ભારતની સેના શું એટલી નબળી છે જેવો ચીને દાવો કર્યો? કેટલી શક્તિશાળી છે ભારતની સેના?

    • લેેખક, દીપક મંડલ
    • પદ, બીબીસી સંવાદદાતા

એશિયન દેશોની સુરક્ષા મામલાની એક મહત્ત્વની બેઠકમાં શાંગરી-લા ડાયલૉગમાં ભાગ લઈ રહેલા ચીનના એક દળે ભારતની સૈન્યક્ષમતા પર સવાલ કરી નવી ચર્ચાને વેગ આપ્યો છે.

તાજેતરમાં સિંગાપોરમાં આયોજિત શાંગરી-લા ડાયલૉગ પછી એક પત્રકારપરિષદમાં ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીના ઉચ્ચમંડળે કહ્યું કે ભારતની સેના ચીનની સેના માટે પડકાર બની શકે એમ નથી.

એમનું કહેવું હતું કે સેનાના આધુનિકીકરણ અને ડિફેન્સ મૅન્યુફૅક્ચરિંગ ક્ષમતામાં ભારત ચીનને પડકાર ફેંકી શકે એ સ્થિતિમાં નથી.

‘સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટ’ના જણાવ્યા પ્રમાણે પીએલએ એકૅડેમી ઑફ મિલિટરી સાયન્સના વરિષ્ઠ કર્નલ ઝાઓ જિયાઝાઉએ કહ્યું કે, "આવનારા કેટલાક દાયકા દરમિયાન ભારત સૈન્યશક્તિમાં ચીનનો સામનો કરવાની સ્થિતિમાં નહીં હોય, કારણ કે તેમનું ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નબળું છે. જ્યારે ચીન સેના માટે મૅન્યુફૅક્ચરિંગનાં મોટાં અને આધુનિક પ્લૅટફૉર્મ બનાવી ચૂક્યું છે."

ચીનની સેનાના વરિષ્ઠ અધિકારીની આ ટિપ્પણી પછી ચીન અને ભારતની હાલની શક્તિની સરખામણી શરૂ થઈ ગઈ છે.

ઘણા વિશ્લેષકોનું કહેવું છે કે "એમાં કોઈ બે મત નથી કે ચીનની સેના ઘણી જ મજબૂત છે. પરંતુ એ પણ સાચું છે કે પાછલાં કેટલાંક વર્ષોમાં ભારતે પોતાની સેનાના આધુનિકીકરણ પર ઘણો જ ભાર મૂક્યો છે.

સ્ટૉકહોમ ઇન્ટરનેશનલ પીસ ઇન્સ્ટિટ્યૂટ (સિપરી)ના આંકડા મુજબ વર્ષ 2018થી 2022 સુધી ભારત દુનિયામાં સૌથી વધુ હથિયારો આયાત કર્યાં છે. આ દરમિયાન તેનાં 31 ટકા હથિયારો માત્ર રશિયાથી આવ્યાં છે.

ચીનની મહત્ત્વકાંક્ષા અને ભારતની તૈયારીઓ

પીએલએ નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીના ઍસોસિયેટ પ્રોફેસર અને શાંગરી-લા ડાયલૉગમાં ભાગ લેવા આવેલ વરિષ્ઠ કર્નલ ઝાંગ લી પણ આ વાતને માને છે.

તેમણે ‘સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટ’ને કહ્યું કે ભારત પોતાને સુપરપાવર બનાવવા માટે સેનાને મજબૂત કરવામાં કોઈ જ કસર છોડી નથી રહ્યું.

બીજી તરફ, આર્થિક રીતે સતત મજબૂત થવાની સાથે ચીનની વ્યૂહાત્મક મહત્ત્વકાંક્ષાઓ પણ વધી રહી છે.

હાલ તો ચીન અમેરિકાને ગંભીર પ્રતિદ્વંદ્વીના રૂપમાં જોઈ રહ્યું છે. સાથે જ ચીન માટે એશિયામાં ભારત અને જાપાન જેવી વિશાળ શક્તિઓ પણ છે.

ઇન્ડો-પેસિફિકથી લઈને દક્ષિણ ચીન સાગર સુધી ચીન અને એના પ્રતિસ્પર્ધીઓની વચ્ચે અનેક મોરચા ખુલ્લા છે. એટલે ચીન સતત પોતાની સૈન્યક્ષમતાઓ મજબૂત કરવામાં લાગેલું છે.

આ વર્ષે માર્ચમાં ચીનનું વાર્ષિક સત્ર શરૂ થયું એ પહેલાં જ ચીનના વડા પ્રધાન લી કેચિયાંગે ઘોષણા કરી હતી કે તેમનો દેશ વર્ષ 2023માં સેના પર 225 અબજ ડૉલર ખરચશે, જે પાછલા વર્ષની સરખામણીએ 7.2 ટકા વધુ છે.

