છે, "મને આશ્ચર્ય એ વાતનું થતું હતું કે આખો દિવસ વ્યસ્ત રહ્યા પછી સંન્યાસીઓને સેક્સ માટે સમય કેવી રીતે મળી જતો હતો."
પરફ્યૂમ અને અત્તરની એલર્જી
આ બાજુ ઓશોને પણ બીમારીઓ લાગવા લાગી હતી. તેમની એલર્જી, અસ્થમા અને પીઠમાં દર્દની તકલીફ વધવા લાગી હતી.
તેમનો ડાયાબિટીસ પણ વધવા લાગ્યો ત્યાર પછી તેમણે પોતાના નિવાસમાંથી બહાર નીકળવાનું અને પ્રવચન આપવાનું પણ બંધ કરી દીધું. તેમની આંખો નબળી પડવા લાગી હતી અને પુસ્તક વાંચ્યા પછી તેમને માથામાં દુખાવા થવા લાગતો હતો.
આનંદ શીલા લખે છે, "તેમને પરફ્યૂમની બહુ એલર્જી હતી. જેમણે સેન્ટ લગાવ્યો હોય તેવા લોકોને તેમની નજીક જતા રોકવા માટે અમારે બહુ માથાકૂટ કરવી પડી હતી. સવારે અને સાંજે ભાષણ પહેલાં દરેક શ્રોતાઓને સૂંઘીને ચકાસણી થતી કે કોઈએ પરફ્યૂમ તો નથી લગાવ્યુંને. આ એક અજબ પ્રકારની પ્રક્રિયા હતી, પણ ઓશોને એલર્જીથી બચાવવા માટે આમ કરવું જરૂરી હતું."
અમેરિકાની જેલમાં 17 દિવસ
ઓશોને હવે પૂણેમાં પણ કંટાળો આવવા લાગ્યો હતો. તેમણે હવે અમેરિકામાં ઓરેગોન રાજ્યમાં આશ્રમ બનાવવાની યોજના તૈયાર કરી, જ્યાં હજારો લોકો એક સાથે રહી શકે. 31 મે, 1981માં તેઓ મુંબઈથી પોતાના આ નવા આશ્રમ માટે અમેરિકા જવા રવાના થયા હતા.
વિમાનની બધી જ ફર્સ્ટ ક્લાસ ટિકિટો તેમના અને તેમના નિકટના સહયોગીઓ માટે બૂક હતી. તેમની સાથે લગભગ અઢી હજાર આશ્રમવાસીઓ અમેરિકા પહોંચી ગયા. તેમાં મશહૂર અભિનેતા વિનોદ ખન્ના પણ હતા. દરમિયાન ઓશોએ 92 રોલ્સ રોયસ વૈભવી કાર ખરીદી અને તેમના ખરાબ દિવસોની શરૂઆત થઈ ગઈ. તેમનું અમેરિકાનું સપનું પત્તાના મહેલની જેમ તૂટવા લાગ્યું.
તેમની સાથે ટુરિસ્ટ વીઝાના નિયમોનો ભંગ કરવાનો આરોપ લાગ્યો. તેમને 17 દિવસ માટે અમેરિકાની જેલમાં રહેવું પડ્યં હતું. જેલમાંથી નીકળીને તેમણે અમેરિકા છોડી દેવા માટેની તૈયારી બતાવી. ત્યારબાદ ઘણા દેશોમાં તેમણે આશરો લેવાની કોશિશ કરી, પણ એક પછી એક દરેક દેશ તરફથી તેમને જાકારો મળ્યો હતો.
આખરે તેમને ફરીથી પોતાના દેશ ભારતમાં જ આવવા માટે મજબૂત થવું પડ્યું હતું.
19 જાન્યુઆરી, 1990ના રોજ માત્ર 58 વર્ષની ઉંમરે તેમણે આખરી વિદાય લીધી. પૂણેના જ તેમના નિવાસ ‘લાઓ ત્સૂ હાઉસ’માં તેમની સમાધિ બનાવવામાં આવી. તેના પર નોંધ છે, "ઓશો, જે ન ક્યારે જન્મ્યા, ન ક્યારેય મર્યા. તેમણે 11 ડિસેમ્બર, 1931થી 19 જાન્યુઆરી, 1990 વચ્ચે આ ધરતીની યાત્રા કરી હતી."