અમદાવાદ : ઑપરેશન થિયેટરમાં અપાતી દવાનો નશો કરતા યુવાનનું મૃત્યુ, શું છે મિડાઝોલમ?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

અમદાવાદના ઈસનપુરમાં રહેતા 18 વર્ષના પ્રિન્સ શર્માનું મૃત્યુ ઑપરેશન દરમિયાન દર્દીને રાહત આપી ઉંઘાડી દેવા માટે વપરાતી દવાના ઓવરડોઝના કારણે થયું હોવાની ફરિયાદ નોંધાઈ છે.

પ્રિન્સનાં માતાએ ફરિયાદ નોંધાવી છે કે અમદાવાદની એક હૉસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા જયદીપ સુથાર નામની વ્યક્તિએ પ્રિન્સને દવાનું ઇન્જેક્શન આપ્યું હતું. અમદાવાદ પોલીસે જણાવ્યું છે કે જયદીપ હૉસ્પિટલમાંથી દવા ચોરીને લાવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

અમદાવાદમાં પ્રિન્સ બી.કૉમના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. પ્રિન્સના પરિવાર અનુસાર તે એ દિવસે સવારે ઘરેથી કૉલેજ જવાનું કહીને નીકળ્યો હતો.

પોલીસના કહેવા પ્રમાણે પ્રિન્સ નશો કરવા માટે દવાનો ઉપયોગ કરતો હતો અને દવાના ઓવરડોઝના કારણે તેનું મોત થયું હતું. જોકે પ્રિન્સનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાનો બાકી છે.

અમદાવાદ પોલીસે દાવો કર્યો હતો કે જયદીપ સુથારે નશા માટે પ્રિન્સને મેડાઝોલમ દવાનું ઇન્જેકશન આપ્યું હતું.

ઑપરેશન સમયે દર્દીઓને રાહત આપવા માટે આ મિડાઝોલમ દવા વપરાય છે.

પ્રિન્સનાં માતા અંજુ શર્માએ જયદીપ સુથાર વિરુદ્ધ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી જયદીપ સુથારની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે.

ઈસનપુરના પ્રિન્સના પરિવાર શું કહે છે?

પ્રિન્સનાં માતા અંજુ શર્મા સાથે બીબીસી ગુજરાતીએ વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો.પરંતુ તેઓ પુત્રના અચાનક મૃત્યુના આઘાતમાં હોવાથી વધારે વાત કરી શક્યાં ન હતાં. તેમણે પોતાના ભાઈ પલક શર્મા સાથે ફોન પર વાત કરાવી હતી.

પ્રિન્સના મામા પલક શર્માએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "ઘટનાના દિવસે હું અને મારાં બહેન બન્ને જયપુરમાં હતાં. સાંજે ચાર વાગે પ્રિન્સનાં મમ્મીના નંબર પર પ્રિન્સના મિત્ર રાહુલનો ફોન આવ્યો કે પ્રિન્સ ઘોડાસર ગાર્ડનમાં બેભાન હાલતમાં પડ્યો છે."

"તેને કોઈએ નશાનું ઇન્જેકશન આપ્યું હતું. અંજુએ રાહુલને પ્રિન્સને દવાખાને લઈ જવા કહ્યું હતું. રાહુલ અને પ્રિન્સનો ભાઈ તેમજ તેના મિત્રો ઍમ્બ્યુલન્સ બોલાવીને તેને દવાખાને લઈ ગયા હતા. ડૉક્ટરોએ પ્રિન્સને મૃત જાહેર કર્યો હતો."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "અમે તરત જ જયપુરથી પહેલી ફ્લાઇટમાં અમદાવાદ આવવા નીકળ્યાં હતાં. 9 વાગ્યાની અમારી ફ્લાઇટ હતી. અમે અમદાવાદ ઍરપોર્ટથી સીધા હૉસ્પિટલ જવા નીકળ્યા હતા".

"અમે લગભગ 12 વાગ્યાની આસાપાસ એલજી હૉસ્પિટલ પહોચ્યાં અને જોયું કે પ્રિન્સની લાશ પડી હતી. તેનું શરીર લાકડા જેવું કડક થઈ ગયું હતું."

મૃતક પ્રિન્સના મામા જણાવે છે કે પ્રિન્સ સવારે 9.40 વાગ્યે ઘરેથી કૉલેજ જવા નીકળ્યો હતો અને તેની સાથે એક મિત્ર પણ હતો.

તેમણે વધુમાં જણાવ્યું કે, "તેના મિત્ર પાસેથી અમને જાણવા મળ્યું કે પ્રિન્સ અને તેનો મિત્ર ઈસનપુર ગાર્ડનમાં ગયા હતા."

