'મેં બાળકને જન્મ આપ્યો, એને કપડામાં લપેટી લીધું અને જીવ બચાવવા ઉઘાડા પગે દોટ મૂકી'

    • લેેખક, મર્સી જૂમા
    • પદ, બીબીસી ન્યૂઝ, એડર

ત્રણ પુત્રોની હત્યા કરી દેવાયા પછી સુદાનના ડારફરમાં ચાલતા યુદ્ધ વચ્ચે ગર્ભવતી રેડિયો પ્રેઝન્ટર જીવ બચાવવા પગપાળા ભાગ્યા. ચાડ શહેર પાસેની સરહદે તેમણે એવી જ હાલતમાં એક બાળકને જન્મ આપ્યો.

“મેં તેને રસ્તા પર જન્મ આપ્યો. ત્યાં કોઈ દાયણ કે નર્સ નહોતી જે મને મદદ કરી શકે. બધા પોતાના વિશે જ વિચારી રહ્યા હતા અને પોતાનો જ જીવ બચાવવા ભાગી રહ્યાં હતાં.”

“બાળક બહાર આવી ગયું, મેં તેને કપડામાં લપેટી લીધું. મેં બીજું કંઈ ન વિચાર્યું. મેં એડર તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું.”

ચાડ શહેરમાં હજારો રૅફ્યૂજી ધરાવતા કૅમ્પમાં મારે જ્યારે આરફા એડોમને મળવાનું થયું ત્યારે તેમણે ઉપરોક્ત વાત કરી.

38 વર્ષીય આરફાએ કહ્યું કે, તેઓ તપતા સૂરજ વચ્ચે 25 કિલોમિટર ચાલ્યા. તેમના વતન અલ-જિનેનાથી ચાર દીકરીઓ સાથે તેઓ ચાલતાં નીકળ્યા હતાં. જોકે, તેમનાં પતિએ સુરક્ષા માટે પોતાની રીતે જ કૅમ્પ પહોંચવા એક બીજો લાંબો રસ્તો લીધો હતો.

આરફાએ કહ્યું, “હું જ્યારે સરહદે પહોંચી તો હું ખૂબ જ થાકેલી હતી. બાળકને જન્મ આપ્યો ત્યાં સુધી મારી હાલત ખૂબ જ દયનીય હતી.”

આરફાએ તેમનાં આ દીકરાનું નામ ઇસ્લામના પયગંબરના નામે મહમદ રાખ્યું છે.

તેમનાં અન્ય ત્રણ બાળકો જેમની ઉંમર 3 વર્ષ, સાત વર્ષ અને નવ વર્ષ હતી તેમના શબને પાછળ છોડીને તેઓ આગળ વધ્યા હતા. જેને દફનાવવામાં પણ નહોતા આવ્યા.

તેમનું કહેવું છે કે, રૅપિડ સપૉર્ટ ફૉર્સ (આરએસએફ) અને તેના સહયોગી આરબ મિલિશિયા (લડાકુ) દ્વારા ત્રણેય બાળકોને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. એપ્રિલથી સુદાનમાં ચાલી રહેલા યુદ્ધમાં તેમનો જીવ ગયો.

ડારફર આ યુદ્ધનો સૌથી અસરગ્રસ્ત વિસ્તાર છે. જેમાં ઉપરોક્ત બંને દળો પ્રદેશમાં મસલિત સમુદાયનો નરસંહાર કરીને આરબ પ્રભુત્ત્વ સ્થાપવા માગે છે. આરફા પણ મસલિત સમુદાયના છે, જે કાળા આફ્રિકન લોકોનો સમુદાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અલ-જિનેનાની જંગ ઐતિહાસિકરૂપે ડારફરમાં કાળા આફ્રિકન લોકોની સત્તાનું પ્રતીક છે. અને મસલિતની પારંપરિક રાજધાની એ જંગના ટકરાવનો ઇતિહાસ ધરાવે છે.

