ફ્રાન્સનો એ મોરચો, જેમાં હજારો ભારતીય સૈનિક મૃત્યુ પામ્યા

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અઠવાડિયે ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસ નિમિતે યોજાનારી બૅસ્ટાઇલ પરેડમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. સાથે જ મોદીની પેરિસ મુલાકાત વખતે આ વર્ષે બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીનાં 25 વર્ષની ઉજવણી પણ થઈ.

બૅસ્ટાઇલ પરેડમાં ભાગ લેવા માટે ભારતનાં ત્રણેય સંરક્ષણદળોની સૈન્યટુકડી અગાઉથી જ ફ્રાન્સ પહોંચી ગઈ હતી, જેમાં શીખ રેજિમેન્ટનો પણ સમાવેશ થાય છે.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન શીખ સૈન્યટુકડીઓએ ફ્રાન્સના મોરચે ભારે ખુવારી વેઠી હતી. નવ-શફેલના મોરચે અને એક માઇલના વિસ્તારની આગેકૂચ માટે લગભગ 10 હજાર ભારતીય-અંગ્રેજ સૈનિકોએ પ્રાણ ગુમાવ્યા હતા. ત્યાં ઊભેલું યુદ્ધસ્મારક પશ્ચિમના મોરચે ભારતીયોએ આપેલા બલિદાનોની સાક્ષી પૂરે છે.

આ અંધાધૂંધીની વચ્ચે સૈન્ય વ્યૂહરચનામાં એક તરકીબ ઉમેરાવી હતી, મિત્રતાનો કિસ્સો અને બહાદુરીની એ વાત ઇતિહાસના નોંધપાત્ર કિસ્સાઓમાં અંકિત થઈ જવાના હતા.

14 જુલાઈ, 1789ના ફ્રાન્સના ક્રાંતિકારીઓએ આ દિવસે બૅસ્ટાઇલના કિલ્લામાં પ્રવેશ કર્યો હતો, એટલે આ દિવસને 'બૅસ્ટાઇલ દિવસ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

ફ્રાન્સનો મોરચો, બ્રિટનની લડાઈ

વર્ષ 1914માં પહેલા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ તેના એક અઠવાડિયામાં જ બ્રિટને પણ આ જંગમાં ઝંપલાવી દીધું હતું. મિત્રરાષ્ટ્રોને મોટાપાયે સૈનિકોની જરૂર હતી અને તેનો મોટો હિસ્સો અવિભાજિત ભારતમાંથી મોકલવામાં આવ્યો હતો, જે એ સમયે બ્રિટનનું ઉપનિવેશ હતું.

ગણતરીના દિવસોમાં મેરઠ અને લાહોર ડિવિઝનને યુરોપના મોરચે મોકલવામાં આવી. ઑક્ટોબરમાં તેઓ પહોંચ્યા કે તરત જ તેમને ઈપરેના મોરચે મોકલી દેવામાં આવ્યા, જ્યાં તેમને ભારે ખુવારી વેઠવી પડી. નવેમ્બર મહિનાની શરૂઆતમાં 47 શીખના 764 સૈનિક પહોંચ્યા હતા, તેમાંથી 385 જ લડવાને કાબેલ રહ્યા હતા.

ભારતીય સૈનિકો મોટાભાગે સંસ્થાનવાદી લડાઈઓ લડવા ટેવાયેલા હતા. તેમને મોરચેથી પાછા ખસેડી લેવામાં આવ્યા અને વર્ષ 1915ની શરૂઆત સુધી આરામ માટે મોકલી દેવામાં આવ્યા. થોડા જ સમયમાં તેમને ફરીથી ખૂબ જ ખતરનાક મોરચામાંથી એક એવા નવ-શફેલના મોરચે મોકલી દેવામાં આવ્યા.

એ સમયે મોટાભાગના સૈનિકોની નિમણૂક ગ્રામ્યવિસ્તારોમાંથી કરવામાં આવતી હતી. તેમની ગણના ભાડાના સૈનિકોની તરીકે થતી. જેઓ માસિક રૂ. 11ના પગારના માટે લડતા હતા. જેમને વધુ પૈસા અને પદોન્નતિની તક દેખાતી હતી.

જોકે અનેક સૈનિક પોતાના પરિવાર, કોમ, જ્ઞાતિ, રાજવીની શાનને ખાતર એકદમ વિપરીત સ્થિતિમાં સન્માન ખાતર લડવા ઉતર્યા હતા. તેઓ સાક્ષર ન હતા એટલે તેઓ લહિયાઓ પાસે પત્ર લખાવતા, જેને સેન્સર કરવામાં આવતા.

