You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિશ્વના સૌથી ખરાબ ભૂખમરાનું સંકટ ભોગવતા સુદાનમાં સંઘર્ષ બંધ કેમ નથી થઈ રહ્યો?
- લેેખક, અબ્દિરાહિમ સઈદ, અહેમદ નૂર, પૌલ કુસિઆક અને રિચાર્ડ ઈર્વિન-બ્રાઉન
- પદ, બીબીસી અરબી અને બીબીસી વેરીફાઈ
સુદાનના સૈન્ય તથા અર્ધ-લશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ (આરએસએફ) વચ્ચે સંઘર્ષ ફાટી નીકળ્યાને એક વર્ષ વીતી ગયું છે અને દેશ આંતરવિગ્રહમાં ડૂબી ગયો છે.
રાજધાની ખાર્તુમથી શરૂ થયેલી હિંસા સમગ્ર દેશમાં ફેલાઈ ગઈ છે. તેમાં હજારો લોકોનાં મોત થયાં છે તેમજ ઇમારતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વ્યાપક વિનાશ થયો છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના એક અધિકારીએ બીબીસી અરેબિકને જણાવ્યું હતું કે સુદાન હવે વિશ્વના સૌથી ખરાબ ભૂખમરાના સંકટનો સામનો કરી રહ્યો છે.
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (ડબલ્યુએફપી)ના સુદાનના ઇમર્જન્સી કો-ઓર્ડિનેટર માઇકલ ડનફોર્ડે કહ્યું હતું, “આપત્તિ તોળાઈ રહી છે અને મને ડર છે કે પરિસ્થિતિ વધારે ખરાબ થશે.”
તેમણે ઉમેર્યું હતું કે લગભગ 1.8 કરોડ લોકો સખત ભૂખમરાનો સામનો કરી રહ્યા છે અને તે સંખ્યા 2.5 કરોડ સુધીની થઈ શકે છે. એ પ્રમાણ સુદાનની વસ્તીના 50 ટકાથી વધુ છે.
સહાય નિષ્ણાતોએ ચેતવણી પણ આપી છે કે આગામી મહિનાઓમાં બે લાખ 20 હજાર લોકો મૃત્યુ પામી શકે છે.
દેશના સૈન્ય અને તેના ભૂતપૂર્વ સહયોગી આરએસએફ વચ્ચેના તણાવમાં ભડકો થયો ત્યારે 2023ની 15 એપ્રિલે લડાઈ શરૂ થઈ હતી.
તે ભડકો નાગરિક શાસન તરફ આગળ વધવાની આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થિત રાજકીય યોજના હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિષ્ણાતોને ડર છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘનો લગભગ 14 હજાર લોકોનાં મૃત્યુનો સત્તાવાર આંકડો ખૂબ જ ઓછો છે. વાસ્તવિક આંક ઘણો મોટો હોવાની શક્યતા છે.
80 લાખથી વધુ લોકોને તેમનાં ઘર છોડીને ભાગી જવાની ફરજ પડી છે. તેમાં ઘણા દેશમાં જ વિસ્થાપિત થયા છે, જ્યારે અન્ય લોકો સરહદ પાર કરીને સુદાનના પાડોશી દેશોમાં ભાગી ગયા છે.
ખંડેર હાલતમાં છે ઐતિહાસિક શહેર
રાજધાની ખાર્તુમ નજીકનાં ઓમદુર્મન અને બાહરી શહેરો સાથે મળીને બૃહદ ખાર્તુમ બનાવે છે. યુદ્ધ શરૂ થયું એ પહેલાં ત્યાં 70 લાખથી વધુ લોકો રહેતા હતા.
શહેરના મોટા હિસ્સા પર આરએસએફનું નિયંત્રણ છે, પરંતુ સૈન્ય સતત હુમલા કરી રહ્યું છે અને તેણે તાજેતરમાં ઓમદુર્મનમાંના સરકારી ટીવી મુખ્યાલય પર નિયંત્રણ મેળવ્યું છે.
બીબીસી વેરિફાઈ અને બીબીસી અરેબિક દ્વારા ચકાસવામાં આવેલા ફોટોગ્રાફ્સ તથા વીડિયો દર્શાવે છે કે દુકાનો, હૉસ્પિટલો, યુનિવર્સિટીઓ અને બૅન્કોને નુકસાન થયું છે.
