‘સફેદ સોનું’ ગણાતા લિથિયમ માટે ચીનનાં પગલાંથી વિશ્વમાં વધી રહ્યો છે તણાવ

    • લેેખક, ગ્લોબલ ચાઈના યુનિટ
    • પદ, બીબીસી ન્યૂઝ

આઈ કિંગ થોડા મહિના પહેલાં ઉત્તર આર્જેન્ટિના ખાતેની તેમની ડોરમેટ્રીમાં ઊંઘી રહ્યાં હતાં ત્યારે અડધી રાતે અચાનક જોરદાર નારાબાજીની અવાજથી તેમની આંખો ઊઘડી ગઈ હતી. તેમણે બારી ખોલીને બહાર જોયું તો સરકારી કર્મચારીઓ પરિસરને ઘેરી રહ્યા હતા અને દરવાજાઓને સળગતા ટાયરથી ઘેરીને બંધ કરી રહ્યા હતા.

આઈ કિંગ કહે છે, "એ બહુ ડરામણું હતું, કારણ કે હું આગની જ્વાળાઓ જોઈ શકતી હતી. પરિસ્થિતિ રમખાણમાં પલટાઈ ગઈ હતી."

આઈ કિંગ ચીનની એક કંપની માટે કામ કરે છે. એ કંપની એન્ડીસ પર્વતમાં મીઠાના ખડકોમાંથી લીથિયમ કાઢવાનું કામ કરે છે. લીથિયમને ‘સફેદ સોનું’ પણ કહેવામાં આવે છે અને તેનો ઉપયોગ બેટરી બનાવવા માટે કરવામાં આવે છે.

આર્જેન્ટિનાના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાને કારણે થયેલું તે વિરોધ પ્રદર્શન, ચીની ધંધાર્થીઓ અને સ્થાનિક સમદાયો વચ્ચે સમગ્ર વિશ્વમાં વધી રહેલા તણાવની ઘટનાઓ પૈકીનું એક છે.

ગ્રીન ઇકોનૉમી એટલે કે હરિત અર્થતંત્ર માટે જરૂરી ખનીજોને પ્રોસેસ કરવાના ક્ષેત્રમાં ચીનનો દબદબો છે. હવે ચીને ખનીજોનું ખનન પણ જાતે શરૂ કરી દીધું છે.

ચીનની એક કંપનીએ આર્જેન્ટિના, બોલીવિયા અને ચિલીના લીથિયમ ટ્રેંગલમાં દસ વર્ષ પહેલાં ચીન માટે પહેલી ખાણ ખરીદી હતી. દુનિયામાં લીથિયમનો સૌથી મોટો ભંડાર આ પ્રદેશમાં છે.

લીથિયમનું ઉત્પાદન

ખનન સંબંધી પ્રકાશનો, કૉર્પોરેટ્સ, સરકારી અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એ પછી સ્થાનિક ખનન બિઝનેસમાં ચીને વધુ રોકાણ કર્યું હતું.

ચીની કંપનીઓના શેરોની ગણતરીને આધારે બીબીસીને જાણવા મળ્યું છે કે દુનિયાભરમાં હાલ લીથિયમનું જેટલું ઉત્પાદન થઈ રહ્યું છે કે જેની ઉત્પાદન પ્રક્રિયા ચાલુ છે તે પૈકીનું 33 ટકા ચીની કંપનીઓના નિયંત્રણમાં છે.

ચીની કંપનીઓના બિઝનેસના વિસ્તારની સાથે તેમના પર, અન્ય મોટી આંતરરાષ્ટ્રીય ખાણ કંપનીઓની માફક, જુલમ કરવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે.

ટાયર સળગાવીને કરવામાં આવેલું વિરોધ પ્રદર્શન આઈ કિંગ માટે એક અસભ્ય જાગૃતિ જેવું હતું.

તેમને આર્જેન્ટિનામાં શાંત જીવનની આશા હતી, પરંતુ સ્થાનિક સ્પેનિશ ભાષા જાણતા હોવાને લીધે તેમણે વચેટિયાની ભૂમિકા ભજવવી પડી હતી.

તેઓ કહે છે,"તે આસાન ન હતું. ભાષા સિવાય અમારે અનેક બાબતોમાં નરમ વલણ અપનાવવું પડ્યું હતું. કંપનીને લાગે છે કે કર્મચારીઓ આળસુ છે તથા કર્મચારી સંઘ પર વધારે પડતા નિર્ભર છે અને સ્થાનિક લોકો માને છે કે ચીની લોકો અહીં તેમનું શોષણ કરવા જ આવ્યા છે, એવી બાબતોનો તેમાં સમાવેશ થાય છે."

બીબીસી ગ્લોબલ ચાઈના યુનિટે દુનિયાભરમાંથી એવા કમસેકમ 62 ખનન પ્રોજેક્ટ બાબતે માહિતી મેળવી છે, જેમાં ચીની કંપનીઓની ભાગીદારી છે અથવા તેઓ આ પ્રોજેક્ટ કે લીથિયમના ખનન કે હરિત અર્થતંત્ર માટે જરૂરી ત્રણ ખનીજો – કોબાલ્ટ, નિકલ તથા મેંગેનીઝમાંથી કોઈ પણ એકના ખનન માટે સ્થાપિત કરવામાં આવ્યા છે.

આ બધાનો ઉપયોગ લીથિયમ આયન બેટરી બનાવવા માટે કરવામા આવે છે. લીથિયમ આયન બેટરીનો ઉપયોગ ઇલેક્ટ્રિક મોટરકારમાં કરવામાં આવે છે. બેટરી અને સોલર પેનલનું ઉત્પાદન હાલ ચીનની ઔદ્યોગિક અગ્રતામાં મોખરે છે.

એ પૈકીના કેટલાક પ્રોજેક્ટ દુનિયાભરમાં આ ખનીજોના સૌથી મોટા ઉત્પાદક છે.

લીથિયમ અને કોબાલ્ટના રિફાઇનિંગના ક્ષેત્રમાં ચીન લાંબા સમયથી અગ્રેસર છે.

અમેરિકન થિંક ટેંક ચેટમ હાઉસના જણાવ્યા મુજબ, 2022માં આ ખનીજોના વૈશ્વિક ઉત્પાદનમાં ચીનની હિસ્સેદારી 72 અને 68 ટકા હતી.

આ ખનીજો અને અન્ય મહત્વપૂર્ણ ખનીજોને રિફાઈન કરવાની ક્ષમતાની તાકાતને આધારે ચીન 2023માં એવા સ્તરે પહોંચી ગયું હતું કે દુનિયાભરમાં વેંચાયેલા અડધાથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન ચીનમાં જ થતું હતું.

પવન ચક્કી બનાવવાની વૈશ્વિક ક્ષમતામાં 60 ટકા હિસ્સો ચીનનો છે. એટલું જ નહીં, સોલર પેનલની સપ્લાય ચેઈનના પ્રત્યેક તબક્કામાં 80 ટકા નિયંત્રણ ચીનનું છે.

આ ક્ષેત્રમાં ચીનની ભૂમિકાથી દુનિયાભરમાં આ ઉત્પાદનોની માત્ર કિંમત જ ઓછી નથી થઈ, પરંતુ લોકોની તેમના સુધીની પહોંચ પણ આસાન થઈ છે.

અમેરિકા, બ્રિટન અને યુરોપિયન યુનિયન

જોકે, ગ્રીન ઇકોનૉમી માટે ચીન એકમાત્ર એવો દેશ નથી, જેને આ ખનીજોના ખનન તથા શોધવાની જરૂર હોય.

સંયુક્ત રાષ્ટ્રસંઘનું કહેવું છે કે વિશ્વ 2050 સુધીમાં ઝીરો કાર્બન ઉત્સર્જનનું હાંસલ કરવા ઇચ્છતું હોય તો 2040 સુધીમાં આ પદાર્થોના ઉપયોગમાં છ ગણો વધારો કરવો પડશે.

આ દરમિયાન અમેરિકા, ચીન અને યુરોપિયન યુનિયને પોતપોતાની વ્યૂહરચના બનાવી લીધી છે, જેથી ચીન પરની નિર્ભરતા ઘટાડી શકાય.

