You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીબીસી હમાસના ઉગ્રવાદીઓ માટે ‘આતંકવાદી’ શબ્દપ્રયોગ શા માટે કરતું નથી?
- લેેખક, જ્હૉન સિમ્પસન
- પદ, વર્લ્ડ અફેયર્સ એડિટર
રાજકીય નેતાઓ, અનેક અખબારોના લેખકોથી માંડીને સામાન્ય લોકો- સૌ કોઈ અત્યારે એ સવાલ પૂછી રહ્યા છે, બીબીસી શા માટે હમાસના બંદૂકધારીઓને ‘આતંકવાદી’ કહેતું નથી? જેમણે ઇઝરાયલના દક્ષિણ વિસ્તારમાં આટલો ભયાનક અત્યાચાર કર્યો છે.
બીબીસીની સ્થાપના થઈ એ સમયે કેટલાક મૂળભૂત સિદ્ધાંતો ઘડવામાં આવ્યા હતા. તેમાંથી તમને આ સવાલનો જવાબ મળી શકે છે.
‘આતંકવાદ’ એ બહુ ભારે શબ્દ છે. સામાન્ય રીતે લોકો જેનો નૈતિક ધોરણે અસ્વીકાર કરતા હોય તેવા સંગઠનો માટે લોકો તે શબ્દનો ઉપયોગ કરતા હોય છે.
બીબીસીનું એ કામ નથી કે તે લોકોને કહે કે તમારે કોનું નૈતિક ધોરણે સમર્થન કરવું અને કોની નિંદા કરવી. એ જ રીતે તેનું કામ એ કહેવાનું પણ નથી કે ક્યા લોકો સારા છે અને ક્યા લોકો ખરાબ છે.
અમે નિયમિતપણે એ વાતને અમારા દર્શકો સુધી પહોંચાડી છે કે ભારત, બ્રિટન કે પછી અન્ય દેશોની સરકારોએ હમાસની એક આતંકવાદી સંગઠન તરીકે નિંદા કરી છે. આ મુદ્દે કોઈના વખાણ કરવા કે કોઈની નિંદા કરવી એ સરકારોનું કામ છે.
‘હકીકત અમે બતાવીશું, નિર્ણય દર્શકો લેશે’
અમે નિયમિતપણે એવા લોકો સાથે વાતચીત કરીએ છીએ અથવા તો એવા લોકોના વિચારો રજૂ કરીએ છીએ કે જેઓ હમાસની એક આતંકવાદી સંગઠન તરીકે ટીકા કરતા હોય.
મૂળ વાત એમ છે કે એ વાતોને અમે અમારા મુખેથી બોલતા નથી. અમારું કામ એ છે કે અમે અમારા દર્શકોને હકીકતોથી અવગત કરાવીએ. એ પછી એમને શું નિર્ણય લેવો કે ક્યા વિચારનો સ્વીકાર કરવો એ અમે અમારા દર્શકો પર છોડીએ છીએ.
અલબત્ત, આતંકવાદી શબ્દનો ઉપયોગ ન કરવા બદલ અમારી ટીકા કરનારા ઘણા લોકોએ એમનો મત અમારા રિપોર્ટ્સ જોયા પછી, અમારો ઑડિયો સાંભળ્યા પછી, કે અમારા વીડિયો સાંભળ્યા પછી જ બનાવ્યો હશે. એ એમણે લીધેલો નિર્ણય છે. એટલે એવું તો નથી કે અમે સત્યને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આપણે જે પ્રકારના અત્યાચારોના વીડિયો જોયા છે તેનાથી કોઇપણ સંવેદનશીલ માણસ ધ્રૂજી જાય. જે ઘટનાઓ બની છે, તેને ‘અત્યાચાર’ કહેવો એકદમ વાજબી છે, કારણ કે તે અત્યાચાર જ છે.
કોઈ વ્યક્તિ નાગરિકોની હત્યા, ખાસ કરીને બાળકોની અને નવજાત બાળકોની હત્યા, નિર્દોષ માણસો પર થતા અત્યાચારોનો ક્યારેય બચાવ કરી શકે નહીં.
