ભાવનગરમાં ભૂંડ કરડવાથી એક યુવાનનું મોત, ભૂંડ કરડે ત્યારે શું કરવું, શું ભૂંડ કરડે તો હડકવા ઊપડે?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

કુતરું કરડવાને કારણે હડકવા ઊપડે અને હડકવાને કારણે મોત થયા હોવાના કિસ્સા સાંભળતા હોઈએ છીએ.પરંતુ ભાવનગર જીલ્લામાં ભૂંડ કરડ્યા બાદ હડકવા ઊપડતા યુવકનું મોત થયાનો કિસ્સો સામે આવ્યો છે.

જોકે, નૅશનલ રેબીઝ કંટ્રોલની ગાઇડલાઇન અનુંસાર કુતરુ કરડવાને કારણે હડકવા ઊપડવાના કેસ સૌથી વધારે છે. પરંતુ ગાઇડલાઇનમાં ભૂંડ સહિત અન્ય પ્રાણીઓની યાદી પણ જાહેર કરી છે. આ પ્રાણીઓ કરડે તો રેબીઝ કયારેક જ ફેલાય છે. પરંતુ છતાં આ પ્રાણીઓ કરડે કે નખ ભરે તો રેબીઝની રસી લેવી જરૂરી હોવાનું ગાઇડલાઇનમાં લખ્યું છે.

ઘોઘા તાલુકાના ગરીબપુરા ગામે રહેતા યુવક સુનીલ બારૈયાને દિવાળી સમયે ભૂંડ કરડ્યું હતું.

સુનીલ મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આરોગ્ય અધિકારીના કહેવા અનુસાર મૃતક સુનીલે સારવાર પૂર્ણ કરી નહોતી અને તેથી તેનું મોત થયું.

મૃતક સુનીલને હડકવા ઊપડતા તે દોડાદોડી કરતો હતો તે અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.

સુનીલના કાકા મફાભાઇએ તે વીડિયો તેનો જ હોવાની પુષ્ટિ કરી હતી.

ગામના લોકો તેનો વીડિયો બનાવતા હતા પરંતુ આ વીડિયો કોણે લીધો હતો તેમને તેની ખબર નહોતી.

મૃતક સુનીલના પરિવારમાં તેના પિતા અને ભાઇ છે. તેમનાં માતાનું મૃત્યુ થયું છે.

પરિવારનું શુ કહેવું છે ?

મૃતક સુનીલના કાકા મફાભાઇએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું, "સુનીલને દિવાળીના તહેવાર સમયે ભૂંડ કરડ્યું હતું. ત્યારબાદ તેને ખાનગી દવાખાને અને પછી સરકારી દવાખાને લઇ ગયા હતા. તેને સરકારી દવાખાને રસી પણ લીધી હતી. જોકે, તેણે રસીનો કોર્સ પૂરો કર્યો ન હતો અને તે અંગે અમને જાણ જ ન હતી. જો અમને જાણ હોત તો અમે તેને રસીનો ડોઝ પૂર્ણ કરાવ્યો હોત. સુનીલ ઓછી સમજ ધરાવતો(ડિસ્લેક્સિયાથી પીડિત) હતો. તેના પરિવારમાં પણ લોકોને થોડી ઓછી સમજ છે."

