You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં આવનારાં વર્ષોમાં ઠંડી પડવાની બંધ થઈ જશે?
- લેેખક, રુચિતા પુરબિયા
- પદ, બીબીસી ગુજરાતી માટે
વર્ષ 2023નો ઉનાળો દુનિયાભરમાં અત્યાર સુધીનો સૌથી ગરમ ઉનાળો રહ્યો છે. ગુજરાતમાં પણ આપણે ગરમીના દિવસોમાં વધારો થઈ રહ્યો છે. શિયાળામાં પણ ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થાય છે અને ઠંડી ઘટતી જતી હોય એવી સ્થિતિ દેખાઈ રહી છે.
સામાન્ય રીતે ગુજરાતમાં શિયાળાની ઠંડીની શરૂઆત ડિસેમ્બર મહિનાથી થતી હોય છે, પરંતુ વર્ષ 2022ના ડિસેમ્બર મહિનામાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સરેરાશ તાપમાન વધારે રહ્યું હતું. ઘણા વિસ્તારોમાં રાત્રી દરમિયાનનું તાપમાન એટલે કે લઘુતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે નહોતું ગયું.
તેથી એ શિયાળાને 'ગરમ શિયાળા' તરીકે ઓળખવામાં આવ્યો હતો. 2023માં પણ આ વલણ અત્યાર સુધી ચાલુ રહ્યું છે.
વિશ્વ હવામાન સંસ્થા (ડબ્લ્યુએમઓ)નું કહેવું છે કે 2023 એ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ બનશે. ભારત હવામાન વિભાગના અહેવાલ મુજબ ભારતમાં છેલ્લાં 122 વર્ષમાં 2023ના ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિના સૌથી વધુ ગરમ રહ્યા હતા.
ભારતીય હવામાન વિભાગ, ભારતીય ટ્રૉપિકલ મિટિયૉરોલૉજી, પુણે અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા ‘હીટ અને કોલ્ડ વેવ્સ’ના આંકડા પ્રકાશિત કરવામાં આવે છે. તે મુજબ ગુજરાતમાં શીત લહેરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
શિયાળાની પૅટર્નમાં આવા ફેરફાર પાછળનું કારણ શું છે?
ભારતના હવામાન વિભાગના અમદાવાદસ્થિત કેન્દ્રનાં હવામાનશાસ્ત્રી મનોરમા મોહંતી અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના કમલજિત રેના એક સંશોધનપત્ર મુજબ રાત્રીના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. શિયાળામાં ઠંડી ઓછી થવાનું એક મુખ્ય કારણ છે ઋતુઓમાં આવી રહેલું પરિવર્તન.
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથોરિટીના જણાવ્યા અનુસાર, "ઝડપી પરિવર્તન, શહેરીકરણ અને ઝડપી ઔદ્યોગિકીકરણ"નાં પરિણામે છેલ્લા દાયકામાં રાજ્યમાં હીટવેવ્સની તીવ્રતા અને આવર્તનમાં વધારો થયો છે.
ગુજરાતમાં બદલાતી જઈ રહેલી શિયાળાની પૅટર્ન અંગે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેઝર્ટ ઇકૉલૉજીના ડાયરેક્ટર ડૉ. વી. વિજયકુમારે બીબીસી ગુજરાતી સાથેની વાતચીત કરી હતી. તેમનું કહેવું છે કે "આખા વર્ષ દરમિયાન હવામાનની પેટર્ન બદલાવાનું કારણ હવામાનમાં આવેલું પરિવર્તન છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જેમ જેમ સમુદ્રની સપાટી વધી રહી છે, તેમ તેમ અરબી સમુદ્રમાં સિસ્ટમોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેને કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે અને તેને લીધે તાપમાનમા વધે છે."
મનોરમા મોહંતી ગુજરાત હવામાન વિભાગનાં નિયામક છે. “શિયાળામાં ગરમ રાતોની સંખ્યામાં વધારો થવા પાછળ અનેક કારણો છે. જેમ જેમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પેટર્ન બદલાઈ રહી છે તેમ તેમ શિયાળામાં ભેજ વધારે હોય એવા દિવસોમાં વધારો થઈ રહ્યો છે. તેથી શિયાળામાં રાત્રિના તાપમાનમાં વધારો થાય છે, પરિણામે શિયાળામાં રાત ગરમ થવા લાગી છે.”
શિયાળામાં તાપમાનમાં વધારાનું ત્રીજું કારણ પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલા અલ નીનો અને તેની ભારત પર પડી રહેલી અસરો પણ છે.
વિશ્વ હવામાન સંસ્થાના અલ નીનો સધર્ન ