ઇઝરાયલ વિરુદ્ધ નરસંહાર મુદ્દે આઈસીજેએ જે કહ્યું તેનો મતલબ શું?

    • લેેખક, ડોમિનિક કાસ્સિયાની
    • પદ, ગૃહ અને કાયદો બાબતના સંવાદદાતા, બીબીસી ન્યૂઝ

દક્ષિણ આફ્રિકાએ સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલત ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ (આઈસીજે)માં ઇઝરાયલ સામે લાવેલા કેસ પર સુનાવણી કરી. દક્ષિણ આફ્રિકાએ ઇઝરાયલ પર નરસંહારનો કરવાનો આરોપ લગાવ્યો છે.

દક્ષિણ આફ્રિકાએ કોર્ટને વિનંતી કરી છે કે તે રફાહમાં સૈન્ય કાર્યવાહીને તરત રોકવા માટે ઇઝરાયલને આદેશ આપે.

ઇઝરાયલને દક્ષિણ આફ્રિકાના કેસને 'સંપૂર્ણ રીતે પાયાવિહોણો' અને 'નૈતિક રીતે વિરોધી' ગણાવ્યો છે. ઇઝરાયલે શુક્રવારે આ મામલે પોતાનો જવાબ આપ્યો હતો.

દક્ષિણ આફ્રિકાએ ઇઝરાયલ વિરુદ્ધ કેસ કર્યા બાદથી ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસના શબ્દોની સમીક્ષા થઈ રહી છે. કોર્ટે પોતાના વચગાળાના નિર્ણયમાં ‘પ્લૉઝિબલ’ શબ્દનો ઉપયોગ કર્યો છે, જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

જાન્યુઆરી 2024માં કોર્ટે વચગાળાનો ચુકાદો આપ્યો હતો. ચુકાદામાં એક ફકરો બધાના ધ્યાને આવ્યો હતો. આ ફકરામાં લખવામાં આવ્યું હતું કે, ‘‘કોર્ટના મતે, જે તથ્યો અને સંજોગો રજૂ કરવામાં આવ્યાં છે, તે એ નિષ્કર્ષ તરફ દોરી જવા માટે પૂરતાં છે કે દક્ષિણ આફ્રિકાએ જે અધિકારોનો દાવો કર્યો છે અને જેના માટે તે રક્ષણની માગ કરી રહ્યું છે તેમાંથી કેટલાક પ્લૉઝિબલ છે.’’

પ્લૉઝિબલનો અર્થ શું થાય છે?

પ્લૉઝિબલનો અર્થ થાય છે વિશ્વાસપાત્ર અથવા શક્ય.

કેટલાક લોકોએ કોર્ટના ચુકાદાનું અર્થઘટન કર્યું કે ઇઝરાયલ ગાઝામાં નરસંહાર કરી રહ્યું છે એ દાવો ‘વિશ્વાસપાત્ર અથવા શક્ય’ છે. ચુકાદાનું આ પ્રકારનું અર્થઘટન કરનાર લોકોમાં કેટલાક કાયદા નિષ્ણાત પણ સામેલ હતા.

કોર્ટના ચુકાદાનું આ અર્થઘટન ઝડપથી વાઇરલ થઈ રહ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રની પ્રેસનોટમાં અને વિરોધ કરતાં જૂથોનાં નિવેદનોમાં આ અર્થઘટનને સ્થાન આપવામાં આવ્યું હતું. બીબીસી સહિતની મીડિયા સંસ્થાઓએ કોર્ટના આ નિર્ણયની સમીક્ષાને સ્થાન આપ્યું છે.

જોકે એપ્રિલમાં વચગાળાના ચુકાદો આપતી વખતે આઈસીજેનાં અધ્યક્ષ રહી ચૂકેલાં યોઆન ડોનોહ્યુએ બીબીસીને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેનો અર્થ જુદો છે.

તેમણે કહ્યું કે, કોર્ટના ચુકાદાનો હેતુ એ જાહેર કરવાનો હતો કે દક્ષિણ આફ્રિકા પાસે ઇઝરાયલ સામે કેસ કરવાનો અધિકાર છે અને પેલેસ્ટાઈનના લોકોને "નરસંહારથી સુરક્ષાનો વિશ્વાસપાત્ર અધિકાર છે ", ખાસ કરીને એ અધિકાર જેનાથી ન પૂરાય તેવું નુકસાન પહોંચવાનું જોખમ છે.

