You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ દેશ જ્યાં લોકો ખ્રિસ્તી ધર્મ છોડી અન્ય ધર્મો તરફ વળી રહ્યા છે
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ઇથિયોપિયાનું નામ સાંભળતા જ તમારા મગજમાં કેટલીયે તસવીરો સામે આવતી હશે, પણ તે એ વાત પર આધારિત છે કે તમે ક્યાં ઊભા છો.
જો તમે યુરોપની દૃષ્ટિએ જુઓ તો એંસીના દાયકા દરમિયાન ઇથિયોપિયામાં ફેલાયેલી ભયાનક ભૂખમરાની તસવીરો નજર સામે આવશે. પણ આફ્રિકાના લોકો માટે આ એ જમીન છે જેના પર ઉપનિવેશી તાકાતો કબજો નહોતો કરી શકી. તેમના માટે આ આફ્રિકાની એકતા અને આત્મસન્માનનું ચિહ્ન છે.
ઇથિયોપિયા આફ્રિકાની બીજી સૌથી વધુ વસતીવાળો આધુનિક દેશ પણ છે. તેનું નેતૃત્વ એક એવા વડા પ્રધાનના હાથોમાં છે જેમને 2019માં નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. પણ તે પછીના એક વર્ષમાં જ ઇથિયોપિયામાં ગૃહયુદ્ધ શરૂ થઈ ગયું હતું. જેમાં હજારો નાગરિકોનાં મોત થયાં હતાં. ઇથિયોપિયાના સમાજમાં ઑર્થોડૉક્સ ખ્રિસ્તી ચર્ચની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે.
ગૃહયુદ્ધના કારણે ઇથિયોપિયાના ઑર્થોડૉક્સ ચર્ચમાં મતભેદ શરૂ થયા હતા. એક સમય હતો કે જ્યારે આ દેશના 44 ટકા લોકો પોતાને ઑર્થોડૉક્સ ખ્રિસ્તી ગણાવતા હતા. ઇથિયોપિયાના સમાજ અને રાજકારણમાં ઑર્થોડૉક્સ ચર્ચાના પ્રભાવને ક્યારેય કોઈ પડકાર નહોતો મળ્યો. પણ હવે ધીરે ધીરે આવા લોકોની સંખ્યા વધી રહી છે જે અન્ય પંથમાં સામેલ થઈ રહ્યા છે.
પોતાને ઑર્થોડૉક્સ ખ્રિસ્તી ગણાવતા લોકોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. તો આ અહેવાલમાં એ જાણવાનો પ્રયાસ કરીએ કે ઇથિયોપિયાના લોકોની પોતાના ઑર્થોડૉક્સ ચર્ચમાં આસ્થા ઓછી કેમ થઈ રહી છે?
ચર્ચમાં મતભેદની તિરાડ
ઇથિયોપિયાનું ઑર્થોડૉક્સ તેવાહેડો ખ્રિસ્તી ચર્ચ, દુનિયાની સૌથી જૂની ખ્રિસ્તી શાખાઓમાંથી એક છે. તેવાહેડોનો અર્થ ‘એકતા’ થાય છે. ઇથિયોપિયામાં એવી ધારણા રહી છે કે તેના શાસક, એ રાજા સોલોમન અને રાજા મૅકાડાના વંશજ છે જેમનો ઉલ્લેખ બાઇબલમાં છે.
લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સના એક વરિષ્ઠ શોધકર્તા મેબ્રાટૂ કેલેચાનું માનવું છે કે સદીઓથી ઑર્થોડૉક્સ તેવાહેડો ચર્ચનો ઇથિયોપિયા પર ઊંડો પ્રભાવ રહ્યો છે. તે દેશની ઓળખનું એક મહત્ત્વનું અંગ છે. ઑર્થોડૉક્સ ચર્ચમાં મતભેદ તો પહેલાં પણ હતા જ. પણ ટિગ્રેમાં નવેમ્બર, 2022માં ગૃહયુદ્ધની શરૂઆત પછી તે વધી ગયા. ત્યાં જ ઓરોમિયા વિસ્તારમાં વિદ્રોહ પણ તેનું એક કારણ હતું.
''ઓરોમિયા વિસ્તારમાં ચર્ચના વહીવટી ઢાંચા બાબતે ટિપ્પણીઓ થતી રહી છે. લોકોનું કહેવું છે કે ત્યાંના અનુયાયીઓ સાથે સંવાદ માટે માતૃભાષાનો ઉપયોગ કરવામાં તે નિષ્ફળ રહ્યું છે.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચર્ચમાં ગૅઇઝ ભાષાનો ઉપયોગ થાય છે, જે એક પ્રાચીન ભાષા છે. તેનો સંબંધ અમ્હારિક ભાષા સાથે છે. જે ઇથિયોપિયાના પૌરાણિક ઉચ્ચ વર્ગની ભાષા રહી છે. પણ 1974માં ઇથિયોપિયાના રાજા હાઇલે સલાસીને સત્તામાંથી દૂર કર્યા પછી ઉચ્ચ વર્ગ હાંશિયામાં ધકેલાઈ ગયો હતો. તે કાર્યવાહીમાં હજારો લોકો માર્યા ગયા હતા. તેમાં ઇથિયોપિયા નરેશ અને ચર્ચના પેટ્રિઆર્ક એટલે કે ચર્ચ પ્રમુખની પણ હત્યા થઈ હતી. આ પછી આબૂના મેરકોરિયસને ચર્ચના નવા પ્રમુખ તરીકે પસંદ કરાયા.
મેબ્રાટૂ કેલેચા મુજબ ચર્ચ પર આરોપ છે કે 1974માં રાજા સલાસીને સત્તા પરથી હાંકી કઢાયા પછી બદલાયેલી પરિસ્થિતિ મુજબ તેઓ પોતાને ઢાળવામાં નિષ્ફળ રહ્યું છે. ઇથિયોપિયામાં સૈનિક શાસન આવી ગયું હતું અને રાજકીય સ્થિતિ બદલાઈ ગઈ હતી.
કેટલાંય વર્ષોની અસ્થિરતા પછી 1991માં ઇથિયોપિયામાં નવી સરકાર રચાઈ. આ વખતે ઇથિયોપિયાના ઑર્થોડૉક્સ ચર્ચના પ્રમુખ વિદેશ જતા રહ્યા અને દેશનિકાલમાં ઇથોપિયન ઑર્થોડૉક્સ ચર્ચની સ્થાપના કરી.
ત્યાં ઇથિયોપિયાના આબૂના પાઉલસ ઑર્થોડૉક્સ ચર્ચના પેટ્રિઆર્ક બન્યા અને 2018 સુધી ચર્ચનું કામકાજ સંભાળ્યું. પણ 2018માં આબી અહેમદ વડા પ્રધાન બન્યા અને તેમણે આબૂના મેરકોરિયસને દેશમાં પાછા બોલાવ્યા. આબૂના મેરકોરિયસ અને વર્તમાન ચર્ચ પ્રમુખ એટલે કે પેટ્રિઆર્ક આબૂના મથાયસ વચ્ચે સમજૂતી થઈ ગઈ પરંતુ તે બંનેને સાથે રાખવા સરળ નહોતું.
મેબ્રાટૂ કેલેચા કહે છે, ''વડા પ્રધાને ચર્ચમાં રહેલા આંતરિક વિગ્રહને થાળે પાડવા દેશનિકાલ પામેલા ધાર્મિક નેતાઓને પાછા તો બોલાવી લીધા હતા પણ આનાથી ચર્ચ પર નિયંત્રણ માટે બંનેમાં સ્પર્ધા શરૂ થઈ ગઈ.''
