અમદાવાદથી પણ ઓછી વસતી ધરાવતો આ દેશ ચીન સાથે સમજૂતી કરે તો ભારતને શો ફેર પડે?

    • લેેખક, અનબરાસન ઍથિરાજન
    • પદ, બીબીસી સંવાદદાતા

ભૂતાન એશિયાના બે સૌથી તાકતવર દેશો વચ્ચે સ્થિત છે. આ શક્તિશાળી દેશો વચ્ચે રહેવું તેના માટે પણ સરળ નથી.

કારણ એ જ કે ભૂતાન એવા બે દેશોમાંથી એક છે, જેની સાથે ચીન સરહદી મુદ્દાઓ ઉકેલવામાં સફળ રહ્યું નથી અને બીજો ભારત છે, જેની સાથે ચીનના લાંબા સમયથી તણાવભર્યા સંબંધો છે.

ભૂતાનને લઈને નોંધવાલાયક વસ્તુ એ છે કે તેની વસતી અમદાવાદથી પણ ઓછી છે અને ભારત-ચીન વચ્ચેના સીમા વિવાદમાં તેનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે.

આજે ચીન વૈશ્વિક મંચ પર એક મોટી શક્તિ તરીકે ઊભરી આવ્યું છે. આવી સ્થિતિમાં ચીન સાથે સમજૂતી કરવા માટે ભૂતાન પર દબાણ વધી ગયું છે, પરંતુ કોઈ પણ મોટી સમજૂતી કરતા પહેલાં ભૂતાને સરહદી મિત્ર ભારત પાસેથી સહમતિ લેવી પણ જરૂરી છે.

ભૂતાન અને ભારત વચ્ચેના સંબંધો ખૂબ જ ગાઢ છે. ભારત ભૂતાનને અબજોની આર્થિક અને સૈન્ય મદદ કરી રહ્યું છે.

ભૂતાન અને ચીન વચ્ચે ઉત્તર અને પશ્ચિમ હિમાલયના વિસ્તારને લઈને વિવાદ ચાલી રહ્યો છે.

આ વિવાદાસ્પદ સ્થળોમાં ડોકલામ સૌથી મહત્ત્વપૂર્ણ છે. ડોકલામ ભારત, ભૂતાન અને ચીન ટ્રાઈ-જંક્શન પાસે છે. ભૂતાન અને ચીન બંને જ આ વિસ્તારને પોતાનો જણાવે છે અને આ વિવાદમાં ભૂતાન ભારતની સાથે છે.

ભારતના ભૂતાન સાથે મજબૂતીથી ઊભા રહેવા પાછળ ખુદનાં અલગ કારણો છે. જાણકારો માને છે કે ડોકલામ પહાડી સુરક્ષાની દૃષ્ટિએ ભારત માટે ઘણું મહત્ત્વપૂર્ણ છે.

જો ચીનનો પ્રભાવ અહીં વધે તો ભારતના સિલિગુડી કૉરિડોર (જે ચિકન-નૅક નામથી પણ જાણીતો છે) માટે ખતરો બની શકે છે.

ભૂતાનના વડા પ્રધાનનું નિવેદન અને ભારતમાં હલચલ

બૅલ્જિયમના એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં ભૂતાનના વડા પ્રધાન લોટે છૃંગે એક દેશ તરીકે પોતાની સરહદોનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહ્યું હતું, "આ સમસ્યા માત્ર ભૂતાન ઉકેલી શકતું નથી. અમે ત્રણ છીએ. તેમાંથી કોઈ નાનો કે મોટો દેશ નથી. ત્રણેય બરાબર છે. જો બાકીના બે દેશ આ માટે તૈયાર હોય તો અમે પણ તૈયાર છીએ."

તેમણે એ પણ આશા વ્યક્ત કરી કે ભૂતાન અને ચીન એક કે તેથી વધુ બેઠકમાં પોતાની કેટલીક સરહદોના સીમાંકન કરવામાં સક્ષમ હશે. આ બંને દેશો વચ્ચે 1984થી સરહદને લઈને વાતચીત ચાલી રહી છે.

