રશિયા, અમેરિકા અને યુરોપના ચાર દેશો વચ્ચે હાઈપ્રોફાઇલ કેદીઓની અદલાબદલીનું ગુપ્ત ઑપરેશન કેવી રીતે પાર પડ્યું

    • લેેખક, ગેરેથ ઇવાન્સ
    • પદ, બીબીસી ન્યૂઝ, વોશિંગ્ટન

એક કુખ્યાત રશિયન હત્યારો અને અમેરિકાના એક પ્રસિદ્ધ અખબારના સંવાદદાતા ગુરુવારે તુર્કીથી અલગ-અલગ વિમાનમાં સવાર થયા.

આ સાથે જ રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે કેદીઓની અદલાબદલી માટે બે વર્ષથી ચાલતા ગુપ્ત અભિયાનનો અંત આવ્યો.

આ સમજૂતીમાં બે ડઝન કેદીઓની અદલાબદલી કરવામાં આવી હતી અને આ ગુપ્ત ઑપરેશનની શરૂઆત 2022માં થઈ હતી.

પરંતુ પડદાની પાછળ રશિયા, અમેરિકા અને અન્ય ચાર યુરોપિયન દેશો વચ્ચે આ અભિયાનમાં ચાલુ વર્ષે જ ગતિ આવી હતી.

સમજૂતીની વાટાઘાટો ખૂબ મુશ્કેલ હતી, કારણ કે યુક્રેન યુદ્ધને કારણે અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો. અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને આમાં ખૂબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

કેદીઓની અદલાબદલી પછી તેમણે કહ્યું કે, "આ બધું અનેક રાઉન્ડની વાટાઘાટો, ઘણા મુદ્દાઓ પર તકલીફદાયક બાંધછોડ અને ઘણા મહિનાઓની મહેનતનું પરિણામ છે."

વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીઓએ ગુરુવારે બીબીસીના અમેરિકન સહયોગી સીબીએસ ન્યૂઝ સહિત અનેક મીડિયા જૂથોના પત્રકારોને સમજૂતીની ટાઇમલાઇન વિશે વિગતવાર માહિતી આપી હતી.

તેમણે કહ્યું કે આ સમજૂતી અંગે પહેલો સંકેત 2022ના પાનખરમાં મળ્યો હતો જ્યારે એવું લાગતું હતું કે રશિયા તૈયાર છે.

અમેરિકા અને રશિયા અમેરિકન બાસ્કેટબૉલ સ્ટાર બ્રિટની ગ્રિનરની મુક્તિ માટે વાતચીત કરી રહ્યા હતા. બ્રિટની ગ્રિનરને એક કેફી પદાર્થ રાખવા બદલ પકડવામાં આવ્યા હતા અને રશિયન જેલમાં કેદ કરવામાં આવ્યા હતા.

તે જ વર્ષે રશિયન શસ્ત્રોના સોદાગર વિક્ટર બાઉટના બદલામાં એક હાઈ-પ્રોફાઇલ કેદીઓની અદલાબદલીમાં ગ્રિનરને મુક્ત કરવામાં આવ્યા હતા.

વ્હાઇટ હાઉસના અધિકારીઓનું કહેવું છે કે આ જ સોદા વખતે રશિયનોએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ એક શૂટર વાદિમ ક્રાસિકોવની મુક્તિ ઇચ્છે છે. ક્રાસિકોવને જર્મનીના બર્લિન પાર્કમાં ધોળા દિવસે એક વ્યક્તિને ગોળી મારવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો અને આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા.

તેમણે રશિયાના ઇશારે આ હત્યા કરી હતી એવો દાવો કરવામાં આવે છે.

જર્મની ક્રાસિકોવને છોડવા માંગતું ન હતું

સુલિવાને જર્મન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને જણાવ્યું કે, રશિયા ક્રાસિકોવની મુક્તિ ઇચ્છે છે. તેમણે તેમને પૂછ્યું કે શું રશિયાના વિપક્ષી નેતા અને પુતિનના કટ્ટર વિરોધી એલેક્સી નવેલનીના બદલામાં જર્મની ક્રાસિકોવને મુક્ત કરી શકશે કે નહીં. એલેક્સી નવેલની રશિયાની જેલમાં કેદ હતા.

