નેત્ઝાહ યેહૂદાઃ ઇઝરાયલી લશ્કરની એ અતિ રૂઢિવાદી ટુકડી જેના પર અમેરિકા પ્રતિબંધ મૂકી શકે

    • લેેખક, અલહરેથ અલ્હાબાશેહ
    • પદ, બીબીસી ન્યૂઝ અરબી

આ યુનિટના સભ્યો કડક ધાર્મિક સૂચનાઓના માળખામાં રહીને તેમની ફરજ બજાવે છે. અમેરિકા ઇઝરાયલી સૈન્યની નેત્ઝાહ યેહૂદા ટુકડી પર પ્રતિબંધ લાદવા વિચારી રહ્યું હોવાના કથિત અહેવાલો બાબતે ઇઝરાયલના રાજકારણીઓએ આકરો પ્રતિભાવ આપ્યો હતો.

ઍક્સિઓસ ન્યૂઝ વેબસાઇટના જણાવ્યા મુજબ, વેસ્ટ બૅન્ક વિસ્તારમાં માનવાધિકારના કથિત ઉલ્લંઘનને કારણે આ વિચારણા કરવામાં આવી રહી છે.

જો આવું થશે તો, અમેરિકન વહીવટીતંત્રે ઇઝરાયલના કોઈ સૈન્ય એકમ પર પ્રતિબંધો મૂક્યા હોય તેવું પહેલીવાર બનશે.

નેત્ઝાહ યેહૂદા સૈન્ય ટુકડી પર "અમેરિકાના કોઈ પ્રતિબંધથી અમે વાકેફ નથી," એમ રવિવારે જણાવતાં ઇઝરાયલી સૈન્યએ ઉમેર્યું હતું કે તે એક ઍક્ટિવ કૉમ્બેટ યુનિટ છે અને તે આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતો અનુસાર કામ કરે છે.

"આ સંદર્ભે કોઈ નિર્ણય લેવામાં આવશે તો તેની સમીક્ષા થશે," એ વાતની પુષ્ટિ કરતાં ઇઝરાયલી સૈન્યએ નોંધ્યું હતું, "અમે કોઈ પણ અસામાન્ય ઘટનાની વ્યવહારિક રીતે અને કાયદેસર તપાસ કરવાનું ચાલુ રાખીશું."

અમેરિકન સૂત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકાનો વિદેશ વિભાગ નેત્ઝાહ યેહૂદા પર પ્રતિબંધ લાદશે તો આ યુનિટને કોઈ પણ પ્રકારની અમેરિકન લશ્કરી સહાય કે તાલીમ મળશે નહીં.

ઇઝરાયલમાંના મોટા ભાગના નાગરિકોથી વિપરીત હરેદી યહૂદીઓને લશ્કરી સેવામાંથી બાકાત રાખવામાં આવતાં છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન રોષ વધ્યો છે.

ઇઝરાયલમાં દરેક નાગરિક માટે લશ્કરી સેવા આપવી ફરજિયાત છે. પુરુષોએ લગભગ ત્રણ વર્ષ અને મહિલાઓએ બે વર્ષ સુધી લશ્કરી સેવા આપવી પડે છે.

ઇઝરાયલી પબ્લિક બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશને ઇઝરાયલના અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે આ લશ્કરી ટુકડીએ પેલેસ્ટિનિયનો વિરુદ્ધ શરૂ કરેલા હુમલા વિશેની તપાસની વિગત વૉશિંગ્ટને ઇઝરાયલ પાસે અનેક વખત માંગી હતી.

વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું, ‘મૂર્ખામીની ચરમસીમા’

આ અહેવાલ બાબતે ઇઝરાયલના વડા પ્રધાને ગુસ્સાભર્યો પ્રતિભાવ આપ્યો હતો.

વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સંભવિત પ્રતિબંધોને "વાહિયાતપણા અને નૈતિક અધઃપતનની ચરમસીમા" ગણાવ્યા હતા.

વૉર કેબિનેટ મિનિસ્ટર બેની ગેન્ટ્ઝે જણાવ્યું હતું કે ઇઝરાયલી સૈન્ય એકમ પર અમેરિકા દ્વારા પ્રતિબંધ લાદવાના પગલાને એક "ખતરનાક ઉદાહરણ" ગણાવ્યું હતું. તેમણે અમેરિકાના વિદેશ પ્રધાન ઍન્થની બ્લિંકનને ફોન કર્યો હતો અને વૉશિંગ્ટનના આ અપેક્ષિત નિર્ણય બાબતે પુનર્વિચાર કરવા જણાવ્યું હતું.