જેનોસાઇડ કન્વેન્શન

ન્યાયાધીશોએ એ વાત પર ભાર મૂક્યો હતો કે તેમણે હાલમાં કહેવાની જરૂર નથી કે નરસંહાર થયો છે કે કેમ. અદાલત એ નિષ્કર્ષ પર આવી હતી કે દક્ષિણ આફ્રિકાએ જે બાબતે ફરિયાદ કરી છે તેમાંથી જો કેટલીક બાબતો પુરવાર થઈ જાય તો તે સંયુક્ત રાષ્ટ્ર નરસંહાર સમજૂતી (જેનોસાઇડ કન્વેન્શન) હેઠળ આવી શકે છે.

પહેલા જોઈએ કે સમગ્ર મામલો શું છે અને આમાં કાયદાકીય વિવાદ કઈ રીતે થયો.

આઈસીજે સંયુક્ત રાષ્ટ્રની ટોચની અદાલત છે જે આંતરરાષ્ટ્રીય કાયદા સાથે સંકળાયેલી બાબતોમાં સરકારો વચ્ચે થતાં વિવાદોમાં ચુકાદો આપે છે. સંયુક્ત રાષ્ટ્રના દરેક સભ્ય આપમેળે આઈસીજેના સભ્ય હોય છે.

દેશો વચ્ચે સહમતિ સધાઈ હોય તેના કાયદાથી જેનોસાઇડ કન્વેન્શન બને છે. બીજા વિશ્વયુદ્ધ પછી મોટા પાયે નરસંહાર ન થાય તે માટે જેનોસાઇડ કન્વેન્શન બનાવાયો હતો.

ડિસેમ્બર 2023માં દક્ષિણ આફ્રિકાએ આઈસીજે સમક્ષ દલીલ કરી હતી અને સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે તેના મતે ઇઝરાયલ ગાઝામાં જે રીતે હમાસ સામે યુદ્ધ કરી રહ્યું છે તે નરસંહાર સમાન છે.

દક્ષિણ આફ્રિકાએ આક્ષેપ કર્યો હતો કે જે રીતે ઇઝરાયલ યુદ્ધ કરી રહ્યું છે, તેની "પ્રકૃતિ નરસંહાર સમાન" છે. કેમ કે દક્ષિણ આફ્રિકાના કેસ અનુસાર તેની પાછળનો ઇરાદો "ગાઝામાં પેલેસ્ટાઈનવાસીઓને તબાહ" કરવાનો છે.

ઇઝરાયલે બધા આક્ષેપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે જે વાસ્તવમાં થઈ રહ્યું છે તેને તોડી-મરોડીને રજૂ કરાઈ રહ્યું છે.

દક્ષિણ આફ્રિકાએ કોર્ટ સમક્ષ ઇઝરાયલના કથિત નરસંહાર મુદ્દે સ્પષ્ટ અને ઠોસ પુરાવા રજૂ કરવા પડશે.

બીજી બાજુ ઇઝરાયલ પાસે અધિકાર હશે કે કોર્ટમાં જે દાવા કરાઈ રહ્યા છે તેની એક-એક કરીને ઊલટતપાસ કરે, સાથોસાથ દલીલ કરે કે શહેરી ગલીઓમાં ચાલતી લડાઈમાં તે જે કાર્યવાહી કરી રહ્યું છે તે સ્વબચાવ યોગ્ય પગલું છે. ઘણા દેશોએ હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરેલું છે.

આ સમગ્ર કેસને તૈયાર કરવામાં અને તેની કાર્યવાહીમાં ઘણાં વર્ષો લાગી શકે છે.

આઈસીજે સાથે જોડાયલી શબ્દાવલી

અને એટલા માટે દક્ષિણ આફ્રિકાએ આઈસીજેમાં ન્યાયાધીશોની બેન્ચને વિનંતી કરી હતી કે તેઓ આ કેસમાં પહેલા "વચગાળાનો ચુકાદો" આપે.

