You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇઝરાયલ લેબનોનમાં લોકોનાં ઘર કેમ તોડી રહ્યો છે?
- લેેખક, કરીન તોરબી
- પદ, બીબીસી અરબી, બેરૂત
લેબનોનમાં સતત વધી રહેલા તણાવ અને સીમા પર થઈ રહેલા હુમલાઓને કારણે અત્યાર સુધીમાં 70થી વધારે નાગરિકોનાં મોત થઈ ચૂક્યાં છે. આ હુમલાઓને કારણે દક્ષિણ લેબનોનના કેટલાક હિસ્સાઓને લગભગ બરબાદ કરી નાખ્યા છે.
રહેવાસીઓ પોતાનાં ઘર છોડીને ભાગી ગયા હતા. આ ઘરો હવે ખંડેરમાં બદલાઈ જશે, તેમ છતાં લોકો તેને છોડીને ચાલ્યા ગયા છે.
સંયુક્ત રાષ્ટ્રનાં શાંતિરક્ષક દળો સાથે બીબીસી આ વિસ્તારોમાં પરિસ્થિતિ કેવી છે જે જોવા માટે પહોંચ્યું.
આ વિસ્તારમાં પહોંચતાની સાથે જ એક મોટા ખાડામાં એક ગોદડું જોયું. પત્થરો અને ધૂળમાં દબાયેલું એ ગોદડું કેટલાક દિવસ પહેલાં એક બિલ્ડીંગની ડાબી બાજુ પડ્યું હતું.
યારિનમાં લેબનોનનાં એક સૈન્ય અધિકારીએ કહ્યું, “અમે તેને “ધી પૂલ” કહીએ છીએ.”
જે વિસ્તારમાં સંઘર્ષ થઈ રહ્યો છે તેની સૌથી નજીક યારિન શહેર છે.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નક્કી કરાયેલ બ્લૂ લાઇનથી યારિન માત્ર એક કિલોમીટર દૂર છે.
આ વિસ્તારમાં ઇઝરાયલ અને લેબનોન વચ્ચેની અધિકૃત બૉર્ડર છે અને વિસ્તારમાં સંઘર્ષ અને અશાંતિ રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બ્લૂ લાઇનની નજીક આવેલા શહેરના વિસ્તારોમાં એક સરખો જ નજારો છે. ઇમારતો સંપૂર્ણપણે ધૂળમાં મળી ગઈ છે અથવા મોટા ખાડામાં પડી ગઈ છે.
કેટલીક ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ છે અને કેટલીક બચી ગઈ છે. અમે અહીંથી આગળ વધ્યા તો ખાડા જ નજરે પડ્યા.
ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેના સંઘર્ષનું પરિણામ
યારિનથી ચાર કિલોમીટર દૂર પશ્ચિમમાં અલમાન અલ શાબ છે.
એક વિલા અહીં એકદમ ધ્વસ્ત થઈ ગઈ છે અને સામે રહેલી ગાડીઓ પણ ધ્વસ્ત થઈ ગઈ હતી.
એક માત્ર વાડી બચી છે, જેની ચારેતરફ પત્થરના ઢગલા છે. ધડાકાઓને કારણે આસપાસનાં ઘરોની બારીઓ પણ તૂટી ગઈ છે.
વિલાના 75 વર્ષીય માલિક નદીમ સાયાએ કહ્યું, “અમે બધા જ તેનાં (સંધર્ષનાં) પરિણામો ભોગવી રહ્યાં છીએ.”
નદીમા સાયાએ કહ્યું, "હું એક બલ્બ હંમેશાં ચાલુ રાખું છું એ આશાએ કે મારું પારિવારિક ઘર બચી જાય."
તેમણે કહ્યું, “જોકે, હવે બધું જ ખતમ થઈ ગયુ છે. ઘરમાં રાખેલો સામાન અને ગાડીઓ. હું જેટલો જલદી પાછો આવી શકીશ એટલો ઝડપથી હું અહીં પાછો આવીશ. પછી ભલેને મારે ટૅન્ટમાં જ રહેવું પડે.”
એક સૈનિકે ઘર તરફ ઇશારો કરતાં કહ્યું, "એક મિસાઇલે જ આ હાલત કરી હતી."
હિઝબુલ્લાહ જૂથે હમાસના સમર્થનમાં ઇઝરાયલ પર રૉકેટ હુમલા શરૂ કરી દીધા હતા.
ત્યારપછી ઇઝરાયલે દક્ષિણ લેબનોન પર હુમલાઓ શરૂ કરી દીધા. આ હુમલા દરરોજ થઈ રહ્યા હતા. ત્યારપછી બન્ને તરફથી હુમલાઓની સંખ્યા વધી ગઈ.
આ હુમલાઓને કારણે આ આખો વિસ્તાર ખૂબ જ ખતરનાક બની ગયો છે. આ વિસ્તારમાં ખતરાનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો કે અહીં ત્રણ રિપોર્ટરોનાં મોત થયાં છે.
