અમેરિકા જવા મૅક્સિકોના ડ્રગ લૉર્ડના ખતરનાક વિસ્તારનો પ્રવાસ, પ્રવાસીના જાતઅનુભવની કહાણી

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં દક્ષિણ અમેરિકાની સરહદથી પ્રવાસીઓનું આવવું એક મોટો મુદ્દો છે, પરંતુ જે બાબતે બહુ ઓછી જાણકારી છે તે સમગ્ર મૅક્સિકોમાં ફેલાયેલી ડ્રગ કાર્ટેલ છે.

આ લોકો ખતરનાક પ્રવાસને વધારે ખતરનાક બનાવી દે છે.

પોતાની સ્ટ્રિપ ક્લબો, ટેકો સ્ટેંડ અને રસ્તાઓ પરથી સડસડાટ જતી મોટરબાઇક્સ માટે મૅક્સિકોનો સરહદી વિસ્તાર સેન લુઈસ રિયો કોલોરાડો જાણીતો છે.

અહીં એક આશ્રયસ્થળના આંગણામાં એડુઆર્ડો આરામ કરતા જોવા મળ્યા. એ આશ્રયસ્થળ અમેરિકાના એરિઝોના રાજ્યને આ શહેરથી અલગ કરતી સીમાથી વધારે દૂર નથી.

આશ્રયસ્થળની અંદર લાકડાનો એક મોટો ક્રૉસ લટકી રહ્યો છે. એડુઆર્ડોએ તેમની મૅક્સિકો યાત્રા દરમિયાન ખતરનાક બાબતોનો સામનો કરવો પડ્યો હતો.

તેઓ હવે આ જગ્યાએ આવીને તે અનુભવોમાંથી બહાર આવવાના પ્રયાસ કરી રહ્યા છે.

એડુઆર્ડોએ ઇક્વાડોર છોડવું જ પડ્યું

લગભગ 50 વર્ષના એડુઆર્ડો ઇક્વાડોરમાં ફાસ્ટ-ફૂડ રેસ્ટોરાં ચલાવતા હતા. ક્યારેક શાંતિમય ગણવામાં આવતા આ દેશમાં હવે સંગઠિત અપરાધનાં મૂળિયા મજબૂત થઈ ગયાં છે.

એડુઆર્ડો કહે છે, “ધંધાર્થી હોવાને કારણે અમારી પાસેથી બળજબરીથી વસૂલી કરવામાં આવતી હતી.”

‘ટૅક્સ’ ન ચૂકવે તો તેમને એક ટોળકી દ્વારા હત્યાની ધમકી આપવામાં આવી હતી. “અમે શું કરી શકીએ? જીવ બચાવવા માટે અમારે ત્યાંથી અહીં આવવું પડ્યું.”

એડુઆર્ડો ક્યારેય ઇક્વાડોર છોડવા ઇચ્છતા નહોતા, પરંતુ તેઓ ભયભીત હતા અને પછી તેમણે અમેરિકામાં આશ્રય માગવાનો નિર્ણય કર્યો હતો.

એડુઆર્ડો આવી એકમાત્ર વ્યક્તિ નથી. તેમના જેવી કથા એવા સેંકડો લોકોની છે, જેઓ દુનિયાના અલગ-અલગ દેશોમાં હિંસાનો શિકાર થવાને કારણે અમેરિકામાં નવી જિંદગી શોધવા આવે છે.

2023માં રેકોર્ડ સંખ્યામાં પરદેશીઓ આવવાને કારણે અમેરિકાના પ્રમુખ જો બાઇડને ઇમિગ્રેશનની પ્રક્રિયા આકરી બનાવવાની દરખાસ્ત મૂકી હતી.

વધારે પડતી ભીડ હોવાને લીધે સરહદ બંધ કરવાની દરખાસ્તનો પણ તેમાં સમાવેશ થતો હતો. બાઈડનના પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે તેઓ નવેમ્બરમાં વિજેતા બનશે તો આવા લોકોને મોટા પ્રમાણમાં પાછા મોકલશે.

એડુઆર્ડોની અત્યંત ખતરનાક યાત્રા

અમેરિકામાં મોટા પાયે અન્ય દેશોના લોકો આવવા બાબતે જે ચર્ચા છેડાય છે તેમાં મૅક્સિકોમાં માદક પદાર્થોની દાણચોરી કરતી ટોળકીઓની ભૂમિકા કેન્દ્રમાં હોય છે.

એડુઆર્ડોએ ઈક્વાડોરની રાજધાની ક્વિટોથી મૅક્સિકો સિટી તરફની ફ્લાઇટથી પોતાનો પ્રવાસ શરૂ કર્યો હતો. એ પછી તેઓ અમેરિકાની સરહદ પરના સોનોઈટા માટે 30 કલાકની યાત્રા માટે બસમાં બેઠા હતા.

