You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સેક્સ થીમ પર આધારિત પાર્ટીઓ પર રશિયામાં પોલીસ છાપેમારી કેમ કરી રહી છે?
- લેેખક, અમાલિયા જતારી અને અનાસ્તાસિયા ગોલુબેવા
- પદ, બીબીસી રશિયન સેવા
સેક્સ પાર્ટીઓ પર રશિયામાં અધિકારીઓ છેલ્લા કેટલાક દિવસોથી કાર્યવાહી કરી રહ્યા છે. આ કાર્યવાહી ગત વર્ષે નવેમ્બરમાં આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી કરવામાં આવી રહી છે. આ નિર્ણયમાં કોર્ટે એલજીબીટીક્યૂ આંદોલનને ઉગ્રવાદી વિચારધારા ગણાવ્યું હતું.
હાલના મહિનાઓમાં રશિયાના અનેક વિસ્તારોમાં સેક્સ થીમવાળી છ સાર્વજનિક પાર્ટીઓ અને અન્ય પ્રાઇવેટ પાર્ટીઓ પર પોલીસે છાપેમારી કરી છે. જોકે, એમાંથી ઘણા આયોજનોનો એલજીબીટીક્યૂ+ સમુદાય સાથે કોઈ સંબંધ નહોતો.
રશિયાની પોલીસે ફેબ્રુઆરીમાં યેકાતેરિનબર્ગની એક નાઇટ ક્લબ પર છાપેમારી કરી હતી. આ ક્લબમાં ‘બ્લૂ વેલ્વેટ’ નામથી સેક્સ થીમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સામેલ લોકોએ પોતાની ઓળખ છુપાવવા માટે બાલાક્લાવા (મંકી કૅપ) પહેરી હતી.
આ પાર્ટીના આયોજકોએ બીબીસીની રશિયન સેવાને કહ્યું હતું કે આ કાર્યવાહીમાં ઓછામાં ઓછા 50 પોલીસકર્મીઓ સામેલ હતા. તેમાંથી કેટલાક લોકો રશિયાના વિશેષ સુરક્ષા દળ એફએસબીના સદસ્ય હતા.
આયોજકોમાંના એક સ્ટાનિસ્લાવ સ્લોવિકોવ્સ્કીએ જણાવ્યું કે પોલીસે પાર્ટીમાં સામેલ લોકોને માસ્ક ઉતારવા માટે મજબૂર કર્યા હતા. પોલીસે તેમની પ્રાઇવેટ જાણકારીઓ પણ માંગી હતી.
તેમણે કહ્યું, “તેમણે મને પૂછ્યું કે શું પાર્ટીમાં કોઈ ગે અથવા લેસ્બિયન સામેલ છે? શું એલજીબીટીક્યૂનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે? તેમણે એમ પણ પૂછ્યું હતું કે શું લોકો ડ્રગ્સ પણ લઈ રહ્યા છે? જોકે, તેમની રુચિ એ જાણવામાં ઓછી હતી.”
રશિયામાં એલજીબીટીક્યૂ આંદોલન+
રશિયાના અધિકારીઓ છેલ્લા એક દાયકાથી વધુ સમયમાં એલજીબીટીક્યૂ આંદોલનને એક ચરમપંથી વિચારધારા ગણાવીને તેને ગેરકાયદેસર ગણાવવાની કોશિશ કરી રહ્યા છે.
તેના માટે અનેક કાયદાઓ બનાવવામાં આવ્યા છે અને એલજીબીટીક્યૂ સમુદાય પાસેથી તેમની આઝાદી છીનવવાની કોશિશ થઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રશિયાની સંસદે 2013માં એલજીબીટીક્યૂના પ્રચાર પર રોક લગાવવા માટે એક બિલ પસાર કર્યું હતું. તેણે એલજીબીટીક્યૂ સમુદાયના અધિકારો અને તેની સાથે જોડાયેલા મુદ્દાઓની સાર્વજનિક ચર્ચાઓને સીમિત કરી દીધી છે.
ગત વર્ષે એલજીબીટીક્યૂ વિરોધી વધુ સખત કાયદો લાગુ કરવામાં આવ્યો હતો.
ગત વર્ષે જુલાઈમાં સંસદે ટ્રાન્સજેન્ડર ટ્રાન્ઝિશન (લિંગ બદલવા) પર રોક લગાવી દીધી હતી જે 1997થી કાયદેસર હતું. અધિકૃત દસ્તાવેજોમાં લિંગ બદલાવવું, સર્જિકલ પ્રક્રિયાઓ, હૉર્મોનલ થેરેપી અને લિંગ બદલવા જેવી ચીજોને ગેરકાનૂની જાહેર કરવામાં આવી હતી.
