ભારતમાં 2024માં દુષ્કાળ પડશે? સુપર અલ નીનો શી અસર કરશે?

    • લેેખક, શ્રીકાંત બંગાળે
    • પદ, બીબીસી ગુજરાતી માટે

2024ના માર્ચ અને મે મહિના વચ્ચે દુનિયા પર ‘સુપર અલ નીનો’ની અસર વર્તાય તેવી શક્યતા છે.

અમેરિકાની NOA (નેશનલ ઓશનિક ઍન્ડ ઍટમૉસ્ફેરિક ઍડમિનિસ્ટ્રેશન)એ કેટલાક દિવસો અગાઉ આ વિશે ભવિષ્યવાણી કરી છે.

આ અહેવાલમાં આપણે સમજીશું કે સુપર અલ નીનો શું છે અને એ ભારતમાં વરસાદ પર કેવી રીતે અસર કરી શકે છે?

નોહની ભવિષ્યવાણી શું છે?

માર્ચથી મે મહિના સુધીનો સમય ભારતમાં ગરમીની ઋતુ હોય છે. આ સમયે અલ નીનો સૌથી તીવ્ર સ્થિતિમાં પહોંચવાની શક્યતા છે.

એનઓએ દ્વારા અપાયેલા પૂર્વાનુમાન અનુસાર સુપર અલ નીનોની અસર માર્ચથી મે, 2024 દરમિયાન જોવા મળે તેવી શક્યતા છે. ગંભીર અલ નીનોની સ્થિતિની સંભાવના 70થી 75 ટકા વચ્ચે છે.

આ સમયે દરમિયાન ભૂમધ્યરેખાના સમુદ્ર વિસ્તારનું તાપમાન આશરે દોઢ ડિગ્રી સેલ્સિયસ વધારે વધવાની સંભાવના છે.

ત્યાં સુધી કે વૈશ્વિક તાપમાનમાં 2 ટકાના વધારાની શક્યતા પણ 30 ટકા છે.

દુનિયાના કેટલાય દેશોએ 1972-73, 1982-83, 1997-98 અને 2015-16માં આવી સ્થિતિને કારણે મહત્તમ તાપમાન, દુષ્કાળ અને પૂરની આફતોનો સામનો કરેલો છે.

2024માં પણ આવી જ આગાહી કરવામાં આવી છે.

સુપર અલ નીનો શું છે?

સુપર અલ નીનોને સમજતાં પહેલાં અલ નીનો શું છે તે સમજીએ.

અલ નીનો વાયુમંડળની એક સ્થિતિ છે જે પ્રશાંત મહાસાગરમાં પેદા થાય છે.

જ્યારે પ્રશાંત મહાસાગરના પાણીનું તાપમાન સામાન્ય કરતાં વધી જાય તો એ સ્થિતિને અલ નીનો કહેવાય છે.

પ્રશાંત મહાસાગરમાં પાણીનું તાપમાન સામાન્ય રીતે 26થી 27 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હોય છે.

વાયુમંડળની સ્થિતિને કારણે પ્રશાંત મહાસાગરના પાણીનું તાપમાન 32થી 34 ડિગ્રી સુધી જઈ શકે છે. તેને સુપર અલ નીનો તરીકે ઓળખવામાં આવે છે.

અલ નીનો અને ભારતમાં દુષ્કાળ

પ્રશાંત મહાસાગર દુનિયાનો સૌથી મોટો સમુદ્ર છે એટલે ત્યાંની હવાઓની તાકાત, દિશા અને તાપમાન જેવી વસ્તુઓ આખી દુનિયાના જળવાયુ પર અસર પાડી શકે છે.

ભારતમાં જ્યારે પણ દુષ્કાળ પડે છે ત્યારે મોટા ભાગે એ સ્થિતિ સામે આવી છે કે વાતાવરણમાં અલ નીનો સક્રિય હોય છે.

આ વર્ષે મહારાષ્ટ્રમાં દુષ્કાળ છે અને વાતાવરણમાં અલ નીનો સક્રિય છે.

મીડિયા અહેવાલ પ્રમાણે ભારતના વાતાવરણ અને અલ નીનો વચ્ચે સંબંધ છે. 1871 પછી ભારતમાં જેટલાં પણ દુષ્કાળ પડ્યાં તેમાંથી છ અલ નીનો દુષ્કાળ રહ્યાં છે. તેમાં 2002 અને 2009નાં દુષ્કાળ પણ સામેલ છે.