પ્રખર મુસ્લિમ ગુરુ અને મસલિત નેતા શેખ મોહમ્મદ યાગોબે કહ્યું, “અમે અમારી જાતની રક્ષા કરવાની કોશિશ કરી પરંતુ તેઓ ખૂબ જ મોટા હથિયારોનો પ્રયોગ કરી રહ્યા હતા.”

હવે, તેઓ ખુદ પણ એડરમાં રૅફ્યૂજી બની ગયા છે.

તેમણે ઉમેર્યું, “અમારા વિસ્તારમાં એક દિવસે અમે માત્ર 3 કલાકમાં 82 લોકોને ગુમાવ્યા હતા.”

3 બાળકો પર હુમલો

આરએસએફ દળ આમાં પોતાની સંડોવણી નકારે છે, પરંતુ કહ્યું કે, ડારફરમાં ફરીથી આરબ જૂથો અને મસલિત વચ્ચે જૂનું ઘર્ષણ આકાર લઈ રહ્યું છે.

આરફા પોતાની વાત જણાવતા કહે છે કે, તેમનાં ત્રણ દીકરા અલ-જિનેના યુનિવર્સિટી ખાતે મારી નાખવામાં આવ્યા. અહીં તેઓ રૅફ્યૂજી હતા. કૅમ્પને આરએસએફ અને જાન્જાંવિદે આગચંપી કરી હતી. આરબ મિલિશિયા જાન્જાવિદ તરીકે પણ ઓળખાય છે.

“ત્રણ પુત્રો પર શૅલના પ્રહાર થયા અને તેઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા.”

તેમણે કહ્યું કે, તેમના પરિવારનાં સભ્યોને પણ મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. જેમાં તેમનાં સસરા પણ સામેલ છે. તેમના બંને પગ કાપી નાખવામાં આવ્યા હતા, એક કાન કાપી નાખવામાં આવ્યો હતો અને ગોળીઓ મારીને મારી નાખવામાં આવ્યા.

આરફા અને તેમનાં પતિ 4 દીકરીઓ સાથે ભાગી ગયાં, પરંતુ આરએસએફના જવાનોએ જે રોડબ્લૉક કર્યાં છે ત્યાં ઘણા રૅફ્યૂજીઓનું કહેવું છે કે, જવાનો મસલિત પુરુષો અને યુવકોને મારી નાખતા હોવાની બાબતને પગલે તેમણે એ રસ્તા પરથી જવાનું ટાળ્યું. ક્યારેક તેમને પેટ્રોલ છાંટીને સળગાવી દેવામાં આવે છે.

યુગલ અંતે રૅફ્યૂજી કૅમ્પમાં ફરી મળ્યું જ્યાં પહેલી વાર તેમના પતિએ નવા જન્મેલા બાળક મહમદને હાથમાં લીધો. ત્રણ બાળકોનાં મોત બાદ આ બાળક મળ્યું હોવાથી તેઓ તેને ઇશ્વરે આપેલી ભેટ માને છે.

શેખ મોહમ્મદ યાગોબનાં પત્ની રખીયા આદમ અબ્દેલકરીમે મને કહ્યું કે, તેઓ ખુદ પણ ગર્ભવતી હતાં, પરંતુ એડર પહોંચ્યાના દિવસ પછી બાળક ગુમાવી દીધું. કેમકે, ત્યાં સુધી પહોંચવા માટે તેમણે ભૂખ્યા રહીને ચાલવું પડ્યું. સપ્તાહો સુધી આવી હાલતમાં ચાલવાના લીધે તેમણે બાળક ગુમાવવું પડ્યું.

તેમણે કહ્યું, “મને રક્તસ્રાવ શરૂ થઈ ગયો હતો. પછી મારું માથું દુખવા લાગ્યું અને પછી સફેદ રક્ત આવવા લાગ્યું. આખરે ગર્ભ નીચે પડી ગયો.”

સુદાનની રાજનીતિ અને નરસંહાર

એડરમાં ચૅરિટી દ્વારા એક ફિલ્ડ હૉસ્પિટલ સ્થાપવામાં આવી છે પરંતુ અબ્દેલકરીમ ત્યાં સારવાર માટે પહોંચી ન શક્યાં.