પછી ગત વર્ષે નવેમ્બર મહિનામાં જ રશિયાની સુપ્રીમ કોર્ટે એલજીબીટીક્યૂ આંદોલનને અતિવાદી વિચારધારા ગણાવી હતી. ત્યારપછી એલજીબીટીક્યૂને ઉગ્રવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા જે યાદીમાં ઇસ્લામિક સ્ટેટ જેવા સંગઠનો પણ સામેલ છે.
ત્યારપછી રશિયામાં હવે એલજીબીટીક્યૂને સમર્થન આપવું એ અપરાધ બની ગયો છે. તેમાં દોષિત થવા ઉપર 10 સાલ સુધીની સજા થઈ શકે છે.
BDSM પાર્ટીઓ શું છે?
સ્ટાનિલાવ સ્લોવિકૉવસ્કીએ બીબીસીની રશિયન સેવાને જણાવ્યું કે જે ‘બ્લૂ વેલ્વેટ’ પાર્ટી પર પોલીસે છાપેમારી કરી હતી તેમાં કોઈ અપરાધ કરવામાં આવ્યો ન હતો.
તેમણે કહ્યું કે તેમની પાર્ટીમાં કેટલાંક કામુક પ્રદર્શનો સામેલ હતાં. તેમાંથી કેટલાંકમાં બીડીએસએમ પણ સામેલ હતું, તેમાં ઘણા પ્રકારની જાતીય ક્રીડાઓ અને રૉલ પ્લે સામેલ હતાં. તેમાં સામેલ થવા માટે પ્રતિસ્પર્ધીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
આ સાથે જ સ્લોવિકૉવસ્કીએ કહ્યું હતું કે મહેમાનોને સેક્સ કરવા માટે કોઈ દબાણ કરવામાં આવ્યું ન હતું કે પછી તેમની પાસેથી કોઈ અપેક્ષા ન હતી.
જોકે, બાદમાં યેકાતેરિનબર્ગ સિટી પોલીસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહ્યું હતું કે સુરક્ષાદળોએ છાપેમારી કરી હતી.
ત્યારબાદ યેકાતેરિનબર્ગ પબ્લિક ચૅમ્બરના સદસ્ય દમિત્રી ચૌકરીવે કહ્યું, “કોઈ વ્યક્તિ એ વાતથી ઇનકાર ન કરી શકે કે એલજીબીટીક્યૂ સમુદાય બીડીએસએમ પાર્ટીઓની આડ લઈને પોતાની મીટિંગનું આયોજન કરી શકે છે.”
તેઓ કહે છે કે અધિકારીઓએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં એલજીબીટીક્યૂ સમુદાય પર કાર્યવાહી વધારી દીધી છે. તેના પછી પણ તેઓ ગાયબ નથી થઈ ગયા, તેમનું અસ્તિત્ત્વ હજુ છે.
તેમણે બીબીસી રશિયન સેવા સાથે વાત કરતા કહ્યું હતું કે, “તેમને હજુ પણ પોતાનું મનોરંજન કરવાની અને પોતાના વિચારોને સાકાર કરવાની જરૂર છે. કદાચ આ રીતે તેઓ બીડીએસએમના રૂપમાં આવાં આયોજનો કરી શકે છે. કારણ કે તેના પર હજુ સુધી પાબંદી મૂકવામાં આવી નથી.”
છેલ્લા એક દાયકામાં સેક્સ પાર્ટીઓ માત્ર રશિયાનાં મોટાં શહેરોમાં જ જોવા મળતી હતી. એ વધારે પ્રમાણમાં મહાનગરો સુધી જ સીમિત હતી.
એવું અનુમાન છે કે વસ્તીનો ખૂબ નાનો ભાગ તેમાં સામેલ થતો હતો. આ પાર્ટીઓએ મધ્યમવર્ગના નોકરીવાળા લોકોને આકર્ષિત કર્યા જેમાં ક્રિએટીવ ઇન્ડસ્ટ્રી અને આઈટી સેક્ટરના લોકો પણ સામેલ હતા.
'લગભગ નગ્ન' પાર્ટીઓમાં સામેલ થનારા પર કાર્યવાહી
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ટીવી હોસ્ટ અનાસ્તાસિયા ઇવિલેવાની ડિસેમ્બરમાં થયેલી જન્મદિવસની પાર્ટી પછી રશિયાના અધિકારીઓએ સેક્સ પાર્ટીઓ પર સખ્તાઈથી નજર રાખવાનું શરૂ કર્યું. આ પાર્ટીમાં મહેમાનો માટે એવો ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો હતો કે જેમાં નહીંવત્ કપડાં પહેરીને આવવાનું હતું.
આ પાર્ટીનો સોશિયલ મીડિયા પર જબરદસ્ત પ્રચાર થયો હતો. તેમાં સામેલ થનારા લોકોમાં એ- લિસ્ટની રશિયાની હસ્તીઓ સામેલ હતી. તેમાં રશિયન મીડિયા પર્સનાલિટી કૅન્સિયા સોબચાક પણ સામેલ હતાં.