ચીનનું રક્ષા બજેટ વર્ષ 2020માં 6.6, વર્ષ 2021માં 6.8 અને વર્ષ 2022માં 7.1 ટકા વધ્યું હતું. આવું ત્યારે છે જ્યારે ચીનની અર્થવ્યવસ્થાની ગતિ પહેલાંની સરખામણીએ ધીમી પડી છે.

ચીનનું 225 અરબ ડૉલરનું રક્ષા બજેટ અમેરિકાના રક્ષા બજેટનું એક તૃતીયાંશ છે. પણ આ ભારતના રક્ષા બજેટથી ત્રણ ગણું છે. વર્ષ 2023-24માં ભારતનું રક્ષા બજેટ 54.2 અરબ ડૉલરનું હશે.

ચીનની અર્થવ્યવસ્થાનો વિકાસદરનું લક્ષ્ય પાંચ ટકા છે અને તે પોતાની સેના ઉપર સાત ટકા વધુ ખરચી રહ્યું છે. બીજી બાજુ ભારતની અર્થવ્યવસ્થાના વિકાસદરનું લક્ષ્ય આવનારા નાણાકીય વર્ષમાં સાત ટકાથી ઓછું રહેવાની સંભાવના છે પરંતુ એનું રક્ષા બજેટ 13 ટકા વધ્યું છે.

ગલવાનની ઘટના પછી ભારતની તૈયારીઓ

વર્ષ 2020માં ચીનના સૈનિકો સાથે લદ્દાખના ગલવાનમાં થયેલી હિંસક ઝડપમાં 20 ભારતીય સૈનિકોનાં મોત બાદ ભારતે પોતાની રક્ષા તૈયારીઓને ખૂબ જ ગંભીરતાથી લેવાની શરૂ કરી છે.

અમેરિકાના થિંક ટૅન્ક યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પીસનું કહેવું છે કે આ ઘર્ષણ પછી ભારતે ચીન સાથે જોડાયેલી પોતાની સીમાઓ પર સૈન્ય તૈયારીઓને ઘણો જ વેગ આપ્યો છે.

એલએસીમાં ભારતે લગભગ 50 હજાર વધુ સૈનિકો તહેનાત કર્યા છે. ભારતીય વાયુસેનાને સીમાની નજીક તહેનાત કરી છે.

સીમા સાથે લાગેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરાઈ રહ્યાં છે.

એલએસી સાથે સંકળાયેલા 73 વ્યૂહાત્મક માર્ગો તૈયાર કરવામાં આવી રહ્યા છે. અરુણાચલ પ્રદેશમાં જ 1430 માઇલ લાંબો રસ્તો તૈયાર થઈ રહ્યો છે.

ભારતના 5.94 લાખ કરોડ રૂપિયાના રક્ષા બજેટમાંથી 1.62 લાખ કરોડ રૂપિયા નવાં હથિયાર અને સૈન્યનાં શસ્ત્ર-સરંજામ માટે ફાળવવામાં આવ્યા છે.

ચીનની શક્તિથી ભારતને કેટલી ચિંતા કરવાની જરૂર છે?

ચીન પોતાની સેના પર ભારતથી વધુ ખર્ચ કરે છે. તો શું ભારત કરતાં ચીનનું રક્ષા બજેટ વધુ હોવાથી ભારતે ચિંતા કરવાની જરૂર છે?

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ચીનના અભ્યાસને લગતા વિભાગમાં ઍસોસિએટ પ્રોફેસર અરવિંદ યેલેરી કેહ છે કે, "જો જીડીપીની સરખામણીએ રક્ષા બજેટના આધારે સરખામણી કરીશું તો સાચી તસવીર સામે નહીં આવે. દરેક દેશની રક્ષાને લગતી જરૂરિયાતો અલગ હોય છે."

"ચીન અને અમેરિકા વ્યૂહાત્મક રીતે દુનિયામાં પોતાને જ્યાં સ્થાપિત કરવા માગે છે તેના માટે તેમણે વધુ ખર્ચ કરવો પડશે. જરૂરી નથી ભારત આ મામલે તેમની સાથે પ્રતિસ્પર્ધા કરી વધુ ખરચો કરે."

શાંગરી-લા ડાયલૉગમાં ચીની સેનાના અધિકારીઓએ ભારતની સૈન્યક્ષમતાઓ પર જે સવાલ ઉઠાવ્યા છે એ કેટલા યોગ્ય છે?

યેલેરી કહે છે, "ભારત રક્ષા ઉત્પાદનમાં હવે ડાઇવર્સિફાઇડ કરી રહ્યું છે. ભારત રશિયા, ફ્રાન્સ, અમેરિકા અને ઇઝરાયલથી હથિયાર ખરીદી રહ્યું છે. પરંતુ હવે તે હથિયાર અને સૈન્ય શસ્ત્ર-સરંજામની મૅન્યુફૅક્ચરિંગમાં આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહ્યું છે. ભલે આ ખર્ચ રક્ષા બજેટમાં ન દેખાય પરંતુ હથિયારો અને શસ્ત્ર-સરંજામને લઈને ખર્ચ વધી રહ્યો છે."