વડા પ્રધાન બન્યા પછી આબીએ દેશની સત્તાના માળખામાં પરિવર્તન માટે પગલાં લીધાં. આ કારણે તેઓ સત્તામાં આવ્યા અને કેટલાક મહિનાઓમાં જ ગૃહયુદ્ધ શરૂ થઈ ગયું. નવેમ્બર 2020માં ટિગ્રે વિસ્તારે પોતાને કેન્દ્ર સરકારથી અલગ કરી લીધા. તેની સીધી અસર ઇથિયોપિયાના ઑર્થોડૉક્સ ચર્ચની એકતા પર પડી. આ યુદ્ધનો પહેલો સૌથી મોટો હુમલો અક્સુમ શેહર પર થયો જે ઇથિયોપિયાના ઑર્થોડૉક્સ ચર્ચનું કેન્દ્ર માનવામાં આવે છે.
ઇથિયોપિયાના લોકોનું માનવું છે કે આ શહેરના ચર્ચ ઑફ મૅરી-અવર લેડી ઑફ જાયોનમાં ખ્રિસ્તીઓ અને યહૂદીઓ માટે પવિત્ર ગણાતા આર્ક ઑફ કોવેનન્ટને હજાર વર્ષોથી વધારેના સમયગાળાથી અહીં સુરક્ષિત રખાયા છે. હુમલા સમયે આ ચર્ચને નિશાન બનાવવામાં આવ્યું અને હ્યુમન રાઇટ્સ વૉચના એક અહેવાલમાં દાવો કરાયો કે આ ચર્ચમાં શરણ લેનારા સેંકડો લોકોને બહાર કાઢી ગોળીઓથી વિંધી નખાયા અને ચર્ચને લૂંટી લેવાયું.
7 મે, 2021માં ટિગ્રેના ચાર આર્ચ બિશપોએ મળીને એક સ્વતંત્ર માળખું બનાવવાની જાહેરાત કરી દીધી. તેમણે ચર્ચ પર યુદ્ધનો વિરોધ નહીં કરવાનો અને આબી સરકાર સાથે ઘરોબો રાખવાનો આરોપ લગાવ્યો.
મેબ્રાટૂ કેલેચાએ કહ્યું, ''આફ્રિકન યૂનિયનની મધ્યસ્થતાથી ઇથિયોપિયાની સરકાર અને ટિગ્રે લિબરેશન ફ્રંટ વચ્ચે પ્રિટોરિયામાં થયેલાં યુદ્ધવિરામ સમજૂતીથી હિંસા તો રોકાઈ ગઈ છે. પણ હજુ સુધી દેશના કેટલાય વિવાદિત મામલાઓ અને ટિગ્રેના ભવિષ્ય સંબંધિત વિવાદોનો ઉકેલ બાકી છે. મને લાગે છે કે ઇથિયોપિયાની ઑર્થોડૉક્સ ચર્ચ વચ્ચે વિભાજનનો અસર પણ દેશની અસ્થિરતા પર પડી છે.''
ઇથિયોપિયામાં ઑર્થોડૉક્સ ચર્ચ
યુકેના ઑક્સફર્ડ સેન્ટર ફૉર મિશન સ્ટડીઝના એસોસિએટ પ્રોફેસર રાલ્ફ લી કહે છે કે ઇથિયોપિયામાં ઑર્થોડૉક્સ ચર્ચની સ્થાપના ચોથી શતાબ્દીના મધ્યમાં થઈ હતી. એટલે કે યુરોપનું ખ્રિસ્તીકરણ થતા અગાઉ. ત્યારથી લઈને 1974ની કમ્યુનિસ્ટ ક્રાંતિ સમય સુધી તે લગાતાર દેશનો સત્તાવાર ધર્મ રહ્યો હતો.
પણ પ્રશ્ન એ છે કે ઑર્થોડૉક્સ ચર્ચ ખ્રિસ્તી ધર્મની મુખ્ય શાખા કે ઇથિયોપિયાનું મુખ્ય ચર્ચ કેવી રીતે બન્યું?
રાલ્ફ લીએ કહ્યું, ''તે ઇથિયોપિયાનું મુખ્ય ચર્ચ એટલે બન્યું ત્યાં સૌથી પહેલાં તેની સ્થાપના થઈ હતી. આ અગાઉ ઇથિયોપિયામાં કયા ધર્મો હતા તે વિશે આપણી પાસે ખૂબ ઓછી માહિતી છે. ઇસ્લામના ઉદય પહેલાંથી જ ત્યાં તેના મૂળ મજબૂત બની ગયા હતા. ત્યાં મુસલમાન હતા પણ ઑર્થોડૉક્સ ચર્ચ ઘણું પ્રભાવશાળી હતું.''
એટલે કે ઇથિયોપિયાનો સમાવેશ દુનિયાના કેટલાક પ્રથમ ખ્રિસ્તી દેશોમાં થાય છે. ઇસ્લામના ઇતિહાસને જોઈએ તો ઇથિયોપિયામાં ઇસ્લામનો પ્રચાર પણ તેના ઇતિહાસના શરૂઆતનાં વર્ષોમાં થયો હતો.
ઇથિયોપિયાનું બીજું નામ એબીસીનિયા છે અને કુરાનમાં પયગંબર મહોમ્મદે પ્રતાડિત મુસ્લિમોને સલાહ આપી હતી કે તેઓ એબીસીનિયામાં શરણ લે કારણ કે ત્યાં તેઓ સુરક્ષિત રહી શકશે. ઇથિયોપિયામાં જૂડાઇઝમનો પ્રસાર પણ થયો પરંતુ ઇથિયોપિયાને પરિભાષિત કર્યું ખ્રિસ્તી ચર્ચે.
રાલ્ફ લી મુજબ ગત 1,700 વર્ષોમાં ઇથિયોપિયાના સમાજ, રાજકારણ અને સંસ્કૃતિના વિકાસમાં ખ્રિસ્તી ઑર્થોડૉક્સ ચર્ચની ભૂમિકા મુખ્ય રહી છે. દેશનો મુખ્ય ધર્મ હોવાના કારણે તેનો ઘણો પ્રભાવ હતો.
રાલ્ફ લી કહે છે, “13મી શતાબ્દીથી લઈ 1970ના દાયકામાં ઇથિયોપિયાના રાજા હાઇલે સેલાસી સુધી દેશના બધા રાજા પોતાને રાજા સોલોમન અ રાણી શીબાના વંશજ માનતા હતા. એ ધારણા પણ છે કે રાણી શીબાનો જન્મ ઇથિયોપિયામાં થયો હતો. અને રાણી શીબા અને રાજા સોલોમનના પુત્ર આર્ક ઑફ ધ કોવેનન્ટને ઇથિયોપિયા લાવ્યા હતા.''
ખ્રિસ્તી અને યહૂદીઓની ધારણા છે કે'આર્ક ઑફ ધ કોવેનન્ટ', છોકરી અને સોનાથી ભરેલી પેટી છે જેમાં એ તખતી છે, જેના પર ખ્રિસ્તી ધર્મના 10 મૌલિક સિદ્ધાંત લખાયેલા છે. આ ધાર્મિક ચિહ્નને ખ્રિસ્તીઓ અને યહૂદીઓ પવિત્ર માને છે. પણ જ્યાં સુધી બાઇબલમાં ઇથિયોપિયાના ઉલ્લેખની વાત છે, રાલ્ફ કહે છે કે તે બાબતે કેટલીક આશંકાઓ પણ છે.
''ગ્રીક ભાષામાં લખાયેલા ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં ઇથિયોપિયા શબ્દ વિશિષ્ટ ભૌગોલિક દેશનો નિર્દેશ નથી કરતો પણ એ સંકેત આપે છે કે તે ઇજિપ્તના દક્ષિણમાં આવેલી કોઈ જગ્યા છે. પણ તે ઇથિયોપિયાની ઓળખનો મહત્ત્વપૂર્ણ ભાગ જરૂર છે. ઇથિયોપિયામાં ઑર્થોડૉક્સ ખ્રિસ્તીઓ ઉપરાંત અન્ય ધર્મના લોકો પણ કેટલીયે સદીઓથી રહે છે. ખાસ કરીને ત્યાં મુસ્લિમોની આબાદી પણ ઘણી છે. જોકે ત્યાં મુસ્લિમોનું શાસન ક્યારેય નથી રહ્યું.''