જોકે, જર્મની પોતાની ધરતી પર કરવામાં આવેલી આ ભયાનક હત્યાના ગુનેગારને છોડવા તૈયાર ન હતું.

સુલિવાનને જર્મની તરફથી કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો ન હતો, પરંતુ અમેરિકા અને રશિયા તથા અમેરિકા અને જર્મની વચ્ચે થયેલી શરૂઆતની વાતચીતમાં જ આ વ્યાપક અને જટિલ સમજૂતી માટેનો માર્ગ મોકળો થયો.

બંને પક્ષોએ જ્યારે અમુક અંશે પોતાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે જ આ શક્ય બન્યું.

રશિયાએ સ્પષ્ટ કહી દીધું કે તે ક્રાસિકોવની મુક્તિ ઇચ્છે છે. જ્યારે અમેરિકા માત્ર નવેલની જ નહીં, પણ રશિયામાં 2018થી જાસૂસીના આરોપો હેઠળ જેલવાસ ભોગવતા ભૂતપૂર્વ મરીન પોલ વ્હેલનની પણ મુક્તિ ઇચ્છતું હતું.

માર્ચ 2023માં રશિયન ગુપ્તચર એજન્ટોએ ન્યુ જર્સીના અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલના 31 વર્ષીય પત્રકારની ધરપકડ કરી હતી જ્યારે તેઓ રિપોર્ટિંગના કામથી આવ્યા હતા.

અમેરિકા અને તેના સાથી દેશોએ પત્રકારની ધરપકડનો જોરદાર વિરોધ કર્યો હતો.

તેના એક દિવસ પછી જ પ્રમુખ બાઇડને સુલિવાનને વૉલ સ્ટ્રીટ જર્નલના પત્રકાર અને ભૂતપૂર્વ મરીન વ્હેલનને પાછા લાવવાનો નિર્દેશ આપ્યો હતો.

વ્હાઇટ હાઉસના અધિકારીઓના જણાવ્યા અનુસાર અમેરિકાએ રશિયાનો સીધો સંપર્ક કર્યો. બંને દેશો વચ્ચે વાતચીત શરૂ થઈ અને બંનેના વિદેશ મંત્રીઓએ ફોન પર વાત કરી હતી.

પરંતુ થોડા જ સમયમાં આ મંત્રણાઓને ઇન્ટેલિજન્સ સર્વિસિસે પોતાના હાથમાં લઈ લીધી હતી.

જોકે, અમેરિકા આમ કરવામાં ખચકાતું હતું કારણ કે ગર્શકોવિચને જાસૂસીના આરોપમાં પકડવામાં આવ્યા હતા અને અમેરિકાને બીક હતી કે CIA સામેલ થશે તો તેમનો દાવો મજબૂત બનશે.

રશિયન જાસૂસોની શોધખોળ

વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર 2023ના અંત સુધીમાં અમેરિકા સમજી ગયું કે કોઈ પણ સમજૂતી સફળ કરવી હોય તો તેમાં શૂટર ક્રાસિકોવની મુક્તિ મુખ્ય મુદ્દો રહેશે.

58 વર્ષીય હત્યારાનું નામ સમાવ્યા વગર રશિયાને જેટલી વખત પ્રસ્તાવ મૂકવામાં આવ્યો તેટલી વખત રશિયાએ ઇનકાર કરી દીધો.

પરંતુ ક્રાસિકોવને અમેરિકા નહીં પણ જર્મનીમાં કેદ કરવામાં આવ્યા હોવાથી અમેરિકા તેમાં કંઈ કરી શકે તેમ નહોતું.

2023ના છેલ્લા મહિનાઓમાં સુલિવાન લગભગ દર અઠવાડિયે જર્મનીના સુરક્ષા સલાહકાર સાથે વાત કરતા હતા. આખરે જાન્યુઆરી 2024માં તેમની મહેનત ફળી અને જર્મની ક્રાસિકોવને મુક્ત કરવા સહમત થયું.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રશિયાએ કહ્યું હતું કે તે જાસૂસના બદલામાં જ જાસૂસને મુક્ત કરશે.

તેથી અમેરિકાએ એક મોટા સોદા માટે એવા રશિયન જાસૂસોની શોધ શરૂ કરી જેઓ અમેરિકાના કોઈ સાથી દેશમાં કેદમાં હોય.

વૉલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ અમેરિકન અધિકારીઓ, રાજદ્વારીઓ અને સીઆઈએના અધિકારીઓએ વિશ્વભરમાં એવા મિત્ર દેશોનો પ્રવાસ કર્યો જેઓ રશિયન જાસૂસોને મુક્ત કરવા રાજી થઈ શકે.

પોલૅન્ડ, સ્લોવેનિયા અને નૉર્વેમાંથી રશિયનોને છોડવામાં આવ્યા ત્યારે ગુરુવારે આ સફળતા મળી.

આ વર્ષે ફેબ્રુઆરીમાં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ જો બાઇડને મળ્યા હતા.

વ્હાઇટ હાઉસના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તેમની વચ્ચે ક્રાસિકોવ, નવેલની, વ્હેલન, ગર્શકોવિચ જેવા કેદીઓની અદલાબદલી અંગે વાતચીત થઈ હતી.

રશિયા તરફથી પણ સકારાત્મક સંકેત મળ્યા હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફેબ્રુઆરીની શરૂઆતમાં ફૉક્સ ન્યૂઝના ભૂતપૂર્વ હોસ્ટ ટકર કાર્લસન સાથેની એક મુલાકાતમાં કહ્યું હતું કે, "ગર્શકોવિચ સ્વદેશ પરત ફરે તેવી શક્યતાને હું નકારી શકતો નથી."

બીબીસીના રશિયન એડિટર સ્ટીવ રોઝેનબર્ગ લખે છે કે આ એક ખૂબ જ સ્પષ્ટ જાહેર સંકેત હતો કે મૉસ્કો સમજૂતી કરવા માટે તૈયાર છે.

પરંતુ આ ઇન્ટરવ્યૂના થોડા દિવસો પછી 16 ફેબ્રુઆરી, 2024ના રોજ જર્મનીના ચાન્સેલર સ્કોલ્ઝ અને રાષ્ટ્રપતિ બાઇડન વચ્ચે વ્હાઇટ હાઉસમાં એક બેઠક થઈ. પરંતુ રશિયા સમક્ષ કોઈ દરખાસ્ત મૂકવામાં આવે તે પહેલાં જ સંભવિત સમજૂતી ટકી શકી નહીં.

કદાચ જે સૌથી હાઇ-પ્રોફાઇલ કેદી 47 વર્ષીય એલેક્સી નવેલનીનું નામ આ અદલાબદલીમાં સામેલ થઈ શકે તેમ હતું તેમનું સાઇબિરીયાની જેલમાં મૃત્યુ થયું.

નવેલનીના સમર્થકો, સગાંવહાલાં અને ઘણા વિદેશી નેતાઓએ પુતિનને તેમના મૃત્યુ માટે જવાબદાર ઠેરવ્યા હતા. પરંતુ રશિયન અધિકારીઓએ દાવો કર્યો કે તેમનું મૃત્યુ કુદરતી કારણોસર થયું હતું.

તેમના મૃત્યુ વખતે આ વાટાઘાટો વિશે કંઈ જાણી શકાયું ન હતું. ત્યારે તેમના સાથી મારિયા પેવચિખે જાહેરમાં કહ્યું કે ક્રાસિકોવના બદલામાં નવેલનીની મુક્તિ માટેની વાટાઘાટ અંતિમ તબક્કામાં હતી.

બીબીસી ન્યૂઝ તે સમયે તેમના દાવાઓની સ્વતંત્ર રીતે ચકાસણી કરી શક્યું ન હતું. આ દરમિયાન રશિયાએ આ દાવાને સ્પષ્ટ રીતે નકારી કાઢ્યો હતો.

પરંતુ ગુરુવારે વ્હાઇટ હાઉસે પુષ્ટિ કરી કે તે આ સોદામાં નવેલનીને સમાવવા પ્રયાસ કરતું હતું. આ કારણથી જ એવા ત્રણ લોકોને મુક્ત કરવામાં આવ્યા જેઓ વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા હતા અને રશિયાની જેલમાં હતા.

એક નાટકીય ઘટનાક્રમ એવો હતો કે જે દિવસે નવેલનીના મૃત્યુની જાહેરાત કરવામાં આવી, તે જ દિવસે, ગર્શકોવિચના માતાં અને પિતા વ્હાઇટ હાઉસમાં સુલિવાન સાથે મુલાકાત કરી રહ્યાં હતાં.