આઈસીજેની પરિભાષામાં આનો અર્થ થાય છે કે જે તે સ્થિતિને જાળવી રાખવા માટે કોર્ટ તરફથી આદેશ- જેથી અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી કોઈ પણ પક્ષને વધુ નુકસાન ન થાય.

દક્ષિણ આફ્રિકાએ કોર્ટને વિનંતી કરી હતી કે "પેલેસ્ટાઈનવાસીઓના અધિકારોને ગંભીર અને અપૂર્ણ ક્ષતિ થતા બચાવવા" માટે ઇઝરાયલને પગલાં ભરવાં માટે કહેવામાં આવે.

પેલેસ્ટાઈનવાસીઓના શું અધિકારો છે જેનું કોર્ટે રક્ષણ કરવું જોઈએ તે અંગે બંને દેશોના વકીલોએ બે દિવસ સુધી કોર્ટમાં દલીલો કરી હતી.

કોર્ટના 17 જજો (જેમાંથી કેટલાક નિર્ણય સાથે સહમત નહોતા)એ 26 જાન્યુઆરીના રોજ આ કેસમાં વચગાળાનો ચુકાદો આપ્યો હતો.

આઈસીજેએ કહ્યું કે, "જે સમયે કેસ આ સ્ટેજ પર હોય ત્યારે કોર્ટને એ વિનંતી ન કરી શકાય કે તે ચોક્કસ રીતે ચુકાદો આપે કે દક્ષિણ આફ્રિકા જે અધિકારોના રક્ષણની વાત કરી રહ્યું છે તે ખરેખર અસ્તિત્વમાં છે."

"કોર્ટે હાલમાં એ નક્કી કરવાનું હતું કે જે અધિકારોના રક્ષણ માટે દક્ષિણ આફ્રિકાએ દાવો કર્યો છે અને કોર્ટમાં કેસ કર્યો છે, તે શક્ય છે કે કેમ."

યુકે લૉયર્સ ફૉર ઇઝરાયલે લખ્યો પત્ર

કોર્ટના મતે, "રજૂ કરવામાં આવેલાં તથ્યો અને પરિસ્થિતિઓ... એ નિષ્કર્ષ સુધી પહોંચવા માટે પૂરતાં છે કે દક્ષિણ આફ્રિકાએ જે અધિકારોની વાત કરી છે અને જેના માટે રક્ષણ માગી રહ્યું છે, તેમાંથી કેટલાક પ્લૉઝિબલ છે."

ગાઝામાં રહેતા પેલેસ્ટાઈનવાસીઓના જેનોસાઇડ કન્વેન્શન હેઠળ વિશ્વાસપાત્ર અધિકારો છે તે નક્કી કર્યા બાદ અદાલતે જણાવ્યું કે તેને ન પૂરાય તેવી ખોટ જવાનું જોખમ હતું અને જ્યાં સુધી આ ગંભીર મુદ્દે સવાલો થઈ રહ્યા છે ત્યાં સુધી ઇઝરાયલે નરસંહાર ન થાય તેવાં પગલાં ભરવાં જોઈએ.

ઇઝરાયલે નરસંહાર કર્યો છે કે કેમ તે વિશે અદાલતે હજી સુધી ચુકાદો આપ્યો નથી, પરંતુ કોર્ટે જે શબ્દોનો ઉપયોગ કર્યો છે શું તેનો એવો અર્થ નીકળે છે કે તેને વિશ્વાસ છે કે આવું થઈ શકે છે?

અહીંથી વિવાદ શરૂ થયો કે અદાલત ખરેખર શું કહેવા માગતી હતી.

એપ્રિલમાં બ્રિટનના 600 વકીલોએ બ્રિટનના વડા પ્રધાનને પત્ર લખ્યો હતો, જેમાં ઇઝરાયલને શસ્ત્રોના વેચાણને અટકાવવા માટેની માગ કરવામાં આવી હતી. પત્ર લખનાર વકીલોમાં ચાર માજી જજ પણ સામેલ હતા. વકીલોએ "સંભવિત નરસંહારના જોખમ"નો સંદર્ભ આપ્યો હતો.

