ઇંદ્રાણી મુખરજી : 'ભાઈ-બહેન'નું પ્રેમપ્રકરણ અને સગી મા પર પુત્રીની હત્યાના આરોપની રહસ્યમય કહાણી

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

નોંધ - આ અહેવાલના અમુક અંશ સંવેદનશીલ પાઠકને વિચલિત કરી શકે છે. વાચકનો વિવેક અપેક્ષિત.

25 ઑગસ્ટ, 2015ના દિવસે ન્યૂઝ મીડિયામાં હલચલ મચી ગઈ. ખાનગી ટીવી ચેનલોનાં માલિક ઇંદ્રાણી મુખરજીની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. તેમના પર બહેન શીના બોરાની હત્યામાં સંડોવણીનો આક્ષેપ હતો.

ક્રાઇમ અને સૅલિબ્રિટી સમાચાર લોકોમાં આકર્ષણ ઊભું કરતા હોય છે અને ઇંદ્રાણીના કેસમાં આવું જ થયું. હત્યાનું કારણ સમાજના એક વર્ગને માટે જુગુપ્સક હતું. એવામાં હજુ તસવીર સ્પષ્ટ થાય તે પહેલાં વધુ એક ખુલાસો થયો.

મૃતક શીના ઇંદ્રાણીનાં બહેન નહીં, પરંતુ તેમનાં પુત્રી હતાં. જ્યારે મૃતકના પિતા વિશે ખુલાસો થયો, ત્યારે લોકો ઉપરાંત મીડિયાકર્મીઓ પણ ચોંકી ગયા.

હત્યામાં ઇંદ્રાણીના પૂર્વ પતિ તથા ડ્રાઇવરની સંડોવણી બહાર આવી. મુંબઈ પોલીસ અને તેના બહુપ્રતિષ્ઠિત પોલીસ અધિકારીની કાર્યપદ્ધતિ ઉપર સવાલ ઉઠ્યા. છેવટે આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો, ત્યારે ઇંદ્રાણીના તત્કાલીન પતિ પીટર મુખરજીની ધરપકડ થઈ. ગુનાખોરીના સમાચારો અંગે મીડિયામાં નવું ચલણ શરૂ કરવામાં પીટર નિમિત્ત બન્યા હતા અને બાદમાં એ પ્રણાલી જ તેમની નિજતાનો ભંગ કરવાની હતી.

સીબીઆઈ તપાસ દરમિયાન કેસનો આર્થિક આયામ બહાર આવ્યો. જે યુપીએ સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને તેમના દીકરા સુધી પહોંચતો હતો અને તેમણે પણ જેલવાસ ભોગવવો પડ્યો.

એક ધરપકડ, અનેક રહસ્યોદ્ઘાટન

શીના બોરા વિશે મુંબઈસ્થિત પત્રકાર મનીષ પચોલીએ 'ધ શીના બોરા કેસ' નામથી પુસ્તક લખ્યું છે. આ કેસનો ખુલાસો કેવી રીતે થયો તેના વિશે પુસ્તકના પહેલા પ્રકરણમાં વિગતો આપવામાં આવી છે, જે મુજબ :

'21 ઑગસ્ટ, 2015ના રોજ મુંબઈની ખાર પોલીસે શ્યામવર રાય નામના શખ્સની હથિયારધારાના કેસમાં ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન તેમણે વટાણાં વેરી નાખ્યાં અને કહ્યું કે ત્રણ વર્ષ પહેલાં મુંબઈમાં એક યુવતીની હત્યા થઈ હતી અને રાયગઢના જંગલમાં તેના મૃતદેહનો નિકાલ કરવામાં આવ્યો હતો.'

'જોકે, તપાસકર્તાઓમાં એવી વ્યાપક ચર્ચા હતી કે ઇંદ્રાણીની નજીકની એક વ્યક્તિ તેની સાથે આર્થિક હિત ધરાવતી હતી, તેણે જ પોલીસના એક ઉચ્ચ અધિકારીને શીના બોરાના ગુમ થવા વિશે બાતમી આપી હતી. એ પછી જ રીક્ષાચાલક તરીકે આજીવિકા રળતા શ્યામવર રાયને 'ઉઠાવવા'માં આવ્યો , જેમાં તેણે કથિત રીતે કબૂલાત કરી.' આ શ્યામવર રાય ઇંદ્રાણીના ડ્રાયવર તરીકે કામ કરતા હતા.

એ સમયે મુંબઈના પોલીસ કમિશનર રાકેશ મારિયા હતા, જેમણે 1993ના મુંબઈના શ્રેણીબદ્ધ બૉમ્બધડાકા સહિત અનેક હાઈપ્રોફાઇલ કેસ ઉકેલીને પોતાની ખ્યાતિ પ્રસ્થાપિત કરી હતી. તેમણે પોતાની આત્મકથાના પ્રકરણ 33 અને 34માં આ ઘટનાક્રમ વિશે ઉલ્લેખ કર્યો છે. તેઓ લખે છે :

'24 એપ્રિલ, 2012ના એક સૂમસામ ગલીમાં ઇંદ્રાણી મુખરજી, તેના પૂર્વ પતિ સંજીવ ખન્ના અને ડ્રાઇવર શ્યામવર રાયે મળીને શીના બોરાની હત્યા કરી હતી. મૃતદેહને રાયગઢ જિલ્લામાં લઈ જઈને તેનો નિકાલ કરી દેવામાં આવ્યો હતો.'

મીડિયામાં સનસનાટી ફેલાઈ જવા પામી હતી. મુખરજી પરિવાર ખાનગી ચેનલોનો માલિક હતો. ઇંદ્રાણીના પતિ પીટર મુખરજીએ એક વિદેશી ગ્રૂપની મનોરંજન અને ન્યૂઝ ચેનલોને ભારતમાં સફળતાપૂર્વક સ્થાપિત કરી હતી અને પોતાની ચેનલો શરૂ કરી હતી.

પીટરના કાર્યકાળ દરમિયાન ખાનગી સમાચાર ચેનલ ઉપર 'સનસનાટી' ફેલાવતો અપરાધ આધારિત નાટ્યાત્મક કાર્યક્રમ ખાસ્સો લોકપ્રિય થયો હતો. જેની સફળતાએ અન્ય ચેનલોને પણ ગુનાખોરી પર સનસનાટી ફેલાવતા વિશેષ કાર્યક્રમો શરૂ કરવા માટે પ્રેરિત કે મજબૂર કરી હતી.

આગળ જતાં એ જ કાર્યક્રમોમાં પીટર અને તેમના પરિવારજનો વિશે ચર્ચાઓ થવાની હતી અને અફવાઓ ઊડવાની હતી. કપરા સમયમાં પરિવારની પ્રાઇવસી નહોતી રહી અને તમાશો શરૂ થઈ ગયો હતો. શીનાની હત્યાના કારણ, શીનાના પિતા વિશે સવાલ ઊઠવા લાગ્યા. પછીના દિવસે ઇંદ્રાણીનાં બીજાં દીકરી વિધિનો 18મો જન્મદિવસ હતો, તેના વિશે પણ સવાલ ઊઠવા લાગ્યા હતા

શીનાના પિતા કોણ ?

ઇંદ્રાણીનો જન્મ વર્ષ 1972માં આસામના ગૌહાટીમાં થયો હતો. તેમના પિતા ઉપેન્દ્રકુમાર અને માતા દુર્ગારાનીનો સમાવેશ સરેરાશ ઉચ્ચ-મધ્યમવર્ગમાં થતો હતો. એકમાત્ર સંતાન ઇંદ્રાણીને પરિવારે 'પરી'નું હુલામણું નામ આપ્યું હતું.

શીનાની હત્યા પર બનેલી નૅટફ્લિકસની ડૉક્યુમૅન્ટ્રીમાં ઇંદ્રાણીનું કહેવું છે કે તેઓ 14 વર્ષનાં હતાં, ત્યારે પિતાએ જ તેમની ઉપર દુષ્કર્મ કર્યું હતું. જ્યારે તેમણે આ વાત માતાને કહી તો તેમણે આના વિશે કોઈની સાથે પણ ચર્ચા ન કરવા કહ્યું.

ઇંદ્રાણી 16 વર્ષનાં હતાં, ત્યારે આ વાતનું પુનરાવર્તન થયું, જ્યારે તેમણે માતાને આ વાત જણાવી, ત્યારે માતા-પિતા વચ્ચે ઝગડો થયો. પિતા ઘર છોડીને ચાલ્યા ગયા. ત્રણેક મહિનાની તપાસ બાદ ઇંદ્રાણીની તબિયત બગડી ત્યારે બહાર આવ્યું કે તેઓ ગર્ભવતી છે. ગર્ભપાત શક્ય ન હતો અને ઇંદ્રાણીએ પણ બાળકને જન્મ આપવાનું નક્કી કરી લીધું હતું.