ચીની કંપનીઓએ દુનિયાભરમાં ખનન કાર્ય વધાર્યું છે તેમ તેમ આ પ્રોજેક્ટ્સને લીધે સર્જાતી સમસ્યાઓ સંબંધે આરોપ પણ ઝડપથી વધી રહ્યા છે.

બિન-સરકારી સંગઠન ધ બિઝનેસ એન્ડ હ્યુમન રાઈટ્સ રિસોર્સ સેન્ટરનું કહેવું છે કે આવી સમસ્યાઓ "ચીની ખનન માટે નવી નથી."

આ સંગઠને ગયા વર્ષે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. મહત્ત્વપૂર્ણ ખનીજોના ખનનનું કામ કરતી ચીની કંપનીઓ સંબંધી 102 આરોપોની યાદી તેમાં આપવામાં આવી હતી.

તે આરોપોમાં સ્થાનિક સમુદાયના લોકોના અધિકારોના ઉલ્લંઘનથી માંડીને ઇકોસિસ્ટમને નુકસાન તથા કામ કરવાની અસલામત પરિસ્થિતિ સુધીના આરોપોનો સમાવેશ થાય છે.

વિસ્ફોટકોનો ઉપયોગ

આ આરોપ 2021થી 2022 વચ્ચે મૂકવામાં આવ્યો હતો.

બીબીસીએ 2023માં મૂકવામાં આવેલા એવા 40 વધુ આરોપોની ગણતરી કરી છે, જે મીડિયા રિપોર્ટ્સમાં પ્રકાશિત થયા હતા અથવા તો બિન-સરકારી સંગઠનો દ્વારા મૂકવામાં આવ્યા હતા.

દુનિયાના બે વિપરીત હિસ્સાઓના લોકોએ અમને તેમની આપવીતી સંભળાવી છે.

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગો (ડીઆરસી)ના દૂરસ્થ દક્ષિણ ક્ષેત્રમાં આવેલા લુબુમબાશીની બહારના વિસ્તારમાં કોબાલ્ટ ખાણના વિરોધનું નેતૃત્વ ક્રિસ્ટોફે કાબ્વીટા રૂઆશી કરી રહ્યા છે.

આ ખાણની માલિકી 2011થી ચીનના જિનચુઆન સમૂહની છે.

ક્રિસ્ટોફેના કહેવા મુજબ, ખુલ્લી ખાણ તેમના ઘરના દરવાજાથી માત્ર 500 મીટર દૂર છે. ભેખડોને તોડવા માટે સપ્તાહમાં બે કે ત્રણ વખત વિસ્ફોટ કરવામાં આવે છે અને તેને લીધે સ્થાનિક લોકોના જીવન પર માઠી અસર થાય છે.

ક્રિસ્ટોફે જણાવે છે કે સ્થાનિક લોકો માટે આ વિસ્ફોટ એ વાતનો સંકેત છે કે તેઓ જે કંઈ કરી રહ્યા છે તે છોડીને સલામત સ્થળે ચાલ્યા જાય.

ક્રિસ્ટોફે કહે છે, "ગમે તેવું તાપમાન હોય, જોરદાર પવન ફૂંકાતો હોય કે વરસાદ થતો હોય, અમારે અમારા ઘર છોડીને નજીકના શેલ્ટરમાં આશરો લેવો પડે છે."

‘અહીં બીજું કોઈ સલામત સ્થળ નથી’

ક્રિસ્ટોફેના કહેવા મુજબ, અહીં બીજું કોઈ સલામત સ્થળ નથી. તેથી તે બધાને લાગુ પડે છે. પછી ભલે તે તાજેતરમાં મા બનેલી મહિલાઓ હોય, બીમાર વ્યક્તિ હોય કે વૃદ્ધો હોય.

2017ના અહેવાલો અનુસાર, કેટી કાબોજો નામની એક કિશોરી સ્કૂલેથી પાછી ફરી રહી હતી ત્યારે ઊડતો પથ્થર લાગવાને કારણે મૃત્યુ પામી હતી અને અન્ય પથ્થરોને લીધે ઘરો તથા દિવાલોમાં બાકોરાં પડી ગયાં હતાં.

રૂઆશી ખાણના પ્રવક્તા એલિસા ક્લાસા સ્વીકારે છે, "એ કિશોરી જે જગ્યાએ હતી ત્યાં હોવી જોઈતી ન હતી અને તેને ઊડતા પથ્થર લાગ્યા હતા."

