મોહમ્મદ ડેઇફ: હમાસના કમાન્ડર માર્યા ગયાનો ઇઝરાયલનો દાવો, દશકોથી શોધતા હતા

ઇઝરાયલે દાવો કર્યો છે કે 13 જુલાઈના હવાઈ હુમલામાં હમાસની મિલિટરી પાંખના વડા મોહમ્મદ ડેઇફનું મૃત્યુ થયું છે.

ડેઇફે ગાઝાના ખાન યુનિસ વિસ્તારમાં આશરો લીધો હતો, ત્યારે તેમને ટાર્ગૅટ કરીને ઇઝરાયલ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો.

એ સમયે ઇઝરાયલે હમાસના અન્ય એક કમાન્ડર રાફા સલામેહના મૃત્યુની પુષ્ટિ કરી હતી, પરંતુ ડઇફ વિશે તેમની પાસે ચોક્કસ માહિતી ન હતી.

હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે એ હુમલામાં 90 લોકો મૃત્યુ પામ્યા હતા અને તેમાં ડઇફ સામેલ ન હતા અને ઇઝરાયલ હત્યાકાંડ પર પડદો પાડવા આમ કહી રહ્યું છે.

ઇઝરાયલનું કહેવું છે કે ગત વર્ષે 7 ઑક્ટોબરના ઇઝરાયલના દક્ષિણ ભાગમાં હમાસની અલ-કાસમ બ્રિગેડે હુમલો કર્યો હતો, જેનું નેતૃત્વ ડઇફ કરી રહ્યા હતા.

આ જાહેરાતના ગણતરીના કલાકો પહેલાં હમાસના રાજકીય નેતા ઇસ્માઇલ હાનિયાનું ઈરાનની રાજધાની તહેરાનમાં મૃત્યુ તથા હિઝબુલ્લાહના સિનિયર કમાન્ડર ફોદ શુકરનું લેબનનની રાજધાની બેરૂતમાં ઇઝરાયલી હવાઈ હુમલામાં મૃત્યુ થયું હોવાના સમાચાર બહાર આવ્યા હતા.

દાયકાથી હતા વૉન્ટેડ

ડઇફનું આખું નામ મોહમ્મદ દિઆબ અલ-મસરી હતું અને ડઇફ તરીકે ઓળખાતા. જેનો મતલબ 'મુલાકાતી' કે 'મહેમાન' એવો થાય છે. ઇઝરાયલના સર્વેલન્સથી બચવા માટે તેઓ એક જગ્યાએથી બીજા સ્થળે ફરતા રહેતા, જેના કારણે તેમને આવું ઉપનામ મળ્યું હતું.

વર્ષ 1965માં ખાન યુનિસના રૅફ્યૂજી કૅમ્પમાં તેમનો જન્મ થયો હતો. તેમનો પરિવાર ખૂબ જ ગરીબ હતો. શરૂઆતના સમયમાં તેઓ પિતા સાથે વણાટકામ કરતા. એ પછી મોહમ્મદ ડઇફે પૉલ્ટ્રી ફાર્મ શરૂ કર્યું અને ડ્રાઇવર તરીકે પણ કામ કર્યું.

મોહમ્મદ ડઇફે ગાઝાની ઇસ્લામિક યુનિવર્સિટીમાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હતો અને આ દરમિયાન તેમણે ફિઝિક્સ, કૅમેસ્ટ્રી તથા બાયૉલૉજીનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થીકાળ દરમિયાન તેઓ મનોરંજન સમિતિના વડા હતા અને કૉમેડી નાટક કરતા. યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન તેમણે મુસ્લિમ બ્રધરવૂડ ગ્રૂપ જૉઇન કર્યું.

ઇઝરાયલી સત્તાવાળાઓએ તેમને 1989માં જેલમાં ધકેલી દીધા હતા. એ પછી તેમણે ઇઝરાયલી સૈનિકોને પકડવા માટે અલ-કાસમ બ્રિગેડની રચના કરી હતી.

જેલમાંથી મુક્તિ પછી તેમણે હમાસના લડવૈયા ગાઝામાંથી ઇઝરાયલમાં પ્રવેશી શક્યા તે ટનલના નિર્માણમાં મદદ કરી હતી.

ડેઇફ ઇઝરાયલના મોસ્ટ-વૉન્ટેડ લોકો પૈકીના એક હતા. તેમના પર 1996માં અનેક ઇઝરાયલીઓનો ભોગ લેનારા બસ બૉમ્બિંગનું કાવતરું ઘડવાનો આરોપ હતો. 1990ના દાયકાની મધ્યમાં ત્રણ ઇઝરાયલી સૈનિકોને પકડીને મારી નાખવાનો આરોપ પણ તેમના પર હતા.

ઇઝરાયલે વર્ષ 2000માં તેમને કેદ કર્યા હતા, પરંતુ ઇન્તિફાદા અથવા બીજા પેલેસ્ટિનિયન બળવાની શરૂઆતમાં તેઓ જેલમાંથી નાસી છૂટ્યા હતા.

'નવ જીવવાળી બિલાડી'

મોહમ્મદ ડેઇફ ઇઝ ઇલ-દીન અલ-કાસમ બ્રિગેડનું નેતૃત્વ કરી રહ્યા હતા, જે હમાસ ચળવળની લશ્કરી શાખા છે.

પેલેસ્ટિનિયનો માટે તેઓ માસ્ટરમાઇન્ડ અને ઇઝરાયલીઓ માટે તેઓ 'નવ જિંદગી ધરાવતી બિલાડી' તરીકે ઓળખાતા. વર્ષ 2001થી તેમને ખતમ કરી નાખવા માટે ઇઝરાયલ દ્વારા સાત વખત પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ એ તમામ નિષ્ફળ રહ્યા હતા.

2000ની સાલમાં પકડાયા એ પછી મોહમ્મદ ડેઇફે કદાચ જ કોઈ નિશાન છોડ્યાં હશે. તેમના ત્રણ જ ફોટોગ્રાફ્સ ઉપલબ્ધ હતા. તે પૈકીના એકમાં તેઓ માસ્ક પહેરેલા જોવા મળે છે, જ્યારે બીજો તેમના પડછાયાનો છે.

તેમનો જીવ લેવાના સૌથી ગંભીર પ્રયાસ 2002માં થયા હતા. ડેઇફ બચી ગયા હતા, પરંતુ તેમણે એક આંખ ગુમાવી હતી.

ઇઝરાયલનું કહેવું છે કે ડેઇફે એક પગ તથા એક હાથ ગુમાવ્યા હતા અને તેમને બોલવામાં તકલીફ પડતી.

ગાઝાપટ્ટી પરના 2014ના હુમલા દરમિયાન ઇઝરાયલી સુરક્ષા દળો ફરીથી ડેઇફની હત્યા કરવામાં નિષ્ફળ રહ્યા હતા, પરંતુ તેમનાં પત્ની તથા બે બાળક મૃત્યુ પામ્યાં હતાં.