નવ-શફેલ સિવાય ભારતીયોએ ઈપરે (એપ્રિલ-1915) અને લુસમાં (સપ્ટેમ્બર-1915) ભારે ખુવારી વેઠી હતી. અંગ્રેજ વિશ્લેષકોના મતે, કદાચ ભારતીય સૈનિકોનું મનોબળ ઘટી ગયું હતું, વળી યુરોપની ઠંડી માટે તેઓ ટેવાયેલા ન હતા, એટલે તેમને યુરોપના મોરચે તહેનાત રાખવાના બદલે મૅસોપોટેમિયાના મોરચે મોકલી દેવામાં આવ્યા.

મધ્યપૂર્વ એશિયામાં ભારતથી પુરવઠો તથા પૂરકબળ મોકલવા સહેલા હોવાને કારણે તથા ત્યાંનું વાતાવરણ ભારતીય સૈનિકોને માટે અનુરૂપ હોવાને કારણે આમ કરવામાં આવ્યું હતું. મોટાભાગના મુસ્લિમ સૈનિક અંગ્રેજો વતી લડવા માટે તૈયાર હતા, પરંતુ કેટલાક મુસ્લિમ સૈનિકોએ ઇસ્લામિક ઑટોમન સામ્રાજ્ય સામે લડવાને બદલે બળવો કર્યો હોવાના કિસ્સા પણ નોંધાયા હતા.

જોકે, નવ-શફેલની લડાઈ એક યુદ્ધ વ્યૂહરચના શીખવાડી જવાની હતી, જેનો ઉપયોગ ન કેવળ બ્રિટિશ, પરંતુ વિશ્વભરની સેનાઓ તેનો ઉપયોગ કરવાની હતી. છેલ્લે ભારતે કારગીલના મોરચે પણ એ વ્યૂહરચનાનો ઉપયોગ કર્યો હતો.

વ્યૂહરચના બની વૈશ્વિક

બૅલ્જિયમ તથા ફ્રાન્સમાં તહેનાત જર્મન સૈનિકોએ ખાઈની વ્યૂહરચના અપનાવી હતી. જે મુજબ, જમીનમાં માત્ર માણસ ઊભો રહી શકે એટલી ખાઈ ખોદવાની અને તેમાં સૈનિક ઊભો રહીને દુશ્મન સૈનિકોની ઉપર ગોળીબાર કરે.

આ વ્યૂહરચનાથી ચોક્કસ તોપમારો કરવો મુશ્કેલ હતો અને આગેકૂચ કરી રહેલા દુશ્મન સૈનિકોને સેહાલઈથી નિશાન બનાવી શકાય તેમ હતા. ઉચ્ચકોટિની શરાબ બનાવવા માટે વિખ્યાત ફ્રાન્સના શૅમ્પેન વિસ્તારમાં લગભગ બે મહિનાના પ્રયાસો બાદ પણ ફ્રાન્સ માટે માંડ પાંચસો મીટર જેટલી આગેકૂચ શક્ય બની હતી.

આ સમયે અંગ્રેજ અધિકારી સર ડગ્લસ હેગે નવી વ્યૂહરચના વિચારી. જે મુજબ, શરૂઆતમાં દુશ્મનો ઉપર તોપમારો કરવાનો, જેથી કરીને જર્મન સૈનિકોમાં અંધાધૂંધી ફેલાઈ જાય. એ પછી થોડે દૂરથી બીજા રાઉન્ડનો બૉમ્બમારો કરવાનો; દરમિયાન બ્રિટિશ સૈન્યટુકડીઓ રાયફલ, હાથગોળા અને સંગીન સાથે આગેકૂચ કરે અને ખાઈઓ ઉપર કબજો કરી લે.

10મી માર્ચ 1915ના આયોજન મુજબ હુમલો શરૂ થયો, જોકે, બીજા રાઉન્ડમાં તોપમારો કરતી વખતે ગોળા ખૂટી પડ્યા હતા, બ્રિટિશ સંચારવ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી, તેઓ ત્વરાથી હુમલો કરવામાં નિષ્ફળ રહ્યા હતા. જર્મનો શરૂઆતમાં તો અચંબિત થઈ ગયા, પરંતુ તે પછી તેમણે પ્રતિકાર શરૂ કર્યો હતો.