‘ભારતનું રક્ષા બજેટ ઓછું પરંતુ તૈયારી નબળી નહીં’

ચીન પોતાની સૈન્ય તૈયારીઓને લઈને ખૂબ જ આક્રમક છે. શું ભારતે આનાથી ચિંતા કરવી જોઈએ?

યેલેરી કહે છે, "ભારતની પોતાની રક્ષા જરૂરિયાતો છે અને તે એને ધ્યાનમાં રાખીને જ કામ કરી રહ્યું છે. "

"તો ચીનની મહત્ત્વકાંક્ષા ઘણી વધારે છે. તે હિંદ મહાસાગર, ઈન્ડો-પેસિફિકથી લઈને દક્ષિણ ચીન સાગર સુધી, એટલે કે અલગ-અલગ સ્થળો પર બંદરો બનાવવાથી લઈને અનેક પ્રકારનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહ્યું છે. એટલે તેનો રક્ષા ખર્ચ વધી રહ્યો છે."

યેલેરીનું કહેવું છે કે,"સૈન્ય બાબતોમાં ભારત ચીનની સરખામણીમાં વધુ જવાબદાર અને વિશ્વાસપાત્ર દેશ છે. એટલે ભારતનું રક્ષા બજેટ ઓછું છે અને આનો મતલબ એ નથી કે તે રક્ષા તૈયારીઓ પર ભાર નથી મૂકી રહ્યું."

"પાછલાં કેટલાંક વર્ષોમાં ભારતે સૈન્ય તૈયારીઓમાં ખાસ્સું એવું કામ કર્યું છે. તમે જોશો કે ભારતે ડિફેન્સ રિસર્ચ પર કામ કર્યું છે અને આની અસર મૅન્યુફૅક્ચરિંગ પર પડી છે."

યેલેરી કહે છે કે "જો કોઈ દેશનો રક્ષા ખર્ચ વધુ જોવા મળે છે, પરંતુ તે માત્ર ખરીદી કરી રહ્યો છે તો તેનાથી તેની આત્મનિર્ભરતા ઘટી રહી છે. "

ભારત આ સ્થિતિને સમજે છે. એટલે જેમ-જેમ યુદ્ધનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે ભારત એ જ પ્રમાણે પોતાની તૈયારીઓને આકાર આપી રહ્યું છે.

‘ચીનની ક્ષમતાને હજી પારખવાની બાકી’

ચીને ભારતની ડિફેન્સ મૅન્યુફૅક્ચરિંગ પર સવાલ કર્યો છે. પરંતુ યેલેરી સવાલ કરે છે કે અમેરિકા અને ઑસ્ટ્રેલિયાની સરખાણીએ ચીનની ડિફેન્સ મૅન્યુફૅક્ચરિંગની ગણવત્તા ક્યાં ટકે છે, એ પણ જોવું રહ્યું.

ચીન પાસે ડિફેન્સ મૅન્યુફૅક્ચરિંગ હોઈ શકે છે પણ સવાલ એ છે કે આની ગુણવત્તા કેટલી છે? હજી આને પારખવામાં નથી આવી. ચીન દર વર્ષે એક વિશાળકાય યંત્ર બનાવે છે અથવા યુદ્ધજહાજ બનાવે છે. પણ ગુણવત્તામાં એ ક્યાં ટકે છે એ મોટો સવાલ છે.

યેલેરી કહે છે કે નૌસેનાની બાબતમાં ભારત સદીઓથી એક મોટી શક્તિ રહ્યો છે. ચોલ અને મરાઠા શાસકો પાસે મજબૂત નૌસૈના હતી. જ્યારે ચીન આ મામલે નબળું રહ્યું છે. ચીને સમુદ્ધમાં કોઈ યુદ્ધ નથી લડ્યું. એટલે આ મામલે તેમની ક્ષમતા શંકાના ઘેરામાં છે.

અરવિંદ યેલેરી કહે છે કે "એ કહેવું ખોટું છે કે ભારતનું ડિફેન્સ મૅન્યુફૅક્ચરિંગ નબળું છે એટલે એની સૈન્યક્ષમતા નબળી હોઈ શકે છે."

" ચીન મૅન્યુફૅક્ચરિંગની જે કથિત નબળાઈની વાત કરી રહ્યો છે, એનાથી એ ન સમજવું જોઈએ કે ભારતની સૈન્યક્ષમતા આક્રમણ કરવા યોગ્ય નથી. ચીનના આ વલણને બદલવાની જરૂર છે."