ચર્ચ અને વિખેરાયેલો દેશ
અમેરિકા સ્થિત એકૅડેમી અને ઉત્તર પૂર્વ આફ્રિકાના નિષ્ણાત યોહાનસ વોલ્ડેમરિયનનું માનવું છે કે બાઇબલમાં જે ઇથિયોપિયાનો ઉલ્લેખ છે તેનો સંબંધ આધુનિક ઇથિયોપિયા સાથે ઘણો ઓછો છે.
''3,000 વર્ષોના જે સતત સંબંધની વાત કરાય છે હકીકતમાં તે એક મિથક છે. ઇથિયોપિયાના રાજાઓએ આ મિથકનો ઉપયોગ પશ્ચિમી દેશો સાથે સંબંધો મજબૂત બનાવવા કર્યો હતો.''
1974માં અંતિન રાજા હાઇલે સલાસીને સત્તા પરથી હઠાવીને તેમની હત્યા કરી દેવાઈ. આ રીતે સલાસી રાજવંશનો યુગ સમાપ્ત થયો. તે પછી એક માર્ક્સવાદી સરકાર સત્તામાં આવી જેને ડર્ગ કહેવામાં આવતી હતી. તેણે ધર્મને ના પ્રોત્સાહિત કર્યો ના દબાવ્યો.
1991માં ડર્ગને સત્તામાંથી દૂર કરી દેવાઈ. કેટલીક જાતિઓના જૂથનું ગઠબંધન ઇથિયોપિયન પીપલ્સ રેવોલ્યૂશનરી ડેમોક્રેટિક ફ્રંટ એટલે કે ઇપીઆરડીએફ સત્તામાં આવ્યું. આ પછી પરિવર્તનની એક નવી હારમાળા શરૂ થઈ. તેણે એવા જાતીય જૂથોનું સશક્તિકરણ કર્યું જે હંમેશા હાંશિયામાં રહ્યા હતા.
યોહાનસ વોલ્ડેમરિયમ કહે છે, ''ઇપીઆરડીએફે ગઠબંધન કરી ઇથિયોપિયામાં કેટલાક જાતીય અને ક્ષેત્રીય પડકારોની સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો. ઉત્તર ઇથિયોપિયામાં ઑર્થોડૉક્સ ચર્ચ શક્તિશાળી તો હતું પરંતુ એકજૂથ નહોતું. તેમાં પણ જાતીય મતભેદ હતા. આબીના સત્તામાં આવ્યા પછી આ તિરાડ સ્પષ્ટ રીતે સપાટી પર આવી ગઈ.''
આબી અહેમદને એરિટ્રિયા સાથે સીમા વિવાદના યુદ્ધને સમાપ્ત કરવા શાંતિ સમજૂતી કરવા માટે 2019માં નોબેલ પુરસ્કારથી સમ્માનિત કરાયા. દેશમાં રાજકીય નિયંત્રણ દૂર કરવા માટે પણ તેમની પ્રશંસા થઈ. તેમની પાસે ઘણી અપેક્ષાઓ હતી.
ઓરોમો સમુદાયના આબી અહેમદના પિતા મુસ્લિમ હતા અને માતા ખ્રિસ્તી હતા. પણ તેઓ પોતે મુસ્લિમ નહોતા. ઓરોમા સમુદાયની લાંબા સમયથી અવગણના થતી હતી. આબી ના તો પ્રભાવશાળી ઓમ્હારા કે ટિગ્રેયાઈ જાતીય સમુદાયના છે અને ના તો તે ઑર્થોડૉક્સ ખ્રિસ્તી છે. આવામાં તેઓનું સત્તામાં આવવું ઇથિયોપિયાના સમાજ માટે મોટી વાત હતી.