નાશ પામેલી ઇમારતોમાં ગ્રેટર નાઇલ પેટ્રોલીયમ ઑઇલ કંપનીના ભવ્ય ટાવરનો સમાવેશ થાય છે. તે ગયા સપ્ટેમ્બરમાં આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો.
અથડામણને લીધે કમસે કમ ત્રણ હૉસ્પિટલ અને એક યુનિવર્સિટીને નુકસાન થયું છે.
ખાર્તુમના ડૉ. અલ્લા ઇલ-નૂરે બીબીસી અરેબિકને જણાવ્યું હતું કે હૉસ્પિટલમાં દવાઓ અને તબીબી સાધનોની ગંભીર અછત છે.
તેમણે કહ્યુ હતું, “ડૉકટર તરીકે અમે અસલામતી અનુભવીએ છીએ. દવાઓ અને તબીબી સાધનો લૂંટી લેવામાં આવ્યાં છે.”
ડબલ્યુએફપીના જણાવ્યા મુજબ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિનાશે માનવીય પરિસ્થિતિને વધુ વિકટ બનાવી છે.
ડનફોર્ડે કહ્યું હતું, “તેનાથી ખોરાકની તંગીનું સ્તર વધુ તીવ્ર બની રહ્યું છે.”
બીબીસી વેરિફાઈ અને બીબીસી અરેબિકે ખાર્તુમમાં માનવતાવાદી સંકટમાં ઉમેરો કરતાં નુકસાનનાં વધુ ઉદાહરણો એકઠાં કર્યાં છે.
ઓમદુર્મન અને બહારી શહેરને જોડતો શમ્બત પુલ ગયા નવેમ્બરમાં તૂટી પડ્યો હતો. તે આરએસએફ માટે વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતો હતો. આરએસએફે તેનો ઉપયોગ લડવૈયાઓ અને સાધનોને નાઇલ નદીની પાર મોકલવા માટે કર્યો હતો.
ખાર્તુમની ઉત્તરે આવેલી અલ-જૈલી ઑઇલ રિફાઈનરીમાં જાન્યુઆરીમાં અથડામણને પગલે આગ લાગી હતી. તે લડી રહેલા બન્ને પક્ષો વચ્ચેના સત્તાના સંઘર્ષનું કેન્દ્ર હતી.
બ્રિટનની સખાવતી સંસ્થા કૉન્ફ્લિક્ટ ઍન્ડ ઍન્વાયરમૅન્ટ ઑબ્ઝર્વેટરીના સંશોધક લિયોન મોરલેન્ડે જણાવ્યું હતું કે નવેમ્બર-2023 અને આ વર્ષના જાન્યુઆરી દરમિયાન ત્રણ અલગ ઘટનાઓમાં 32 મોટી સ્ટોરેજ ટૅન્કને નુકસાન થયું હતું.
તેમણે બીબીસી અરેબિકને કહ્યું હતું, “તેનું ઑઇલ લિકેજ ભૂગર્ભજળ સુધી અને ત્યાંથી કોઈ અવરોધ વિના નાઇલના નીચાણવાળા વિસ્તારોમાં ખેતરો સુધી પહોંચી શકે છે.”
તેમણે ઉમેર્યું હતું, “ત્યાં ભૂગર્ભજળ પહેલેથી જ દૂષિત હતું અને આ નવું પ્રદૂષણ તેમાં વધારો કરશે. સેટેલાઇટ ઇમેજરી સૂચવે છે તેમ એ વ્યાપક છે.”
ખાર્તુમમાંના ત્રણ વૉટર પમ્પિંગ સ્ટેશનની સ્ટોરેજ ટૅન્ક્સ ખાલી હોવાનું પણ સેટેલાઇટ તસવીરો દર્શાવે છે. એવું કેમ બન્યું તે સ્પષ્ટ નથી.
ખાર્તુમમાં રહેતા 31 વર્ષીય હસન મોહમ્મદે બીબીસી અરેબિકને જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ચાર મહિનાથી પાણી તથા વીજળી પૂરવઠામાં કાપનો સામનો કરી રહ્યા છે.