એ બસ પ્રવાસીઓ અને મૅક્સિકોના નાગરિકોથી ભરેલી હતી. એડુઆર્ડોને સૌથી ખરાબ લાગેલી વાત એ હતી કે એ પ્રવાસ દરમિયાન તેમને જે વિસ્તારમાંથી લઈ જવામાં આવ્યા હતા તે વિસ્તારમાં મૅક્સિકોની સૌથી હિંસક ડ્રગ કાર્ટેલ અને તેમના સાથીઓનો દબદબો હતો. એ ટોળકી માઇગ્રેશનના ધંધા પર પણ છવાયેલી છે.

પહેલીવાર બસ રોકાઈ ત્યારે સવારના લગભગ છ વાગી રહ્યા હતા. બુકાનીધારી, સશસ્ત્ર 10 લોકો બસમાં પ્રવેશ્યા હતા. બસને પહાડો તરફ લઈ જવામાં આવી હતી. એ લોકોએ તમામ પ્રવાસીઓને દસ્તાવેજો દેખાડવા જણાવ્યું હતું.

પ્રવાસીઓ કોણ છે એ જાણી લીધા પછી બુકાનીધારી લોકોએ દરેક પાસેથી 1200 પેસો એટલે કે લગભગ 90 ડૉલર માગ્યા હતા. તેની ચૂકવણી ન કરે તેની ધરપકડની વાત કરી હતી.

પ્રવાસીઓએ નાણાં તો જમા કરાવી દીધાં, પરંતુ તેમાં 200 પેસો ઓછા હતા. સશસ્ત્ર લોકોએ બસને જવા દીધી અને લગભગ 11 કલાક રોકાયા પછી બસ ફરી એકવાર યાત્રા માટે આગળ વધી.

સરહદી શહેર સેન લુઈસ રિયો કોલોરાડો ખાતેના જે આશ્રયસ્થળમાં એડુઆર્ડો રોકાયા હતા, તે પણ પ્રવાસીઓના અપહરણ માટે જાણીતું છે. આ શહેરમાંના બે માળના એક મકાનમાં સંદિગ્ધ રીતે લોકોની આવનજાવનની માહિતી એક સ્થાનિક રહેવાસીએ ગયા વર્ષે મેમાં આપી હતી.

મૅક્સિકોની સ્થાનિક પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો અને પાંચ લોકોની ધરપકડ કરી હતી. એ કાર્યવાહી દરમિયાન 100થી વધુ પ્રવાસીઓને મુક્ત કરાવવામાં આવ્યા હતા. એ પૈકીના કેટલાક તો ત્રણેક સપ્તાહથી ત્યાં કેદ હતા.

દરોડાની કાર્યવાહીમાં સામેલ એક સ્થાનિક પોલીસ અધિકારી ટેરેસા ફ્લોરેઝ મુનોઝ કહે છે, “તેમની પાસે ખાવા-પીવાનું ન હતું અને તેમનું શારીરિક તથા માનસિક શોષણ કરવામાં આવતું હતું.”

તેમાં એક ભારતીય મહિલા પણ હતી, તેમ જણાવતા તેઓ ઉમેરે છે, “એ મહિલાએ તેના બાળકને પકડી રાખ્યું હતું અને રડતી હતી. એ મહિલાએ તેનું બાળક મને આપી દીધું અને કહ્યું હતું કે મારે એ બાળકને લઈ જવું જોઈએ, કારણ કે અપહરણકર્તાઓ તેની હત્યા કરવાના છે. તે વાસ્તવમાં ચિંતાજનક હતું.”

જે લોકોને મુક્ત કરાવવામાં આવ્યા હતા તેમાં બાંગ્લાદેશ, ઉઝબેકિસ્તાન, ચીન અને સેનેગલ સહિતના 23 દેશોના લોકો હતા.

સ્થાનિક સમાચાર મુજબ, અપહરણકર્તાઓએ દરેક પ્રવાસી પાસેથી 2,500 અમેરિકન ડૉલરની માગણી કરી હતી. ગર્ભવતી મહિલાઓ માટે એ રકમ બમણી હતી. કોઈ પ્રવાસી ચૂકવણી ન કરી શકે તો આ ટોળકી તે પ્રવાસીના સગાઓ પાસેથી માગણી કરતી હતી.

વસૂલીમાં માત્ર પ્રોફેશનલ ગુનેગારો જ સામેલ નથી

બળજબરીથી વસૂલી કરતા અને લોકોને બંધક બનાવનારાઓમાં માત્ર પ્રોફેશનલ ગુનેગારો જ નહીં, પરંતુ કાયદો-વ્યવસ્થા જાળવી રાખવાનું કામ કરતા કેટલાક લોકોનો પણ સમાવેશ થતો હતો.

એડુઆર્ડોના કહેવા મુજબ, તેમની બસ મૅક્સિકન રાજ્ય સિનાલોઆ અને સોનોરાથી થઈને ઉત્તર તરફ આગળ વધી ત્યારે છ પોલીસચોકી પર તેને રોકવામાં આવી હતી. ત્યાંના પોલીસ અધિકારીઓએ પ્રવાસીઓ પાસેથી પૈસાની માગણી કરી હતી.

એડુઆર્ડો કહે છે, “તમારી પાસે રોકડ ન હોય તો તેઓ તમને બોલાવે છે. તેઓ કહેતા હતા કે તમારું પેન્ટ ઉતારો, બીજાં કપડાં ઉતારો. તેમને સૂટકેસ જેવી ચીજો પણ આપી દેવી પડતી હતી. તમારી પાસે પૈસા ન હોય તો બધો સામાન લઈ લેવામાં આવતો હતો. આ રીતે મેં મારા કેટલાક દસ્તાવેજો ગુમાવ્યા હતા.”

પ્રવાસીઓને નિશાન બનાવવા માટે બસ રોકવી એ કોઈ અસામાન્ય વાત નથી. સેન લુઈસ રિયો કોલોરાડોમાં અમે એક સ્થાનિક પત્રકાર સાથે કામ કર્યું હતું. તેમણે અમને ગુપ્ત રીતે ક્લિક કરવામાં આવેલા ફોટોગ્રાફ મોકલ્યા હતા. એક ટોળકીએ એક બસને કેવી રીતે રોકી હતી તે અને ટોળકીના લોકોના ચહેરા ઢંકાયેલા હતા તે તસવીરોમાં જોવા મળ્યું હતું.

પત્રકારે કહ્યું હતું, “એ ટોળકીના લોકો ડ્રગ્ઝ અને માનવતસ્કરી કરતા માફિયાના હિટમૅન હતા એ બસમાંની દરેક વ્યક્તિ જાણતી હતી.”

બુકાનીધારી લોકોએ મૅક્સિકોના ન લાગતા હોય, જેમનાં કપડાં ખરાબ હોય અને જેમના ચહેરા પર ડર દેખાતો હોય તેવા લોકોને જ પૂછપરછ કરી હતી. બસમાંથી ઉતારવામાં આવેલા પાંચ-છ પ્રવાસીઓ પાસેથી 50 ડૉલર વસૂલવામાં આવ્યા હતા.

એ લોકોના ટ્રકના દરવાજા પર સોનોરાના સ્ટેટ પ્રોસિક્યુટર સાથે જોડાયેલી એક એજન્સી એએમઆઈસીનો લોગો જોવા મળ્યો હતો. અમારા સહયોગી પત્રકારને તે લોકો બનાવટી જણાયા હતા.

એડુઆર્ડોનો સૌથી ખરાબ અનુભવ

મૅક્સિકો સિટીની ઉત્તરી સીમાના પ્રવાસ દરમિયાન એડુઆર્ડોને સૌથી ખરાબ અનુભવ પણ સોનોરા રાજ્યમાં જ થયો હતો.

ફરી એકવાર સશસ્ત્ર લોકોએ બસને રોકી હતી. કોલંબિયાનાં પાંચ બાળકો સાથેના એક પરિવાર પાસે પૈસા ન હતા. તેમને બસમાંથી ઉતારી મૂકવામાં આવ્યા હતા. સશસ્ત્ર લોકો તેમને ટ્રકમાં બેસાડીને પોતાની સાથે લઈ ગયા હતા.

એડુઆર્ડો પીડા સાથે કહે છે, “અમારી પાસે બધાને બચાવવા જેટલા પૈસા પણ ન હતા.” એડુઆર્ડો પાસે પૈસા બચ્યા ન હતા. તેમની 3,000 ડૉલરની બચત ખતમ થઈ ગઈ હતી. તેનો અર્થ એ હતો કે અમેરિકાની સરહદ પાર કરવા માટે તસ્કરો જે પૈસા વસૂલતા હતા એ હવે તેઓ ચૂકવી શકે તેમ ન હતા.

એવામાં બસ ડ્રાઈવરે એડુઆર્ડોને કહ્યું હતું કે તેઓ અહીં રહેશે તો તેમના અપહરણની શક્યતા છે. આવું કહીને તેમણે એડુઆર્ડોને સેન લુઈસ રિયો કોલોરાડોમાં ઉતારી મૂક્યા હતા. એડુઆર્ડો ત્યાં પ્રવાસી આશ્રયસ્થળમાં રોકાયા હતા.

