You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ કંપનીઓ જે કર્મચારીઓને 'રજાઓ' માણવા લાખો રૂપિયા આપે છે
- લેેખક, એલિઝાબેથ બેનેટ
- પદ, બીબીસી વર્કલાઇફ
સોહામણા બીચ પર થોડા આરામદાયક દિવસો અને નશામાં ડૂબી જવાની ઇચ્છા, મિત્રો સાથે ટ્રૅકિંગ, દૂરદૂર સુધી પથરાયેલા એ પર્વતોનું મન મોહી લેતું દ્રશ્ય, કોઈ નવા શહેરમાં રખડવું, ક્યારેય ન ચાખી હોય એવી અદ્ભુત વાનગીઓ ચાખવી. શું આ બધી શ્રેષ્ઠ પળો નથી? અને એમાંય જો તમને કોઈ એવું કહે કે આ બધું માણવા માટે તમારે તમારા પૈસા ખર્ચવાની જરૂર નથી તો તમારી ખુશી ચોક્કસથી બેવડાઈ ન જાય?
દુનિયાની અનેક કંપનીઓ વત્તા-ઓછા પ્રમાણમાં પોતાના કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા અનેક તેમને પ્રકારના લાભ આપતી હોય છે. આજે ઘણી કંપનીઓ તેમના કર્મચારીઓને દુનિયા જોવા માટે ખૂબ સારું ‘ટ્રાવેલ બજેટ’ આપતી થઈ છે.
મહદંશે આ પ્રકારનાં ‘ટ્રાવેલ બજેટ’ ટુરિઝમ સૅક્ટરમાં કામ કરતી કંપનીઓ આપતી હોય છે. જેમકે ‘ઍર બીએનબી’ ના કર્મચારીઓ દર વર્ષે 2 હજાર અમેરિકી ડૉલર (અંદાજિત 1 લાખ 66 હજાર રૂપિયા) ની ટ્રાવેલ ક્રૅડિટ મેળવે છે. જ્યારે ઍક્સ્પીડિયા કંપની તેમના કર્મચારીઓને ટ્રાવેલિંગ માટે 1250 ડૉલરથી 1750 ડૉલરનું વળતર આપે છે.
હવે ઘણી બધી કંપનીઓ આ ટ્રૅન્ડને અનુસરી રહી છે. ડિજિટલ કંપની કૅલેન્ડી એ હૉટલો, ફ્લાઇટ્સ અને કાર રૅન્ટ માટે વાર્ષિક 1 હજાર ડૉલર (અંદાજે 83 હજાર રૂપિયા)નું સ્ટાઇપૅન્ડ આપે છે. સૉફ્ટવેર કંપની બામ્બૂ એચઆર ‘પેઇડ વૅકેશન’ આપે છે, જેમાં તેઓ ફરવા માટે 2 હજાર ડૉલર તેમના કર્મચારીઓને આપે છે.
‘વિએના યુનિવર્સિટી ઑફ ઇકોનૉમિક્સ ઍન્ડ બિઝનેસ’ના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટ્રૅટેજી ઍન્ડ ઇનોવેશનમાં પ્રોફેસર તરીકે કાર્યરત માઇકલ કૉનિગ આ ટ્રૅન્ડને વર્કિંગ વર્લ્ડની હાલની પરિસ્થિતિ સાથે જોડે છે. તેમના મતે હજુ આ દુનિયા અનિશ્ચિત અર્થતંત્રના માહોલમાં પણ ‘સેલર્સ માર્કેટ- વિક્રેતાના બજાર’થી બહાર આવી શકી નથી.
કંપનીઓ કેમ આવા લાભ આપી રહી છે?
આ રીતે અસામાન્ય લાભો ઑફર કરીને કૂદકે ને ભૂસકે આગળ વધતી કંપનીઓ તેમને જે પ્રતિભા જોઈએ છે તેને તે મેળવી શકે છે અને તેમને જાળવી પણ શકે છે. ઘણી વખત કર્મચારીઓની ઘટતી વફાદારીના માહોલને પણ એ સરભર કરી દે છે.
કૉનિંગ કહે છે, "નોકરી આપનારા લોકો તેમની વ્યૂહરચનામાં આ સ્કીમનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરી શકે છે."
"તેનાથી એ સંદેશ જાય છે કે કંપનીઓ ખરેખર તેમના કર્મચારીઓની સુખાકારીની કાળજી રાખે છે અને તેઓ ખરેખર નાની મોટી ભેટો આપવાથી આગળ વધી રહ્યા છે. આ પ્રકારનાં પગલાંથી નિઃશંકપણે કંપનીઓને લાંબાગાળે ફાયદો થાય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુનાઇટેડ કિંગડમ સ્થિત ‘આલિયાન્ઝા માન્ચૅસ્ટર બિઝનેસ સ્કૂલ’માં ‘ઑર્ગેનાઇઝેશનલ સાયકૉલોજી ઍન્ડ હૅલ્થ’ના પ્રોફેસર કૅરી કૂપર કહે છે, “જે કંપનીઓ કર્મચારીઓની ભરતી કરી તેમને લાંબા સમય સુધી જાળવી રાખવા ઇચ્છે છે તે કંપનીઓ માટે એ વાત અતિશય મહત્ત્વપૂર્ણ છે કે તેઓ તેમના કર્મચારીઓની સુખાકારીમાં તેમને રસ છે એવું દર્શાવે.”
"ઉદાહરણ તરીકે યુકેમાં કંપનીઓને બ્રૅક્ઝિટના કારણે પૂર્વીય યુરોપના ઘણા લોકો ગુમાવવા પડ્યા હતા. કંપનીઓને અમુક ક્ષેત્રોમાં કુશળ કે અકુશળ કર્મચારીઓની ભરતી કરવામાં મુશ્કેલી પડી રહી છે જેના કારણે તેઓ આ પ્રકારના અનેક પ્રોત્સાહનો આપવા પર વિચાર કરી શકે છે. અથવા તો તેઓ કર્મચારીઓને આકર્ષવા માટે કોઈ અન્ય વ્યૂહરચનાનો સહારો લઈ શકે છે."
આ એવો વૈશ્વિક ટ્રૅન્ડ છે કે જેમાં પ્રવાસના ફાયદા (ટ્રાવેલ બેનિફિટ) ખાસ કરીને અમેરિકામાં કર્મચારીઓને આકર્ષી શકે એમ છે. યુએસમાં પેઇડ વૅકેશનને કાયદાની ઓથ નથી અને અહીં 46 ટકા લોકો પેઇડ વૅકેશન પર જતા હોય છે.
કૂપર સમજાવે છે કે, “ઘણી સંસ્થાઓમાં વૅકેશન માટે બહુ ઓછો સમય હોય છે. આવી પરિસ્થિતિમાં કંપનીઓ તેમના કર્મચારીઓનો વૅકેશન ટાઈમ લંબાવીને તેમને આકર્ષી શકે છે. અમેરિકાના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આ પ્રકારનો ખર્ચ ‘જરૂરી’ હોય તેવા જ પ્રોફેશનલ કર્મચારીઓને મળશે. આ લાભ તેમને મળતા અન્ય લાભોમાં એક વધારાનો અને આકર્ષક લાભ હશે.”
વળી, વૈશ્વિક સ્તરે હાલની આર્થિક પરિસ્થિતિ જોતા ‘ટ્રાવેલ બજેટ’ જેવી પહેલ કંપનીઓ કરે તો તે સૌથી વધુ કિંમતી ગણાશે.
કપરી વૈશ્વિક આર્થિક પરિસ્થિતિની અસરો
કૉનિગ કહે છે, “સમગ્ર વિશ્વમાં જીવનનિર્વાહના ખર્ચમાં થઈ રહેલો સતત વધારો અને મોંઘવારી દરમાં થયેલા વધારા જેવાં પરિબળોએ જાણે કે ટ્રાવેલિંગને લક્ઝરી ચીજ બનાવી દીધી છે. વેકેશન માટે પૈસા આપતી કંપનીઓ માટે આ પરિબળો માથાનો દુ:ખાવો બની રહ્યાં છે.”