રસપ્રદ વાત એ છે કે અલ નીનોનાં બધાં જ વર્ષોમાં ભારતમાં દુષ્કાળ નથી પડ્યો. જેમ કે 1997-98માં અલ નીનો ખૂબ સક્રિય હોવા છતાં ભારતમાં દુષ્કાળ નહોતો પડ્યો.

સુપર અલ નીનોની અસર ભારતના ચોમાસા પર પડશે?

સુપર અલ નીનોને કારણે ઉત્તર અમેરિકાના દેશોમાં સરેરાશ કરતાં વધારે તાપમાનવાળાં દુષ્કાળની સ્થિતિ સર્જાવાની સંભાવના છે.

તો શું તેની અસર ભારતના ચોમાસા પર પણ જોવા મળશે?

વરિષ્ઠ કૃષિ હવામાન વૈજ્ઞાનિક ડૉ. રામચંદ્ર સાબલે કહે છે, “ભવિષ્યમાં ભયંકર દુષ્કાળ પડવાનો જે ડર ફેલાવાઈ રહ્યો છે તે યોગ્ય નથી, કારણ કે દુષ્કાળ માટે માત્ર અલ નીનો જ એક જવાબદાર પરિબળ નથી. અન્ય એક મહત્ત્વપૂર્ણ પરિબળ જળવાયુ પરિવર્તન પણ છે.”

તેઓ જળવાયુ પરિવર્તનનો અર્થ સમજાવતાં કહે છે, “હવામાં કાર્બન ડાયૉક્સાઇડ અને મિથેન, નાઇટ્રસ ઑક્સાઇડ જેવા વાયુઓના પ્રમાણમાં વધારો. આનાથી પૃથ્વીના વાયુમંડળનું તાપમાન દોઢ ડિગ્રી વધી ગયું છે.”

“વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિને કારણે ત્યાં હવાનું દબાણ ઓછું થઈ જાય છે. પછી અહીંની હવા ત્યાં જતી રહી છે જ્યાં ઓછા દબાણવાળું ક્ષેત્ર હોય છે. વરસાદ પણ ભારે થાય છે અને દુષ્કાળ પણ પડે છે. આ સ્થિતિ જળવાયુ પરિવર્તનને કારણે છે.”

વરિષ્ઠ હવામાન વૈજ્ઞાનિક માણિકરાવ ખુલે કહે છે, “અલ નીનો વિશે અગાઉ કહેવાયું હતું કે તે માર્ચ મહિના સુધી રહેશે. હવે કહેવાઈ રહ્યું છે કે તે જૂન મહિના સુધી રહેશે. આપણા દેશમાં માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં ગરમી રહે છે. જો અલ નીનોની સ્થિતિ રહે તો તાપમાન સરેરાશ કરતાં વધારે વધે તેવી શક્યતા છે. જૂન મહિનામાં આપણે ત્યાં ચોમાસાનું આગમન જો આ ત્રણ મહિનાઓમાં પડેલી ગરમી પર આધાર રાખે છે તો તેનું એક પાસું અલ નીનો હોઈ શકે છે.”

પણ એ ખબર ક્યારે પડશે કે વાતાવરણમાં સુપર અલ નીનો સક્રિય છે આ સવાલના જવાબમાં માણિકરાવ કહે છે, “ભારતના હવામાન વિભાગે ચોમાસા બાબતે પહેલી આગાહી એપ્રિલ મહિનામાં કરશે. પણ અત્યારથી જ તેઓ વાતાવરણ પર નજર રાખી રહ્યા છે. વૈશ્વિક રેકૉર્ડ્ઝ લેવામાં આવી રહ્યા છે અને તેનું વિશ્લેષણ કરાય છે. એટલે આપણને એ વિષયમાં ઘણી માહિતી મળી જશે કે એપ્રિલમાં સુપર અલ નીનો સક્રિય છે કે નહીં.”

તો અલ નીનો, સુપર અલ નીનો અને જળવાયુ પરિવર્તનની આગામી અસરોનો ખ્યાલ પણ આવનારા સમય સાથે જ સ્પષ્ટ થશે.