તેના જવાબમાં યુકે લૉયર્સ ફૉર ઇઝરાયલ (યુકેએલએફઆઈ)એ પત્ર લખ્યો હતો. 1300 સભ્યવાળા આ જૂથે કહ્યું કે આઈસીજેએ માત્ર એ ચુકાદો આપ્યો છે કે ગાઝામાં રહેતા પેલેસ્ટાઈનવાસીઓ પાસે નરસંહારથી સુરક્ષિત રહેવાનો અધિકાર છે. બીજા શબ્દોમાં કહીએ તો અદાલત એક જટીલ અને અમૂર્ત કાયદાકીય તર્કો સામે ઝૂઝી રહી હતી.

પત્રો અને ભાષણો થકી આ વિવાદ વધુ વધતો ગયો.

600 વકીલોના જૂથમાં સામેલ ઘણા લોકોએ યુકે લૉયર્સ ફૉર ઇઝરાયલની વાતને "શબ્દોની રમત" ગણાવી. દલીલ આપી કે અદાલત માત્ર એક ઍકેડૅમિક પ્રશ્ન માટે ચિંતા ન કરી શકે, કારણ કે આ કેસમાં ઘણી વસ્તુઓ દાવ પર લાગેલી છે.

અને અન્યની જેમ આ દલીલ ઇઝરાયલને શસ્ત્રો આપવા બાબતે થતી ચર્ચા કરતી બ્રિટિશ સંસદીય સમિતિ સમક્ષ એક કાયદાકીય લડત બની ગઈ.

બ્રિટિશ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ લૉર્ડ સમ્પશને સંસદીય સમિતિને કહ્યું કે, "મને લાગે છે કે યુકે લૉયર્સ ફૉર ઇઝરાયલનો પત્રે સલાહ આપી છે કે આઈસીજે જે કંઈ પણ કરી રહી છે એ માત્ર એ સ્વીકાર કરી રહી છે કે અમૂર્ત કાયદાની રીતે ગાઝાના લોકોને એ અધિકાર છે તેમનો નરસંહાર ન થાય. હું કહેવા માગું છું કે મને આ પ્રસ્તાવ ભાગ્યે જ ચર્ચાને યોગ્ય લાગે છે."

જવાબમાં યુકે લૉયર્સ ફૉર ઇઝરાયલ તરફથી નતાશા હાઉસડોર્ફે કહ્યું, "એવું નથી."

તેમણે જવાબ આપ્યો, "હું આદરપૂર્વક કહેવા માગું છું કે તર્કસંગત જોખમને એ રીતે જોવું કે ઇઝરાયલ ગાઝામાં નરસંહાર કરી રહ્યું છે એ કોર્ટના અસ્પષ્ટ નિવેદનની અવહેલના છે."

એક દિવસ પછી નિવૃત્ત આઈસીજે ન્યાયાધીશ યોઆન ડોનોહ્યુએ બીબીસી શો હાર્ડટૉકમાં હાજર રહીને અદાલતે શું કર્યું છે તે સમજાવતાં ચર્ચાને સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો.

પૂર્વ જજે કહ્યું કે, "કોર્ટે એ નક્કી કર્યું નથી- અને એ વાત નથી, જે સામાન્ય રીતે મીડિયામાં કહેવાઈ છે અને જે હું સુધારી રહી છું.... કે નરસંહારનો દાવો તર્કસંગત છે."

"આદેશમાં એ વાત પર ભાર મુકાયો હતો કે નરસંહારથી સુરક્ષિત હોવાના પેલેસ્ટાઈનવાસીઓના અધિકારને ન પૂરી શકાય તેવા નુકસાન થવાનું જોખમ હતું. પરંતુ સામાન્ય રીતે જે રીતે તેનું અર્થઘટન થયું છે કે નરસંહારનું તર્કસંગત જોખમ છે, એવું કોર્ટે નક્કી કર્યું નહોતું.

કોર્ટ આ પ્રકારના વિનાશક નુકસાનના કોઈ પુરાવા છે કે કેમ તે નક્કી કરવાથી ઘણી દૂર છે.