હૉસ્પિટલ દર્દીઓથી ખીચોખીચ ભરેલી છે. જેમાં મોટા ભાગે મહિલાઓ, નવજાતો અને બાળકો છે. તેમાં કેટલાંક ગોળી વાગવાથી ઘાયલ થયેલા દર્દીઓ છે.

તેમાંથી એક દર્દી નઇમા અલીએ કહ્યું કે, તેમને અને તેમનાં 9 મહિનાના દીકરાને આરએસએફના સ્નાઇપર દ્વારા ગોળી મારવામાં આવી હતી. તેઓ ગામ છોડી ભાગી રહ્યા હતા ત્યારે આવું થયું હતું.

એ સમયે તેમણે બાળકને પીઠ પર બાંધેલું હતું અને ગોળી તેના પગમાં વાગી હતી. જ્યારે બીજી ગોળી તેમને કિડનીની નજીક વાગી હતી.

“અમે બંને લોહીલૂહાણ હતાં, લોહી નીકળી રહ્યું હતું પણ મદદ માટે કોઈ નહોતું.”

તેમણે પણ જણાવ્યું કે, કૅમ્પ સુધી તેમણે પગપાળા ચાલીને આવવું પડ્યું.

સુદાનમાં અત્યાચાર રોકવા માટે 4 પૂર્વ આફ્રિકન દેશોએ શાંતિ બહાલ કરવા સંયુક્ત દળ મોકલવા માટે પણ વાત કરી છે. જેમાં કેન્યાના પ્રમુખ વિલિયમ રૂતોએ ચિંતા વ્યક્ત કરી છે કે, દેશને નષ્ટ કરવામાં આવી રહ્યો છે. ડારફરમાં પહેલાથી જ નરસંહારના સંકેતો મળી ચૂક્યા છે.

સંયુક્ત રાષ્ટ્ર અને આફ્રિકન યુનિયને 2021માં સંયુક્ત શાંતિસ્થાપક દળ પાછું ખેંચી લીધું હતું. લગભગ 18 વર્ષના સંઘર્ષ બાદ આ થયું હતું. એ સંઘર્ષમાં લગભગ 3 લાખ લોકોનાં મોત થયાં હતાં. જે ક્ષેત્રમાં પહેલાં ફાટી નીકળ્યું હતું.

ત્યાં ફાટી નીકળેલી હિંસા પર વિશ્વમાં પણ રોષ જોવા મળ્યો હતો જેમાં આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટે સુદાનના તત્કાલીન શાસક ઓમર અલ-બશીર પર નરસંહારના આરોપ, યુદ્ધ અપરાધ અને માનવતા સામે હિંસાના અપરાધ પર ખટલો ચલાવ્યો હતો. જેને તેમણે નકાર્યાં હતા.

જ્યારે શાંતિસ્થાપક દળ પાછું ખેંચી લેવાયું ત્યારે સંયુક્ત રાષ્ટ્રે કહ્યું હતું કે, પ્રદેશમાં શાંતિ જાળવવા માટે સુદાનની સરકાર જવાબદારી લે અને સશક્ત થાય એ હેતુસર આ નિર્ણય કરવામાં આવ્યો હતો.

પરંતુ દળ પરત બોલાવી લેવાયું ત્યારથી સુદાનમાં તખ્તાપલટ થયા અને એપ્રિલના મધ્ય પછી ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું. તેના બે શક્તિશાળી જનરલ આર્મી ચીફ અબ્દેલ ફટ્ટાહ અલ-બુર્હાન અને આરએસએફ કમાન્ડર મોહમદ હમદાન દગાલો વચ્ચે ટકરાવ થયા બાદ તખ્તાપલટ થયા.