લગભગ એક માઇલ જેટલી આગેકૂચમાં સાત હજાર જેટલા અંગ્રેજ તથા ચાર હજાર 500 જેટલા ભારતીય સૈનિકોએ પ્રાણ ગુમાવ્યા. આ ભારે ખુવારી હતી. ત્રણ દિવસ પછી હેગે આગેકૂચ અટકાવીને જીતેલા વિસ્તાર પર પ્રભુત્વ મજબૂત કરવાનો નિર્ણય કર્યો.

લગભગ 1917 સુધી બ્રિટિશરોએ આ વ્યૂહરચનાનો અમલ મોકૂફ કરી દીધો હતો, પરંતુ આ દરમિયાન તેમાં સુધાર કરીને જર્મનોએ તેનો પૂરેપૂરો લાભ લીધો હતો. આગળ જતાં વિશ્વના અનેક દેશો આ વ્યૂહરચના પર અમલ કરવાના હતા.

1999માં કારગીલ સમયે ઘૂસણખોરો સલામત રીતે બંકર અને ખાઈઓમાં છૂપાયેલા હતા, ત્યારે સંકલિત રીતે બોફોર્સ તોપમારો અને મૉર્ટારનો મારો કરીને ઘૂસણખોરોમાં અંધાધૂંધી ફેલાવવી અને તેનો લાભ લઈને ભારતીય સૈન્યટુકડીઓ હુમલા કરે, તેવી વ્યૂહરચના અપનાવવામાં આવી હતી.

જોકે, એક ભારતીય સૈનિક આ મોરચે અભૂતપૂર્વ વીરતા દેખાડવાનો હતો અને બ્રિટિશ શાસન સમયનો સૌથી મોટો બહાદુરી પુરસ્કાર 'વિક્ટૉરિયા ક્રૉસ' માત્ર 22 વર્ષની ઉંમરે જીતવાનો હતો.

સૈનિક ગબ્બરસિંહ

વર્ષ 1975માં ફિલ્મ 'શોલે' રજૂ થઈ અને ડાકૂ ગબ્બરસિંહનું નામ જનમાનસ પર છવાઈ ગયું, અમજદ ખાને ભજવેલી ભૂમિકાની ચોમેર પ્રશંસા થઈ, જોકે તેના 60 વર્ષ પહેલાં આ નામ નવ-શફેલના મોરચે ગુંજવાનું હતું.

ગબ્બરસિંહ નેગીનો જન્મ 21મી એપ્રિલ 1895ના રોજ (હાલના) ઉત્તરાખંડના ચંબરા ખાતે થયો હતો. તેઓ 39મી ગઢવાલ રાયફલ્સની બીજી બટાલિયનમાં રાયફલમૅન હતા. તેમના પ્રશસ્તીપત્રકના લખાણ પ્રમાણે :

'10મી માર્ચ 1915ના દિવસે તેમણે નવ-શફેલ ખાતે અભૂતપૂર્વ બહાદુરી દેખાડી. રાયફલમૅન ગબ્બરસિંહ નેગી બેયોનેટ પાર્ટીના સભ્ય હતા. જેમણે બૉમ્બ સાથે દુશ્મનોની મુખ્ય ખાઈ ઉપર હુમલો કર્યો હતો. '

'બધી ખાઈઓ સુધી પહોંચનારા તેઓ પહેલાં સૈનિક હતા. દુશ્મનો પીછેહઠ અને સરન્ડર કરવા મજબૂર બન્યા. આ અભિયાન દરમિયાન તેમનું મૃત્ય થયું.'

બ્રિટિશ-ભારતીય પત્રકાર શ્રાબણી બસુએ 'ફૉર કિંગ ઍન્ડ અનધર કંટ્રી' નામથી પુસ્તક લખ્યું છે, જેમાં તેમણે ગબ્બરસિંહ સહિત અનેક કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે. નેગી પરિવાર વિશે તેઓ લખે છે કે એ સમયે ગબ્બરસિંહનાં પત્ની સતૂરીદેવી 13 વર્ષનાં હતાં.

નવ-શફેલના યુદ્ધમોરચે પતિના મૃત્યુ પછી તેમણે પુનઃવિવાહ ન કર્યા, પરંતુ તેઓ હંમેશા પોતાની સાડી ઉપર ડાબી બાજુએ વિક્ટૉરિયા ક્રૉસ પહેરી રાખતાં. એટલે સુધી કે તેઓ ઇંધણાં વીણવા જતાં તો પણ વિક્ટૉરિયા ક્રૉસ તેમની સાડી ઉપર હોય.