ઇંદ્રાણીને અભ્યાસ માટે શિલૉંગ મોકલી દેવામાં આવ્યાં, જ્યાં તેમની મુલાકાત સિદ્ધાર્થ દાસ સાથે થઈ. જ્યારે ઇંદ્રાણીએ તેમની આપવીતી સિદ્ધાર્થને વર્ણવી, ત્યારે તેમણે બાળકને પોતાનું નામ આપવાની તૈયારી દાખવી.

ઇંદ્રાણીને ગાયિકા શીના ઍસ્ટન પસંદ હતાં, એટલે જ જ્યારે બાળકીને જન્મ આપ્યો, ત્યારે નવજાતને પોતાની ફૅવરિટ ગાયિકાનું નામ આપ્યું. નવજાત સાથે ઇંદ્રાણી ગૌહાટી આવી ગયાં અને સિદ્ધાર્થ પણ તેમની સાથે રહેવા લાગ્યા હતા. એક જ વર્ષમાં સિદ્ધાર્થ સાથેના સંબંધ થકી ઇંદ્રાણીએ સિઝેરિયનથી વધુ એક બાળકને જન્મ આપ્યો, જેને મિખાઇલ નામ મળ્યું.

આવા સમયે ઇંદ્રાણીનાં માતાએ તેમના પતિને ફરી બોલાવવાનું નક્કી કર્યું. આ ઇંદ્રાણી માટે અસહ્ય હતું, એટલે તેમણે ઘર છોડવાનું નક્કી કર્યું. ઇંદ્રાણીને સરેરાશ પરિવારના સિદ્ધાર્થ સાથે ઉજ્જવળ ભવિષ્ય દેખાતું ન હતું, એટલે તેમણે ઉચ્ચ અભ્યાસ અને પ્રગતિ માટે કોલકાતા (તત્કાલીન કલકત્તા) જવાનું નક્કી કર્યું. નાનીએ બંને સંતાનોની જવાબદારી સ્વીકારી. વર્ષો સુધી ઇંદ્રાણી પાછું વળીને જોવાનાં ન હતાં.

શીના બોરા હત્યાકેસ મીડિયામાં બહુચર્ચિત હતો ત્યારે ઉપેન્દ્રે એક ચેનલ સાથે વાતચીતમાં કહ્યું હતું કે તેઓ શીનાના નાના છે અને પિતા નહીં. શીનાના પિતા સિદ્ધાર્થ દાસ છે. પત્રકારપરિષદ દરમિયાન સિદ્ધાર્થે પણ સ્વીકાર્યું હતું કે તેઓ બંને સંતાનોના પિતા છે.

જોકે, રાયગઢમાંથી મળી આવેલા મૃતદેહના અવશેષોનું પિતૃત્વપરીક્ષણ ન થયું હોવાથી આ વાત નક્કી ન થઈ શકી. વળી, કેસ દરમિયાન ઉપેન્દ્રકુમારનું અવસાન થયું.

'વિધિ'ની વાત અને વક્રતા

કોલકાતામાં ઇંદ્રાણીની મુલાકાત સંજીવ ખન્ના નામના યુવક સાથે થઈ, જે તેમનું ભવિષ્ય બદલી નાખવાની હતી. પંચોલી તેમના પુસ્તકના બીજા પ્રકરણમાં લખે છે :

'સંજીવ ખન્ના કલકત્તા ક્રિકેટ ઍન્ડ ફૂટબૉલ ક્લબમાં સક્રિય સભ્ય હતા. અહીં જ ઇંદ્રાણી સાથે તેમની મુલાકાત થઈ. બંને વચ્ચે થોડો સમય રૉમાન્સ ચાલ્યો અને માર્ચ-1993માં બંને પરણી ગયા. ક્લબમાં શહેરના પ્રસિદ્ધ અને પહોંચેલા લોકો સાથે ઇંદ્રાણીની મુલાકાતો થવા લાગી. જેનાથી ઇંદ્રાણીનો આત્મવિશ્વાસ વધ્યો. વર્ષ 1996માં તેમણે એક કંપની શરૂ કરી. એ પછીના વર્ષે વિધિનો જન્મ થયો. '

એ પછીનાં વર્ષોમાં સંજીવ અને ઇંદ્રાણીના સંબંધમાં તિરાડ ઊભી થઈ હતી. ઇંદ્રાણી મુંબઈ જઈને પોતાનું નસીબ અજમાવવા માગતાં હતાં. 2001 આસપાસ કલકત્તાના ક્લબમાં જ ઇંદ્રાણીની મુલાકાત ઍલેક પદ્મશી સાથે થઈ હતી. જે મુંબઈના સંપન્નોમાં ચર્ચિત ચહેરો હતા.

બંને વચ્ચેની પહેલી મુલાકાત વિશે મૅનેજમૅન્ટ ગુરૂ સુહેલ શેઠે એક લેખ લખ્યો હતો. . તેમના કહેવા પ્રમાણે, 'ઍલેક અને ઇંદ્રાણી મુંબઈના એક બારમાં આવ્યાં હતાં. જ્યાં કોઈ ટેબલ ખાલી ન હતું. ત્યારે હું, મુરલી દેવડા, પીટર મુખરજી તથા અન્યો ડ્રિંક્સ લઈ રહ્યા હતા. મેં તેમને આમંત્રણ આપ્યું હતું. અમારી સાથે ઇંદ્રાણીની ઓળખાણ ઍલેકે જ કરાવી હતી.'

'વાતચીતનો ક્રમ આગળ વધ્યો, પીટર ઇંદ્રાણીથી ખૂબ જ પ્રભાવિત થયો હતો. એટલે સુધી કે પોતાની સાથે આવેલી ગર્લફ્રૅન્ડને અન્ય સાથે જવા માટે કહી દીધું હતું. ઍલેકનું પત્તું કપાઈ ગયું હતું. વાત-વાતમાં મને જાણવા મળ્યું કે ઇંદ્રાણી અને સંજીવ અલગ થવાનાં છે.'

'બે દિવસ પછી હું દિલ્હી પહોંચ્યો અને ઇંદ્રાણીને ફોન કરીને તેની સાથે વાતચીત કરી. હજુ મેં ફોન પણ નહીં મૂક્યો હોય કે તરત જ મને પીટરનો ફોન આવ્યો. તેણે મને કહ્યું કે તે ઇંદ્રાણી સાથે લગ્ન કરવા વિશે ગંભીરતાપૂર્વક વિચારે છે એટલે મારે ઇંદ્રાણીને અલગ નજરથી જોવાં જોઈએ. મેં તેની વાત માની.'

વિધિ સાથે ઇંદ્રાણી મુંબઈ આવી ગયાં. બંને વચ્ચે ઉંમરનો ખાસ્સો તફાવત હોવા છતાં ત્રણેક મહિનામાં પીટર અને ઇંદ્રાણી પરણી ગયાં. ઇંદ્રાણીના પક્ષેથી કોઈ હાજર નહોતું રહ્યું. બંને એકાદ મહિના માટે હનિમૂન પર ગયાં. જ્યારે પરત ફર્યાં, ત્યારે સુહેલે નવવિવાહિતોને માટે દિલ્હીમાં ભોજનસમારંભ યોજ્યો.

2007માં પીટરે ટીવી કંપની છોડી દીધી. તેઓ એ જ ક્ષેત્રમાં આગળ વધવા માગતા હતા, પરંતુ કાયદાકીય નિષેધને કારણે તેઓ આમ કરી શકે તેમ ન હતા. પીટરની ચેનલમાં પૈસા રોકવા માટે એવા લોકો તૈયાર થયા, જેઓ પોતે પણ કાયદાકીય અડચણને કારણે ચેનલમાં પૈસા રોકી શકે તેમ ન હતા. એટલે ઇંદ્રાણીનું નામ નક્કી કરવામાં આવ્યું.

