You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાંગ્લાદેશનાં તોફાનોથી બચીને ગુજરાત પહોંચેલા વિદ્યાર્થીઓની આપવીતી
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
“અમને સમાચારનાં માધ્યમોથી જાણ થઈ કે બાંગ્લાદેશમાં તોફાનો ફાટી નીકળ્યાં છે. તોફાનો વિશે જાણીને અને સોશિયલ મીડિયા પરના વીડિયો જોઈને અમે ગભરાઈ ગયા હતા.” આ શબ્દો છે, બાંગ્લાદેશથી પરત ભારત આવેલા અમદાવાદના જિયાન શેખના.
જિયાન શેખ બાંગ્લાદેશના ખુલના શહેરમાં મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરે છે અને તે 23 જુલાઈએ બાંગ્લાદેશથી અમદાવાદ પરત ફર્યા છે.
1971માં પૂર્વ પાકિસ્તાનથી અલગ થઈને સ્વતંત્ર બાંગ્લાદેશની રચના માટે લડત આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારને બાંગ્લાદેશની સરકારી નોકરીઓમાં અનામતના મામલે ત્યાં અનામતવિરોધી આંદોલનો થયાં અને દેશમાં હિંસા ફાટી નીકળી હતી.
સરકારી નોકરીઓમાં અનામતના વિરોધ વચ્ચે સુપ્રીમ કોર્ટે મોટા ભાગની નોકરીઓમાં અનામત સમાપ્ત કરવાનો નિર્ણય આપ્યો છે.
ગત રવિવારે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે દેશમાં 93 ટકા સરકારી નોકરીમાં ભરતી યોગ્યતાને આધારે થાય. તેમજ કોર્ટે કહ્યું હતું કે 1971ના સ્વતંત્રતા આંદોલનમાં સામેલ રહેલા સેનાનીઓના પરિજનોને માત્ર પાંચ ટકા અનામત અપાય.
બાકી અન્ય બે ટકા નોકરીઓ વિકલાંગો, ટ્રાન્સજેન્ડરો અને વંશીય અલ્પસંખ્યકો માટે અનામત રખાઈ છે.
બાંગ્લાદેશની વિવિધ કૉલેજોમાં ભારતના અને ગુજરાતના સેંકડો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમાંથી કેટલાક વિદ્યાર્થીઓ ભારત પરત આવી ગયા છે, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ હજી પણ ત્યાં છે.
બીબીસી ગુજરાતીએ બાંગ્લાદેશમાં રહેલા અને ત્યાંથી પરત આવી ગયેલા વિદ્યાર્થીઓ અને તેમનાં માતાપિતા સાથે વાત કરીને ત્યાંની સ્થિતિનો ચિતાર જાણ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાંગ્લાદેશની સરકારે ભારતીય વિદ્યાર્થીઓ માટે કેવી વ્યવસ્થા કરી છે?
અમદાવાદના દાણીલીમડામાં રહેતા જિયાન શેખ બે મહિના પહેલાં જ મેડિકલનો અભ્યાસ માટે બાંગ્લાદેશના ખુલના શહેરમાં પહોંચ્યા હતા.
તેમણે બીબીસી ગુજરાતીને જણાવ્યું, “તોફાનો ચાલુ થયાં ત્યારે મોબાઇલ નેટવર્ક અને સોશિયલ મીડિયા ચાલુ હતાં એટલે અમને સતત અપડેટ મળતી હતી અને પરિવાર સાથે સંપર્ક પણ રહેતો હતો. પણ જ્યારે મોબાઇલ નેટવર્ક અને ઇન્ટરનેટને બંધ કરી દેવામાં આવ્યાં ત્યારે પરિવારનો સંપર્ક તૂટી ગયો હતો અને હું વધારે ડરી ગયો હતો.”
પાટણ જિલ્લાના રાધનપુરના સાબુન મેમણ બાંગ્લાદેશના ખુલનાની અદ્દીન અકીજ મેડિકલ કૉલેજમાં એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે.
તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, “હું ત્રણ વર્ષથી બાંગ્લાદેશમાં અભ્યાસ કરું છું. અત્યાર સુધી અમને ત્યાં કોઈ તકલીફ પડી નથી, પણ છેલ્લા 15 દિવસથી અમે ખૂબ જ પરેશાન થયા હતા. મારા પરિવાર સાથે છેલ્લે 16 જુલાઈએ વાત થઈ હતી પછી તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.”
તેમણે ઉમેર્યું, “એ વખતે બાંગ્લાદેશમાં સ્થિતિ થોડી વણસી ગઈ હતી એટલે અમે પણ ટેન્શનમાં આવી ગયા હતા. અમારી કૉલેજ દ્વારા અમને જાણ કરવામાં આવી હતી કે ‘સ્થિતિ ખરાબ છે તો તમારે હૉસ્ટેલની બહાર નીકળવાનું નથી.’ જોકે અમારા શહેરમાં સ્થિતિ એટલી ખરાબ નહોતી. પરંતુ કરફ્યૂ લગાવવામાં આવેલો હતો. અમારી હૉસ્ટેલ દ્વારા અમારા માટે બે ગાર્ડ રાખવામાં આવ્યા હતા. જે અમને અમારી જીવન જરૂરિયાત વસ્તુઓ લાવી આપતા હતા. અમારી કૉલેજ દ્વારા અમને સુરક્ષા આપવામાં આવી હતી.”