‘તટસ્થ રહેવું એ અમારી ફરજનો ભાગ’
છેલ્લાં 50 વર્ષોના મધ્ય-પૂર્વના દેશો વિશેના મારા રિપોર્ટિંગ દરમિયાન ઇઝરાયલમાં જે પ્રકારની ઘટના બની છે, એવાં ઘણાં દૃશ્યોને મેં નજીકથી જોયા છે. ઇઝરાયલે લેબનોન અને ગાઝા પર કરેલી બૉમ્બવર્ષા અને તોપગોળાના વરસાદથી થયેલી તારાજીનાં બિહામણાં દૃશ્યોને પણ મેં નજીકથી અનુભવ્યા છે. આ પ્રકારની ભયાનક વાતો અને દૃશ્યો કાયમ માટે તમારા મનમાં રહી જાય છે. તમે તેને ભૂંસી શકતા નથી.
પણ તેનો મતલબ એવો નથી કે જે સંગઠનોના સમર્થકો જે આ પ્રકારની હિંસા કરી રહ્યા છે, તેમને અમારે આતંકવાદી સંગઠન જાહેર કરી દેવા જોઈએ. જો અમે એવું કરીશું તો કદાચ તેનો અર્થ એવો થશે કે અમે તટસ્થ રહેવાની અમારી ફરજ ચૂકી રહ્યા છીએ.
બીબીસી કાયમ આ વાતને અનુસરે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમે તેમને આસાનીથી ‘દુશ્મન’ કહી શકતા હતા છતાં બીબીસી પ્રસારણકર્તાઓને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે નાઝીઓને દુષ્ટ કે દુશ્મન ન કહેવામાં આવે.
આ સિવાય બીબીસીના નિયમો એવું પણ કહે છે કે આ બધી વાતો રજૂ કરતી વખતે તમારો સ્વર ક્યારેય ઉગ્ર થવો ન જોઈએ અને હંમેશાં શાંત અને મૃદુભાષી રીતે વાત લોકો સમક્ષ મૂકવી જોઈએ.
અમારા માટે આ સિદ્ધાંતનું પાલન કરવું ખૂબ અઘરું બની ગયું હતું, જ્યારે આઇરિશ રિપબ્લિકન આર્મીએ બ્રિટન પર હુમલો કર્યો હતો અને અનેક નિર્દોષ નાગરિકોની હત્યા કરી હતી. ત્યારે પણ અમે આ સિદ્ઘાંતનું પાલન કર્યું હતું.
તે સમયે બ્રિટનમાં માર્ગારેટ થેચરની સરકાર હતી. તેમનું બીબીસી પર અને મારા જેવા અનેક રિપોર્ટરો પર ભારે દબાણ હતું. એ સમયે તો પરિસ્થિતિ એટલી વણસી ચૂકી હતી કે બ્રાઇટન પર થયેલા બૉમ્બિંગ પછી તો માર્ગારેટ થેચરનો જીવ પણ માંડ બચ્યો હતો. અનેક નિર્દોષ લોકોને મારી નાખવામાં આવ્યા હતા અને હજારો લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
તેમ છતાં અમે અમારી સીમાઓ ઓળંગી ન હતી અને આજે પણ એ સિદ્ધાંતનું પાલન કરી રહ્યા છીએ.
ઉચ્ચ ધોરણોને જાળવી રાખવા એ અમારી ફરજ
અમે કોઈનો પક્ષ લેતા નથી કે કોઈની તરફેણ કરતા નથી. અમે ‘દુષ્ટ’ અને ‘કાયરતાપૂર્ણ’ જેવા ભારે શબ્દોનો પ્રયોગ પણ કરતા નથી. અને દુનિયામાં આ પ્રકારની પૉલિસીને અનુસરતાં હોઈએ એવા અમે એકલા નથી. દુનિયાની અનેક સન્માનનીય સમાચાર સંસ્થાઓ આ પ્રકારની પૉલિસીને અનુસરે છે.
પણ જ્યારે જ્યારે આ મામલો ઊઠે છે ત્યારે બીબીસી ખાસ ધ્યાન ખેંચે છે, તેનું સંભવત: કારણ એ છે કે રાજકારણ અને મીડિયામાં જ અમારા મજબૂત ટીકાકારો છે. બીજું સંભવત: કારણ એ છે કે અમે ખાસ કરીને અમારા ઉચ્ચ ધોરણને જાળવી રાખીએ છીએ. એ ઉચ્ચ ધોરણને જાળવી રાખવાનો જ એક ભાગ છે કે તટસ્થ રહેવું.
એટલા માટે જ દરરોજ બ્રિટન હોય કે ભારત, સમગ્ર વિશ્વમાં કરોડોની સંખ્યામાં લોકો અમને સાંભળે છે, વાંચે છે અને જુએ છે.