ઇઝરાયલના મિસાઇલ હુમલાનો ઈરાનનો ઇનકાર, કહ્યું- કોઈ હવાઈ હુમલો નથી થયો

ઇઝરાયલે ઈરાન પર મિસાઇલથી હુમલો કર્યો છે. અમેરિકાના બે અધિકારીઓએ બીબીસીના અમેરિકાના પાર્ટનર સીબીએસ ન્યૂઝને આ વિશે જણાવ્યું છે.

બીજી તરફ ઈરાને આવા કોઈ પણ હુમલાનો ઇનકાર કર્યો છે. ઈરાની સ્પેસ એજન્સીએ ઍક્સ પર લખ્યું કે આવો કોઈ હુમલો થયો નથી.

ઍક્સ પર ઈકાની સ્પેસ એજન્સીના અધિકારી હુસૈન દાલિરિયને લખ્યું, "ઇસ્ફહાન કે દેશમાં કોઈ પણ ભાગમાં બહારથી કોઈ હુમલો થયો નથી.

તેમણે લખ્યું, "ઇઝરાયલે ડ્રોન્સ ઉડાવવાની માત્ર નિષ્ફળ અને અપમાનજનક કોશિશ કરી છે. આ ડ્રોનને પાડી દેવાયા છે.

ઈરાની સરકારી મીડિયાએ પણ હુમલો ન થયો હોવાની વાત કરી છે. સરકારી મીડિયાનું કહેવું છે કે આખા દેશમાં ઍર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરી દેવાઈ છે. ક્યાંથી વિસ્ફોટ કે સીધી અસરની કોઈ માહિતી નથી.

ઈરાને એ પણ કહ્યું કે જે હવાઈ ઉડાનો પર પ્રતિબંધ હતો, જેને હવે હઠાવી દેવાયો છે.

અમેરિકન મીડિયાનું કહેવું છે કે ઇઝરાયલે હુમલાની જાણકારી અગાઉથી બાઇડન પ્રશાસનને આપી હતી.

જોકે આ આખા ઘટનાક્રમમાં ઇઝરાયલની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે.

ઈરાન પર હુમલાનો દાવો- અત્યાર સુધીમાં શું થયું?

ઈરાનની એક સમાચાર સંસ્થા અનુસાર ઈરાનના ઉત્તર-પશ્ચિમમાં આવેલા શહેર ઇસ્ફહાનમાં શુક્રવાર સવારે વિસ્ફોટનો અવાજ સંભળાયો છે.

ઈરાનની સમાચાર સંસ્થા ફાર્સના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટ ઇસ્ફહાન શહેરના આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પાસે થયો હતો. જોકે સંસ્થાએ એ વિસ્ફોટનાં સંભવિત કારણો માટે કોઈ ખુલાસો નથી કર્યો.

ઇસ્ફહાન પ્રાંતમાં ઈરાનનાં સૌથી મોટાં ઍરબેઝ, મિસાઇલનાં પ્રોડક્શન સંકુલ અને કેટલીક ન્યૂક્લિયર સાઇટ આવેલાં છે.

ઍસોસિએટેડ પ્રેસ અનુસાર ઈરાનના સરકારી મીડિયા જણાવે છે કે ઘણાં શહેરોમાં ફ્લાઇટ્સને અટકાવી દેવામાં આવી છે.

જે શહેરોમાં ઉડાનો રદ કરી દેવાઈ તેમાં તેહરાન, શિરાક્સ અને ઇસ્ફહાન સામેલ છે.

ગત શનિવારે ઈરાને ઇઝરાયલ પર ડ્રોન અને મિસાઇલોથી કરેલા હુમલા બાદ ઇઝરાયલે કહ્યું હતું કે તે આ હુમલાનો વળતો જવાબ આપશે ત્યારથી ઈરાન હાઈ ઍલર્ટ પર છે.

ઈરાનની સરકારી સંસ્થા આઈઆરએનએ અનુસાર દેશના કેટલાક પ્રાંતોમાં હવાઈ હુમલા સામેની સિસ્ટમને સક્રિય કરી દેવામાં આવી છે.