સતૂરીદેવીએ પતિના મૃત્યુના લગભગ છ દાયકા સુધી તેમની વીરતાના સ્મૃતિચિહ્નનને પોતાનાં છાતી સરસો ચાંપી રાખ્યો અને વર્ષ 1981માં તેમનું અવસાન થયું.

બસુ લખે છે કે ગબ્બરસિંહ નેગી નિરક્ષર હતા, તેમણે પોતાનાં પત્નીને કોઈ પત્ર નહોતો લખ્યો, પરંતુ યુદ્ધ મોરચેથી ભારતીય સૈનિકોએ લખેલી ટપાલોના વિવરણ: 'લાશોના ઢગલા એવી રીતે પડ્યા છે જાણે મકાઈ હોય', 'ચોમાસામાં આકાશમાંથી મેહ બૉમ્બ વરસી રહ્યા છે' અને 'આ યુદ્ધ નથી, પણ દુનિયાનો અંત થઈ રહ્યો હોય એમ લાગે છે' દેખાડે છે કે ગબ્બરસિંહ નેગી અને તેમના સાથીઓ કેવા સંજોગોમાં પહેલું વિશ્વયુદ્ધ લડ્યા હશે.

કેટલાક સૈનિકો ત્રણ વર્ષનો કપરો કાળ ઝીરવી ગયા હતા અને વતન પરત ફર્યા હતા, પરંતુ મોટાભાગના સૈનિકો નિરક્ષર હોવાથી તેમના અનુભવો અને સ્મૃતિઓ લોકોની વાતોમાં જીવિત રહ્યા, પરંતુ સંસ્મરણો તરીકે ગ્રંથસ્થ ન થઈ શક્યા. નેગીના મૃત્યુના દસેક વર્ષ પછીથી દરવર્ષે ચંબારામાં મેળો ભરાય છે.

નવ-શફેલના યુદ્ધમોરચે એક શીખ સૈનિક અને તેના અંગ્રેજ અધિકારીની મિત્રતાનું પ્રકરણ પણ લખાવાનું હતું, જે પેઢીઓ સુધી આગળ વધનારું હતું.

શીખ-અંગ્રેજની મૈત્રી

નવ-શફેલના મોરચે 15મી લુધિયાણા શીખના સૈનિક પણ પહોંચ્યા હતા. જેમાં જલંધરના મંટાસિંહ પણ હતા. તેમણે જોયું કે કૅપ્ટન હૅન્ડરસન ઘાયલાવસ્થામાં પડ્યા છે. સુબેદાર મંટાસિંહે તરત જ હાથલારી શોધીને તેમાં કૅપ્ટન હૅન્ડરસનને ગોઠવીને તેમને ગોળીબારથી દૂર સલામત અંતરે ખસેડી લાવ્યા.

જોકે, આ દરમિયાન તેમને પગમાં ગોળી વાગી. મંટાસિંહને યુકેની હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. અહીં તેમના શરીરમાં સડો થયો અને તેમનું મૃત્યુ થયું. વર્ષો પછી કૅપ્ટન હૅન્ડરસન પંજાબ ગયા અને મંટાસિંહના દીકરા અસ્સાસિંહને મળ્યા. પિતાની જ પલટનમાં તેમને નોકરી મળે તેવી વ્યવસ્થા હૅન્ડરસને કરી.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અસ્સાસિંહ તથા કૅપ્ટન જ્યોર્જના દીકરા રૉબર્ટ ઉત્તર આફ્રિકાના મોરચે સાથે મળીને લડ્યા હતા. જ્યારે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું, ત્યારે રૉબર્ટની મદદથી અસ્સાસિંહ બ્રિટનમાં સ્થાયી થયા.

એ પછી તેમના દીકરા જયમલસિંહ અને ઇયાન હૅન્ડરસન વર્ષો સુધી દરવર્ષે બ્રાઇટન ખાતેના યુદ્ધસ્મારકની મુલાકાત લેતા રહ્યા.

નવ-શફેલ ખાતે ભારતીય સૈનિક અને શ્રમિકના મૃતકોની સ્મૃતિમાં એક સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે.