વિધિએ પોતાના અનુભવો વિશે 'ડેવિલ્સ ડૉટર' નામથી પુસ્તક લખ્યું છે. મીડિયામાં માતાની 'ડેવિલ' (શયતાન) તરીકેની છાપ તથા મુખરજી પરિવારની ઇંદ્રાણી વિશેની ધારણાને કારણે તેમણે પુસ્તકને આ નામ આપ્યું હતું. વિધિના કહેવા પ્રમાણે, આર્થિક રીતે તેઓ મુખરજી પરિવાર ઉપર આશ્રિત હતાં, એટલે તેમણે માતા વિરુદ્ધ નિવેદન કર્યાં હતાં. સાથે જ પીટર તરફથી અપાર સ્નેહ મળ્યો હોવાની વાત પણ ઉમેરે છે.

ઇંદ્રાણીની ધરપકડના બીજા દિવસે વિધિનો 18મો જન્મદિવસ હતો અને તેમને ફ્લૅટ વારસમાં મળવાનો હતો. પરંતુ ઇંદ્રાણીની ધરપકડ થતાં શૅર ટ્રાન્સફરની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી. પોતાની આત્મકથા 'અનબ્રૉકન'માં ઇંદ્રાણી લખે છે કે 'મને દૃઢપણે લાગે છેકે મારી ધરપકડ વિશે પીટરને ખબર હતી. મારી ધરપકડ થઈ, ત્યારે મને છોડાવવાના બદલે વિધિને ફ્લેટના શૅર ટ્રાન્સફર ન થાય, તેવી અરજી કરવાને પીટરે પ્રાથમિકતા આપી હતી.'

પ્રણય પાંગર્યો, વિવાદ વકર્યો

પીટર અને ઇંદ્રાણી સૅલિબ્રિટી કપલ બની ગયાં હતાં. અલગ-અલગ અખબારોમાં તેમની તસવીરો છપાતી. આવી જ એક તસવીર જોઈને ઇંદ્રાણીનાં માતા-પિતાએ પીટરની ચેનલના સરનામે પત્ર લખ્યો અને આર્થિકમદદ માગી.

પચોલી તેમના પુસ્તકમાં (ત્રીજા પ્રકરણ) લખે છેકે ઇંદ્રાણીએ તેનાં માતા-પિતા અને સંતાનોને તમામ પ્રકારની મદદ કરવાની તૈયારી દાખવી. પરંતુ તેમણે શીના અને મિખાઇલ સામે શરત મૂકી કે તેમણે પોતાની ઓળખ ઇંદ્રાણીના ભાઈ-બહેન તરીકે આપવી.

શીનાએ મુંબઈમાં કૉલેજ જોઇન કરી, જ્યારે મિખાઇલને બેંગ્લોરની શાળામાં પ્રવેશ અપાવ્યો. આ અરસામાં પરિવાર નજીક આવ્યો, વિશેષ કરીને મા દીકરી. તેઓ રજાઓ સાથે ગાળતાં.

પહેલા લગ્નથી પીટરને બે દીકરા હતા. જેમની ઘરમાં અવરજવર રહેતી. શરૂઆતમાં બધું સામાન્ય રહ્યું, પરંતુ ધીમે-ધીમે પીટરના દીકરા રાહુલ અને શીના એકબીજા પ્રત્યે આકર્ષિત થયાં અને તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો. સંબંધના દાવે બંને સાવકાં ભાઈ-બહેન હતાં, એટલે શીના-ઇંદ્રાણી અને પીટર-રાહુલ વચ્ચે ઝગડા થવા લાગ્યા.

છેવટે શીના અને રાહુલે મુંબઈમાં અલગથી રહેવાનું ચાલુ કર્યું. વર્ષ 2009- '12 દરમિયાન શીના અને ઇંદ્રાણી સંપર્કવિહોણાં રહ્યાં. એ પછી બંને પ્રેમીજનો લગ્ન કરવાનાં હતાં. સીબીઆઈનો આરોપ છે કે આ વાતે જ ઇંદ્રાણીને હત્યા કરવા માટે ઉશ્કેર્યાં. આ કામમાં સંજીવ ખન્ના અને શ્યામવર રાયે સાથ આપ્યો. હત્યાની યોજના વિશે પીટર પણ વાકેફ હતા.

ત્રણ વર્ષ સુધી ઇંદ્રાણી લોકોને કહેતાં રહ્યાં કે શીના અભ્યાસાર્થે યુએસ ગઈ છે. પરિવારજનોને કહ્યું કે શીના કોઈનો સંપર્ક નથી કરવા માગતી અને તે અગાઉ પણ આમ કરી ચૂકી છે. ઇંદ્રાણી ઉપર આરોપ છે કે એસએમસ તથા ઇમેલ મારફત ઇંદ્રાણીએ જ 24 એપ્રિલની રાત્રિ પછી પણ શીના જીવિત હોય તેવી આભા ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો.