બાંગ્લાદેશના ચિત્તાગોંગમાં મેડિકલનો અભ્યાસ કરતા ગોધરાના વિદ્યાર્થી સમીર ધનતિયાએ પણ તેમને કૉલેજ તરફથી પૂરો સહકાર અને સુરક્ષા આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
તેમણે બીબીસી ગુજરાતીને કહ્યું, “અમારા શહેરમાં હાલ માહોલ શાંતિપૂર્ણ છે. અહીંયાં કૉલેજના લોકો ખૂબ જ કો-ઑપરેટિવ છે. અમારા પ્રિન્સિપાલ અમને રોજ મળવા આવે અને અમારું ખૂબ જ ધ્યાન રાખે છે. અમે અહીંયાં સુરક્ષિત છીએ.”
સમીરના પિતા ડૉ. સલીમ ધનતિયા ગોધરાની હોમિયોપથી કૉલેજમાં પ્રોફેસર છે. તેમણે સમીર સાથે થયેલી તેમની વાતચીતના આધારે કહ્યું, “છેલ્લા બે દિવસથી સમીર સાથે સંપર્ક થઈ રહ્યો હોવાથી અમારી ચિંતા થોડી ઓછી થઈ છે. તેમણે કહ્યા અનુસાર તેમના શહેરમાં તો માહોલ શાંત છે.”
તેમણે વધુમાં જણાવ્યું “કરફ્યૂના કારણે તેમની મેસમાં જમવાનું બનાવનારા રસોઈયા આવતા નથી એટલે તેમને જમવાની સમસ્યા છે, પરંતુ તેમની કૉલેજ દ્વારા તેમના માટે ફૂડ પૅકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના પ્રિન્સિપાલ દ્વારા તેમને હૉસ્ટેલની બહાર ન નીકળવા માટેની સૂચના આપી છે. સાથે સાથે એવી બાંહેધરી પણ આપવામાં આવી છે કે જો માહોલ વધારે બગડશે તો તેમને સુરક્ષા સાથે ચિત્તાગોંગ ઍરપૉર્ટ મારફતે ભારત મોકલી દેવામાં આવશે. હવે આશા રાખીએ કે ત્યાં માહોલ શાંત થઈ જાય અને જનજીવન નૉર્મલ થઈ જાય. અમે સતત અમારા દીકરાના સંપર્કમાં છીએ.”
બાંગ્લાદેશથી ભારતીય વિદ્યાર્થીઓને કેવી રીતે પાછા લવાઈ રહ્યા છે?
બાંગ્લાદેશમાં ભારતના હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યાં વણસેલી સ્થિતિના કારણે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો ચિંતામાં મુકાઈ ગયા છે.
ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા અત્યાર સુધી 4500 કરતાં વધારે વિદ્યાર્થીઓને દેશમાં પરત લાવવામાં આવ્યા છે.
જિયાને તેઓ બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળના કોલકાતા કેવી રીતે પહોંચ્યા તેની માહિતી આપતાં કહ્યું, “ખુલના શહેરથી ભારતની બૉર્ડર 130 કિલોમીટર દૂર છે. અમને બાંગ્લાદેશની સરકાર અને ભારતની ઍમ્બેસીની મદદથી અમને એસ્કૉર્ટ સુવિધા સાથે બેનાપોલ-પેટ્રાપોલ સરહદ પર બસમાં લાવવામાં આવ્યા હતા. ત્યાંથી અમને કોલકાતા લાવવામાં આવ્યા હતા અને કોલકાતાથી વિમાનમાં અમદાવાદ લાવવામાં આવ્યા હતા.”
જ્યારે સાબુન મેમણે ભારત પરત ફરવાનો તેમનો અનુભવ જણાવતા કહ્યું, “22 જુલાઈ, સોમવારે સવારે 10 વાગે અમને અમારી કૉલેજના 53 ભારતીય વિદ્યાર્થીઓને બે એસ્કૉર્ટ સુરક્ષા ગાડી સાથે અમારી હૉસ્ટેલથી બૉર્ડર પર લઈ જવામાં આવ્યા હતા. અમે ગુજરાતના છ વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરીએ છીએ. છેલ્લા કેટલાક દિવસથી અમે ચિંતામાં હતા.”
તેમણે કહ્યું, “અમે જે રસ્તે ભારત આવી રહ્યા હતા, તે કરફ્યૂના કારણે સૂમસામ હતા. અમારી સાથે સુરક્ષા ગાર્ડ્સ હોવાથી અમારો ડર ઓછો થયો હતો. બૉર્ડર પર પહોંચીને સૌથી પહેલા મેં મારા પરિવાર સાથે વાત કરી ત્યારે મારાં માતાપિતાએ રાહતનો શ્વાસ લીધો હતો. હવે જ્યારે ત્યાં સ્થિતિ નોર્મલ થશે ત્યારે કૉલેજ દ્વારા અમને જાણ કરવામાં આવશે અને પછી અમે પરત જઈશું.”
