આ દેશમાં લોકો ગાયનું દૂધ પીવાને બદલે તેને ગટરમાં કેમ રેડી રહ્યા છે?

    • લેેખક, નિક ઇર્ડલી, મેટ મર્ફી, ઓલ્ગા રોબિન્સન અને માર્કો સિલ્વા
    • પદ, બીબીસી વેરિફાય

ગાય દ્વારા મિથેન ગૅસના ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડાનો દાવો કરતા નવા ફીડ એડિટિવના પ્રયોગોના વિરોધમાં બ્રિટનના કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સ ગાયના દૂધને ગટર અને શૌચાલયોમાં રેડી રહ્યા છે.

બ્રિટનની સૌથી મોટી ડેરી કો-ઑપરેટિવની માલિકી ધરાવતી ડેનિશ-સ્વીડિશ કંપની આર્લા ફૂડ્સે ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે તે સમગ્ર દેશમાંના તેના 30 ફાર્મમાં બોવેર નામના નવા એડિટિવનું પરીક્ષણ કરશે.

ગાયના આહારમાં થોડા પ્રમાણમાં બોવેર ઉમેરવાથી ગાય દ્વારા થતા મિથેન ગૅસના ઉત્સર્જનમાં 30થી 45 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે, એવું બોવેર બનાવતી કંપનીએ જણાવ્યું છે.

બોવેરના ઉપયોગ માટે બ્રિટનના નિયમનકારોએ મંજૂરી આપી છે અને આ એડિટિવ સાથેનો આહાર કરનાર પશુઓ દ્વારા ઉત્પાદિત દૂધનો સંગ્રહ અનેક મોટા સુપરમાર્કેટ્સ કરશે.

કેટલાક ઑનલાઇન યૂઝર્સે તેમાં વપરાતાં અમુક સંયોજનોની સલામતી સંબંધી મુદ્દાઓને ટાંકીને બોવેરના ઉપયોગ બાબતે ચિંતા વ્યક્ત કરી છે.

જોકે, નિષ્ણાતોએ બીબીસીને કહ્યું છે કે આ એડિટિવ "ખાદ્ય સુરક્ષા સંબંધી કોઈ પણ સમસ્યાઓ સર્જતું નથી."

પરીક્ષણથી રોષે ભરાયેલા અન્ય ગ્રાહકો અગ્રણી સુપરમાર્કેટ્સની પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવાની ધમકી આપી રહ્યા છે, જ્યારે પોતે બોવેરનો ઉપયોગ કરતા નથી, એ ગ્રાહકોને જણાવવા માટે અનેક ખેડૂતો સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યા છે.

દરમિયાન, તે 'ડીપોપ્યુલેશન'ના કાવતરાનો હિસ્સો હોવાના પાયાવિહોણા દાવાઓ ઉપરાંત અમેરિકન અબજોપતિ બિલ ગેટ્સ સાથે તેને સંબંધ હોવાની ખોટી માહિતી ઑનલાઇન વહેતી થઈ છે.

બોવેનની ઉત્પાદક ડીએસએમ-ફર્મેનિક કહે છે કે તેની પ્રોડક્ટ વિશે "અવિશ્વાસ અને જુઠ્ઠાણાં" ફેલાવવામાં આવી રહ્યા છે. આ પ્રોડક્ટ ઉપયોગ માટે "સંપૂર્ણપણે સલામત" છે અને ઘણા દેશોમાં ઘણા વર્ષો સુધી તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

બોવેર અને તેના નવા પરીક્ષણ બાબતે આપણે શું જાણીએ છીએ?

મિથેન એ કાર્બન ડાયૉક્સાઇડ કરતાં વધુ શક્તિશાળી ગ્રીનહાઉસ ગૅસ છે અને તે આબોહવા પરિવર્તનમાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે.

ગાયનું પાચનતંત્ર ઘાસ જેવા સખત ફાઇબર્સને તોડી નાખે છે ત્યારે આ સ્થિતિ સર્જાય છે. ફૉર્મેન્ટેશનની પ્રક્રિયાથી મિથેન ગૅસ બને છે, જે મોટા ભાગે ફરીથી બહાર નીકળી જાય છે.

બોવેર ગાયના પેટમાં રહેલા, ગૅસ બનાવતા ઉત્સેચકોને દબાવવાનું કામ કરે છે. નૅશનલ ફાર્મર્સ યુનિયન (એનએફયુ)ના કહેવા મુજબ, એડિટિવનો ભલામણ મુજબ ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તે ગાયના પાચનતંત્રમાં તૂટી જાય છે અને તે દૂધ અથવા માંસમાં જોવા મળતું નથી.

ડીએસએમ-ફર્મેનિકના જણાવ્યા અનુસાર, આ એડિટિવ વિશ્વના 68 દેશોમાં વેચાણ માટે ઉપલબ્ધ છે.

તેના પરીક્ષણના ભાગરૂપે આર્લા ફૂડ્સ ટેસ્કો, મોરિસન્સ અને એલ્ડી સહિતના બ્રિટનના મોટા સુપરમાર્કેટ્સ સાથે કામ કરી રહી છે. આ સુપરમાર્કેટ્સ એડિટિવનો આહાર કર્યો હોય તેવી ગાય દ્વારા ઉત્પાદિત પ્રોડક્ટ્સનો સ્ટોક કરવાના છે.

બોવેર વિશે કેવા દેવા કરવામાં આવી રહ્યા છે?

આર્લાએ પરીક્ષણની જાહેરાત કરી ત્યારથી જ બોવેર બાબતે સંખ્યાબંધ ઑનલાઇન દાવાઓ કરાઈ રહ્યા છે.

આ બાબતે ચિંતા વ્યક્ત કરનારાઓમાં રિફોર્મ યુકેના સંસદસભ્ય રુપર્ટ લોવેનો પણ સમાવેશ થાય છે. તેમણે ઍક્સ પર જણાવ્યું હતું કે આ એડિટિવની તત્કાળ સમીક્ષા કરવા તેમણે પર્યાવરણીય ખાદ્ય અને ગ્રામીણ બાબતોના વિભાગને જણાવ્યું છે.

દરમિયાન, આ એડિટિવ બનાવવા માટે ઉપયોગમાં લેવાતાં કેટલાંક સંયોજનો બાબતે ચિંતા વ્યક્ત કરતાં કેટલાક ખેડૂતોએ ઉમેર્યું હતું કે તેઓ આ ફીડનો ઉપયોગ કરશે નહીં.

સિલિકોન ડાયૉક્સાઇડ, પ્રોપીલીન ગ્લાયકોલ અને ઑર્ગેનિક કમ્પાઉન્ડ 3-નાઇટ્રોકસીપ્રોપાનોલ (જે 3-એનઓપી તરીકે ઓળખાય છે)નો ઉપયોગ કરીને બોવેર બનાવવામાં આવે છે.

એડિટિવના વિરોધીઓએ ગયા વર્ષે એફએસએ દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલ તરફ ધ્યાન દોર્યું છે. એ અહેવાલમાં જણાવાયું હતું કે 3-એનઓપીને આંખો માટે, ત્વચામાં બળતરા અને તેને હેન્ડલ કરતા માનવોના શ્વસન માટે નુકસાનકારક ગણવું જોઈએ.

જોકે, નિષ્ણાતોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દૂધ અથવા અન્ય ઉત્પાદનોમાં બોવેરના અથવા તેમાં રહેલાં સંયોજનોનાં કોઈ નિશાન જોવાં મળશે નહીં, કારણ કે તે ગાયના પેટમાં જ તૂટી જાય છે.

ક્વીન્સ યુનિવર્સિટી, બેલફાસ્ટના ફૂડ સેફટી અને માઇક્રોબાયૉલૉજીના નિષ્ણાત પ્રોફેસર ક્રિસ ઇલિયટે બીબીસીને કહ્યું હતું, "બોવેર વિશ્વભરમાં શ્રેણીબદ્ધ નિયમનકારી પ્રક્રિયાઓમાંથી પસાર થયું છે અને મિથેન ઉત્સર્જન સંબંધે જે દાવાઓ કરવામાં આવે છે એ જ તે કરે છે અને ખાદ્ય સુરક્ષા બાબતે કોઈ સમસ્યા સર્જતું નથી. આ બાબતે બધા સંતુષ્ટ છે."