પીએમ છૃંગના આ નિવેદને ભારતમાં ચર્ચાઓ જગાવી છે. ઘણા વિશ્લેષકોએ એ વાતની પણ શક્યતાઓ રજૂ કરી કે ક્યાંક ભૂતાન અને ચીન સાથે ટ્રાઈ-જંક્શનને લઈને કોઈ સ્વૅપ એગ્રિમૅન્ટ તો થયું નથી ને? કેટલાક જાણકારોનું માનવું છે કે ભૂતાન ડોકલામ પર કરાયેલા પોતાના દાવાને મજબૂતી સાથે રજૂ કરી રહ્યો નથી.

ભૂતપૂર્વ વરિષ્ઠ ભારતીય રાજદ્વારી અને હિમાલય સંબંધિત બાબતોનાં નિષ્ણાત પી. સ્ટોબદાન કહે છે, "ભારતને ચિંતા છે કે ચીન તેમને પરેશાન કરવા માટે ભૂતાન પર સીમાવિવાદ ઉકેલવાનું દબાણ ઊભું કરી રહ્યું છે."

"સ્વાભાવિક રીતે ભૂતાન ચીન સાથેના તેના મતભેદો ઉકેલવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા માગે છે. તાજેતરમાં સરહદ વિવાદના ઉકેલમાં ચીનની ભૂમિકા પ્રત્યે ભૂતાનના વલણમાં થોડો ફેરફાર થયો છે."

ભારતીય મીડિયામાં ખળભળાટ મચ્યા બાદ છૃંગે આ મહિનાની શરૂઆતમાં પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી હતી.

તેમણે ભૂતાનના એક સાપ્તાહિક અખબારને કહ્યું, "મેં કંઈ નવું કહ્યું નથી અને ભૂતાનની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી."

'ભૂતાન અને ચીન વચ્ચેની સમજૂતીમાં ભારત અવરોધરૂપ'

ભૂતાનના ઘણા લોકો ભારતીય મીડિયામાં છૃંગની ટિપ્પણી પર આવેલી પ્રતિક્રિયાથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા, તો ચીનમાં એક એવો પણ સંદેશ ગયો કે ભારતના સમર્થન વગર ભૂતાન ચીન સાથે કોઈ પણ સમજૂતી વગર પહોંચી શકતું નથી.

શાંઘાઈ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇન્ટરનેશનલ સ્ટડીઝના એક સિનિયર ફૅલો લિયૂ જૉંગ્યી બીબીસીને કહે છે, "અહીં ભારત અવરોધરૂપ છે. જો ચીન અને ભૂતાન સરહદી મુદ્દાને ઉકેલે છે, તો ભારત એકલું થઈ જશે. મને નથી લાગતું કે ભારત એ થવા દેશે."

તેમણે કહ્યું કે ચીન અને ભૂતાન 1996ની આસપાસ એક સમજૂતી પર પહોંચવાથી ઘણી નજીક હતું, પરંતુ ભારતના હસ્તક્ષેપના કારણે તે નિષ્ફળ ગઈ.

ભૂતાન-ચીન સીમાનો મુદ્દો ભારત-ચીનના દાયકાઓ જૂના સરહદ તણાવ સાથે જોડાયેલો છે.

ભારત અને ચીન વચ્ચે સરહદોની સ્પષ્ટ વહેંચણી થઈ નથી. સરહદસ્થિત ઘણા વિસ્તારો પર બંને દેશો પોતાનો દાવો કરી રહ્યા છે.

ભારત કહે છે કે બંને દેશોની સીમા 3488 કિલોમીટરની છે તો ચીન કહે છે કે તે માત્ર બે હજાર કિલોમીટરની છે.

બંને દેશો વચ્ચેની વાસ્તવિક સરહદ ઉત્તર લદ્દાખથી શરૂ થઈને અરુણાચલ પ્રદેશ (જેને ચીન દક્ષિણ તિબેટ કહે છે) સુધી જાય છે.

ચીનની વધતી આર્થિક અને સૈન્ય તાકત પર પણ ભૂતાન નજર રાખીને બેઠું છે. ઘણા ભૂતાની લોકોને લાગે છે કે ચીન સાથે જલદીથી સમજૂતી કરવી દેશ માટે સારી રહેશે.

