You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'અમૂલ' બ્રાન્ડ ઊભી કરનાર મહિલાઓ પણ ગુજરાતની 18 કો-ઑપરેટિવ ડેરીમાં એક પણ મહિલા ચૅરપર્સન કેમ નહીં?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાત અને ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં 'ટેસ્ટ ઑફ ઇન્ડિયા'ના નામે મશહૂર 'અમૂલ' બ્રાન્ડ ઊભી કરવામાં ગુજરાતની પશુપાલક મહિલાઓનો સિંહફાળો રહ્યો છે.
પરંતુ ગુજરાતની કુલ 18 મિલ્ક કો-ઑપરેટિવ ડેરી પૈકી એકપણ સંસ્થામાં મહિલા ચૅરપર્સન નથી.
ગુજરાતની 18,600 દૂધમંડળીઓમાં 36.4 લાખ સભાસદો પૈકી 75 ટકા મહિલા સભાસદો છે પરંતુ દૂધમંડળીઓથી લઈને દૂધની સહકારી સંસ્થાઓમાં મહિલાઓની આગેવાનીનું પ્રમાણ નહિવત્ છે.
ભારતમાં પશુપાલક બહેનોએ 'શ્વેતક્રાંતિ' માટે પરસેવો પાડ્યો પણ આજેય કો-ઑપરેટિવ મિલ્ક ફેડરેશનના રાજકારણમાં મહિલાઓ ઉપેક્ષિત છે અને માત્ર પુરુષ આગેવાનોનું વર્ચસ્વ છે.
ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વડા સોનલ પંડ્યા કહે છે, "સામાન્ય રીતે સત્તા અને જવાબદારી સાથે આવતા હોય છે પરંતુ મહિલાઓને માત્ર જવાબદારી જ સોંપવામાં આવે છે, સત્તા આપવામાં આવતી નથી. શ્વેતક્રાંતિ અને 'અમૂલ'ના ઉદયમાં મહિલાનો સિંહફાળો છે પરંતુ ડેરી ઉદ્યોગમાં આજે પણ મહિલાઓનું નેતૃત્વ બહાર આવ્યું નથી.
તેઓ ઉમેરે છે, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડેરીઉદ્યોગ સાથે જોડાયેલી હજારો મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો પરંતુ ડેરીમાં કઈ પ્રોડક્ટ અને કેટલી પ્રોડક્ટ બનાવવી જેવી નિર્ણાયક બાબતોમાં મહિલાઓને ભાગીદાર બનાવવામાં આવતી નથી. મેક્રો પ્લાનિંગમાં મહિલાઓ જોવા મળતી નથી."
સોનલ પંડ્યા ડેરીઉદ્યોગમાં મહિલાના યોગદાન અંગે વાત કરતાં કહે છે, "પશુપાલન કરવાથી લઈને દૂધ ડેરીએ પહોંચાડવા સુધીનું કામ મહિલાના ભાગે આવે છે. તેમ છતાં આજે પણ ગામમાંથી કોઈ પશુ નીકળે તો ફલાણા ભાઈની ગાય કે ભેંસ જાય છે તેવું કહેવામાં આવે છે. ફલાણા બેનની ભેંસ કે ગાય જાય છે એવું કહેવામાં આવતું નથી."
"ગાયો-ભેંસોની લે-વેચમાં પણ મહિલાઓની ભાગીદારી જોવા મળતી નથી. સહકારી ક્ષેત્રમાં મહિલાઓની નહિવત્ લીડરશિપ છે. જે મહિલાઓ જોવા મળે છે તે પણ ચોક્કસ જ્ઞાતિની જ જોવા મળે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"દલિત, આદિવાસી કે અન્ય પછાત કોમની મહિલાઓ સહકારી ક્ષેત્રમાં જોવા મળતી નથી."
'સહકારી ક્ષેત્રમાં મહિલાઓને રિઝર્વેશન આપવામાં આવે તો બદલાવ આવે'
ગુજરાતની 18 કો-ઑપરેટિવ મિલ્ક ફેડરેશન ડેરીની અંતર્ગત 18,600 દૂધમંડળીઓ નોંધાયેલી છે જે પૈકી માત્ર 4,000 દૂધમંડળીઓનું સંચાલન મહિલાઓના હાથમાં આવ્યું છે જ્યારે અન્ય દૂધમંડળીનું સંચાલન પુરુષોના હાથમાં છે.