બે જનરલની તકરાર અને હિંસા

તે બંને જનરલો વચ્ચેની ટક્કરથી ડારફરમાં ફરી હિંસા ભડકી જેમાં મસલિત સમુદાયના 1.60 લાખ લોકોએ ચાડ છોડીને ભાગવું પડ્યું. એ ક્ષેત્રમાં કેટલા લોકો માર્યા ગયા એ કહી શકાય તેમ નથી. જેમાં અલ-જિનેનામાં ઓછામાં ઓછા 5 હજાર લોકો માર્યા ગયા હોવાનું અનુમાન છે.

સુદાનના પ્રોફેશનલ ફાર્માસિસ્ટ ઍસોસિયેશન અનુસાર આ આંકડો મોટો છે. શહેરમાં 11 હજાર શબ દાટવામાં આવ્યા હોવાનું તેમનું કહેવું છે, જ્યારે કેટલાક રૅફ્યૂજીએ બીબીસીને જણાવ્યું કે તેમણે નદીમાં ફેંકી દેવાયેલાં ઘણા શબ જોયાં છે.

આરએસએફ ઝેલિન્ગેઈ શહેરને પણ બાનમાં લીધું હતું. તે ફૂર સમુદાયનો વસવાટ ધરાવે છે અને ફાશર તથા ન્યાલા એમ બે મોટા શહેરોને પણ ઘેરી લીધાં હતાં.

ઘણા ડારફરવાસીઓને ડર છે કે વંશીય રીતે મિશ્ર પ્રદેશોને આરબ પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં પરિવર્તિત કરવાનો આ લાંબા સામયથી ચાલી રહેલો પ્લાન છે.

તેઓ કહે છે કે, અલ-જિનેના પાસેના ઘણાં ગામડાં અને નગરોમાંથી લોકો ચાલ્યા ગયા છે. ત્યાં હૉસ્પિટલો અને પાણીનાં સંગ્રહસ્થાનો નષ્ટ કરી દેવાયાં છે.

શેખ કહે છે, “2003માં જે થયું તેના કરતાં પણ ગંભીર પરિસ્થિતિ હવે સર્જાઈ છે.” કેમકે, મસલિત સમુદાયના જાણીતા તબીબો-વકીલોને પણ મોતને ઘાટ ઉતારી દેવાયા છે.

આરફા રેડિયો અલ-જિનેનાના પ્રેઝન્ટર છે, પણ હવે રેડિયો બંધ છે. જ્યારે યુદ્ધના પ્રારંભિક દિવસોમાં આરએસએફ દ્વારા બ્રોડકાસ્ટરની ઓફિસ પર હુમલો કરાયો ત્યારે સદનસીબે તેઓ ભાગવામાં અને બચવામાં સફળ રહ્યા.

તેમણે કહ્યું, “તેઓ અંદર ઘુસ્યા અને બધાં ઉપકરણો તોડી નાખ્યાં. પછી જે લૂંટી શકાય તે લૂંટી લીધું.”

હવે આરફા એક ઝૂંપડીમાં રહે છે. તેઓ કપડાંના ટુકડા અને લાકડીઓથી બનાવાયેલી ઝૂંપડીમાં રહે છે. તેમને નથી ખબર કે તેઓ ઘરે પરત ફરી શકશે કે નહીં.

તેઓ વધુમાં જણાવે છે, “અમે રૅફ્યૂજી તરીકે આવ્યા છીએ. રસ્તામાં ઘણાનાં મોત થયાં. પણ અમારે આગળ વધતાં જ રહેવું પડ્યું.” પોતાનાં 3 સપ્તાહના બાળકને ખોળામાં રાખીને તેઓ આ વાત કહી રહ્યાં હતાં.

જોકે અન્ય એક રૅફ્યૂજી પરત ફરવાની શક્યતા તદ્દન નકારી કાઢી.

તેઓ કહે છે, “હું કોના માટે પરત જાઉં? હું અહીં સપ્તાહોથી અહીં છું અને અલ-જિનેનાની ગલીઓ અને રસ્તામાં સડી રહેલા શબોની દુર્ગંધ હજુ પણ મને અનુભવાય છે.”