ગેન્ટ્ઝે જણાવ્યું હતું કે નેત્ઝાહ યેહૂદા બટાલિયન પર પ્રતિબંધ લાદવાથી યુદ્ધના સમયમાં "ઇઝરાયલની કાયદેસરતાને હાનિ થશે."

તેમણે કહ્યું હતું, "પ્રતિબંધો લાદવા વાજબી નથી, કારણ કે સૈન્ય એકમો આંતરરાષ્ટ્રીય કાયદાને સુસંગત આદેશોને આધિન છે."

ઇઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા પ્રધાન ઇટામર બેન-ગવીરે વૉશિંગ્ટનના પ્રસ્તાવિત પ્રતિબંધોના જવાબમાં, ઇઝરાયલ દ્વારા પેલેસ્ટિનિયન ઑથોરિટીને આપવામાં આવેલું તમામ ભંડોળ જપ્ત કરવાની માગણી કરી હતી.

"પેલેસ્ટિનિયન બૅન્કો પર શ્રેણીબદ્ધ આકરા પ્રતિબંધો લાદવાની" હાકલ તેમણે વડા પ્રધાનને કરી હતી.

બેન-ગવીરે કહ્યું હતું, કોઈ પણ પ્રતિબંધ "પેલેસ્ટિનિયન ઑથોરિટીમાંના ઇઝરાયલના દુશ્મનોના હિતમાં હશે."

તેમણે ફેબ્રુઆરીમાં જણાવ્યુ હતું કે તેઓ બૉર્ડર ગાર્ડ્ઝમાં હરેદી બટાલિયન શરૂ કરવા ઇચ્છે છે અને અલ્ટ્રા-ઑર્થોડૉક્સ યુવાનોની ભરતી, સૈન્યની સમાંતર ફરજિયાત સેવાના ભાગરૂપે નેશનલ ગાર્ડમાં કરવા ઇચ્છે છે.

વૉર કેબિનેટ પ્રધાન ગેડી આઇસેનકોટે જણાવ્યું હતું કે બટાલિયન પર પ્રતિબંધો લાદવાનો નિર્ણય "મૂળભૂત રીતે જ ખોટો છે." તેમણે આ નિર્ણયને અવરોધવાની ખાતરી આપી હતી.

ઇઝરાયલના નાણા પ્રધાન બેઝાબેલ સ્મોટ્રિચે આ પગલાને "સંપૂર્ણ ગાંડપણ અને ઇઝરાયલ પર પેલેસ્ટાઇન લાદવાનો પ્રયાસ" ગણાવ્યું હતું.

ઇઝરાયલના વિરોધ પક્ષના નેતા યાએર લપિડે એવી ટિપ્પણી કરી હતી કે "ઇઝરાયલી સૈન્ય અને તેના નેતાઓ પર સરકારની ગેરકાયદે નીતિ તથા રાજકીય નિષ્ફળતાની સૌથી પહેલાં અસર થઈ છે." જોકે, તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે નેત્ઝાહ યેહૂદા બ્રિગેડ પરનો પ્રતિબંધ "એક એવી ભૂલ છે, જેનો સફાયો કરવો જોઈએ."

ઇઝરાયલી લેબર પાર્ટીના પ્રમુખ મેરવ મિશેલીએ નેત્ઝાહ યેહૂદા બ્રિગેડને ખતમ કરવાની હાકલ કરતાં કહ્યું હતું, આ બટાલિયનનો "હિંસક અને ભ્રષ્ટ વ્યવહાર વર્ષોથી જાણીતો છે."

નેત્ઝાહ યેહૂદા બ્રિગેડમાં કોણ છે?

તેના વડા રબ્બી યિત્ઝેક યોસેફના જણાવ્યા અનુસાર, ઘણા હરેદી યહૂદીઓ ઇઝરાયલી સૈન્યમાં જોડાવાનો ઇનકાર કરે છે, કારણ કે તેઓ તોરાહ (હિબ્રુ બાઇબલના પ્રથમ પાંચ પુસ્તકો)નો અને ધાર્મિક પુસ્તકોનું અર્થઘટન જાણવા સતત અભ્યાસ કરતા હોય છે.

જોકે, તમામ હરેદી યુવાનો ધાર્મિક કૉલેજમાં અભ્યાસ કરતા નથી. તેથી પોતે ધાર્મિક અભ્યાસ કરશે તેવી ખાસ શરતે કેટલાક સૈન્યમાં પ્રવેશે છે.