સમાજશાસ્ત્રી અને પ્રોફેસર ઘનશ્યામ શાહ આ પરિસ્થિતિ માટે પિતૃસત્તાક સમાજવ્યવસ્થાને જવાબદાર ઠરાવતા કહે છે, "પિતૃસત્તાક સમાજવ્યવસ્થામાં મહિલાઓ પાસે કામ કરાવવામાં આવે છે, તેમને નેતૃત્વ આપવામાં આવતું નથી."
ઘનશ્યામ શાહ કહે છે, "સહકારી ક્ષેત્રમાં મહિલાઓને રિઝર્વેશન આપવામાં આવે તો આ મુદ્દે ચોક્કસ બદલાવ લાવી શકાય છે. જેમ કે પંચાયતોના વહીવટમાં મહિલાઓને રિઝર્વેશન આપવામાં આવ્યું છે જેથી કેટલીક મહિલાઓ જાતે વહીવટ કરતી જોવા મળે છે. કેટલીક મહિલાઓના પતિ તેમના વતી વહીવટ કરે છે. જે ધીમે-ધીમે ઓછું થઈ રહ્યું છે અને મહિલાઓની લીડરશીપમાં વધારો જોવા મળી રહ્યો છે."
તેઓ કાયદામાં સુધાર ઉપર ભાર આપતા કહે છે, "કાયદા બનાવવાથી મહિલાઓને તક મળે છે અને તક મળવાથી જ મહિલાઓમાં લીડરશીપ ઊભી થાય છે. મહિલાઓમાં હવે દિવસે-દિવસે શિક્ષણ પણ વધવા લાગ્યું છે. મહિલાઓ કુશળ વહીવટ કરી શકે છે પરંતુ તેમને એક તકની જરૂર છે. જે અનામતના કાયદા દ્વારા આપી શકાય છે."
ગુજરાત દૂધના સહકારી ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધારવા માટે મહિલા અનામત કરવામાં આવે તેવું સમાજશાસ્ત્રીઓનો એક વર્ગ માને છે પણ મહિલાઓ કુશળ વહીવટ કરી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લો છે.
ગુજરાતના 18 કો-ઑપરેટિવ મિલ્ક ફેડરેશનમાં વલસાડ જિલ્લાની વસુધારા ડેરીનો સમાવેશ થાય છે. વસુધારા ડેરીમાં મહિલાઓ સંચાલિત ડેરી સંઘ (દૂધમંડળી) ગુજરાતમાં સૌથી વધારે છે. વલસાડ જિલ્લામાં કુલ 1140 ડેરી સંઘ પૈકી 940 ડેરી સંઘો મહિલાઓ સંચાલિત છે.
'હવે આગળના સમયમાં મહિલાઓની મજબૂત લીડરશિપ જોવા મળશે'
વસુધારા ડેરીનાં વાઇસ ચૅરમૅન સુધાબેન પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "મેં ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે. હું પશુપાલનના વ્યવસાય સાથે કિશોરાવસ્થાથી જ જોડાયેલી છું."
"મારાં માતા-પિતાના ઘરે પણ પશુપાલનનો વ્યવસાય હતો. જેથી ભણતરની સાથે અને પશુપાલનનું કામ શીખી લીધું હતું ત્યારબાદ મારા સાસરીના ગામ સરોડી ગામમાં ભાઈઓ દ્વારા ચાલતી દૂધમંડળી અલગ-અલગ કારણોસર બે વાર બંધ થઈ ગઈ હતી."
"બીજી તરફ અમારા ગામની મોટાભાગની મહિલાઓ પશુપાલનનો વ્યવસાય કરતી હતી. જેથી અમે મહિલાઓએ ભેગાં મળીને તા.1 ઑગસ્ટ 1996ના રોજ અમારા ગામમાં મહિલા દૂધમંડળીની સ્થાપના કરી હતી."
