You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભયંકર ગરમીને લીધે જ્યાં બ્રેડ અને દૂધથી મોંઘો બરફ વેચાઈ રહ્યો છે
- લેેખક, પ્રિયા સિપ્પી
- પદ, બીબીસી ન્યૂઝ
હાલ ઉનાળો ચાલી રહ્યો છે અને ગુજરાત, ભારત સહિત આખી દુનિયામાં લોકો ગરમીથી પરેશાન છે.
પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં રેકૉર્ડતોડ ગરમી પડી રહી છે અને સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે આઇસ ક્યૂબ (બરફના ટુકડા) બ્રેડ અને દૂધથી મોંઘા ભાવે વેચાઈ રહ્યા છે.
માલીની રાજધાની બમાકોમાં એક દુકાન બહાર ફાતુમા યાતારાએ કહ્યું, "ગરમી બહુ પડી રહી છે. હું અહીં બરફ લેવા આવી છું."
વીજળીની પણ સમસ્યા છે. વીજકાપ એટલો છે કે લોકોનાં ઘરોમાં ફ્રીઝ પણ ચાલુ થઈ શકતાં નથી.
એવામાં ફાતુમાને ખાવાની ચીજો સાચવી રાખવા માટે અને હીટ વેટ દરમિયાન ઠંડી રાખવા માટે આઇસ ક્યૂબનો સહારો લેવો પડી રહ્યો છે.
બમાકોમાં આ દિવસોમાં ગરમીનો પારો ચડીને 48 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે.
જોકે આવી સ્થિતિમાં આઇસ ક્યૂબ થોડા સમય માટે મદદ કરી શકે છે અને તેના ભાવ ઝડપથી વધી રહ્યા છે, તેનાથી જીવન વધુ મુશ્કેલ જણાઈ રહ્યું છે.
બ્રેડ અને દૂધ કરતાં આઇસ ક્યૂબ મોંઘા થઈ ગયા
ફાતુમા કહે છે, "કેટલીક જગ્યાએ એક થેલી આઇસ ક્યૂબની કિંમત 300થી 500 ફૅન્ક્સ સીએફએ સુધી પહોંચી ગઈ છે. આ બહુ મોંઘું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બમાકોમાં આઈસ ક્યૂબ હવે બ્રેડ કરતાં પણ મોંઘા થઈ ગયા છે, સામાન્ય રીતે બ્રેડની કિંમત 250 ફૅન્ક્સ સીએફએ સુધી રહેતી હતી.
નાના કોનાતે ત્રાઓરે માટે આ ગરમી વધુ એક મોટી સમસ્યા લઈને આવી છે. પહેલાં તેઓ અઠવાડિયામાં લગભગ એક જ વાર જમવાનું બનાવતાં હતાં, પણ હવે તેમને રોજ રસોઈ બનાવવી પડે છે.
તેઓ કહે છે, "ક્યારેક ક્યારેક તો આખો દિવસ વીજળી ગુલ રહે છે. આથી ભોજન ખરાબ થઈ જાય છે અને તમારે તેને ફેંકી દેવું પડે છે."
માલીમાં વીજળીની સમસ્યાની શરૂઆત લગભગ એક વર્ષ પહેલાં શરૂ થઈ હતી.
સરકારી પાવર કંપની પર ગત વર્ષોમાં કરોડો ડૉલરનું દેવું ચડી ગયું છે અને તે માગ પ્રમાણે વીજળી આપવામાં નિષ્ફળ રહી છે.
માલીમાં એક મોટા વર્ગ પાસે જનરેટરની સુવિધા પણ નથી, કેમ કે તેમાં ડીઝલ કે પેટ્રોલ નાખવું પડે, જે લોકોના ગજા બહારની વાત છે.
ગરમીથી 100થી વધુ લોકોનો જીવ ગયો
વીજળી ન હોવાનો લોકો રાતે પંખો પણ ચલાવી શકતા નથી. આથી મજબૂર થઈને લોકોને ઘરોની બહાર સૂવું પડે છે અને તેના કારણે તેમના સ્વાસ્થ્ય પર પણ અસર પડી રહી છે.
બમાકોના બહારના વિસ્તારોમાં સૌમૈલા મૈગા નામના યુવાને કહ્યું, "અમે લોકો ખરેખર પરેશાન છીએ. રાતમાં તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે, જે અસહ્ય છે. ગરમી વધવાને કારણે હું મૂર્છિત થવા લાગુ છું. ખુદને શાંત રાખવા માટે મારે વારેવારે મારા પર પાણી છાંટવું પડે છે."
માર્ચથી માલીના કેટલાક ભાગોમાં તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવા લાગ્યું છે. આ ગરમીથી 100થી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. બાળકો અને વૃદ્ધો પર તેનો ખતરો વધારે છે.
બમાકો યુનિવર્સિટી હૉસ્પિટલના પ્રોફેસર યકૂબા ટોલોબાએ બીબીસીને કહ્યું, "મારે ત્યાં દરરોજ લગભગ 15 લોકો દાખલ થઈ રહ્યા છે. ઘણા દર્દીઓને ડિહાઇડ્રેશન (શરીરમાં પાણીની ઊણપ) થઈ ગયું છે. લોકોને ખાંસી અને શ્વાસ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે."
કેટલાક વિસ્તારોમાં સાવચેતીના પગલારૂપે સ્કૂલો બંધ કરી દેવાઈ છે.
મુસ્લિમ બહુલ માલીમાં રમઝાનના મહિના દરમિયાન લોકોને રોજો ન રાખવાની સલાહ અપાઈ હતી.
પ્રોફેસર ટોલોબા કહે છે, "આવી સ્થિતિને પહોંચી વળવા માટે આપણે વધુ યોજનાઓ બનાવવાની જરૂર છે. કદાચ આવું વારંવાર બને. આ વખતે તો ગરમીથી તોબા પોકારી ગયા છીએ."
ગરમી માટે જળવાયુ પરિવર્તન જવાબદાર?
એવું નથી કે ગરમીને કારણે માલીમાં જ સ્થિતિ ખરાબ છે. પડોશના સેનેગલ, ગિની, બુર્કિના ફાસો, નાઇજીરિયા, નિગેર અને ચાડ જેવા દેશોમાં પણ આવા જ હાલ છે.
વર્લ્ડ વેધર ઍટ્રિબ્યુશનના વૈજ્ઞાનિકો અનુસાર, માનવીય ગતિવિધિઓને કારણે થનારું જળવાયુ પરિવર્તન આ ભીષણ ગરમી માટે જવાબદાર છે.
સંસ્થાના રિપોર્ટમાં કહેવાયું કે જો માણસોએ ફૉસિલ ફ્યૂલ (પેટ્રોલ, ડીઝલ, ગૅસ જેવા જીવાશ્મ ઈંધણ) બાળીને આ ધરતીને ગરમ ન કરી હોત તો માલી બુર્કિના ફાસોના વિસ્તારોનું તાપમાન 1.4થી 1.5 ઓછું હોત.
આવનાર દિવસોમાં બમાકોનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયમથી ઉપર રહેવાનું છે, આથી લોકો આ સ્થિતિમાં પોતાની જાતને ઢાળી રહ્યા છે.
જેવો રાજધાનીમાં સૂર્યાસ્ત શરૂ થાય કે કોનાતે ત્રાઓરે અનેક મોટી ચટાઈ લઈને આંગણા તરફ જાય છે અને તેને જાળવીને પાથરી દે છે.
તેઓ કહે છે, "ગરમીને કારણે અમે બહાર જ રહીએ છીએ. ગરમી વધે તો હું બીમાર પડી જાઉં છું. જીવન એટલું આરામદાયક પણ નથી."