ઈરાનના સરકારી મીડિયાએ આધારભૂત સૂત્રોના હવાલાથી કહ્યું કે પરમાણુ હથિયારો સંબંધિત ઠેકાણાં સુરક્ષિત છે.

ઈરાનના વિદેશમંત્રીએ કહ્યું કે ઇઝરાયલના કોઈ પણ હુમલાનો તાત્કાલિક પ્રત્યુત્તર અપાશે.

ઈરાનના વિદેશમંત્રી હોસૈન આમીર-અબ્દોલ્લાહિયાને ચેતવણી આપતા કહ્યું છે કે તેમનો દેશ ઇઝરાયલના કોઈ પણ હુમલાનો ‘તાત્કાલિક અને મહત્તમ કક્ષા’એ જવાબ આપશે.

તેમણે આ ટિપ્પણી ગુરુવારે સીએનએનને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન કરી હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં ઑઇલના ભાવ વધ્યા, સોનું મોંઘું

અમેરિકાના અધિકારીઓ તરફથી ઈરાન પર ઇઝરાયલી મિસાઇલના હુમલાના સમાચાર બાદ આંતરરાષ્ટ્રીય બજારોમાં ઑઇલ અને સોનાના ભાવ વધી ગયા છે.

શુક્રવારે એશિયન બજારોમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ અઢી ટકા વધીને 90 ડૉલર પ્રતિબૅરલ થઈ ગયા છે. જ્યારે સોનાના ભાવ 2400 ડૉલર પ્રતિ 28.34 ગ્રામ પર પહોંચી ગયા છે.

આ દરમિયાન જાપાન, હૉંગકૉંગ અને દક્ષિણ કોરિયાનાં શૅરબજારોમાં મોટો ઘટાડો થયો છે.

રોકાણકારો ઇઝરાયલની જવાબી કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે. તેમનું માનવું છે કે મધ્ય પૂર્વમાં આ રીતના સંઘર્ષથી ઑઇલના ગ્લોબલ સપ્લાય પર અસર થઈ શકે છે.

તેનાથી ઘણા દેશોમાં આર્થિક ગતિવિધિઓ ધીમી પડી શકે છે. ઓમાન અને ઈરાન વચ્ચે હોરમુઝ જળ ડમરુમધ્યવાળા માર્ગમાં પહેલેથી તણાવ ચાલી રહ્યો છે. આ સાગર માર્ગ ઘણો મહત્ત્વનો માનવામાં આવે છે.

આખી દુનિયાના ઑઇલ પુરવઠાનો 20 ટકા ભાગ આ માર્ગેથી પસાર થાય છે. ઈરાન દુનિયાનો સાતમો સૌથી મોટો ઑઇલ સપ્લાયર દેશ છે.

ઑઇલ નિકાસ કરનાર દેશોના સંગઠન ઓપેકના સભ્યો સાઉદી અરેબિયા, ઈરાન, યુએઈ, કુવૈત અને ઇરાક આ માર્ગેથી પોતાનો મોટા ભાગનો પુરવઠો વિદેશ મોકલે છે.

ઈરાનનો ઇઝરાયલ પર હુમલો

ઉલ્લેખનીય છે કે ગત શનિવારની રાત્રે ઈરાને ઇઝરાયલ પર કરેલા અભૂતપૂર્વ હુમલાને કારણે સમગ્ર મધ્ય-પૂર્વ એશિયાના ક્ષેત્રમાં ભારે તણાવની સ્થિતિનું નિર્માણ થયું છે.

ઈરાને ઇઝરાયલ પર અંદાજે 300 મિસાઇલ અને ડ્રોન છોડ્યાં હતાં.

આ મહિને ઈરાનના મિલિટરી કમાન્ડરનું સ્ટ્રાઇકમાં થયેલું મૃત્યુ હતું અને તેના સાથીદારોના દમાસ્કસમાં થયેલા મૃત્યુના બદલા તરીકે આ હુમલાને જોવામાં આવે છે. ઈરાન એવું માને છે આ ઇઝરાયલે કર્યું હતું.

ઇઝરાયલી ડીફેન્સ ફોર્સિસ (આઇડીએફ)એ દાવો કર્યો હતો કે ઇઝરાયલે 99 ટકા ડ્રોન અને મિસાઇલ તેની સરહદમાં પ્રવેશે તે પહેલાં જ તોડી પાડ્યાં હતાં.