તેમણે આરોપ લગાવ્યો કે જયદીપ સુથાર પણ ત્યાં આવ્યો હતો.

પ્રિન્સના પરિવારનો આરોપ છે કે "જયદીપ સુથારે પ્રિન્સને ઇન્જેકશન આપ્યું હતું. આ ઇન્જેકશન આપતા જ પ્રિન્સના મોઢામાંથી ફીણ આવવા લાગ્યા હતા. તેના શ્વાસ બંધ થઈ ગયા હતા. જયદીપે પ્રિન્સના મિત્રને કહ્યું કે આ નશામાં આવું થાય. 4 થી 5 કલાકમાં તેને હોશ આવી જશે."

પલક શર્મા કહે છે કે, "જયદીપ સ્થળ પરથી ભાગી ગયો હતો. પરંતુ પ્રિન્સને હોશ ન આવતા તેના મિત્રએ તેના બીજા મિત્ર રાહુલને ફોન કર્યો હતો. જે તેને હૉસ્પિટલ લઈને ગયો હતો."

પલક શર્માએ જણાવ્યું કે, "જયદીપે ભલે ભૂલ કરી હતી પરંતુ જો તે પ્રિન્સને તરત જ હૉસ્પિટલ લઈ ગયો હોત તો અમારા છોકરો બચી ગયો હોત. અમારો છોકરો તો જતો રહ્યો પરંતુ બીજા છોકરાઓ ખોટા રસ્તે ન જાય તે માટે આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ."

"જયદીપ જેવા લોકો નાના છોકરાઓને ભરમાવીને ખોટી લતે ચડાવે છે અને મા બાપને જુવાનજોધ છોકરાઓ ખોવાનો વારો આવે છે."

પલક શર્માએ દાવો કર્યો કે, "પ્રિન્સનો મોબાઇલ ચેક કરતાં અમને ખબર પડી કે પ્રિન્સ અને જયદીપે દવાના નશા અંગે ચૅટ કરેલું છે. અમે આ પુરાવા પોલીસને આપ્યા છે. પ્રિન્સનો ફોન પોલીસ પાસે છે."

પ્રિન્સ નશો કરતો હતો તે અંગે પરિવારને જાણ હતી તેના પર પલક શર્માએ કહ્યું કે, "તે ક્યારેય ઘરે નશો કરીને આવતો ન હતો. પરિવારને જાણ ન હતી. ઘરમાં તે સૌથી વધારે સમજદાર અને મદદ કરવાની ભાવના ધરાવતો છોકરો હતો."

પોલીસ શું કહે છે?

એસીપી પી જે જાડેજાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે "આરોપી જયદીપ સાત મહિના પહેલાં ડુંગરપુરથી અમદાવાદ આવ્યો હતો. નારોલમાં રહેતો હતો. છેલ્લા ત્રણ મહિનાથી ખાનગી હૉસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો.આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે."

પી.જે જાડેજાએ વધુમાં જણાવ્યું કે, "આરોપીએ પૂછપરછમાં જણાવ્યું કે તે દવાખાનામાંથી ઑપરેશન માટે વપરાતી દવા મિડાઝોલમ ચોરીને લાવતો હતો. તેને ફોનમાંથી આ દવાનો ફોટો બતાવ્યો હતો. જયદીપે મૃતક પ્રિન્સને અગાઉ ત્રણ વાર આ દવા નશા માટે આપી હતી."

અન્ય કોઈને તેને દવા આપી છે કે નહીં તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આરોપી જયદીપને પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો.

ઈસનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર બી એસ જાડેજાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "મૃતક પ્રિન્સ અને આરોપી જયદીપ મિત્ર હતા. જયદીપના કહેવા અનુસાર પ્રિન્સ તેની પાસે આ દવા મંગાવતો હતો. ઑપરેશન માટે વપરાતી દવામાં ઉપયોગ બાદ વધેલી દવા ભેગી કરીને જયદીપ દવાખાનેથી લાવતો હોવાનું જાણવા મળ્યું છે."

મિડાઝોલમ દવા શું છે?

ઇન્ડિયન સોસાયટી ઑફ ઍનેસ્થેસિયોલૉજિસ્ટના સેક્રેટરી ડૉ અનિલ ગાંધીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યુ કે, "મિડાઝોલમએ ઍનેસ્થેટિક દવા છે. આ દવા દર્દીને ઍન્ગ્ઝાયટી દૂર થાય તેમજ તે રિલેક્સ થાય તે માટે આપવામાં આવે છે. આ દવાથી દર્દીને ઊંઘ આવે છે. ઑપરેશન પહેલાં દર્દીને મિડાઝોલમ દવા આપવામાં આવે છે. ત્યાર બાદ ઍનેસ્થેસિયા આપવામાં આવે છે."

"આ ઉપરાંત મિડાઝોલમ દવા આઈસીયુમાં કોઈ ક્રિટિકલ દર્દી હોય તો તેને ઊંઘાડવા માટે પણ આપવામાં આવે છે."

ડૉ અનિલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે "આ દવા પ્રિસક્રાઇબ દવા નથી.(આ દવા ડૉક્ટર દર્દીને લખીને આપે નહીં અને દર્દીએ આ દવા લાવવાની પણ નથી હોતી). કોઈ દર્દીએ જાતે લાવવાની પણ હોતી નથી. આ દવા ઑપરેશન થિયેટરમાં જ હોય છે. આ દવાના સામાન્ય રીતે સાઇડ ઇફેક્ટ હોતા નથી. પરંતુ વધુ પ્રમાણમાં લઈ લેવામાં આવે તો દર્દી સિવિયર ડિપ્રેશનમાં જઈ શકે છે. જેને કારણે તેનો શ્વાસ રોકાઈ જાય અને તેને કારણે હૃદય બંધ પડી શકે છે."

કયા ડ્રગ્સ શરીર પર કેવી અસર કરે છે?

અમદાવાદમાં એજાઝુદ્દીન શેખ ડ્રગ્સ રિસર્ચર છે. એજાઝુદ્દીન શેખે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "ગુજરાતમાં નશા માટે વપરાતા ડ્રગ્સમાં ચાર પ્રકારની અસર જોવા મળે છે."

તેઓ જણાવે છે કે, "એક સિડેટીવ ડ્રગ્સ છે. કેન્દ્રના સોશિયલ જસ્ટિસ વિભાગે વર્ષ 2019માં જાહેર કરેલા આંકડા અનુસાર સિડેટીવ ડ્રગ્સ લેનારમાં ગુજરાત દેશમાં પાંચમાં નંબર પર છે. આ ડ્રગ્સ ફાર્માસ્યુટિકલ ડ્રગ્સ હોય છે. જેમાં કફ સીરપ જેવી સિડેટિવ પ્રોપર્ટીવાળી દવાઓ હોય છે જેનો નશા માટે ઉપયોગ થાય છે."

"આ ડ્રગ્સ મોટા ભાગે સામાન્ય રીતે મેડિકલ સ્ટોર્સમાંથી લેવાય છે. આ ડ્રગ્સના વેચાણ માટેના નિયમો તો છે પરંતુ તેના અમલીકરણમાં ખામીઓ હોવાને કારણે નશો કરનાર લોકોને તે સરળતાથી મળી જાય છે.જે લોકોને એન્ગ્ઝાઇટી હોય કે બેચેની રહેતી હોય તેવા લોકો સિડેટિવ પ્રકારનું ડ્રગ્સ લેતા હોય છે."

"બીજું સ્ટિમ્યુલન્ટ ડ્રગ્સ હોય છે. એમડી ડ્રગ્સ જેવા ડ્રગ્સ જે લેવાથી લોકો ઍક્ટિવ થઈ જાય છે. આ ડ્રગ્સ લેતા લોકો ક્યારેક આખી રાત ઊંઘતા નથી."

એજાઝુદ્દીન કહે છે કે ,"ત્રીજું છે એનાલજેસિક ડ્રગ્સ જે પેઇનકિલર તરીકે વપરાય છે. જેમાં ઓપિયમ, હિરોઇન, મૉરફીન, કોડીન વગેરે પ્રકારનાં ડ્રગ્સ આવે છે."

"ચોથું છે હેલુસિનોજેનિક ડ્રગ્સ જે ભ્રમ પેદા કરે છે.જેમાં એલએસડી, ઍક્સ્ટેસી, મૅજિક મશરૂમ ડ્રગ્સ આવે છે. ભ્રમ પેદા કરતાં ડ્રગ્સ સાથે લોકો ઍક્સપરિમેન્ટ કરતા જોવા મળે છે."

એજાઝુદ્દીને કહ્યું કે, "કેટલાક ડ્રગ્સની માત્રાને આધારે તેની અસર થાય છે.જેમકે આલ્કોહોલ ઓછો લેવામાં આવે તો તે સ્ટિમ્યુલેટ કરે જ્યારે વધારે લેવામાં આવે તો સિડેટિવ જેવી અસર કરે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.