3-એનઓપી કૅન્સરનું કારણ બની શકે, એવા દાવાઓ તરફ અન્ય વિરોધીઓએ ધ્યાન દોર્યું હતું, પરંતુ બ્રિટનના નિયમનકર્તાઓએ એક મૂલ્યાંકન હાથ ધર્યા પછી એ દાવાઓને ફગાવી દીધા હતા. મૂલ્યાંકનના તારણ મુજબ, "ભલામણ મુજબનો ઉમેરો કરવામાં આવે તો તે એડિટિવ કૅન્સરકારક નથી."

એફએસએએ બીબીસીને એક નિવેદનમાં જણાવ્યું હતું, "મિથેન ઉત્સર્જન ઘટાડવા માટે વપરાતા બોવેરયુક્ત આહાર કર્યો હોય તેવી ગાયનું દૂધ પીવા માટે સલામત છે."

"બોવેરનું સલામતી સંબંધી અત્યંત કડક મૂલ્યાંકન કરવામાં આવ્યું છે અને તેને ગ્રેટ બ્રિટનમાં ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે."

બીબીસીને આપેલા નિવેદનમાં આર્લાએ જણાવ્યું હતું કે ઑનલાઇન ફેલાવવામાં આવી રહેલી સલામતી સંબંધી ચિંતાઓ "તદ્દન ખોટી" છે.

ડીએસએમ-ફર્મેનિકના પ્રવક્તાએ કહ્યું હતું, "આ દુષ્પ્રચારનો મુકાબલો કરવા માટે બહાર આવેલા સ્વતંત્ર, થર્ડ-પાર્ટી નિષ્ણાતો, ખેડૂતો અને ખેડૂત સંગઠનોના આભારી છીએ."

બિલ ગેટ્સ વિવાદમાં કેમ ઘસડાયા?

ઑનલાઇન પોસ્ટ કરનારા પૈકીના કેટલાકે આક્ષેપ કર્યો છે કે માઇક્રોસૉફ્ટના સ્થાપક બિલ ગેટ્સ બોવેરને વિકસાવવામાં સામેલ છે. આ દાવાને એડિટિવના વિકાસકર્તાએ સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે.

ડીએસએમ-ફર્મેનિકે બીજી ડિસેમ્બરના આકરા શબ્દોવાળા એક નિવેદનમાં જણાવ્યું હતું કે બોવેરને અમે જ "સંપૂર્ણપણે વિકસાવ્યું" છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કંપની પાસે "અન્ય કોઈ રોકાણકાર" નથી.

નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું, "બિલ ગેટ્સ બોવેર વિકસાવવામાં સામેલ નથી."

અમેરિકન અબજોપતિ બિલ ગેટ્સે ડીએસએમ-ફર્મેનિકના હરીફ સ્ટાર્ટ-અપ રુમિન8માં રોકાણ કર્યું છે, જે મિથેનનું પ્રમાણ ઘટાડતી સમાન પ્રોડક્ટ વિકસાવી રહ્યું છે.

બિલ ગેટ્સ લાંબા સમયથી બહુવિધ ષડયંત્રોનો વિષય બની રહ્યા છે. તેમાં સૌથી આત્યંતિક દાવો એ છે કે તેઓ વિશ્વને ખાલી કરાવવાના ષડયંત્રનો હિસ્સો છે.

કેટલાક ઑનલાઇન ઍક્ટિવિસ્ટોએ બોવેરને એવા દાવાઓ સાથે સાંકળવાનો પ્રયાસ કર્યો છે, જે અમેરિકન નિયમનકર્તા એફડીએના અગાઉના મંજૂરીપત્ર તરફ ઈશારો કરે છે. એ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે આ એડિટિવ પુરુષોમાં વ્યંધત્વનું કારણ બની શકે છે.