આ સમાચારના મહત્ત્વ અને સમજૂતી પર તેની અસરને સમજીને તેમણે બંનેને જણાવ્યું કે 'આગળ વધવામાં થોડી મુશ્કેલ પેદા થઈ છે.'

અમેરિકા અને જર્મની વચ્ચે નવેસરથી વાતચીત અને સહમતિ

એક વરિષ્ઠ વહીવટી અધિકારીએ બીબીસીને જણાવ્યું કે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કેદીઓની સંભવિત અદલાબદલીને ફરીથી પાટે ચઢાવવા બે મહત્ત્વપૂર્ણ બેઠકો યોજી હતી.

ફેબ્રુઆરીના મધ્યમાં તેમણે મ્યુનિક સુરક્ષા પરિષદમાં હાજરી આપી અને ચાન્સેલર સ્કોલ્ઝને ક્રાસિકોવની મુક્તિ કેમ જરૂરી છે તે સમજાવ્યું.

તેમણે સ્લોવેનિયાના વડા પ્રધાન સાથે પણ મુલાકાત કરી હતી, જ્યાં અમેરિકાએ બે રશિયન કેદીઓની ઓળખ કરી હતી. તેઓ રશિયા માટે ખાસ મહત્ત્વના હતા. આ બંનેને પણ ગુરુવારે છોડી મૂકવામાં આવ્યા હતા.

ત્યાર પછી વસંતઋતુમાં નવેલનીના નામ વગર વ્હાઇટ હાઉસમાં સહમતી થઈ અને જૂનમાં જર્મનીએ ક્રાસિકોવની મુક્તિ માટે મંજૂરી આપી દીધી.

સુલિવાનના જણાવ્યા મુજબ સ્કોલ્ઝે રાષ્ટ્રપતિ બાઈડનને કહ્યું, "તમારા માટે હું આ કરીશ."

ત્યાર પછી આ સમાધાન પ્રસ્તાવ રશિયા સમક્ષ મૂકવામાં આવ્યો હતો.

રશિયાએ ઘણા અઠવાડિયા પહેલાં જ જુલાઈના મધ્યમાં શરતો સ્વીકારી અને પોતાની જેલોમાં બંધ કેદીઓને મુક્ત કરવા માટે સહમત થયું હતું.

પરંતુ આ સમજૂતીની વાતચીત અંતિમ તબક્કામાં પ્રવેશી ત્યારે સ્થાનિક રાજકારણમાં પણ ઉથલપાથલ ચાલતી હતી. એક ડિબેટમાં પ્રેસિડન્ટ બાઇડને નબળો દેખાવ કરતા ડેમોક્રેટિક પાર્ટીની અંદર જ બાઇડન પર રાષ્ટ્રપતિની રેસમાંથી બહાર નીકળી જવા દબાણ વધવા લાગ્યું.

સુલિવાનના જણાવ્યા પ્રમાણે 21 જુલાઈએ બાઇડને રાષ્ટ્રપતિ પદની રેસમાંથી ખસી જવાની જાહેરાત કરી તેના એક કલાક પહેલાં જ તેમણે કેદીઓની અદલાબદલીને અંતિમ રૂપ આપવા સ્લોવેનિયાના રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાત કરી હતી.

કેદીઓની આ હાઇપ્રોફાઇલ અદલાબદલીની સમજૂતીમાં પણ છેલ્લી ઘડીએ તેની સફળતા અંગે શંકાઓ હતી. જોકે,ઍરપોર્ટ પર વિમાનો તૈયાર હતા અને કેદીઓનો રૂટ ફાઇનલ થઈ ગયો હતો.

સુલિવાને ગુરુવારે જણાવ્યું કે, "થોડા કલાકો અગાઉ સુધી અમે અધ્ધર શ્વાસે આ બધું જોઈ રહ્યા હતા."

ત્યાર બાદ રાષ્ટ્રપતિ બાઇડને મુક્ત કરાયેલા અમેરિકન નાગરિકોનો એક સાથે ફોટો પોસ્ટ કર્યો જેઓ અમેરિકા આવવા રવાના થયેલા વિમાનમાં સવાર હતા. રાષ્ટ્રપતિ બાઇડને પોતાની પોસ્ટમાં લખ્યું, "તેઓ સુરક્ષિત, મુક્ત છે અને પોતાના પરિવારોને ફરી મળવા માટે પ્રવાસ શરૂ કરી દીધો છે."