તેઓ ઉમેરે છે, "અમારા ગામમાં મહિલા દૂધમંડળી જ્યારથી શરૂ થઈ છે ત્યારથી ખૂબ સરસ રીતે તેનું વહીવટ થઈ રહ્યો છે. આખી દૂધમંડળી મહિલાઓ દ્વારા સંચાલિત છે."
"અમારા વલસાડ જિલ્લામાં સૌથી વધુ મહિલા દૂધમંડળીઓ આવેલી છે."
"વસુધારા ડેરીમાં વલસાડ જિલ્લાની 1140 દૂધમંડળીઓ સંકળાયેલી છે. જે પૈકીની 940 દૂધમંડળીઓ મહિલા સંચાલિત દૂધમંડળીઓ છે. ગામડાઓમાં 70 ટકા મહિલા પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલી છે."
સુધાબહેને પોતાને થયેલો કડવો અનુભવ ટાંકતા કહે છે, "વસુધારા ડેરીના બોર્ડમાં 14 ડિરેક્ટર છે. જેમાંથી આઠ ડિરેક્ટર મહિલા છે."
"ગુજરાતની અન્ય ડેરીના સંદર્ભમાં વસુધારા ડેરીમાં પુરુષ ડિરેક્ટર કરતાં મહિલા ડિરેક્ટરની સંખ્યા વધુ છે."
"વસુધારા ડેરીમાં બે ટર્મથી વાઇસ ચૅરમૅન છું. વર્ષ 2015માં પહેલી વખત હું વસુધારા ડેરીમાં વાઇસ ચૅરપર્સન બની હતી."
"જોકે અમે મહિલાઓને ચૅરપર્સન બનાવવા માટે બોર્ડ સમક્ષ રજૂઆત પણ કરી હતી પરંતુ મારી રજૂઆત સાંભળવામાં આવી ન હતી પરંતુ આશા પર દુનિયા કાયમ છે."
વસુધારા ડેરીનું વાર્ષિક ટર્નઓવર 2200 કરોડનું છે.
આ અંગે વલસાડ જિલ્લાની વાસુધરા ડેરીના ચૅરમૅન ગમન પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, " સમગ્ર ગુજરાતમાં અમારા જિલ્લામાં મહિલા સંચાલિત ડેરીઓ વધારે આવેલી છે."
"તેમજ અમારા બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં પણ પુરુષોની સરખામણીએ મહિલા વધુ આવેલી છે. હાલ અમારા બોર્ડમાં 14 ડિરેક્ટર છે જેમાંથી 8 ડિરેક્ટર મહિલાઓ છે. અમારા ત્યાં મહિલાઓ સક્ષમ છે."
અમૂલ બ્રાન્ડના સંચાલક ગુજરાત કો-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર આર.એસ. સોઢીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "ગુજરાતમાં ડેરીઉદ્યોગમાં કુલ સભાસદોના 75 ટકા સભાસદ મહિલાઓ છે. ગુજરાતના ડેરીઉદ્યોગનો શ્રેય મહિલાઓને આભારી છે."
"રાજ્યમાં 18,600 જેટલી દૂધમંડળીઓ આવેલી છે. જેમાંથી ચાર હજાર દૂધમંડળીઓ મહિલાઓ દ્વારા સંચાલિત સંઘો છે."
"ગુજરાતમાં વલસાડ જિલ્લામાં સૌથી વધુ મહિલા દૂધમંડળીઓ આવેલી છે. મહિલાઓના સશક્તિકરણ માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે."
"મહિલા સંચાલિત દૂધમંડળીઓને મંડળી બનાવવાની જમીન તેમજ અન્ય ખર્ચમાં પણ સબસિડી આપવામાં આવી રહી છે."
આ અંગે બનાસ ડેરીના ચૅરમૅન શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે," દૂધ ડેરીઓના સંચાલનમાં મહિલાઓની લીડરશિપ વધે તે મુદ્દે હું સહમત છું. મહિલાઓની લીડરશિપમાં મુદ્દે આપણે સૌએ સાથે મળીને પ્રયત્ન કરવા જોઈએ."