એલિસાના કહેવા મુજબ, એ ઘટના પછી ખાણની ટેકનીકમાં સુધારો કરવામાં આવ્યો છે અને હવે "પથ્થર ન ઊડે એવી જગ્યાએ વિસ્ફોટ કરવામાં આવે છે."

જોકે, બીબીસીએ આ કંપનીના એક પ્રોસેસિંગ મેનેજર પેટ્રિક ત્શીસેંડ સાથે પણ વાત કરી હતી. તેમણે અલગ જ વાત કરી હતી.

તેમણે કહ્યું હતું, "ખનનમાં વિસ્ફોટકોનો ઉપયોગ કરવો જ પડે. વિસ્ફોટોને લીધે પથ્થરો ઊડી શકે છે. સમુદાયોમાં પહોંચી શકે છે, કારણ કે એ લોકો ખાણની બહુ નજીક રહે છે. તેથી આ પ્રકારના અનેક અકસ્માતો થયા છે."

પ્રવક્તા ક્લાસા એવો દાવો પણ કરે છે કે 2006થી 2012 દરમિયાન કંપનીએ અહીંના 300થી વધુ પરિવારોને અન્યત્ર રહેવા જવા માટે વળતર પણ આપ્યું હતું.

‘વળતર લઈને હટી જવાનું દબાણ’

ઇન્ડોનેશિયાના દૂરસ્થ ઓબી દ્વીપ પર ચીની કંપની લાઈઝેંડ રિસોર્સિસ એન્ડ ટેકનૉલૉજી તથા ઇન્ડોનેશિયાની મોટી ખનન કંપની હરિતા ગ્રૂપની ભાગીદારીવાળી ખાણે કવાસી ગામ પાસેના જંગલનો ઝડપથી નાશ કર્યો છે.

ખનન પર નજર રાખતા સ્થાનિક જૂથ જાતમનું કહેવું છે કે ગામના લોકો પર સરકાર પાસેથી વળતર લઈને અહીંથી હટી જવાનું દબાણ છે.

સંખ્યાબંધ પરિવારોએ પોતાનું ઘર છોડવાનો ઇનકાર કર્યો છે. તેમનું કહેવું છે કે જે વળતર આપવામાં આવી રહ્યું છે તે માર્કેટ પ્રાઇસ કરતાં ઓછું છે.

તેના પરિણામે, રાષ્ટ્રીય વ્યૂહાત્મક રીતે મહત્ત્વના પ્રોજેક્ટમાં અવરોધ સર્જવા બદલ કાયદેસરની કાર્યવાહીની ધમકી આપવામાં આવી હોવાનું પણ કેટલાક લોકોએ જણાવ્યું હતું.

જાતમનું કહેવું છે કે ખાણ માટે રસ્તો બનાવવા જૂનાં વિકસિત જંગલનો સફાયો કરવામાં આવી રહ્યો છે.

અહીં નદીઓ અને સમુદ્ર કેવી રીતે કાંપથી ભરાઈ ગયા છે તથા તેની અહીંના પ્રાચીન દરિયાઈ પર્યાવરણ પર તેની કેવી અસર થઈ છે તેનું દસ્તાવેજીકરણ જાતમ જૂથે કર્યું છે.

કવાસી ગામમાં રહેતા એક શિક્ષક નૂર હયાતી કહે છે, "નદીનું પાણી એટલું પ્રદૂષિત થયું છે કે હવે જરાય પીવાલાયક રહ્યું નથી અને સામાન્ય રીતે વાદળી અને ચોખ્ખો રહેતો સમુદ્ર વરસાદી મોસમમાં લાલ થઈ જાય છે."

આ ખાણની સુરક્ષા માટે ઈન્ડોનેશિયાના લશ્કરને તહેનાત કરવામાં આવ્યું છે અને તાજેતરમાં બીબીસીની ટીમે તેની મુલાકાત લીધી ત્યારે લશ્કરી દળોની વધેલી સંખ્યા સ્પષ્ટ નજરે પડી હતી.