ઘણા દેશોમાં આ ખર્ચ કરમુક્ત છે. એટલે કંપનીઓ અને કર્મચારી બંને માટે ચોખ્ખો લાભ એ કદાચ આ ‘ટ્રાવેલ બેનિફિટ’ કરતાં ઘણો વધારે છે. આવી પરિસ્થિતિમાં બંનેને ઘણો ફાયદો થતો હોય છે.
આ પ્રકારના લાભો કર્મચારીઓ અને કંપની બંને માટે ‘વિન-વિન’ પરિસ્થતિ સર્જતા હોય છે. ટોરન્ટો સ્થિત વૅલનેસ સર્વિસ પ્રૉવાઇડર કંપની ‘ટેલસ હૅલ્થ’ નાં સિનીયર વાઇસ પ્રૅસિડેન્ટ પૉલા ઍલન કહે છે કે આ પ્રકારના લાભો અમુક કર્મચારીઓ માટે ખૂબ કિંમતી હોય છે તો અમુક કર્મચારીઓ માટે તે એટલા અગત્યના નીવડતા નથી.
“એવા કર્મચારીઓ કે જેઓ ‘વર્કિંગ પેરેન્ટ્સ’ અથવા તો કૅરટેકર્સ છે તેમના માટે બની શકે કે આ લાભો કામના ન હોય. આ પ્રકારની સ્થિતિમાં કંપનીઓએ તેમના માટે કંઈક અલગ વિચારવું જોઈએ. જેના કારણે તેમને એવું ન લાગે કે તેમના કરતાં અન્ય કર્મચારીઓને વધારે લાભો મળી રહ્યા છે કે ફાયદો થઈ રહ્યો છે.”
જોકે આ પણ કાયમી સમાધાન નથી
જેમ જેમ હવાઈ મુસાફરીની પર્યાવરણીય અસરોને કારણે ઉદ્ભભવતી ચિંતાઓ વધુ સુસંગત બનતી જાય છે તેમ તેમ કંપનીઓએ પર્યાવરણીય અસરો ધ્યાનમાં રાખીને મફત મુસાફરીના લાભો ઑફર કરવા વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું તે અંગે પણ વિચારવું પડશે.
ઍલન કહે છે કે, “આ લાભો આપણી ‘હૅલ્થ ઍન્ડ વૅલબીઇંગ સપોર્ટ’ માટેની જરૂરિયાત તથા એક અતિ સક્ષમ વર્કપ્લેસ કલ્ચરની જરૂરિયાતની જગ્યા લઈ શકશે તેવું જરાય નથી. જો વર્કપ્લેસ માનસિક રીતે સ્વસ્થ ન હોય તો આર્થિક રીતે મદદ આપવાથી કે લાભ આપવાથી તેનું સમાધાન નહીં મળે.”
ઍલન ઉમેરે છે કે કંપનીઓ એક અથવા બીજી રીતે આ ટ્રૅન્ડમાં જોડાવાનું ચાલુ રાખશે એ વાત નક્કી છે.
તેઓ કહે છે, "વિચરતા કર્મચારીઓની વધતી જતી સંખ્યા સાથે અને અમુક કંપનીઓની લવચીક નીતિઓને કારણે કર્મચારીઓને વિશ્વના વિવિધ ભાગોમાંથી કામ કરવાની મંજૂરી મળે છે. જેથી કર્મચારીઓમાં સ્પષ્ટપણે મુસાફરી કરવાની ભૂખ દેખાય છે."
ભવિષ્ય પર નજર નાખતાં તેઓ કહે છે, "કંપનીઓ આર્થિક સુખાકારીને ટેકો આપવા અને માનસિક સુખાકારી સાથે નાણાકીય સુખાકારીને વધુને વધુ કનેક્ટ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરશે."
કૉનિગ આ વાત સાથે સહમત થાય છે અને કહે છે, “સૅલરી પૅકેજનો આખો કૉન્સેપ્ટ જ બદલાઈ જશે. પૅઇડ વૅકેશન, હૅલ્થ સપોર્ટ, લાઇફલૉન્ગ ટ્રેનિંગ આ તમામ વસ્તુઓનું મહત્ત્વ વધતું જ જશે.”