પહેલી એપ્રિલે સીરિયાની રાજધાની દમિશ્કમાં ઈરાની દૂતાવાસ પર હુમલો થયો હતો. આ હુમલામાં કુલ 13 લોકોનાં મોત થયાં હતાં.

ઈરાને આ હુમલા પાછળ ઇઝરાયલને જવાબદાર ગણાવ્યું હતું. જોકે ઇઝરાયલે સીધી રીતે આ હુમલાની જવાબદારી નહોતી લીધી.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે આ બધાં ડ્રોન અને મિસાઇલોને તોડી પાડવામાં અમેરિકાએ પણ ઇઝરાયલની મદદ કરી હતી. યુનાઇટેડ કિંગ્ડમે પણ આ ક્ષેત્રમાં આરએએફ જેટ ઉતારી દીધા છે.

આવું પહેલી વાર બની રહ્યું છે જ્યારે ઈરાને ઇઝરાયલ પર સીધો જ હુમલો કર્યો હોય. દાયકાઓથી તે હિઝબુલ્લાહ અને હમાસના સથવારે ઇઝરાયલ સાથે તેનું પ્રોક્સી વૉર ચાલતું રહ્યું છે.

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે દુશ્મનાવટ કેવી રીતે શરૂ થઈ?

હકીકતમાં ઇસ્લામિક અયાતોલ્લાહની કથિત ક્રાંતિએ ઈરાનની સત્તા કબજે કરી એ પહેલાં 1979 સુધી ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સુમેળભર્યાં સંબંધો હતા.

1948માં ઈરાને પેલેસ્ટાઇનના ભાગ કરીને નવા ઇઝરાયલ નામના રાષ્ટ્રની રચના કરવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો, પરંતુ તેનાથી વિરુદ્ધ ઇજિપ્ત પછી ઇઝરાયલને માન્યતા આપનાર ઈરાન બીજો ઇસ્લામિક દેશ બન્યો હતો.

એ સમયે ઈરાનમાં પહલવી રાજવંશના શાહનું શાસન હતું અને ઈરાન રાજાશાહી ધરાવતો દેશ હતો.

મધ્યપૂર્વના દેશોમાં તે અમેરિકાનો મુખ્ય સહયોગી દેશ ગણાતો હતો. એટલા માટે જ ઇઝરાયલની પ્રથમ સરકારના વડા ડૅવિડ બેન ગુરિઅને ઈરાન સાથે મિત્રતાનો હાથ લંબાવ્યો હતો.

ઇઝરાયલ જો એ સમયે ઈરાન સાથે મિત્રતા કરી લે તો આરબ દેશો આ નવા યહૂદી દેશની રચનાને નકારી શકે નહીં અને તેને માન્યતા આપવા પ્રેરાય.

પરંતુ વર્ષ 1979માં રુહોલ્લાહ ખોમૈનીની ક્રાંતિએ ઈરાનના શાહનું શાસન ઉખાડી ફેંક્યું અને ઇસ્લામિક પ્રજાસત્તાકની સ્થાપનાની જાહેરાત કરી.

આ નવા શાસકે પોતાને દબાયેલા, કચડાયેલા લોકોના પ્રતિનિધિ તરીકે રજૂ કર્યા હતા અને પોતાના શાસનની ઓળખ અમેરિકા અને તેના સાથી ઇઝરાયલના સામ્રાજ્યવાદના વિરોધી તરીકે પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

અયાતોલ્લાહના નવા શાસને ઇઝરાયલ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા અને તેના નાગરિકોના પાસપૉર્ટની માન્યતાને પણ નકારી દીધી.

તહેરાનમાં આવેલા ઇઝરાયલી દૂતાવાસને પણ બંધ કરીને પેલેસ્ટાઇન લિબરેશન ઑર્ગેનાઇઝેશનને સોંપવાનો નિર્ણય કર્યો હતો, જેના કારણે પછી પેલેસ્ટાઇન સ્ટેટ અને ઇઝરાયલી સરકાર વચ્ચે લડાઈ થઈ હતી.