જોકે, એફડીએએ આ પ્રોડક્ટના શુદ્ધ સ્વરૂપના હેન્ડલિંગ વખતે જરૂરી કાળજીના સંદર્ભમાં ઉપરોક્ત વાત જણાવી હતી, તેનું પશુઆહારમાં મિશ્રણ કરવાના સંદર્ભમાં નહીં.

યુનિવર્સિટી ઑફ નોટિંઘમની ફૂડ સિસ્ટમ્સ ઇન્સ્ટિટ્યૂટના જેક બોબોએ બીબીસીને જણાવ્યું હતું કે "એફડીએના મંજૂરીપત્રની ગેરસમજને કારણે" આ ચિંતા સર્જાઈ હોય તેવું લાગે છે.

તેમણે કહ્યું હતું, "બોવેરમાંના સક્રિય ઘટક 3-નાઇટ્રોઓક્સીપ્રોપાનોલના હેન્ડલિંગ સંબંધી તકેદારી પર પત્રમાં જણાવવામાં આવ્યું હતું. જોકે, અંતિમ ડેરી પ્રોડક્ટમાં આ સક્રીય ઘટક રહેતું નથી એ યાદ રાખવું બહુ જરૂરી છે."

ઑનલાઇન ચર્ચા કેવી રીતે શરૂ થઈ?

આર્લાએ તેના આયોજિત પરીક્ષણ બાબતે 26 નવેમ્બરે જાહેરાત કરી પછી તરત જ બોવેર વિશે ચર્ચા શરૂ થઈ હોય તેવું લાગે છે.

ટેસ્કો, એલ્ડી અને મોરિસન્સ સાથેની ભાગીદારીની જાહેરાત કરતી આર્લાની ઍક્સ પરની પોસ્ટને લગભગ 60 લાખ વ્યૂઝ મળ્યા છે અને ત્રીજી ડિસેમ્બર સુધીમાં તેમાં લાખો કૉમેન્ટ થઈ છે.

ષડયંત્રની વાતો ફેલાવવાનો ઇતિહાસ ધરાવતા યૂઝર્સ કલાકોમાં જ તેમાં જોડાયા હતા. એ પૈકીની કેટલીક પોસ્ટિંગમાં ભૂતકાળમાં વૅક્સિન-વિરોધી અને ક્લાયમેટ ચેન્જને નકારતી સામગ્રી પણ શૅર કરવામાં આવી હતી.

જોકે, અન્ય યૂઝર્સે વાસ્તવિક ચિંતાને કારણે એડિટિવ વિશેની પોસ્ટ્સ શૅર કરી હોય તેવું લાગે છે.

સોશિયલ મીડિયા ઍનાલિસીસ ફર્મ બ્રાન્ડવોચના જણાવ્યા અનુસાર, પરીક્ષણની જાહેરાત થયાના કેટલાક દિવસોમાં જ ઍક્સ પર બોવેરનો ઉલ્લેખ દેખીતી રીતે શૂન્યથી વધીને 71,000 પર પહોંચી ગયો હતો.

દરમિયાન, આ પ્રોડક્ટ પર આક્રમણ કરતી ટિકટોકની પ્રત્યેક ક્લિપ્સને 18 લાખ વ્યૂઝ મળ્યા હતા.

કેટલાક સૌથી વધુ લોકપ્રિય લોકોએ યૂઝર્સને આર્લાના લુર્પાક બટરના પેકેટ્સનો નિકાલ કરતા અને દૂધને ઢોળી નાખતા જોયા હતા. એ પૈકીના એકમાં એવી કૅપ્શન હતી કે "આ મારા ઘરમાં હોવું જ ન જોઈએ."

નૅશનલ ફાર્મર્સ યુનિયનનું કહેવું છે કે 15 વર્ષનાં પરીક્ષણોએ સાબિત કર્યું છે કે બોવેર ગ્રાહકો અથવા પ્રાણીઓ માટે જોખમી નથી. બોવેર ગાયના પાચનતંત્રમાં તૂટી જાય છે અને દૂધ કે માંસમાં જોવા મળતું નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.