યોહાનસ વોલ્ડેમરિયમ કહે છે, ''ઇથિયોપિયા માટે આ મુશ્કેલ સમય છે. મારા મતે તો ઇથિયોપિયા તૂટતું જઈ રહ્યું છે. ઇપીઆરડીએફ સામે નારાજગી અને વિરોધ પ્રદર્શનોને કારણે 2018માં આબી વડા પ્રધાન બન્યા. ઓરોમિયાના લોકો ઇથિયોપિયામાં બહુસંખ્યક હોવા છતાં વર્ષોથી તેમની અવગણના થાય છે. તેમણે ઓમ્હારા વિસ્તારના લોકો સાથે ગઠબંધન કરી લીધું.''
આ સ્થિતિઓ કારણે 2020માં લડાઈ શરૂ થઈ ગઈ પણ કેન્દ્ર સરકાર અને ટિગ્રે પ્રતિરક્ષા દળ વચ્ચે પ્રિટોરિયામાં સમજૂતી પછી 2022માં યુદ્ધ રોકાઈ ગયું. પણ આ માત્ર એક રાજકીય સમજૂતી હોવાથી આનાથી ચર્ચ વચ્ચેની તિરાડ પૂરાઈ નહીં. ચર્ચ સામે આ સિવાયના પણ પડકારો છે.
નવી સ્થિતિ, નવું વલણ
કેમ્બ્રીજ યૂનિવર્સિટીમાં વર્લ્ડ ક્રિશ્ચિયાનિટીના એસોસિએટ પ્રોફેસર યોર્ગ હાઉસ્ટાઇનનો નત છે કે ઇથિયોપિયામાં ગયા 30 વર્ષોમાં લોકોના ધાર્મિક વલણોમાં પરિવર્તન આવ્યું છે.
''ઇથિયોપિયા હંમેશા ખ્રિસ્તી અને મુસ્લિમ દેશ રહ્યો છે. પરંતુ ખ્રિસ્તી ધર્મમાંથી પણ કેટલાય લોકો ઑર્થોડૉક્સ શાખા છોડી પ્રોટેસ્ટન્ટ શાખા તરફ વળી રહ્યા છ. જેનું એક કારણ એ છ કે પેન્ટેકોસ્ટલરનું જાદુઈ આંદોલન અને તેની વધતી લોકપ્રિયતા.''
કેટલાક અનુમાન મુજબ હવે ઇથિયોપિયામાં ઑર્થોડૉક્સ ખ્રિસ્તીઓની વસતી કૂલ વસતીના 50 ટકા કરતા પણ ઓછી થઈ ગઈ છે. ઇથિયોપિયાની આશરે આઠ ટકા વસતી 25 વર્ષથી ઓછી ઉંમરના લોકોની છે. તો શું આ યુવા વસતીનો ઇથિયોપિયાની એ છબીમાંથી મોહભંગ થઈ ગયો છે? જેનો સંબંધ બાઇબલ સાથે છે અને જેને સંગીતના લોકપ્રિય રાસ્તાફેરિયન કલાકાર બૉબ માર્લેના સંગીત અને રાસ્તાફેરિયન આંદોલનને પ્રેરિત કર્યું હતું.
યોર્ગ ગાઉસ્ટાઇન કહે છે, ''એ મિથક ઘણા સમય પહેલા જ સમાપ્ત થઈ ગયું હતું. અને 1974ની ક્રાંતિ પછી સંપૂર્ણ રીતે ધોવાઈ ગયું. શહેરીકરણ જેવા કેટલાય કારણોને લીધે ઇથિયોપિયાનો યુવા વર્ગ આધુનિક વિચારધારા તરફ આગળ વધી રહ્યો છે. તેમનું વલણ પ્રોટેસ્ટન્ટ પેન્ટેકોસ્ટેલિઝમ તરફ ઢળી રહ્યું છે. કારણ કે પેન્ટેકોસ્ટેલિઝમ વ્યક્તિગત વિકાસ અને આર્થિક સુધારાઓ પર ભાર મૂકે છે.''