સૈનિક, સ્મૃતિ, સ્મારક

બ્રિટનના સત્તાવાર આંકડા પ્રમાણે, પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન તત્કાલીન અંગ્રેજ સરકાર વતી લડતા 64 હજાર 446 સૈનિક મૃત્યુ પામ્યા હતા. આ સિવાય હજારો ઘાયલ થયા હતા.

ભારતના સત્તાવાર આંકડા પ્રમાણે, પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન 74 હજાર સૈનિક મૃત્યુ પામ્યા હતા, જ્યારે 67 હજાર ઘાયલ થયા હતા. લગભગ 13 લાખ ભારતીય અંગ્રેજ સરકારના સૈનિક-શ્રમિક વિશ્વના અલગ-અલગ મોરચે ગયા હતા. તેમની સ્મૃતિમાં અલગ-અલગ સ્થળોએ યુદ્ધસ્મારક ઊભા કરવામાં આવ્યા છે.

નવી દિલ્હી ખાતેનું ઇન્ડિયા ગૅટ આવું જ એક સ્મારક છે. 1971ના બાંગ્લાદેશ મુક્તિસંગ્રામ પછી તેની વચ્ચે ઊલ્ટી રાયફલ, તેની ઉપર હૅલ્મેટ તથા અમર જવાન જ્યોતિ પ્રસ્થાપિત કરવામાં આવ્યા. ફ્રાન્સના નવ-શફેલ ખાતે પણ મૃત સૈનિક-શ્રમિક માટે સ્મારક ઊભું કરવામાં આવ્યું છે.

સર હર્બટ બૅકર નામના આર્કિટેક્ટે નવ-શફેલ ખાતેના સ્મૃતિસ્મારકની ડિઝાઇન તૈયાર કરી. ચાર્લ્સ વ્હિલર તથા જૉસેફ આર્મિટેજે સ્થાપત્યો તૈયાર કર્યા.

સ્મારકની ફરતે જાળીદાર રચના છે, જે ભારતીય ધર્મસ્થળો તથા ઇમારતોની આગવી ઓળખ છે. આ સિવાય છત્રી આકારમાંથી પ્રવેશ થાય છે. સારનાથના સ્તંભથી પ્રભાવિત 15 ફૂટ ઊંચો સ્તંભ છે. તેની બંને બાજુ વાઘની પ્રતિમાઓ છે.

સ્તંભ પર અંગ્રેજીમાં 'God is one his is the victory', અરબીમાં 'બિસ્મિલ્લા ઈર્રહમાન નિર્રહીમ', દેવનાગરીમાં 'ૐ ભગવતે નમઃ' અને ગુરૂમુખીમાં 'એક ઓંકાર શ્રી વાહેગુરુ જી કી ફતહ' અંકિત થયેલા છે.

તા. સાત ઑક્ટોબર 1927ના દિવસે લૉર્ડ બર્કનહૅડે આ સ્મારકને ખુલ્લું મૂક્યું. તેઓ ભારતના સૅક્રેટરી ઑફ સ્ટેટ હતા અને તેઓ ભારતીય સંસ્થાનના સૈન્યઅધિકારી તરીકે પહેલું વિશ્વયુદ્ધ પણ લડ્યા હતા.

કપૂરથલાના મહારાજા, રૂડિયાર્ડ કિપલિંગ સહિત અનેક સૈન્યઅધિકારીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2015માં ફ્રાન્સ ગયા હતા, ત્યારે તેમણે આ યુદ્ધસ્મારકની મુલાકાત લીધી હતી.

પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું, લગભગ એજ અરસામાં ભારતીય મૂળનું એક દંપતી આફ્રિકાથી બ્રિટન પહોંચ્યું હતું.

મહિલા તત્કાળ ભારતીય સૈનિકોની સેવા-સુશ્રૃષામાં લાગી ગયાં હતાં અને પતિએ ઍમ્બ્યુલન્સ યુનિટ શરૂ કરવા માટે ભારતીયો સાથે સંપર્ક શરૂ કરી દીધા. પતિને લાગતું હતું કે બ્રિટનના પડખે રહીને લડવું જોઈએ અને તેમને સાથ આપવો જોઈએ, તેમનું હૃદયપરિવર્તન થશે.

આ દંપતી એટલે મોહનદાસ કરમચંદ ગાંધી અને તેમનાં પત્ની કસ્તુરબા. આગળ જતાં ભારતમાં સ્વતંત્રતાની ચળવળ માટે તેઓ ઉદ્દિપક પણ બનવાના હતાં.