નાહલ હરેદીની શરૂઆત 1999માં સ્વયંસેવી સંસ્થા તરીકે થઈ હતી. હરેદી રબ્બીઓ આ સંસ્થાના સભ્યો હતા.

તેમણે ધાર્મિક શાળાઓમાં અભ્યાસ ન કરતા હોય તેવા યુવા હરેદીઓને સમાવવા માટે સંરક્ષણ મંત્રાલય અને ઇઝરાયલી સૈન્ય સાથે કામ કર્યું હતું.

તેના પરિણામે હજારો હરેદી સૈનિકોની બનેલી નેત્ઝાહ યેહૂદા બટાલિયનની રચના થઈ હતી.

નાહલ હરેદી સંગઠનના જણાવ્યા મુજબ, તેઓ "હરેદી પુરુષોને તેમની જીવનશૈલી સાથે સમાધાન કર્યા વિના ઇઝરાયલી સૈન્યમાં પ્રતિષ્ઠિત હોદ્દાઓ પર સેવા આપવા સક્ષમ બનાવતા સિદ્ધાંતો અને નિયંત્રણોનું પાલન" કરે છે.

નાહલ હરેદી સંગઠને હરેદિમને સૈન્યમાં સમાવવાનો વિચાર રજૂ કર્યો પછી 1999માં 30 હરેદી સૈનિકોનું પ્રથમ યુનિટ બનાવવામાં આવ્યું હતું અને તેનું નામ નાહલ હરેદી, નેત્ઝાહ યહૂદા અથવા બટાલિયન 97 રાખવામાં આવ્યું હતું.

ઇઝરાયલી સૈન્યએ પ્રથમ હરેદી કોમ્બેટ બટાલિયનની રચના કરી હતી અને તે રામલ્લાહ તથા જેનિનમાં કાર્યરત થઈ હતી. હિબ્રુ અખબાર યેડિઓથ અહરોનોથે 2019માં એવો અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે ઇઝરાયલી સૈન્યએ નેત્ઝાહ યેહૂદા બટાલિયનને રામલ્લાહથી જેનિન સ્થાનાંતરિત કરવાનો નિર્ણય કર્યો છે.

અખબારે તેને "શ્રેણીબદ્ધ નિષ્ફળતા" ગણાવ્યા પછી ઇઝરાયલી સૈન્યના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ બટાલિયનને કાર્યાત્મક કારણોસર જેનિનમાં સ્થાનાંતરિત કરવામાં આવશે.

ઇઝરાયલે ડિસેમ્બર, 2022માં વેસ્ટ બૅન્ક વિસ્તારમાંથી બટાલિયનને સ્થાનાંતરિત કરી હતી. જોકે, સૈનિકોના વર્તનને લીધે આવું કરવામાં આવ્યું હોવાનો સૈન્યએ ઇનકાર કર્યો હતો.

એ પછીથી બટાલિયન ઉત્તરના વિસ્તારોમાં કાર્યરત છે.

ધ જેરુસલેમ પોસ્ટના અહેવાલ મુજબ, આ બટાલિયને 2024ની શરૂઆતથી ગાઝામાં લડવાનું શરૂ કર્યું હતું.

ઇઝરાયલી સૈન્યના ભૂતપૂર્વ કમાન્ડર અવીવ કોચાવીએ કેફિર બ્રિગેડ લેબનોન, સીરિયા અને ગાઝામાં લડવા સક્ષમ છે. આ બ્રિગેડમાં નેત્ઝાહ યેહૂદા બટાલિયનનો સમાવેશ થાય છે.

હાલમાં આશરે 1,000 સૈનિકો નેત્ઝાહ યેહૂદા બટાલિયનમાં તાલીમ લઈ રહ્યા છે અથવા લડાઈમાં ભાગ લઈ રહ્યા છે.

આ બટાલિયનના સૈનિકો ઇઝરાયલી સૈન્યમાં કુલ બે વર્ષ અને આઠ મહિના સેવા આપે છે.

તેઓ પુરુષ સૈનિકોની જેમ, સ્ત્રી સૈનિકો સાથે વાતચીત કરતા નથી. ટાઇમ્સ ઑફ ઇઝરાયલના અહેવાલ અનુસાર, તેમને પ્રાર્થના તથા ધાર્મિક અભ્યાસ માટે વધારાનો સમય આપવામાં આવે છે.

બટાલિયનની ટીકા શા માટે થઈ રહી છે?