જાતમનો દાવો છે કે જે લોકો ખાણનો વિરોધ કરે છે તેમને લશ્કરી દળો ડરાવે છે, ધમકાવે છે અને ઘણી વખત તો હુમલો પણ કરે છે.

નૂર કહે છે, "અહીં રહેતા લોકોને લાગે છે કે સૈન્યને સ્થાનિકોને બદલે ખાણના હિતના રક્ષણ માટે તહેનાત કરવામાં આવ્યું છે."

રાજધાની જાકાર્તામાં સૈન્યના પ્રવક્તાએ કહ્યું હતું કે ડરાવવા-ધમકાવવાના આરોપો સાબિત થયા નથી. "સૈનિકો ભલે ત્યાં ખાણની સુરક્ષા માટે હોય, પરંતુ સમુદાયમાં સીધો હસ્તક્ષેપ કરવા માટે નથી."

સૈન્યના પ્રવક્તાએ એક નિવેદનમાં દાવો કર્યો હતો કે ખાણ સુધી પહોંચવાનો રસ્તો બનાવવા માટે ગામ લોકોને હટાવવાના કામ પર પોલીસ નજર રાખી રહી છે અને તે કામ "શાંતિપૂર્ણ રીતે અને કોઈ અડચણ વિના ચાલી રહ્યું છે."

નૂર ગામલોકોના એ સમૂહમાં સામેલ હતાં, જેમણે જૂન, 2018માં રાજધાની જાકાર્તામાં ખાણ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.

જોકે, એક સ્થાનિક સરકારી પ્રતિનિધિ સમસૂ અબુબકરે બીબીસીને જણાવ્યું હતું કે પર્યાવરણને નુકસાન બાબતે જનતા તરફથી કોઈ પણ ફરિયાદ સરકારને મળી નથી.

તેમણે એક સત્તાવાર રિપોર્ટ દેખાડ્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે "હરિતા ગ્રૂપ પર્યાવરણ પ્રબંધન અને દેખભાળની જવાબદારીનું પાલન કરી રહ્યું છે."

ખુદ હરિતા સમૂહે બીબીસીને જણાવ્યું હતું કે તે "એથિકલ બિઝનેસ પ્રેક્ટિસ એટલે કે નૈતિક વ્યાવસાયિક નિયમો અને સ્થાનિક કાયદાઓનું કડકાઈપૂર્વક પાલન કરી રહ્યું છે."

હરિતા ગ્રૂપે એમ પણ કહ્યું હતું કે તે "કોઈ પણ પ્રકારની નકારાત્મક અસરને ખતમ કરવા અને ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે."

હરિતા ગ્રૂપનો દાવો છે કે તેણે મોટાપાયે જંગલનો સફાયો કર્યો નથી અને તે પીવાના પાણીના સ્થાનિક સ્રોતની દેખભાળ કરે છે તેમજ સ્વતંત્ર તપાસમાં જાણવા મળ્યું છે કે પાણી સરકારી ગુણવત્તાના માપદંડ મુજબનું છે.

અમે કોઈને બળજબરીથી હટાવ્યા નથી અને કોઈ અનુચિત વ્યવહાર પણ કર્યો નથી કે કોઈને ધમકાવ્યા નથી, એમ પણ ગ્રુપે જણાવ્યું હતું.

સીસીસીએમસી નામે ઓળખાતી ચીનની ખાણ વ્યવસાય સંસ્થાએ એક વર્ષ પહેલાં ફરિયાદોના નિરાકરણ માટે એક વ્યવસ્થા બનાવી હતી.

તેનો ઉદ્દેશ ચીનની માલિકીના ખાણ પ્રોજેક્ટ્સ સંબંધી ફરિયાદોના નિરાકરણનો છે. આ સંસ્થાના પ્રવક્તા લેલિયા લી કહે છે, "આ કંપનીઓ પાસે સ્થાનિક સમુદાયો કે નાગરિક સંગઠનો સાથે વાર્તાલાપ કરવા માટેની સાંસ્કૃતિક તથા ભાષાકીય ક્ષમતાની કમી છે."

અલબત, આ વ્યવસ્થા સંપૂર્ણપણે ચાલુ નથી. દરમિયાન વિદેશી ખનનમાં ચીનની ભાગીદારી વધવાનું લગભગ નક્કી હોય તેવું જણાઈ રહ્યું છે.