તેઓ વ્લાદિમીર પુતિનના જૂના સહયોગી અને સલાહકાર અનાતોલી સોબચાકનાં પુત્રી છે. તેમના સિવાય વરિષ્ઠ પૉપ સિંગર ફિલિપ કિર્કૉરોવ પણ આ પાર્ટીમાં મહેમાન હતા.
આ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર આવ્યા બાદ અનેક લોકો નારાજ થયા હતા.
આ પાર્ટીમાં સામેલ રેપપ વાસિઓને ગુંડાગીરી કરવાના આરોપસર 15 દિવસની જેલની સજા સંભળાવવામાં આવી હતી. તેમના પહેરવેશને કારણે તેમના પર બે લાખ રૂબલનો દંડ પણ લગાવવામાં આવ્યો હતો.
આ પ્રકારની પાર્ટીઓ આયોજિત કરવા માટે ઇવિલેવાને એક લાખ રૂબલનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ કથિતપણે આ પાર્ટીની તસવીરો દેખાડ્યા પછી તેના આયોજકો અને મહેમાનોને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.
પાર્ટીમાં સામેલ થયેલી કેટલીક મશહૂર હસ્તીઓએ દાવો કર્યો કે તેમના પહેલેથી જ નક્કી કરાયેલા કાર્યક્રમોને રદ કરવામાં આવ્યા અને તેમના પર કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકીઓ મળી.
રશિયામાં રાષ્ટ્રપતિ ચૂંટણીને ધ્યાનમાં લેતા પુતિને પરંપરાગત મૂલ્યોની વાત કરવાનું શરૂ કરી દીધું હતું. તેનું પરિણામ એ આવ્યું કે રાષ્ટ્રપતિ તરીકે તેમનો પાંચમો કાર્યકાળ જીતવામાં તેમને મદદ મળી.
પોલીસ કાર્યવાહીની અસર શું થઈ?
તાજેતરમાં સેક્સ પાર્ટીઓ પરના દરોડામાં પણ આ જ પેટર્ન અનુસરવામાં આવી હતી. પોલીસે આવીને બધાને જમીન પર સૂઈ જવા કહ્યું અને તેમનાં ઓળખપત્રોની માહિતી લીધી.
આમાંના મોટાભાગના દરોડાઓને સરકાર તરફી મીડિયાએ કવર કર્યા હતા. કેટલીક ટેલિવિઝન ચૅનલોએ પાર્ટીમાં હાજર લોકોની અંગત માહિતી પણ સાર્વજનિક કરી દીધી હતી.
આ કાર્યવાહી માત્ર જાહેર કાર્યક્રમો પૂરતી જ મર્યાદિત નહોતી. ઓછામાં ઓછા બે કેસમાં પોલીસે ખાનગી પાર્ટીઓ પર પણ કાર્યવાહી કરી હતી.
એક હાજર વ્યક્તિએ બીબીસી રશિયનને જણાવ્યું કે કેટલાક પુરૂષ મહેમાનોને યુક્રેનને યુદ્ધમાં લડવા મોકલવાની ધમકી પણ આપવામાં આવી હતી.
પોલીસના વધતા જતા દરોડા અને જાહેરમાં થતી નિંદાને કારણે આવી પાર્ટીઓના આયોજકો હવે ઠંડા પડી ગયા છે.
કિંકી પાર્ટી મૉસ્કોના સમલૈંગિકોમાં લોકપ્રિય એવી ‘પૉપ ઑફ કિચન’ અને સેક્સ થીમવાળી પાર્ટીઓ કરે છે. તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં જાહેરાત કરી હતી કે તેઓ રશિયામાં કોઈપણ ઇવેન્ટ યોજવાનું બંધ કરશે.
કિંકી પાર્ટીના આયોજકોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમને ચેતવણી આપવામાં આવી છે કે હવેથી કોઈ પણ જાતીય સંબધિત કાર્યક્રમોને મંજૂરી આપવામાં આવશે નહીં."
પૉપ કિચનના નિકિતા એગોરોવ કિરિલોવે બીબીસીને કહ્યું, "મને ખબર હતી કે તેઓ સૌથી પ્રખ્યાત પાર્ટીને પણ બંધ કરી શકે છે. તમે તમારા મહેમાનોની સુરક્ષાની ગૅરંટી ન આપી શકો તો પછી આવા માહોલમાં કામ કરવું અશક્ય છે.”
તેમણે કહ્યું, "તે બધા દરોડાઓ, ધમકીઓ, લોકોની અંગત માહિતીનો રેકર્ડ મેળવવો... આ બધું માત્ર એક જ વાર થાય છે. પરંતુ ત્યાર પછી તમે લોકોને ફરીથી ક્યારેય વિશ્વાસ અપાવી શકશો નહીં કે તમારી પાર્ટી સુરક્ષિત છે."