ભારતીયો માટે યુરોપના 29 દેશોમાં જવા હવે વિઝા પ્રક્રિયા કઈ રીતે સરળ બનશે?

શેંજેન દેશો તરીકે ઓળખાતા યુરોપના 29 દેશો ભારતીયોને રાહત આપતી એક અગત્યની યોજના લઈને આવ્યા છે. આ યોજના હેઠળ તમને જો એકવાર યુરોપના વિઝા મળશે તો ત્યારબાદ તમે યુરોપના દેશોમાં વારંવાર જઈ શકશો અને તમારે વારંવાર દર વખતે વિઝા માટે અરજી નહીં આપવી પડે. એટલું જ નહીં હવે એ દેશોમાં લાંબા સમય સુધી રોકાઈ શકાશે.

યુરોપિયન યુનિયને તાજેતરમાં જ પોતાના વિઝા નિયમોમાં બદલાવ કર્યો છે. તેના કારણે ભારતીયોને ઘણો ફાયદો થશે.

જે લોકો ભારતથી બિઝનેસ હેતુથી વારંવાર યુરોપના દેશોમાં જાય છે અથવા તો પ્રવાસના હેતુથી જાય છે તેમને આ વિઝા નિયમોમાં ફેરફારથી ઘણો ફાયદો થશે.

શેંજેન વિઝા શું છે?

શેંજેન વિઝા એ પરમિટ છે જેના થકી યુરોપના 29 દેશોમાં અન્ય દેશોના નાગરિકો જઈ શકે છે.

જોકે, આ વિઝાથી એ દેશોમાં કામ કરવાની પરમિટ મળતી નથી. અત્યારના નિયમો પ્રમાણે આ વિઝા વધુમાં વધુ 90 દિવસ સુધી વેલિડ હોય છે.

દર 180 દિવસના સમયગાળામાં વિઝાધારકો શેંજેન દેશોમાં વધુમાં વધુ 90 દિવસ સુધી રહી શકે છે. તેને શોર્ટ-સ્ટે વિઝા તરીકે પણ ઓળખવામાં આવે છે.

શેંજેન દેશોમાં કુલ 29 દેશોનો સમાવેશ થાય છે.

તેમાં બૅલ્જિયમ, બલ્ગેરિયા, ક્રોએશિયા, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, જર્મની, ઍસ્ટોનિયા, ગ્રીસ, સ્પેન, ફ્રાન્સ, ઇટાલી, લાત્વિયા, લિથુઆનિઆ, લક્ઝમબર્ગ, હંગેરી, માલ્ટા, નેધરલૅન્ડ, ઑસ્ટ્રિયા, પૉલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્લૉવેનિયા, સ્લૉવેકિયા, ફિનલૅન્ડ, સ્વીડન, આઇસલૅન્ડ, લિટેનસ્ટેઇન, નૉર્વે અને સ્વિટ્ઝરલૅન્ડનો સમાવેશ થાય છે.

હવે નિયમોમાં શું બદલાવો થયા?

18 એપ્રિલ, 2024ના રોજ યુરોપિયન કમિશને ભારતીય નાગરિકોને મલ્ટિપલ એન્ટ્રી વિઝા આપવાના નવા નિયમોની જાહેરાત કરી છે.

આ નિયમો હેઠળ જો તમારો પાસપોર્ટ અધિકૃત હોય અને સારી ટ્રાવેલ પ્રોફાઇલ હોય તો મલ્ટિપલ એન્ટ્રી વિઝા આસાનીથી મળી શકે છે.

નવા નિયમો પ્રમાણે ભારતના નાગરિકોને શું ફાયદો થશે?

બે વર્ષનો મલ્ટિ એન્ટ્રી વિઝા: નવા નિયમો પ્રમાણે ભારતના નાગરિકોને હવે બે વર્ષનો મલ્ટિપલ એન્ટ્રી શેંજેન વિઝા મળી શકશે. આથી આ બે વર્ષના સમયગાળામાં યુરોપિયન દેશોમાં જવા માટે વારંવાર વિઝા માટે અરજી નહીં આપવી પડે અને બે વર્ષના એ સમયગાળામાં વારંવાર આવનજાવન કરી શકાશે.

પરંતુ આ વિઝા મેળવવા માટે જે-તે વ્યક્તિએ ગત ત્રણ વર્ષમાં ઓછામાં ઓછા બે વખત શેંજેન વિઝા મેળવ્યો હોવો જોઈએ.

પાંચ વર્ષનો મલ્ટિ એન્ટ્રી વિઝા: જે વ્યક્તિઓને સફળતાપૂર્વક આ બે વર્ષનો વિઝા મળશે તેઓ ત્યારબાદ પાંચ વર્ષના મલ્ટિ એન્ટ્રી વિઝા માટે પણ અરજી કરી શકશે. તેના કારણે યુરોપિયન દેશોમાં મુસાફરી માટે લાંબો સમય મળશે અને યુરોપની મુસાફરી વારંવાર કરી શકાશે. પરંતુ આ વિઝામાં પણ કોઈ 180 દિવસની અંદર મહત્તમ 90 દિવસ સુધી જ યુરોપિયન દેશોમાં રહી શકાશે. ફર્ક માત્ર એટલો જ હશે કે વિઝા માટે વારંવાર અરજી કરવી નહીં પડે.

ભારતીયો માટે કરવામાં આવેલા આ ફેરફારને ‘કાસ્કેડ રિજીમ’નું નામ આપવામાં આવ્યું છે. જેના કારણે સમય અને પ્રયત્નો બચશે.

યુરોપિયન યુનિયન દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, “આ નવા નિયમો ઈયુ-ઇન્ડિયા કોમન એજન્ડા”ને વધુ મજબૂત કરવા માટે લાવવામાં આવ્યા છે. ભારત યુરોપિયન યુનિયન માટે અતિશય મહત્ત્વનું છે.”

આ નિયમોમાં બદલાવ પછી પણ શેંજેન વિઝા માટે અરજી કરવાની પ્રક્રિયામાં કોઈ બદલાવો થયા નથી.

ભારતીયોની પસંદગીનું સ્થળ યુરોપ

અભ્યાસ અને નોકરી સિવાય પ્રવાસ માટે પણ યુરોપના દેશો ભારતીયોનાં પ્રિય સ્થળો રહ્યાં છે.

ભારતના પ્રવાસન મંત્રાલયના વર્ષ 2022ના ‘ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ’ પ્રમાણે ભારતમાંથી બહારના દેશોમાં મુસાફરી કરનાર કુલ પ્રવાસીઓમાંથી 2021ના વર્ષમાં કુલ 11 ટકા પૂર્વ અને પશ્ચિમ યુરોપના દેશોમાં ગયા હતા.

વર્ષ 2020-21માં ભારતમાંથી પૂર્વ અને પશ્ચિમ યુરોપના દેશોમાં જનારા લોકોનો આ આંકડો 27.7 ટકા હતો.

વર્ષ 2021 પ્રમાણે યુરોપિયન યુનિયન હેઠળ આવતા શેંજેન દેશોમાં સૌથી વધુ 1.19 લાખ ભારતીય પ્રવાસીઓ જર્મની ગયા હતા. બીજા નંબરે ઇટાલી આવે છે જ્યાં વર્ષ 2021 દરમિયાન 52,847 ભારતીય પ્રવાસીઓ ગયા હતા.