You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુદાન સંઘર્ષ : સામાન્ય લોકો એકે-47 રાઇફલ્સ કેમ ખરીદી રહ્યા છે?
- લેેખક, ઝૈનબ મોહમ્મદ સાલેહ
- પદ, ખાર્તૂમથી બીબીસી માટે
સુદાનની રાજધાની ખાર્તુમની બ્લૅક માર્કેટમાં વિશ્વની સૌથી લોકપ્રિય અસૉલ્ટ રાઇફલ એકે-47ની કિંમત છેલ્લા કેટલાક મહિનામાં પચાસ ટકા સુધી ઘટી ગઈ છે. હવે તેની કિંમત ઘટીને માત્ર 68 હજાર રૂપિયા થઈ ગઈ છે.
હથિયારોની લે-વેચમાં સાથે સંકળાયેલા એક વ્યક્તિના જણાવ્યા અનુસાર, આનું કારણ સુદાનના બ્લૅક માર્કેટમાં સરળતાથી મળતી રશિયાની રાઇફલ ક્લાશ્નિકોવ (એકે-47) છે.
સુદાનમાં આ વર્ષના એપ્રિલ મહિનામાં ગૃહયુદ્ધ શરૂ થયું હતું, ત્યારબાદ આ રશિયન રાઇફલોની સંખ્યામાં જોરદાર વધારો થયો છે.
સુદાનની રાજધાની ખાર્તુમ સહિત દેશનાં બીજાં મોટાં શહેરો, જેમ કે બહરી અને ઓમદુરમનના રસ્તા પર રોજિંદા સ્તરે સંઘર્ષ ચાલુ છે.
નામ ન જાહેર કરવાની શરતે પર એક આર્મ્સ ડીલરે કહ્યું કે, તેમને શસ્ત્રો પૂરાં પાડનારા કેટલાક લોકો નિવૃત્ત સૈન્ય અધિકારી છે. તો મોટા ભાગના સપ્લાયર આરએસએફ સાથે સંકળાયેલા છે.
ગૃહયુદ્ધ શરૂ થયાના ત્રણ મહિના બાદ જુલાઈ થયેલી બહરી શહેરમાં હિંસા (જેને કેટલાક લોકો બહરીની લડાઈ કહે છે)ને કારણે એકે-47ની માગ પુરવઠા કરતાં પણ વધી ગઈ છે.
આ સંઘર્ષ પછી બહરી શહેરના રસ્તા પર સૈનિકોના મૃતદેહો વિખરાયેલા પડ્યા છે. આ જંગમાં સુદાનની સેનાને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે અને અર્ધ લશ્કરી દળોએ બહરી શહેરના મોટા ભાગનો હિસ્સો તેમજ ખાર્તુમ અને ઓમદુરમનના પર પણ નિયંત્રણ રાખ્યું છે.
આ આર્મ્સ ડીલરે કહ્યું કે, "ઘણા સૈનિકો પકડાઈ ગયા છે અને ઘણા સૈનિકો માર્યા ગયા છે તેથી અમારા સપ્લાયર પાસે ઘણાં શસ્ત્રો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આનો અર્થ એ છે કે તેમને હવે લીબિયાથી સહરા રેગિસ્તાનમાંથી દાણચોરી કરીને મંગાવેલ 'ધ ક્લાશ' પર આધાર નહીં રાખવો પડે. આ ડીલરો આ વિસ્તારને ઑપન આર્મ્સ માર્કેટ તરીકે ઓળખે છે.
2011ના બળવા અને લાંબા સમયના શાસક મુઅમ્મર ગદ્દાફીની હત્યા બાદ ઉત્તર આફ્રિકન દેશોમાં કેટલી હદે અરાજકતા અને અસ્થિરતા વધી છે તેનો આ સંકેત છે.
સામાન્ય નાગરિકો કેમ ખરીદી રહ્યા છે હથિયાર?
ભૂતકાળમાં દાણચોરીવાળાં શસ્ત્રો મુખ્યત્વે સુદાન અથવા ચાડ જેવા પડોશી દેશોમાં લાંબા સમયથી ચાલતા સંઘર્ષમાં સામેલ બળવાખોરો અને લશ્કરના સભ્યોને વેચવામાં આવતાં હતાં.
પરંતુ હવે લડવૈયા ખાર્તુમના યુદ્ધ ઝોનમાંથી માર્યા ગયેલા અથવા પકડાયેલા દુશ્મનો પાસેથી શસ્ત્રો ઉપાડે છે અને મધ્યસ્થીઓ દ્વારા ડીલરોને વેચે છે, જેમને બદલામાં રાજધાનીના કેટલાક રહેવાસીઓના રૂપમાં ખરીદદારોનો નવો સમૂહ મળ્યો છે.
આ લોકો યુદ્ધ, અરાજકતાનાં જોખમોથી ચિંતિત છે અને વિવિધ પ્રકારનાં જોખમો તેમના દરવાજો ખટખટાવી રહ્યાં છે.
ડીલરો સાથે વાત કર્યા પછી ખાર્તુમના લોકો તેમને ઑર્ડર આપવા માટે ફોન કરે છે.
ડીલરો તેમના ઘરે એકે-47 રાઇફલ્સ પહોંચાડે છે અને તેમને અશક્ય હોય તેવાં હથિયારનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ શીખવાડે છે.