જ્યારે સુનીલને હડકવા ઊપડ્યો ત્યારે શું થયું હતું તે અંગે વાત કરતાં મફાભાઇ જણાવે છે," શુક્રવારે 6 ડિસેમ્બરના રોજ સુનીલ બહારગામ હતો. બપોરે અચાનક તે ઘરે આવ્યો હતો. સુનીલના પિતા એટલે કે મારા ભાઇ અને અમે આજુબાજુમાં રહીએ છીએ. તેમના ઘરે કોઇ જમવાનું બનાવનાર નથી. તેછી તેઓ અમારા ઘરે જ જમતા હતા. મારાં પત્નીએ તેને જમવાનું આપ્યું પરંતુ તે જમતો ન હતો. તે ઘરની બહાર આમતેમ દોડ-દોડ કરતો અને જોરજોરથી રડતો હતો. હું ઘરે ન હતો. મને આ અંગે જાણ થતાં હું ઘરે આવ્યો હતો. મે સરપંચને બોલાવ્યા.તે પહેલા પણ તે ક્યારેક રડતો હતો એટલે અમને થયુ કે તે તેની આદતને કારણે રડે છે. અમને સમજ ન પડતી હતી કે આ શું થઇ રહ્યુ છે? ત્યારબાદ ગામના લોકો કહે કે ભુવો બોલાવો અને કંઇ વળગ્યું લાગે છે. જોકે, સરપંચે કહ્યુ કે આને દવાખાને લઇ જવો જોઇએ. જેથી 108 ઍમ્બુલન્સ બોલાવી હતી. પરંતુ તે તે દોડ-દોડ કરતો હતો જેથી 108ના કર્મચારીઓ માટે પણ તેને લઇ જવો શક્ય ન હતો. સુનીલે અમારી પાસે આવેલા એક અન્ય ઘરે જઇને તોડફોડ પણ કરી હતી."

તેમણે વધુમાં જણાવ્યું,"શુક્રવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ તેનું મોત થયું હતું. અમને તો બાદમાં ખબર પડી કે તેને હડકવા ઊપડ્યો હતો. અમને સમજ પડે તે પહેલાં જ અમારો છોકરો જતો રહ્યો."

ગામના સરપંચ મગનભાઈએ જણાવ્યું કે "યુવાનને બે દિવસથી હડકવા ઊપડ્યો હતો. તે ગામના લોકોને પણ કરડવા દોડ્યો હતો. યુવાન બેકાબુ બનતા તેને ઘરે દોરડા વડે બાંધીને રાખવામાં આવ્યો હતો. યુવાનને વધુ સારવાર અર્થે 108 મારફતે હૉસ્પિટલ ખાતે લઈ જવાનો હતો પણ તેને સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ થયું."

જીલ્લા આરોગ્ય અધિકારીએ શું કહ્યું?

ભાવનગર જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ચંદ્રમણીકુમારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "તપાસ કરતાં અમને જાણવા મળ્યું છે કે આ યુવકને ભૂંડ કરડ્યું હતું. ભૂંડ કરડ્યા બાદ યુવકે પહેલા ખાનગી અને બાદમાં સરકારી દવાખાનામાં સારવાર લીધી હતી. યુવકે હડકવાની વૅક્સિનના ત્રણ ડૉઝ લીધા હતા. યુવકે વૅક્સિનના તમામ ડૉઝ પૂર્ણ કર્યા નહોતા. હડકવાની વૅક્સિનના પાંચ ડૉઝ લેવાના હોય છે. યુવકે સારવાર પૂરી કરી ન હતી."

ભૂંડ કરડવાથી ખરેખર હડકવા ઊપડી શકે છે?

ડૉ. ચંદ્રમણીકુમારે વધુમાં જણાવ્યું હતું, "ભૂંડ કરડવાથી હડકવા થઇ શકે છે. ભૂંડ કરડે તો તરત જ નજીકની હૉસ્પિટલમાં જઇને સારવાર લેવી જોઇએ. તેમજ પ્રોટોકૉલ મુજબની વૅક્સિનના ડોઝ લેવા જોઇએ. આ ઉપરાંત જો કરડવાનો ઘા ઉંડો હોય અને લોહી નીકળતું હોય તો ઘા ને સાફ કરીને ઇમ્યુનોગ્લોબુલીન(immunoglobulin)ની સારવાર કરવામાં આવે છે. વાઇરસને ઇનઍક્ટિવ કરવા માટે આ સારવાર કરવામાં આવે છે. ઍન્ટી-રેબીઝ સારવાર અધુરી ન છોડવી જોઇએ."

