You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફિલાડેલ્ફી કૉરિડૉર: ગાઝા અને ઇજિપ્તની સીમા પાસેનો વિસ્તાર, જેના પર ઇઝરાયલે કબજો કર્યો
- લેેખક, કૅથરિન આર્મ્સસ્ટ્રૉન્ગ અને રફ્ફી બર્ગ
- પદ, બીબીસી ન્યૂઝ
ઇઝરાયલની મિલિટરીનું કહેવું છે તેણે ગાઝા અને ઇજિપ્તની સરહદે અડીને આવેલો જમીનનો પટ્ટો પોતાના કબજામાં લઈ લીધો છે.
રાજકીય રીતે મહત્ત્વના આ બફર ઝોનને ‘ફિલાડેલ્ફી કૉરિડૉર’ કહેવામાં આવે છે.
તેનો અર્થ એ થયો કે ગાઝાની જમીનમાં જે પણ સરહદ છે તે હવે ઇઝરાયલના કબજામાં છે.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસના પ્રવક્તાએ કહ્યું કે ‘ફિલાડેલ્ફી કૉરિડૉર’માં તેમણે 20 એવી સુરંગ શોધી કાઢી છે, જેનો ઉપયોગ હમાસ શસ્ત્રોની હેરફેર માટે કરતું હતું.
ઇજિપ્તની એક ટીવી ન્યૂઝ ચેનલે સૂત્રોને ટાંકીને ઇઝરાયલના દાવાને ફગાવી દીધો છે.
ચેનલ અનુસાર આ ઇઝરાયલનો દક્ષિણ ગાઝાના રફાહ શહેરમાં ચાલી રહેલી સૈન્ય કાર્યવાહીને યોગ્ય ઠેરવવા માટેનો પ્રયાસ છે.
રફાહ અને ગાઝાના બીજા વિસ્તારોમાં હાલ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ સૈન્ય ઑપરેશન ચલાવી રહ્યું છે.
આઇડીએફ અનુસાર ગઈ કાલથી ચાલતા હવાઈ હુમલામાં અત્યાર સુધી 50થી ‘ચરમપંથી ટાર્ગેટ’ને નિશાન બનાવાયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આઇડીએફનું શું કહેવું છે?
આઇડીએફ કહ્યું કે એક ઇમારતની અંદર છુપાવી રાખવામાં આવેલા બૉમ્બમાં વિસ્ફોટ થતાં તેના ત્રણ સૈનિકોનાં મૃત્યુ થયાં છે અને ત્રણ સૈનિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ઇઝરાયલના કબજા હેઠળના વેસ્ટ બૅન્કમાં આવેલા નાબલુસ શહેરમાં એક કાર હુમલામાં બે સૈનિકોનાં મૃત્યુ થયાં છે. સુરક્ષા દળો કાર ચલાવનાર વ્યક્તિની શોધખોળ કરી રહ્યા છે.
આઇડીએફના પ્રવક્તા રીયર એડમિરલ ડેનિયલ હગારીએ બુધવારે કહ્યું કે સુરક્ષા દળોએ ‘ફિલાડેલ્ફી કૉરિડૉર’ પર ‘ઑપરેશનલ કંટ્રોલ’ સ્થાપિત કરી દીધું છે.
‘ફિલાડેલ્ફી કૉરિડૉર’ને હમાસની લાઇફલાઇન તરીકે વર્ણાવતાં તેમણે કહ્યું કે ચરમપંથી સંગઠન આ રસ્તેથી ગાઝા પટ્ટીમાં નિયમિતપણે શસ્ત્રોની દાણચોરી કરતું હતું.
ડેનિયલ હગારીએ કહ્યું કે સુરક્ષા દળો એ વિસ્તારમાં મળી આવેલી સુરંગોની તપાસ કરી રહ્યા છે અને નષ્ટ પણ કરી રહ્યા છે.
ન્યૂયૉર્ક ટાઇમ્સના અહેવાલ અનુસાર ડેનિયલ હગારીએ પત્રકારોને કહ્યું કે ‘ફિલાડેલ્ફી કૉરિડૉર’માં મળી આવેલી દરેક સુરંગ ઇજિપ્ત સાથે જોડાયેલી છે કે કેમ એ ચોક્કસપણ કહી શકાય નહીં.
'ફિલાડેલ્ફી કૉરિડૉર' શું છે?