આ પછી ઓમદુરમનની મુખ્ય બજારમાં દારૂગોળો અલગથી વેચાય છે.
6 બાળકના 55 વર્ષીય પિતાએ કહ્યું કે તેમણે વધતા રહેતા અપરાધો અને ખાર્તૂમમાં સંભવિત હુમલાઓથી બચવા એકે-47 રાઇફલ ખરીદી છે.
તેઓ કહે છે કે, "તેઓ કોઈ પણ કારણસર તમારી ઉપર હુમલો કરી શકે છે. આ એક જાતીય યુદ્ધમાં ફેરવાઈ શકે છે. તમે ક્યારેય જાણતા નથી. આ અમારો સૌથી મોટો ડર છે."
લોકોનું જીવન નરક સમાન
એપ્રિલમાં સેનાના પ્રમુખ જનરલ અબ્દેલ ફત્તાહ અલ-બુરહાન અને આરએસએફ કમાન્ડર મોહમ્મદ હમદાન દગાલો એટલે કે હેમેદતી વચ્ચેના અણબનાવને પગલે સુદાન ગૃહયુદ્ધની ચપેટમાં આવી ગયું હતું.
બંનેએ ઑક્ટોબર 2021માં બળવો કર્યા પછી સત્તાસંઘર્ષમાં સામેલ થઈ ગયા. આ દરમિયાન તેમના સમર્થકોએ એકબીજા વિરુદ્ધ હથિયાર ઉઠાવી લીધાં, જેના અંતનો કોઈ અણસાર નજરે નથી આવતો.
આર્મ્સ ડીલરે જણાવ્યું હતું કે એકે-47 રાઇફલ્સ કરતાં પિસ્તોલની વધુ માગ છે, જે વાપરવામાં અને લઈ જવી સરળ છે.
પોલીસ દળ, જેલ પ્રશાસન અને ન્યાયતંત્ર સહિત સરકારના પતનને કારણે ગુનાખોરી અંકુશની બહાર થઈ ગઈ હોવાથી સ્થાનિક રહેવાસીઓ હથિયારનો ઉપયોગ કરી રહ્યા છે.
યુદ્ધની શરૂઆતમાં ખાર્તુમની સૌથી મોટી જેલમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને ગુનેગારો હવે રસ્તાઓ પર આવી ગયા છે.
એક બાજુ સંઘર્ષને કારણે ઘણા ધંધા બંધ થઈ ગયા હોવાથી ગુનાખોરી પણ વધી છે, જેની માઠી અસર બેરોજગારી પર અસર પડી છે અને બીજી તરફ પાયાની ખાદ્ય ચીજોની અછતને કારણે જીવનનિર્વાહનો ખર્ચ વધી ગયો છે.
લોકો આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યા છે પણ મોટી સંખ્યામાં શસ્ત્રો ખરીદે છે, કારણ કે સુરક્ષા સૌથી મહત્ત્વની છે. ખાસ કરીને જ્યારે ઘરો લૂંટાઈ રહ્યાં હોય અને મહિલાઓ પર બળાત્કાર થઈ રહ્યા હોય.
ડીલરે કહ્યું કે તેણે પિસ્તોલની કિંમત એક લાખ દસ હજાર રૂપિયાથી ચાર ગણી ઘટાડીને લગભગ 27 હજાર રૂપિયા કરી દીધી છે.
ડીલરે જણાવ્યું, "જે વસ્તુ પિસ્તોલને મોંઘી બનાવતું હતું એ લાઇસન્સ હતું. હવે તમને એ લેવાની જરૂર નથી. તમે બસ હવે પિસ્તોલ ખરીદો અને એનો ઉપયોગ કરો."
તેણે એ પણ જણાવ્યું કે તેણે સારો નફો કર્યો છે, કારણ કે વેચાણ પહેલાં કરતાં વધારે હતું.
એકે-47ના માલિક હથિયાર ઘરે રાખે છે, પણ જ્યારે પિસ્તોલના માલિક બહાર જાય છે ત્યારે તે સાથે લઈને જાય છે.
ગુનેગારોએ ઊભા કરેલા જોખમને એક 24 વર્ષીય વ્યક્તિની દુદર્શાથી વ્યક્ત કરી શકાય, જેનાં લગ્ન થોડાં વરસ પહેલાં થયાં હતાં અને તેને એક વરસનું બાળક છે.
જેવો તે ઓમડુરમૅનની એક બજારમાં ગયો કે તેનો સામનો એક ગૅંગ સાથે થયો. તેની રોકડ લૂંટી લેવાઈ અને તેને કરોડસ્થંભમાં ગોળી મારી દીધી.
શહેરમાં એકમાત્ર હૉસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળી તો તેને અંદાજે 200 કિમી દૂર એક હૉસ્પિટલમાં ખતરનાક રસ્તો પાર કરીને લઈ જવો પડ્યો.
ગોળી તો કાઢી લીધી, પણ ગોળીબારે તેમને નિઃસહાય કરી નાખ્યો.
આ એક લડાઈની દર્દનાક યાદ છે, જેણે લાખો લોકોની જિંદગી બરબાદ કરી નાખી છે.