પણ એ પણ યાદ રાખવું પડશે કે ઇથિયોપિયામાં ઇસ્લામ એક સૌથી વધારે ઝડપથી આગળ વધી રહેલો ધર્મ બની ગયો છે.
દેશની એક તૃત્યાંશ વસતી પોતાને મુસલમાન માને છે. આબી અહેમદ વિકાસ અને શાંતિની નવી આશા લઈને સત્તમાં આવ્યા હતા પરંતુ જલદી જ તે આશા ધૂંધળી થવા લાગી. તેમની સામે એક પડકાર એ છે કે ઇથિયોપિયા વિશાળ અને પેચીદો દેશ છે.
ત્યાં સોમાલિયા, સુદાન, દક્ષિણ સુદાન અને એરિટ્રિયા જેવા પાડોશીઓ સાથે તેના સંબંધોનું સમીકરણ પણ સરળ નથી.
યોર્ગ હાઉસ્ટાઇન કહે છે કે ઇથિયોપિયામાં કેન્દ્ર અને ક્ષેત્રિય સરકારો વચ્ચે સંઘર્ષનો ઇતિહાસ લાંબો છે. એક બહુધર્મીય, બહુજાતીય અને બહુભાષીય દેશમાં સંસાધનોનું સમાન વિતરણ હંમેશા પડકારરૂપ હોય છે. પણ ઇથિયોપિયાનાં વૈવિધ્યને સાચી દિશામાં લઈ જવું, બધી જાતિ અને સંસ્કૃતિના જૂથોમાં એકતા જાળવી રાખવી એ દેશ સામેનો મોટો પડકાર છે.
તો હવે પાછા ફરીએ મુખ્ય પ્રશ્ન તરફ કે શું ઇથિયોપિયાના લોકો તેમના ઑર્થોડૉક્સ ખ્રિસ્તી ચર્ચમાંથી આસ્થા ગુમાવી રહ્યા છે?
આ ચર્ચના મૂળ ઇથિયોપિયાના ઇતિહાસમાં ઊંડા છે. જો તમે ત્યાં જાવ તો પથ્થરને કાપીને બનાવાયેલા સુંદર ચર્ચ પરનું ઝીણું કોતરણીકામથી પ્રભાવિત થયા વિના નહીં રહો. આમાંથે કેટલાક ચર્ચ યુરોપના ચર્ચથી વધારે જૂનાં છે. લોકો કહે છે કે ત્યાં 1,000 કરતાં વધારે વર્ષોથી ‘આર્ક ઑફ ધ કોવેનન્ટ’ને સુરક્ષિત રાખવામાં આવ્યું છે.
સેંકડો વર્ષોથી લાખો લોકોની આસ્થા ઑર્થોડૉક્સ ચર્ચમાં રહી છે. હવે તેમની સંખ્યા ઘટી રહી છે કારણ કે કેટલાય લોકો ખ્રિસ્તી ધર્મની અન્ય શાખાઓ તરફ વળી રહ્યા છે. પરંતુ ચર્ચની ઘંટડીઓ, અઝાન અને પેન્ટેકોસ્ટલર પ્રાર્થનાના ધ્વનિ ઇથિયોપિયામાં દરેક જગ્યાએ સંભળાય છે.
લોકો માને છે કે ધર્મમાં આસ્થા, તેમને પોતાની જાતને સારી રીતે સમજવામાં અને જીવન જીવવામાં મદદ કરે છે. પરંતુ હવે કેટલાય લોકો એવું નથી માનતા કે ઑર્થોડૉક્સ તેવાહેડો ચર્ચ જ તેનો એક માત્ર રસ્તો છે.