બ્રિટનસ્થિત પર્યાવરણ થિંક ટેંક એમ્બરના એશિયા પ્રોગ્રામના ડિરેક્ટર આદિત્ય લોલ્લા કહે છે, "મુખ્ય માર્કેટ્સને નિયંત્રિત કરવા એ માત્ર ભૂરાજકીય રમત જ નથી. તે વ્યાવસાયિક રીતે પણ સમજી શકાય છે."

તેઓ કહે છે,"ચીની કંપનીઓ અધિગ્રહણ કરી રહી છે, કારણ કે તેમાં તેઓ માત્ર પોતાનો ફાયદો જોઈ રહી છે."

તેના પરિણામે દુનિયાભરના ખાણ પ્રોજેક્ટ્સમાં કામ કરવા માટે ચીની કર્મચારીઓને મોકલવામાં આવશે અને મોટાભાગના કિસ્સાઓમાં આ કર્મચારીઓ માટે આવા પ્રોજેક્ટ સારી કમાણી કરવાની તક હોય છે.

ડીઆરસીમાં ચીનની કોબાલ્ટની ખાણમાં 10 વર્ષથી કામ કરતા 48 વર્ષના વાંગ ગેંગ કંપની દ્વારા આપવામાં આવેલા નિવાસ સ્થાનમાં રહે છે અને કર્મચારીઓની કેન્ટીનમાં ભોજન કરે છે. તેઓ રોજ દસ કલાક અને સપ્તાહના સાતેય દિવસ કામ કરે છે. દર મહીને તેમને ચાર રજા મળે છે.

ચીનના હુબેઈ પ્રાંતમાં રહેતા પોતાના પરિવારથી દૂર રહેવાની સ્થિતિને તેમણે સ્વીકારી લીધી છે, કારણ કે પોતાના ઘરમાં રહીને જેટલી કમાણી કરી શકાય તેના કરતાં વધુ કમાણી તેઓ અહીં કરી રહ્યા છે. ડીઆરસીના ગાઢ જંગલો અને સાફ આકાશનો આનંદ પણ માણી રહ્યા છે.

તેઓ સ્થાનિક ખાણ કર્મચારીઓ સાથે ફ્રેન્ચ, સ્વાહિલી અને અંગ્રેજીના મિશ્રણથી બનેલી ભાષામાં વાતો કરે છે, પરંતુ તેઓ એવું પણ કહે છે, "કામની વાતો બાદ કરીએ તો અમે બહુ ઓછી વાતો કરીએ છીએ."

આઈ કિંગ તેમના યજમાન દેશની ભાષા અસ્ખલિત રીતે બોલે છે. તેઓ કામ સિવાય આર્જેન્ટિનાના લોકો સાથે ભાગ્યે જ વાત કરે છે.

તેમણે તાજેતરમાં એક સાથી ચીની કર્મચારી સાથે ભળવાનું શરૂ કર્યું છે અને પોતાના જેવા લોકો સાથે ઘરની બહાર નીકળે છે. ઘરથી હજારો માઈલ દૂર રહેવાને કારણે આ બધા એકમેકની નજીક આવી ગયા છે.

તેમની જિંદગીની સૌથી રોમાંચક પળ ઍન્ડેઝ પર્વતની ઊંચાઈ પર મીઠાના ખડકો સુધી પહોંચવાની હોય છે. લીથિયમનું ખનન ત્યાં કરવામાં આવી રહ્યું છે. તેમના માટે અહીં જીવન સારું છે.

તેઓ કહે છે, "ઊંચાઈ પર હું બીમાર થઈ જાઉં છું. હું ઊંઘી શકતી નથી, ખાઈ શકતી નથી, પરંતુ ત્યાં જવાનું મને ગમે છે, કારણ કે ત્યાં બધું આસાન છે અને ઓફિસનું પોલિટિક્સ પણ નથી."

(આઈ કિંગ અને વાંગ ગેંગ બદલેલા નામ છે)

(આ અહેવાલમાં એમિરી માકૂમેનો, બ્યોબે માલેંકા અને લૂસિયન કાહોજીએ સહયોગ આપ્યો છે)