આ ત્રણ રિપોર્ટરમાંથી એક રૉયટર્સના અને બે રિપોર્ટર મયાદીન મીડિયાના હતા. બંને મીડિયા સંસ્થાએ ઇઝરાયલને જવાબદાર ગણાવ્યું છે.
સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષક દળ યુનિફિલ સાથે બીબીસી પણ આ બૉર્ડર વિસ્તારોમાં પહોંચ્યું. ઇઝરાયલે કહ્યું કે પત્રકારો તેમના હુમલાઓમાં નથી મર્યા.
ઇઝરાયલી સેનાએ કરેલો 'વિધ્વંસ'
ઇઝરાયલે 1978માં આ વિસ્તારમાં હુમલો કર્યો હતો અને પછી પરત ફર્યું હતું. પરંતુ ત્યારથી અહીં યુનિફિલ તૈનાત છે.
હમણાં સુધી યુનિફિલ એ વાત પર ગર્વ કરતું હતું કે અહીંયા તેમણે લેબનોન અને ઇઝરાયલ વચ્ચે લાંબા સમય સુધી શાંતિ જોઈ છે. હિઝબુલ્લાહ અને ઇઝરાયલની વચ્ચે 2006માં લડાઈ થઈ હતી અને ત્યારથી લઈને હમણાં સુધી લગભગ 16 વર્ષથી વધારે સમય સુધી અહીંયા શાંતિ રહી.
જયારે બીબીસીની ટીમ ત્યાં શૂટ કરી રહી હતી તો એવું લાગ્યું કે કોઈ ઇઝરાયલી ડ્રૉન આવી રહ્યું છે.
થોડી જ વારમાં થોડી દૂરથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા. સાફ હતું કે, આ ઇઝરાયલી હુમલો છે. એ જોવું અઘરું હતું કે કઈ વસ્તુ પર હુમલો કરવામાં આવ્યો છે.
ઇઝરાયલી સેનાનું કહેવું છે કે તે હિઝબુલ્લાહના લડવૈયાઓ અને તેમના ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપર હુમલા કરી રહ્યા છે.
તેમનું એ પણ કહેવું છે કે તેમના ઉત્તર ઇઝરાયલના સૈનિક અડ્ડાઓ ઉપર થઈ રહેલા હુમલાનો જવાબ આપી રહ્યા છે.
પરંતુ અમુક લેબનોનના અધિકારીઓનું કહેવું છે કે ઇઝરાયલની સેના આ વિસ્તારમાં 'સ્કૉર્ચ્ડ અર્થ ટૅક્ટિક્સ'નો (અતિવિષમ રણનીતિઓ) ઉપયોગ કરી રહી છે.
આ રણનીતિમાં કોઈ વિસ્તારમાં પાણી, જાનવરો, છોડ - ઝાડથી સહિત તમામ જ વસ્તુઓનો નાશ કરવામાં આવે છે, જેથી દુશ્મનની સેના લડી જ ના શકે.
આ કારણથી આવા વિસ્તાર લોકો માટે રહેવાને લાયક નથી રહેતા. જેમણે આવા આક્ષેપો કર્યા છે તેમાં લેબનોનના કાર્યવાહક વડા પ્રધાન અને સંસદના સ્પીકરનો સમાવેશ થાય છે.
હાલમાં, દક્ષિણ લેબનોનનાં ઘણા ગામોમાં જીવનનાં કોઈ ચિન્હો દેખાતા નથી. લોકો આ ગામો છોડીને ભાગી ગયા છે. આ ગામો હવે સાવ વેરાન થઈ ગયાં છે.
અત્યાર સુધીમાં 90 હજાર લેબનોનવાસીઓ વિસ્થાપિત થયા છે
ઇન્ટરનેશનલ ઑર્ગેનાઇઝેશન ઑફ માઇગ્રેશન (આઈઓએમ)ના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 90 હજાર લેબનીઝ વિસ્થાપિત થઈ છે.
ઇઝરાયલ તરફ 80 હજાર લોકોને તેમનાં ઘરથી દૂર ખસેડવામાં આવ્યા છે.
ઇઝરાયલના સંરક્ષણ મંત્રીએ કહ્યું છે, "જ્યાં સુધી હિઝબુલ્લાહ લડવૈયાઓને સરહદ પરથી પાછા નહીં ધકેલવામાં આવે ત્યાં સુધી ઉત્તરના વિસ્તારોમાં ઇઝરાયલના લોકો તેમના ઘરે પરત ફરી શકશે નહીં."
લેબનોનનું શહેર આઈતા-અલ-શાબ ઇઝરાયલથી માત્ર 700 મીટર દૂર છે.