તેમણે કહ્યું હતું, “સ્વચ્છ પાણી મેળવવા દૂર સુધી જવું પડે છે અથવા નદી પર આધાર રાખવો પડે છે. નદીનું પાણી પીવા યોગ્ય નથી અને રોગના ફેલાવાનું કારણ બન્યું છે.”
ખાર્તુમ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ફ્લાઇટ્સનું આવાગમન યુદ્ધની શરૂઆતમાં સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું, કારણ કે તે યુદ્ધનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું અને તેનાથી દેશમાં રાહત સામગ્રી પહોંચાડવામાં વિક્ષેપ સર્જાયો હતો.
બીબીસી વેરિફાઈએ લડાઈ શરૂ થયા બાદ પહેલા 48 કલાકના ઍરપૉર્ટના ઘણા વીડિયો પ્રમાણિત કર્યા છે. તેમાં આરએસએફ લોકો ટર્મેકની આજુબાજુ દોડતા અને ઍરપૉર્ટની મુખ્ય ઇમારતો નજીક ગોળીબાર કરતા જોવા મળે છે.
થોડી જ વારમાં રનવેના ઉત્તર છેડે આગ લાગતાં કમસે કમ એક પ્લેનમાંથી મોટા પ્રમાણમાં ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. એ ઘટના બીજા વીડિયોમાં જોઈ શકાય છે.
ત્રીજા વીડિયોમાં પ્લેનના ગ્રાઉન્ડ લેવલનું દૃશ્ય જોવા મળે છે. તેમાં શક્યતઃ અગાઉના વીડિયોની માફક આગ જોવા મળી હતી, પરંતુ આ વખતે તે દૃશ્ય ઍરપૉર્ટના પૂર્વ ભાગનું હતું.
સૈન્ય અને આરએસએફ બન્ને પર ખાર્તુમમાંના મહત્ત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન કરવાનો આરોપ છે, પરંતુ તેઓ એકમેક પર આક્ષેપ કરતા રહે છે.
આ સંઘર્ષનો અંત દેખાતો નથી
સુદાનના અન્ય ભાગોમાં પણ લડાઈ ચાલી રહી છે. ખાસ કરીને પશ્ચિમના દાર્ફુરમાં, ત્યાંના આફ્રિકન અને આરબ સમુદાયો વચ્ચે વર્ષોથી હિંસા ચાલતી રહી છે.
બ્રિટિશ સરકારની આર્થિક સહાયથી ચાલતા રિસર્ચ ગ્રૂપ સેન્ટર ફૉર ઇન્ફર્મેશન રેઝિલિયન્સના તાજેતરનાં સંશોધનમાં જાણવા મળ્યું હતું કે પશ્ચિમ સુદાનમાં આવેલાં 100થી વધુ ગામડાંને આગ ચાંપી દેવામાં આવી હતી.
સુદાનના આર્થિક વિશ્લેષક વેલ ફહમીએ જણાવ્યું હતું કે યુદ્ધની સૌથી માઠી અસર અર્થતંત્ર તથા ખાદ્ય પ્રણાલી પર થઈ છે.
તેમણે કહ્યું હતું, “અર્થતંત્ર અડધોઅડધ સંકોચન પામ્યું છે અને લગભગ 60 ટકા કૃષિ પ્રવૃત્તિ અટકી ગઈ છે.”
ડબલ્યુએફપી પણ એટલું જ અંધકારમય છે.
માઇકલ ડનફોર્ડે કહ્યું હતું, “આજે સુદાનમાં જે થઈ રહ્યું છે તે ભયંકર દુર્ઘટના છે. અમને લાગે છે કે તે હદ બહારનું છે.”
યુદ્ધવિરામના ઘણા આંતરરાષ્ટ્રીય પ્રયાસો નિષ્ફળ રહ્યા હોવા છતાં સાઉદીની રાજધાની જેદ્દાહમાં વાટાઘાટો માટે નવેસરથી આગ્રહ કરવામાં આવી રહ્યો છે.
(એડિશનલ રિપોર્ટિંગઃ સમીરા એલ્સાઈડી અને બેનેડિક્ટ ગાર્મન)
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)