રાહુલને આ વાત ગળે નહોતી ઉતરતી, કારણ કે શીનાનો પાસપૉર્ટ તેની પાસે હતો, તો તે યુએસ કેવી રીતે ગઈ? રાહુલે પોતાની રીતે શીનાને શોધવાના પ્રયાસ કર્યા અને રજૂઆતો કરી, પરંતુ તેમાં સફળતા ન મળી. તેમણે પીટર-ઇંદ્રાણીને પણ અનેક કૉલ કર્યા, જેના રેકૉર્ડિંગ સીબીઆઈને મળ્યાં હતાં. જે દરમિયાન પતિ-પત્નીએ શીના જીવિત છે એવો વિશ્વાસ અપાવવા પ્રયાસ કર્યો હતો.

એ દિવસે દરમિયાન સંજીવ, શ્યામવર તથા ઇંદ્રાણીના મોબાઇલ લૉકેશન એજ વિસ્તારમાં હતા, જ્યાંથી મૃતદેહ મળી આવ્યો હતો.

ઇંદ્રાણીનું કહેવું છે કે વર્ષોથી તેમની અને સંજીવની વચ્ચે સંબંધ ન હતા, તેઓ એ વિસ્તારમાં ફાર્મહાઉસ જોવા ગયાં હતાં.

અનેક સવાલ, અમુક જવાબ

સીબીઆઈએ તપાસ સંભાળી તેના ગણતરીના દિવસોમાં પીટરની ધરપકડ થઈ. ત્યારે સવાલ ઊઠી રહ્યા હતા કે શું મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પીટરને છાવરી રહ્યા હતા? નિર્ધારિત સમયના 22 દિવસ પહેલાં મારિયાની બઢતી સાથે બદલી કરી દેવામાં આવી હતી, એટલે આ શંકા વધુ બળવતર બની હતી.

પોતાના પુસ્તકમાં મારિયા લખે છે કે, 'જે રાત્રે શીનાની હત્યા થઈ, તે રાત્રે મિખાઈલને પણ ઇંદ્રાણીએ ઘરે બોલાવ્યો હતો અને તેને ઘેન ચઢે તેવું પ્રવાહી આપ્યું હતું. પરંતુ પીણાં વિશે શંકા થતાં મિખાઇલે તે ઢોળી નાખ્યું અને ત્યાંથી નાઠો.'

ત્રણ વર્ષ દરમિયાન મિખાઇલે પોતાની બહેનને શોધવા માટે કેમ પ્રયાસ ન કર્યા? માતા તરફથી જીવને જોખમ હતો, તો એ દિવસ પછી પણ ઇંદ્રાણી પાસેથી શા માટે આર્થિકમદદ અને વસ્તુઓ લીધી? જેવા સવાલ ઊભા થયા.

મારિયા લાખે છે કે 'જો પૂરતા પુરાવા વગર પીટરની ધરપકડ થઈ હોત, તો કાચું કપાયું હોત. મીડિયામાં મારા અને મુખરજી પરિવાર વચ્ચે સંબંધ હોવાની વાતો ઉડાડવામાં આવી, પરંતુ હું તેમને જાણતો ન હતો. આ કેસમાં મેં વધુ પડતો રસ લીધો હતો અને ખાર પોલીસ સ્ટેશને જતો હતો, એ વાતો ખોટી છે. વાસ્તવમાં કોઈ પોલીસ કમિશનર પોલીસ સ્ટેશને જઈને કેસની પ્રગતિ વિશે રૂબરૂમાં જાણી ન શકે તેવા કોઈ નિયમ નથી.'

'ઊલટું એ સમયે મારી હાથ નીચેના અધિકારીએ તેના અને મુખરજી પરિવારના સંબંધો વિશે મને અંધારામાં રાખ્યો હતો. મારા અનુગામી અને મુખરજી પરિવાર વચ્ચેના સંબંધ સાર્વજનિક હોવા છતાં તેના વિશે હોહા નહોતી થઈ.'