આ સંઘર્ષમાં અત્યાર સુધી સૌથી વધુ નુકસાન આ શહેરને થયું છે.
જે દિવસે અમે આ શહેરમાં હતા, તે દિવસે ઇઝરાયલે કહ્યું હતું કે તેણે અહીં 40 હુમલા કર્યા છે.
આઈતા અલ-શાબના હુસૈન જવાદ કહે છે, "અમે જાણીએ છીએ કે અમારા ઘરને ખરાબ રીતે નુકસાન થયું છે, પરંતુ તે હજી પણ તેની જગ્યાએ ઊભું છે."
જાવેદે ગયા વર્ષે ઑક્ટોબરમાં તેમના કન્સ્ટ્રક્શન વર્કર પત્ની અને તેમનાં સાત બાળકો સાથે ઘર છોડી દીધું હતું. હવે તે બેરૂતના બહારના ભાગમાં એક ઍપાર્ટમૅન્ટમાં રહે છે.
તે કહે છે, "અમને ખબર નહોતી કે આ બધું આટલું લાંબુ ચાલશે. અમને લાગ્યું કે આ બધું થોડા દિવસોની વાત છે. ટૂંક સમયમાં બધું ઉકેલાઈ જશે." તેમનાં પત્ની મરિયમ કહે છે, "અમે જાણીએ છીએ કે આ બધું હજુ ચાલશે."
અમે હુસૈનને તેના શહેરનો વીડિયો બતાવ્યો જે અમે થોડા દિવસો પહેલાં બનાવ્યો હતો.
તેમણે અમુક જગ્યાઓ ઓળખી કાઢી.
તેઓ વીડિયો જોતાં કહે છે, "આ મકાન હવે સંપૂર્ણ રીતે ઘ્વસ્ત થઈ ચૂક્યું છે." તે કહે છે, "એવું જ સમજો જાણે ખતમ થઈ ચૂક્યું છે. આ લાઇનની તમામ દુકાનો હવે સંપૂર્ણપણે જમીનમાં મળી ગઈ છે."
આ દરમિયાન અઠવાડિયાઓ પહેલાં તેઓ એક વ્યક્તિની દફનવિધિ વખતે તેમનાં શહેરમાં એકવાર ગયા હતા.
વિસ્થાપિત લોકો માટે સૌથી મોટો પડકાર તેમના ઘરે પરત ફરવાનો છે
સમયાંતરે તે સિવિલ ડિફેન્સ સ્ટાફ અથવા મેયર પાસેથી તેમના ઘર વિશે અપડેટ્સ લેતો રહે છે. મેયરે હજુ શહેર છોડ્યું નથી.
અમેરિકા સ્થિત મોનિટરિંગ સંગઠન આર્મ્ડ કૉન્ફ્લિક્ટ ઍન્ડ ઇવેન્ટ ડેટા પ્રોજેક્ટ (ACLED) અનુસાર, ગયા વર્ષે ઑક્ટોબરથી ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચેની સરહદની બંને બાજુએ 5,400 હુમલા થયા છે.
તેનું કહેવું છે કે, આમાંથી 80 ટકા હુમલા ઇઝરાયલે કર્યા છે.
ઇઝરાયલી સેનાએ ગયા મહિને કહ્યું કે તેમણે હિઝબુલ્લાહના 4300થી વધારે ઠેકાણા ઉપર હુમલા કર્યા છે.
સેનાએ કહ્યું કે 2 એપ્રિલે લેબનોનની ધરતીથી ઇઝરાયલ પર 3100 રૉકેટ ગયાં હતાં. લેબનોન તરફથી કરવામાં આવેલા આ હુમલામાં નવ નાગરિક મૃત્યુ પામ્યા છે.
હુસૈનને આશા નથી કે તે નજીકનાં ભવિષ્યમાં તેમના ઘરે પરત ફરી શકશે.
હવે અમે આ રસ્તા પર છીએ, જ્યાં યુનિફિલની ઇટાલિયન ટુકડીના સભ્ય કર્નલ આલ્બર્ટો સાલ્વાડોર કહે છે કે શાંતિરક્ષક દળોની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
તેમનું કહેવું છે કે અહીં ચાલી રહેલી હિંસા વચ્ચે શાંતિ રક્ષક દળની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની જાય છે.
તે કહે છે, “અમે જોઈ રહ્યા છીએ કે સરહદની બંને બાજુના લોકો આ પરિસ્થિતિથી કંટાળી ગયા છે. હવે શાંતિની જરૂર છે."
તે કહે છે, "યુનિફિલનો આગામી પડકાર સ્થાનિક વસ્તીને તેમના ઘરે પાછા ફરવામાં મદદ કરવાનો છે."
પરંતુ ઇઝરાયલ અને હિઝબોલ્લાહ વચ્ચેના સંઘર્ષના વર્તમાન સ્તરે, આ શક્યતાઓ ધૂંધળી લાગે છે.