જાન્યુઆરી, 2022માં 79 વર્ષના પેલેસ્ટિનિયન-અમેરિકન ઓમર અસદની એક ચેકપૉઇન્ટ નજીકથી ધરપકડ બાદ તેમની હત્યા કરવાનો આરોપ નેત્ઝાહ યેહૂદા બ્રિગેડના સભ્યો પર છે. અસદના પરિવારનું કહેવું છે કે સૈનિકોએ અસદને હાથકડી પહેરાવીને તેમનું મોં દબાવી દીધું હતું અને તેમને જમીન પર રઝળતા મૂકી દીધા હતા. તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે તપાસ પછી જાહેર કર્યું હતું કે "આ લશ્કરી દળની નૈતિક ભૂલ હોવાની સાથે માનવ ગૌરવના મૂલ્યને થયેલું ગંભીર નુકસાન પણ છે."

એ ઘટના પછી નેત્ઝાહ યેહુદા બટાલિયનના કમાન્ડરને ઠપકો આપવામાં આવ્યો હતો. કંપની કમાન્ડર તથા પ્લાટૂન કમાન્ડરને હટાવી દેવાયા હતા અને સૈનિકો સામે શરૂ કરવામાં આવેલી ફોજદારી તપાસ તેમની સામે કાર્યવાહી કર્યા વિના બંધ કરવામાં આવી હતી.

અમેરિકાના વિદેશ વિભાગે નેત્ઝાહ યેહૂદા બટાલિયન બાબતે 2022ના અંતમાં તપાસ શરૂ કરી હતી, કારણ કે આ ટુકડીના ઘણા સૈનિકો પેલેસ્ટિનિયન નાગરિકો સામેની હિંસાની ઘણી ઘટનાઓમાં સામેલ હતા. હારેત્ઝ અખબારમાં પ્રકાશિત અહેવાલ મુજબ, અમેરિકાની તપાસમાં ઓમર અસદના મૃત્યુનો પણ સમાવેશ થાય છે.

ગાઝા પટ્ટીમાં સાતમી ઑક્ટોબરથી ઇઝરાયલી યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી અમેરિકાએ, પેલેસ્ટિનિયનો વિરુદ્ધનાં હિંસક કૃત્યો સંદર્ભે વ્યક્તિગત વસાહતીઓ માટે ત્રણ તબક્કામાં પ્રતિબંધ જાહેર કર્યા હતા.

વોશિંગ્ટન બટાલિયનને લાગુ કરવા માગે છે તે લેહી કાયદો શું છે?

અમેરિકાના વિદેશ વિભાગના જણાવ્યા અનુસાર, લેહી કાયદો, જેમણે માનવાધિકારોનું ઉલ્લંઘન કર્યાનું સાબિત થાય તેવી વિદેશી સરકારોને તમામ પ્રકારની અમેરિકન સહાય પર પ્રતિબંધ મૂકે છે.

એવી સહાયમાં અમેરિકના સંરક્ષણ વિભાગના તાલીમ કાર્યક્રમોનો પણ સમાવેશ થાય છે.

આવાં ઉલ્લંઘન માટે જવાબદાર વિદેશી સરકાર સામે કાયદેસરના પગલાં લેવામાં આવે તો અમેરિકન સહાય ફરી શરૂ કરી શકાય છે.

અમેરિકન વિદેશ વિભાગના જણાવ્યા મુજબ, "જેના કોઈ યુનિટે માનવાધિકારનું ગંભીર ઉલ્લંઘન કર્યું હોવાની વિશ્વસનીય માહિતી મળી હોય તેવા વિદેશી સુરક્ષા દળોને સહાય પેટે આપવામાં આવતા ભંડોળને પણ લેહી કાયદો લાગુ પડે છે."

આ તપાસમાં રાજકીય, સુરક્ષા અને માનવાધિકાર સંબંધી અન્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે. અમેરિકન સરકાર દ્વારા પ્રમાણિત અધિકૃત અધિકારીઓ સરકારી અને ખાનગી રેકોર્ડ્ઝની સમીક્ષા કરે છે.

અમેરિકન સરકાર "અત્યાચાર, ન્યાયેતર હત્યા, બળજબરીથી કોઈને ગાયબ કરવા અને કાયદા હેઠળ બળાત્કારને" માનવાધિકારોનું ઘોર ઉલ્લંઘન માને છે.

આ ગુનાઓ પુરવાર થાય ત્યારે લેહી કાયદો લાગુ પડે છે. આ કાયદાનું નામ અમેરિકન સંસદસભ્ય પેટ્રિક લેહીના નામ પરથી રાખવામાં આવ્યું છે. પેટ્રિક લેહીએ 1990ના દાયકાના અંતમાં આ કાયદો બનાવવા જહેમત ઉઠાવી હતી.