સીબીઆઈ તપાસમાં બહાર આવ્યું કે પોતાની કંપનીમાં વિદેશી મૂડીરોકાણ મેળવવા માટે મુખરજી દંપતીએ તત્કાલીન નાણામંત્રી પી. ચિદમ્બરમ તથા તેમના દીકરા કાર્તિને લાંચ આપી હતી. આગળ જતાં આ કેસ પિતા-પુત્રની ધરપકડ થઈ અને તેમણે જેલવાસ ભોગવવો પડ્યો.

ઇંદ્રાણીની ધરપકડ બાદ પીટરનું કહેવું હતું કે તેમને ખબર ન હતી કે ઇંદ્રાણી અને શીના બહેનો નહીં, પરંતુ માતા-પુત્રી છે. ઇંદ્રાણીનું કહેવું છે, 'મેં સ્પષ્ટતાપૂર્વક બધી વાતો જણાવી હતી. મારા દેહ પર સી-સૅક્સનના ત્રણ નિશાન છે, શું પીટરે તે પણ નહોતાં જોયાં?'

જો પિતાએ જ શોષણ કર્યું હતું, તો પોતાનાં સંતાનોને તેમની પાસે કેમ મૂક્યાં? ઇંદ્રાણીનું કહેવું છે, 'કોલકાતા પહોંચ્યા પછી ઇંદ્રાણીના જીવનમાં આર્થિકસ્થિરતા આવી, એ પછી હું ગૌહાટી પરત ગઈ. જ્યાં શીના અને મિખાઇલે મને ઓળખી નહીં, તેઓ નાની સાથે વધુ સહજ હતાં. આ તબક્કે બંને સંતાન નાનીને દત્તક આપવાની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થઈ.'

રાયગઢમાં મૃતદેહ મળ્યો, તે પછી ખાસ તપાસ નહોતી થઈ. એ ડીએનએની ઇંદ્રાણી મુખરજી સાથે સરખામણી કરવામાં આવી, તો તેમાં સરખામણી જણાય આવી હતી, પરંતુ એ રિપોર્ટમાં હાથેથી છેકછાક કરવામાં આવી હતી.

ઇંદ્રાણીનું કહેવું છે કે 2012 આસપાસ જ્યારે શીનાને માલૂમ પડ્યું કે તેના નાનાએ જ માતા સાથે દુષ્કર્મ કર્યું હતું, ત્યારે તેને માતા પ્રત્યે સહાનુભૂતિ જાગી હતી અને તેમની વચ્ચે બોલચાલ ફરી શરૂ થઈ હતી. ઇંદ્રાણીને બંને વચ્ચે સંબંધ કરતાં રાહુલ આર્થિક રીતે પગભર ન હોવાની વાતની ચિંતા હતી.

શીના બોરા કેસમાં લગભગ સાડા છ વર્ષનો જેલવાસ ભોગવ્યા બાદ ઇંદ્રાણી જામીન ઉપર બહાર છે. જેલવાસ દરમિયાન તેમનાં અને પીટરના છૂટાછેડા થઈ ગયા. આર્થિક નિભાવ માટે જે સંપત્તિ મળી, એમાંથી તેમનો અને વિધિનો ગુજારો થાય છે. પરંતુ આરોપી-સાક્ષીનો સંબંધ હોવાને કારણે તેઓ સાથે રહી શકતાં નથી.

બ્રિટિશ નાગરિકત્વ ધારણ કરનારાં ઇંદ્રાણીનાં કહેવાં પ્રમાણે, 'પાછું વળીને જોઉં છું તો મને લાગે છે કે કોઈ મને ફસાવવા માગતું હતું. કોઈક નહોતું ઇચ્છતું કે હું બહાર આવું.' આઈએનએક્સ કેસમાં સરકારી સાક્ષી બન્યાં હોવાથી તેઓ સાર્વજનિકપણે આ મુદ્દે કશું બોલતાં નથી.

શીનાની હત્યાના આરોપોને ઇંદ્રાણી નકારે છે. તેમણે તથા અમુક લોકોએ દાવો કર્યો છે કે શીના બોરા જીવિત છે. શીના ગૌહાટી તથા કાશ્મીરમાં દેખાયાં હોવાની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. જો આ દાવો સાબિત થશે, તો ફરી એક વખત મીડિયામાં હલચલ મચી જશે. જેનું ચલણ પીટરના સમયમાં થયું હતું.