"અમે દૂધમંડળીઓમાં મહિલાઓના નામે બૅન્કનાં ખાતાં ખોલાવીને દૂધના પૈસા મહિલાના જ ખાતામાં આપીએ છીએ."
"જેથી મહિલાઓ આર્થિક રીતે સ્વાવલંબી બની છે. આર્થિક રીતે સ્વાવલંબી બને તો મહિલાએ કોઈ પાસે પૈસા માગવા પડતા નથી. અગાઉ દૂધનું પેમેન્ટ પુરુષોના ખાતામાં પણ આપવામાં આવતું હતું."
"મહિલાઓની લીડરશિપ માટે કાયદા દ્વારા પ્રયત્ન કરવા પડશે તો પણ અમે પ્રયત્ન કરીશું."
"હવે ગામની દૂધમંડળીઓમાં મહિલાઓની ચૅરપર્સનપદે નિમણૂક થાવ લાગી છે. હવે આગળના સમયમાં મહિલાઓની મજબૂત લીડરશિપ જોવા મળશે."
ઉલ્લેખનીય છે કે, ગુજરાત કો-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જે દેશનું સૌથી મોટી ડેરી પ્રોડક્ટનું ફેડરેશન છે જેની અંતર્ગત અમૂલની બ્રાન્ડ આવે છે.
આ ફેડરેશનમાં ગુજરાતની 18 મિલ્ક કો-ઑપરેટિવ ડેરીઓનો સમાવેશ થાય છે જેમાં 3.64 મિલિયન સભાસદો છે. જે પૈકી 30 ટકાથી વધુ મહિલાઓ છે.
આ ફેડરેશનમાં 18,600 ડેરીઓ આવી છે. જેમાંથી 4000 ડેરીઓ મહિલા ડેરીઓ છે. જે સમગ્ર ડેરીનું સંચાલન માત્ર મહિલો દ્વારા જ કરવામાં આવે છે.
GCMMFનું વાર્ષિક ટર્નઓવર 5.3 બિલિયન યુએસ ડૉલર છે. ગાંધીવાદી વિચારધારાના ત્રિભુવનદાસ પટેલે તા. 14 ડિસેમ્બર 1946ના રોજ 'ધ ખેડા ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ મિલ્ક પ્રોડેકશન યુનિયન લિમિટેડ'ની સ્થાપના કરી હતી જે આજે અમૂલ તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે.
અમૂલ ફેડરેશન સાથે જોડાયેલી એ 18 સંસ્થાના ચૅરમૅન
- રામસિંહ પરમાર, ખેડા ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ, આણંદ
- અશોક ચૌધરી, મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ (દૂધસાગર ડેરી)
- શ્યામળ પટેલ, સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ, હિંમતનગર (સાબર ડેરી)
- શંકર ચૌધરી, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ, પાલનપુર (બનાસ ડેરી)
- માનસિંહ પટેલ, સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ, સુરત (સુમુલ ડેરી)
- દિનેશ પટેલ, બરોડા ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ, વડોદરા (સુગમ ડેરી)
- જેઠા આહીર (ભરવાડ), પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ,ગોધરા (પંચામૃત ડેરી)
- ગમન પટેલ, વલસાડ ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ, વલસાડ (વાસુધારા)
- ઘનશ્યામ પટેલ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ, ભરૂચ (દૂધધારા)
- મોહન ભરવાડ, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ, અમદાવાદ (ઉત્તમ ડેરી)
- ગોરધન ધામેલિયા, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ,રાજકોટ (ગોપાલ)
- શંકરસિંહ રાણા, ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ, ગાંધીનગર (મધુર ડેરી)
- બાબા ભરવાડ, સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ, સુરેન્દ્રનગર (સુરસાગર)
- અશ્વિન સાવલિયા, અમરેલી ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ, અમરેલી (અમર ડેરી)
- મહેન્દ્ર પનોત, ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ, ભાવનગર (સર્વોત્તમ ડેરી)
- વાલમજી હુંબલ, કચ્છ ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ, અંજાર (સરહદ ડેરી)
- દિનેશ કટારીયા, જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ, જૂનાગઢ (સોરઠ)
- ભરત ઓડેદરા, પોરબંદર ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ, પોરબંદર
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો