ચીનની તુલનામાં ભારતનું સંરક્ષણ બજેટ કેટલું છે?

    • લેેખક, મિર્ઝા એબી બેગ
    • પદ, બીબીસી ઉર્દૂ, દિલ્હી

વિશ્વભરમાં રક્ષાના મામલાઓ પર નજર રાખનાર સંસ્થા સ્ટૉકહોમ ઇન્ટરનૅશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના (સિપરી) નવા રિપોર્ટ પ્રમાણે, સંરક્ષણના મામલે સૌથી વધુ ખર્ચ કરનાર દેશોમાં ભારત ચોથા સ્થાન પર છે.

છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ભારતે સૌથી વધારે લશ્કરી સાધનો ખરીદ્યાં છે.

મંગળવારે રજૂ કરવામાં આવેલા ભારતના સામાન્ય બજેટ પરથી પણ જાણવા મળે છે કે સરકાર રક્ષા ક્ષેત્રને વધારે મહત્ત્વ આપી રહી છે.

વર્ષ 2024-25 માટે ભારતની સંસદમાં 48 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. સૌથી વધારે લગભગ છ લાખ 22 હજાર કરોડ રૂપિયા રક્ષાના ક્ષેત્ર માટે ફાળવવામાં આવ્યા છે, જે કુલ બજેટના લગભગ 13 ટકા જેટલા છે.

કેટલાક નિષ્ણાતો કહે છે કે ગયા વર્ષની જેમ જ નાણાકીય વર્ષ 2024-25નું રક્ષા બજેટ પણ ચીન અને પાકિસ્તાનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.

રક્ષાના વિષય પર લખનાર પત્રકાર પ્રતીક પ્રશાંત મુકાનેએ સમાચાર પત્ર લાઇવ મિન્ટમાં લખ્યું છે કે ભારત પાડોશી દેશોને ધ્યાનમાં રાખીને સૈન્યના આધુનિકીકરણ પર ભાર મૂકે છે. તેમણે આ સાથે જ ચીન અને પાકિસ્તાનના રક્ષા બજેટનો પણ ઉલ્લેખ કર્યો હતો.

નોંધનીય છે કે ભારતના લગભગ 75 અબજ ડૉલરના રક્ષા બજેટની તુલનામાં ચીને 2024માં 230 અબજ ડૉલર રક્ષા બજેટ માટે ફાળવ્યા હતા. બીજી તરફ ભારતનું રક્ષા બજેટ પાકિસ્તાનના રક્ષા બજેટ કરતાં દસ ગણું વધારે છે.

આપણે જોવું રહ્યું કે ભારત સરકાર રક્ષા બજેટનો ઉપયોગ કેવી રીતે કરશે.

ભારતના રક્ષા બજેટનો ઉપયોગ કેવી રીતે થશે?

ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ઍક્સ પર નાણામંત્રી નિર્મલા સીતારમણનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમણે આ બજેટનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે તેના વિશે જાણકારી આપી હતી.

તેમણે લખ્યું કે સંરક્ષણક્ષેત્રને જે બજેટ ફાળવવામાં આવ્યું છે તેમાંથી એક લાખ 72 હજાર કરોડ રૂપિયાના રોકાણ સાથે સશસ્ત્ર દળોની ક્ષમતાને વધારે શક્તિ મળશે.

તેમણે ઉમેર્યું, "મને ખુશી છે કે કૅપિટલ હેડ તરીકે છેલ્લા બજેટમાં સરહદ નજીકના રસ્તાઓના નિર્માણ માટે જેટલી રકમ ફાળવવામાં આવી હતી તેમાં 30 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. બીઆરઓ માટે છ હજાર 500 કરોડ રૂપિયાની ફાળવણીથી બૉર્ડરના વિસ્તારોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધરશે."

સરકારી સૂચના એજન્સી પીઆઈબીની માહિતી પ્રમાણે, રક્ષા દળોનું આધુનિકીકરણ એ ભારતની પ્રાથમિકતા છે. આ માટે કૅપિટલ હેડ તરીકે ફાળવવામાં આવેલી રકમ નાણાકીય વર્ષ 2022-23માં થયેલા ખર્ચ કરતાં 20.33 ટકા વધારે છે.

સરકારના જણાવ્યા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષ માટે નિર્ધારિત વધારાના ભંડોળનો ઉદ્દેશ્ય વર્તમાન અને ત્યારપછીના નાણાકીય વર્ષોમાં મોટી ખરીદી માટેના તફાવતને ઘટાડવાનો છે.

તેનો ઉદ્દેશ્ય સશસ્ત્ર દળો માટે અત્યાધુનિક ટેકનૉલૉજી, ઘાતક હથિયાર, યુદ્ધ વિમાનો, સમુદ્રી જહાજો, સબમરીન, પ્લેટફૉર્મ્સ, પાઇલટ વગરનાં વિમાનો, ડ્રોન્સ અને વિશેષ કુશળતાવાળાં વહાનો ઉપલબ્ધ કરાવવાનો અને તૈયાર કરવાનો છે.

ભારતમાં સામાન્ય મત એ છે કે દેશના રક્ષા બજેટમાં પાકિસ્તાન અને ચીનને ધ્યાનમાં રાખીને વધારો કરવામાં આવ્યો છે જેથી કરીને સૈન્યના આધુનિકીકરણની પ્રક્રિયાને આગળ વધારી શકાય. જોકે, એક વિશ્લેષક માને છે કે ભારતનું રક્ષા બજેટ હજુ પણ પૂરતું નથી.

બીબીસીએ ભારતના રક્ષા મામલાના જાણકાર રાહુલ બેદી સાથે વાત કરી તો તેમણે જૂનાં હથિયારોના વિકલ્પ શોધવા સહિત કેટલાક એવી વાતો તરફ ધ્યાન દોર્યું જે તેમના મતે વર્તમાન બજેટમાં શક્ય નથી.

તેમણે કહ્યું કે મોંઘવારીને ધ્યાનમાં રાખીએ તો રક્ષા બજેટમાં ગયા વર્ષની તુલનામાં પાંચ ટકાનો વધારે કોઈ ખાસ મોટો વધારો નથી. "આ વધારો માત્ર 4.79 ટકા જ છે."

બેદીએ જણાવ્યું, "રક્ષા બજેટના બે ભાગ હોય છે. એક રેવન્યૂ અને બીજો કૅપિટલ. રેવન્યૂવાળા ભાગમાં ખાવા-પીવાનો ખર્ચ, આવવા-જવાનો ખર્ચ અને સેનાના સભ્યોના પગાર સામેલ છે, જેમાં બજેટનો બે-તૃતીયાંશ ભાગ ખર્ચ થાય છે. પેન્શન માટે અલગથી રકમ ફાળવવામાં આવે છે."

બેદીના મત પ્રમાણે સેનાને આધુનિક બનાવવા માટે અને લશ્કરી સાધનોને ખરીદવા માટે એક તૃતીયાંશથી થોડીક વધારે રકમ ફાળવવામાં આવી છે. સેનાની વર્તમાન સ્થિતિની ધ્યાનમાં રાખીને આ રકમ કંઈ ખાસ નથી.

રાહુલ બેદી કહે છે કે ભારતનાં 60 ટકા લશ્કરી સાધનો હજુ પણ સોવિયેટ રશિયાના સમયનાં છે. આ સમાનને આપણે "લેગેસી ઇક્વિપમેન્ટ" કહીએ છીએ અને તેની પાછળ ખૂબ જ ખર્ચો થાય છે.

બેદીએ કહ્યું કે છેલ્લાં 20 વર્ષથી આ બાબત પર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ યુક્રેનમાં યુદ્ધ પછી ચિંતા વધી ગઈ છે કે તે ઉપયોગ માટે યોગ્ય છે કે નહીં.

ચીન અને પાકિસ્તાનની તુલનામાં ભારતનું રક્ષા બજેટ

અમે બેદીને સવાલ કર્યો કે જો તેમના મતે સેના પર વધારે ખર્ચ કરવામાં આવતો નથી તો કેટલાક જાણકારો તેને પાડોશી દેશ ચીન અને પાકિસ્તાનની તુલનામાં કેવી રીતે જોઈ રહ્યા છે.

આ વાતનો જવાબ આપતા બેદીએ કહ્યું કે ચીનનું રક્ષા બજેટ 231 અબજ ડૉલરથી વધારે છે, જે ભારતના 75 અબજ ડૉલરના રક્ષા બજેટથી ઘણું વધારે છે. આ ઉપરાંત ચીન દર વર્ષે પોતાના રક્ષા બજેટમાં વધારો કરી રહ્યું છે.

"આ જ રીતે પાકિસ્તાનનું રક્ષા બજેટ પણ સાત અબજ ડૉલરથી વધારે છે. જોકે, પરમાણુ હથિયારો માટે તેમનું બજેટ સાર્વજનિક નથી. આ જ કારણે તેના વિશે કંઈ કહી ન શકાય. જોકે, પાકિસ્તાનના રક્ષા બજેટમાં છેલ્લાં છ વર્ષોમાં બીજો સૌથી મોટો વધારો જોવા મળ્યો હતો."

તેમણે કહ્યું, "વર્તમાન બજેટમાં કેટલાક સંકેતો છે જે દર્શાવે છે કે ભારતે પોતાનું બજેટ ચીન અને પાકિસ્તાનને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યું છે અને બીઆરઓના બજેટમાં થયેલા વધારાથી આ વાતની જાણકારી મળે છે."

બેદીએ ઉમેર્યું કે ભારતના રક્ષા બજેટમાં 6 હજાર 500 કરોડ રૂપિયાની ફાળવણી બીઆરઓ માટે કરવામાં આવી છે, જે ગયા વર્ષની સરખામણીમાં 30 ટકા વધારે છે.

આ વિશે રક્ષામંત્રી રાજનાથસિંહે પણ લખ્યુ હતું કે, "બીઆરઓ માટે ફાળવેલી રકમ સરહદના વિસ્તારોમાં રસ્તાના સમારકામથી લઈની બીજી વસ્તુઓ પર ખર્ચ થશે. આ કારણે બૉર્ડરની સુરક્ષા કરવા માટે અને અંતરિયાળ વિસ્તારોમાં પહોંચવામાં પણ સુવિધા મળશે."

રક્ષા ક્ષમતાના આધુનિકીકરણની ફાળવણીમાં સૌથી મોટો વધારો થયો છે. રાહુલ બેદી કહે છે કે આ ફાળવણીને કારણે લશ્કરી સાધનો બનાવનાર સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહન મળશે.

તેમના મત પ્રમાણે, "ભારતને આધુનિક હથિયારોની જરૂર છે. આ ઉપરાંત જૂનાં લશ્કરી સાધનોની જગ્યાએ નવાં સાધનો લેવાં માટે ખૂબ પૈસાની જરૂર છે, જે તેમની પાસે નથી."

રાહુલ બેદીએ કહ્યું, "ભારત પાસે હાલમાં 13 લાખ સૈનિકો છે અને આ સંખ્યા આઠ લાખ સુધી લાવવાની યોજના છે. આમ, સૈનિકોના પગાર અને બીજા ખર્ચાઓમાં ઘટાડો થશે અને તે રકમનો ઉપયોગ બીજી જરૂરિયાતો પર કરી શકાય."

બેદીએ પહેલાં બીબીસી સાથે વાત કરતી વખતે કહ્યું હતું કે જો પાંચ લાખ સૈનિકોની સંખ્યા ઘટાડવામા આવે તો પેન્શન, પગાર અને મેડિકલ જેવી બીજી સુવિધાઓના ખર્ચામાં પણ ઘટાડો થશે.

બેદીએ કહ્યું, "ભારતની ચીન સાથે ત્રણ હજાર 500 કિલોમીટર અને પાકિસ્તાન સાથે 774 કિલોમીટર લાંબી સરહદ છે. મોટા ભાગનો વિસ્તાર પહાડી અને દુર્ગમ છે. ભારતની સેના પાસે હાલમાં જે ટેકનૉલૉજી છે તેના વડે તે મુશ્કેલ સરહદી વિસ્તારો પર નજર રાખવી ખૂબ જ મુશ્કેલ છે."

"આ સરહદો પર સૈનિકોને રહેવાની જરૂરિયાત છે. આધુનિક ટેકનૉલૉજી ખૂબ જ આગળ વધી ગઈ છે, પરંતુ તે મેળવવા માટે ખૂબ જ રૂપિયા જોઈએ."