જે પ્રવાસીઓનું અપહરણ થાય છે અથવા જેઓ બંદુકધારીઓને પૈસા ચૂકવી શકતા નથી તેમણે બહુ સહન કરવું પડે છે. એવી જ રીતે ટિયુઆના શહેર અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા ઇચ્છતા લોકો માટે કામ આકર્ષક જગ્યા બની રહ્યું છે.

આ શહેરની પૂર્વમાં આવેલી પહાડીઓમાંથી તાજેતરમાં પ્રવાસીઓના મૃતદેહ મળી આવ્યા હતા. તેમની માથામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ વિસ્તારમાં નિયંત્રણ ધરાવતી ગુંડા ટોળકીને અમેરિકા જવા માટે પૈસા ન ચૂકવી શકવાથી આ લોકોની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

સેન ડિએગો સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. વિક્ટર ક્લાર્ક અલ્ફારો કહે છે, “ગુંડાઓની ટોળકીઓએ પોતાની આર્થિક ગતિવિધિમાં બીજી ઘણી બાબતોને સામેલ કરી છે તે સ્પષ્ટ છે. તેમાં બળજબરીથી વસૂલી, અપહરણ અને માનવતસ્કરીનો સમાવેશ થાય છે.”

તેઓ કહે છે, “હું તેમને નાર્કો-કોયોટ કહું છું, કારણ કે તેઓ લોકોને માત્ર સરહદ પાર નથી કરાવતા, બલકે અમેરિકામાં માદક પદાર્થો પણ મોકલે છે.” તેમના કહેવા મુજબ, પ્રવાસીઓને પોતાની સાથે માદક પદાર્થો લઈ જવા મજબૂર કરવામાં આવે છે.

ડૉ. ક્લાર્ક કહે છે, “સંગઠિત અપરાધોમાં હિંસાની ભૂમિકા મહત્ત્વની છે. ગુંડાટોળકીઓ હિંસાનો ઉપયોગ પોતાના વિસ્તારમાં દબદબો જાળવી રાખવા અને નિર્દોષ લોકો વિરુદ્ધ કરે છે.”

માદક પદાર્થોની દાણચોરી

અમેરિકામાં કાયદેસર પ્રવેશ્યા એડુઆર્ડો

સેન લુઈસ રિયો કોલોરાડોમાં એડુઆર્ડોએ થોડો સમય આરામ કર્યો હતો. ત્યાં નોકરી મેળવી હતી, પરંતુ મૅક્સિકોની ભયાનક યાત્રા બાદ એડુઆર્ડો અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવાનું જોખમ લેવા ઇચ્છતા ન હતા.

તેમણે સીબીપી નામની એક અમેરિકન ઓનલાઈન ઍપમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ એપ યુએસ પોર્ટ ઑફ એન્ટ્રી માટે ઍપોઈન્ટમેન્ટ શેડ્યૂલ કરે છે. તેઓ સલામતી સંબંધી તપાસમાં પાસ થાય તો તેમને અમેરિકામાં પેરોલ મળી શકે છે.

ગુંડાટોળકીઓના દબદબાને ઘટાડવા માટે બાઈડન વહીવટી તંત્રે આવા ઉપાય કર્યા છે. આ બે કારણોસર એડુઆર્ડો અમેરિકા જવા પ્રેરિત થયા હતા.

પહેલું કારણ હતું તેમનો કેથોલિક ધર્મ. બીજું કારણ હતું ઇક્વાડોરથી તેમના દોસ્ત બાબતે આવેલા ખરાબ સમાચાર. એડુઆર્ડોના એ દોસ્ત પાસેથી પણ અપરાધીઓ વસૂલી કરી રહ્યા હતા. એડુઆર્ડો ઇચ્છતા હતા કે તેઓ બન્ને સાથે અમેરિકા આવે, પરંતુ તેમનો દોસ્ત તેના પરિવારને છોડવા ઇચ્છતો ન હતો.

દોસ્તે એડુઆર્ડોને કહ્યું હતું કે તેઓ અપરાધીઓ સાથે કામ પાર પાડી લેશે, પરંતુ એવું કરી શક્યો નહીં.

એડુઆર્ડો રડી પડ્યા. તેઓ કહે છે, “તેઓ મારા દોસ્તની દુકાને ગયા હતા. તેમણે મારા દોસ્તની હત્યા કરી હતી. હું ઇક્વાડોરમાં રોકાયો હોત તો...ઉપરવાળાનો આભાર...મેં બહુ સહન કર્યું છે, પરંતુ હું જીવતો છું.”

એડુઆર્ડો આ વર્ષે માર્ચમાં અમેરિકામાં કાયદેસર પ્રવેશ્યા હતા.