પરિવારજનોએ સંતાનો સાથે સંપર્ક કરવા ભારતીય ફોન નંબર રિચાર્જ કરાવ્યો
ભારતીય ઍમ્બેસી બાંગ્લાદેશમાં રહેલા વિદ્યાર્થીઓના સંપર્કમાં છે. તેમને એસ્કૉર્ટ સુરક્ષા સાથે બૉર્ડર પર લાવવામાં આવી રહ્યા છે. વિદેશ મંત્રાલય દ્વારા 24 કલાકની હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે.
જ્યારે બાંગ્લાદેશ સરકારે તોફાનો ડામવા માટે ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરીને મોબાઇલ નેટવર્ક બંધ કરી દીધાં ત્યારે ભારતીય વિદ્યાર્થીઓનો પોતાના પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
જોકે કેટલાંક માતાપિતાએ પોતાનાં સંતાનો પાસે રહેલા ભારતનું સિમકાર્ડ ધરાવતાં ફોન નંબરને રિચાર્જ કરાવીને તેમની સાથેનો સંપર્ક પુનઃસ્થાપિત કર્યો હતો.
ગોધરામાં રહેતા અબ્દુલ લતીફ ભટુકના દીકરા શહેઝાદ દોઢ વર્ષથી બાંગ્લાદેશના ચિત્તાગોંગમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે.
અબ્દુલ લતીફે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, “મારા દીકરા સાથે અમારે ચાર દિવસ સુધી વાત થઈ નહોતી. બાંગ્લાદેશમાં મોબાઇલ નેટવર્ક અને ઇન્ટરનેટ સુવિધા બંધ કરી દેવામાં આવી હોવાથી એનો ત્યાંનો નંબર બંધ રહેતો હતો. અમે અલગઅલગ રીતે તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.”
“તેની સાથે વાત ન થઈ હોવાથી અમારો પૂરો પરિવાર ચિંતામાં હતા. તે દરમિયાન અમને જાણવા મળ્યું કે ભારતીય નંબર પર વાત થાય છે. જેથી અમે ગોધરાથી 1100 રૂપિયાનું રિચાર્જ કરાવ્યું એટલે ભારતીય નંબર પર વાત થવા લાગી. એની સાથે વાત કર્યા બાદ એ સુરક્ષિત હોવાના સમાચાર જાણીને અમને રાહત થઈ છે. જોકે તેની સાથે સ્પષ્ટ રીતે વાતચીત થતી નથી. ત્યાં સ્થિતિ ખરાબ હોવાથી અમને હજુ ચિંતા છે. દીકરાએ કહ્યું છે કે ભારતીય દૂતાવાસ દ્વારા એમનો સંપર્ક કરવામાં આવ્યો છે.”
અબ્દુલ લતીફે જણાવ્યા અનુસાર ગોધરાના 20 વિદ્યાર્થીઓ બાંગ્લાદેશમાં ભણે છે. જેમાંથી 12 ચિત્તાગોંગમાં અને આઠ ઢાકા શહેરમાં ભણે છે. ઢાકામાં ભણતા ચાર વિદ્યાર્થીઓ 22 જુલાઈએ ભારત પરત આવ્યા છે.
ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ માટે શું વ્યવસ્થા કરી છે?
ગુજરાત સરકાર દ્વારા મીડિયાને આપવામાં આવેલી માહિતી અનુસાર બાંગ્લાદેશમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓને સલામત પરત લાવવા માટે મુખ્ય મંત્રી દ્વારા કેન્દ્ર સરકાર સાથે સંપર્ક સંકલન કરાઈ રહ્યું છે.
કેન્દ્ર સરકાર સાથે સંકલન કરીને 14 ગુજરાતી વિદ્યાર્થીને બાંગ્લાદેશથી ભારત પરત લાવવામાં આવ્યા છે. તેમજ અન્ય 11 વિદ્યાર્થીઓને લાવવાની કામગીરી ચાલી રહી છે.
સરકારના બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશને બાંગ્લાદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓની વિગત મેળવવા 9978430075 હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. તેના માધ્યમથી 25 વિદ્યાર્થીઓના વાલીઓએ એનઆરજી ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો હતો.
આ માહિતી અનુસંધાને એનઆરજી ફાઉન્ડેશન દ્વારા વિદેશ મંત્રાલય સાથે સંકલન કરીને એ તમામ 25 વિદ્યાર્થીઓ સાથે સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો હતો.
આ વિદ્યાર્થીઓમાંથી ભરૂચનાં સાત, અમદાવાદ અને, ભાવનગરનાં બે-બે, અમરેલી, મહેસાણા અને પાટણના એક-એક વિદ્યાર્થી મળીને કુલ 14 વિદ્યાર્થીને પરત લાવવામાં આવ્યા છે.
ભારતીય વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશમાં કોઈ પણ મદદ માટે બાંગ્લાદેશસ્થિત ભારતીય હાઈકમિશન અને આસિસ્ટન્ટ હાઈકમિશનના નંબર જાહેર કર્યા છે.