ભૂંડ કરડે તો શું કરવું?

અમદાવાદ એલ.જી. હૉસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. લીના ડાભીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું, "પ્રાણી કરડે એટલે તરત જ દવાખાને જવું જોઇએ. પ્રાણીના કરડવાની તીવ્રતાને આધારે તેની વૅક્સિનના ડોઝ તેમજ સારવાર નક્કી કરવામાં આવે છે. અમારી હૉસ્પિટલમાં ભૂંડ કરડવાના કેસ જોવા મળતા નથી. અમારી હૉસ્પિટલમાં વધારે તો કુતરાં કરડવાનાં જ કેસ જ આવે છે. પ્રાણીના કરડવાનો ઘા વધારે ઊંડો હોય કે વધારે બચકું ભર્યુ હોય તેવા કિસ્સામાં અમે દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર કરીએ છીએ."

કયા પ્રાણીઓ કરડે તો હડકવાની રસી લેવી

નેશનલ રેબીઝ કંટ્રોલ પ્રોગ્રામ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન અનુંસાર ભારતમાં હડકવા ફેલાવતાં પ્રાણીઓની(એનીમલ રેબીઝ ટ્રાન્સમિટીંગ ઇન ઇન્ડીયા)યાદી જાહેર કરવામાં આવી છે.આ ગાઇડલાઇન અનુસાર રેબીઝ ફેલાવવામાં કુતરાં છે, જ્યારે બિલાડી, વાંદરા, ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, રીંછ, ગધેડો, ભૂંડ, ઘોડા, ઊંટ, શિયાળ વગેરે પ્રાણીઓના કરડવાને કારણે પણ રેબીઝ એટલે કે હડકવા ઊપડી શકે છે.

આ દરેક પ્રાણીઓ કરડે કે નખ મારે તો તરત જ હૉસ્પિટલ જવું અને સારવાર લેવી જોઇએ. ગાઇડલાઇન અનુસાર વૅક્સિન લેવાની તેમજ ઇમ્યુનોગ્લોબુલીન ટ્રીટમેન્ટ કરવાની તેમજ ઘા ને મૅનેજ કરવા અંગે ગાઇડલાઇનમાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

રેબીઝનાં લક્ષણો

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, રેબીઝનાં લક્ષણો ક્યારેક ખૂબ મોડેથી જોવા મળે છે, પરંતુ ત્યાં સુધીમાં સારવાર કરવાનું મુશ્કેલ બની જાય તેવી શક્યતા હોય છે.

નાણાવટી હૉસ્પિટલના ચેપી રોગના નિષ્ણાત ડૉ. હર્ષદ લિમયે કહ્યું હતું, "રેબીઝથી સંક્રમિત થયાના એક અઠવાડિયાથી માંડીને એક વર્ષ પછી તેનાં લક્ષણો દેખાય છે." સામાન્ય રીતે આ રોગનાં લક્ષણો બે-ત્રણ મહિનામાં જોવાં મળતાં હોય છે.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના જણાવ્યા મુજબ, રેબીઝનાં લક્ષણો નીચે મુજબ છે.

  • તાવ અથવા શરીરમાં કળતર
  • વાયરસ ચેતાતંત્રમાં પ્રવેશે પછી મગજ અને કરોડરજ્જુમાં સોજો
  • ફ્યુરિયસ રેબીઝમાં દર્દીનું વર્તન બદલાય જાય છે
  • દર્દી હાયપર બની જાય છે અથવા તેને પાણીનો ડર લાગે છે.
  • જોરદાર હાર્ટઍટેકને લીધે મોત
  • પેરેલેટિક રેબીઝમાં સ્નાયુઓ ધીમે ધીમે નબળા પડે છે. દર્દી કોમામાં જાય છે અને પછી મૃત્યુ પામે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.