એક ભૂતાની વિશેષજ્ઞે નામ ન છાપવાની શરતે કહ્યું, "ચીનની શક્તિ એક વાસ્તવિક્તા છે. શું ભૂતાન પાસે ચીન સાથે રાજનૈતિક સંબંધો ન રાખવાનો વિકલ્પ છે? મને નથી લાગતું કે તે એક યોગ્ય સ્થિતિ હશે."

શું ભૂતાન આપમેળે કોઈ સમજૂતી કરી શકશે?

ભારત અને ભૂતાને 1949માં એક વિશેષ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા, જે ભારતની સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી.

2007માં સંધિને સંશોધન કરવામાં આવ્યું અને ભૂતાનને વિદેશનીતિ અને સૈન્યને લગતી ખરીદી કરવામાં વધુ છૂટ આપવામાં આવી હતી.

સેંકડો ભારતીય સૈનિકોને ભૂતાનમાં તહેનાત કરવામાં આવ્યા છે અને અધિકારીઓનું કહેવું છે કે તેઓ ભૂતાની સૈનિકોને પ્રશિક્ષણ આપે છે. ભૂતાનનું સૈન્ય મુખ્યાલય પશ્ચિમી શહેરમાં છે, જે ડોકલામથી માત્ર 20 કિલોમીટર દૂર છે.

વાંગ્ચા સાંગે જેવા ભૂતાની વિશ્લેષકોને લાગે છે કે જો ભૂતાન પર ડોકલામને પોતાનું દર્શાવવાનું દબાણ ન હોત તો ભૂતાન ચીન સાથે સરહદને લઈને સમજૂતી કરી લેત.

તેઓ કહે છે, "અમે ડોકલામ પર કેવી રીતે દાવો કરીએ છીએ? ડોકલામના ભાગ તરીકે અમારે પાસે પહેલાં જે હતું, એ અત્યારે પણ છે. જે અમારી પાસે છે જ નહીં, તેને અમે ચીન પાસેથી લઈ શકતા નથી."

સાંગે જેવા વિશ્લેષકોનો તર્ક છે કે હાલમાં ભૂતાન પોતાની મોટા ભાગની જરૂરિયાતો માટે ભારતથી આયાત પર નિર્ભર છે. તેથી હવે ભૂતાનને પોતાના સપ્લાયમાં વિવિધતા લાવવા માટે ઉત્તરમાં આવેલા પાડોશી ચીન તરફ વધવું જોઈએ.

ભૂતાનના વડા પ્રધાનની ટિપ્પણી પર ભારતના વિદેશ મંત્રાલય તરફથી સાવચેતીભર્યો પ્રતિસાદ મળ્યો છે.

એપ્રિલની શરૂઆતમાં પત્રકારો સાથે વાત કરતા ભારતીય વિદેશ મંત્રાલયના સ્થાયી સચિવ વિનય મોહન કવાત્રાએ જણાવ્યું, "ભારત અને ભૂતાન રાષ્ટ્રીય હિત અને સુરક્ષા હિતો શૅર કરે છે. આવી સ્થિતિમાં બંને દેશો એકબીજા સાથે સંપર્ક અને સમન્વયમાં રહે છે."

"હું ટ્રાઈ-જંક્શન વિવાદ પર સ્પષ્ટ કરવા માગું છું કે હું આ અંગેના મારા અગાઉનાં નિવેદનોનું પુનરાવર્તન કરીશ, સ્પષ્ટપણે અમારી સ્થિતિ પહેલાં જેવી જ છે."

ભારત તેના વ્યૂહાત્મક મહત્ત્વના કારણે ડોકલામની આસપાસ કોઈ મોટા ફેરફારો ઇચ્છતું નથી. બીજી તરફ, ભૂતાન જેવા દેશ માટે ચીન પર પોતાનો દાવો છોડવા માટે દબાણ કરવું મુશ્કેલ બનશે.

એવા સમયમાં જેને લોકો 'એશિયન શતાબ્દી' કહે છે, ભૂતાન વિશ્વની બે ઉભરતી અર્થવ્યવસ્થાઓ સાથે સરહદ વહેંચે છે. ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભૂતાન એક સંવેદનશીલ સ્થિતિમાં ઊભું છે.