‘ફિલાડેલ્ફી કૉરિડૉર’ એક બફર ઝોન છે. ઇજિપ્ત અને ગાઝાની વચ્ચે એક તટસ્થ વિસ્તાર હોવાથી તેને બફર ઝોન કહેવામાં આવે છે.
તેની પહોળાઈ માત્ર 100 મીટર છે. આ વિસ્તાર ગાઝાની ઇજિપ્ત સાથેની આઠ માઈલ લાંબી સરહદથી અડીને આવેલો છે.
તે ઉપરાંત ગાઝાની સરહદ કેવળ ઇઝરાયલને સ્પર્શે છે.
ઇજિપ્તે અગાઉ કહ્યું હતું કે તેણે બંને વિસ્તારોને સાંકળતી સુરંગો નષ્ટ કરી નાંખી હતી અને તેની કાર્યવાહી બાદ શસ્ત્રોની દાણચોરી કરવી અસંભવ થઈ ગઈ છે.
ઇજિપ્ત સરકારમાં ઊંચા હોદ્દા પર કાર્યરત સૂત્રે સમાચાર ચેનલ અલ-કાહિરા ન્યૂઝને કહ્યું કે, ‘‘ઇઝરાયલ આ આક્ષેપ એટલા માટે કરી રહ્યું છે કે પેલેસ્ટાઈન શહેર રફાહમાં પોતાની સૈન્ય કાર્યવાહીને ચાલુ રાખી શકે અને રાજકીય હેતુસર યુદ્ધને લાંબા ખેંચવાના પગલાને યોગ્ય પુરવાર કરી શકે.’’
ઇઝરાયલ સતત કહે છે કે આ યુદ્ધમાં જીત મેળવવા માટે તે રફાહ કબજો મેળવીને રહેશે.
સાત ઑક્ટોબર 2023ના રોજ હમાસે ઇઝરાયલ પર મોટા પાયે હુમલો કર્યો હતો, જેમાં 1200 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને 252 લોકોને બંધક બનાવી લેવાયા હતા.
ત્યાર બાદ ઇઝરાયલે ગાઝામાં હમાસ વિરુદ્ધ જવાબી કાર્યવાહી શરૂ કરી હતી.
હમાસ દ્વારા સંચાલિત આરોગ્ય મંત્રાલય અનુસાર યુદ્ધ શરૂ થયા બાદ અત્યાર સુધી ગાઝામાં 36 હજાર 170 લોકોનાં મૃત્યુ થયાં છે.
ત્રણ અઠવાડિયાં પહેલાં રફાહ ક્રૉસિંગના ગાઝાવાળા વિસ્તારનો કબજો ઇઝરાયલનાં સુરક્ષા દળો પાસે આવ્યો છે ત્યારથી ઇઝરાયલ અને ઇજિપ્ત વચ્ચે ઘર્ષણમાં વધારો થયો છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં રફાહ પાસેના સરહદી વિસ્તારમાં ઇજિપ્ત અને ઇઝરાયલના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણમાં ઇજિપ્તના એક સેનિકનું મૃત્યુ થયું હતું.
ઇજિપ્ત પેલેસ્ટાઇન લોકોનું મજબૂત સમર્થક રહ્યું છે અને ગાઝામાં ઇઝરાયલની સૈન્ય કાર્યવાહી અને આ જંગમાં ઇઝરાયલી સુરક્ષા બળોના હાથે હજારો સામાન્ય લોકોના જીવ ગયાની ઘટનાની નિંદા કરે છે.
ઇઝરાયલની તરફથી ઇજિપ્તે પણ ગાઝા સાથે જોડાયેલી પોતાની સીમા પર નાકાબંધી કરી રાખી છે.
વર્ષ 2006માં હમાસે ગાઝાની સત્તા સંભાળી હતી અને એ સમયથી ઇજિપ્ત તરફથી આ નાકાબંધી ચાલુ છે.
હમાસ ઇસ્લામી સંગઠન મુસ્લિમ બ્રધરહૂડથી નીકળેલું એક ગ્રૂપ છે.
ઇજિપ્તે ઇસ્લામી સંગઠન મુસ્લિમ બ્રધરહૂડને આતંકવાદી સંગઠન જાહેર કરેલું છે.
જોકે ઇજિપ્તે હમાસ સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખ્યા છે અને વચ્ચે વચ્ચે ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક મધ્યસ્થીની ભૂમિકા પણ નિભાવી છે, જેથી યુદ્ધવિરામ થઈ શકે અને ગાઝામાં હમાસના કબજામાંથી બંધકોને છોડાવી શકાય.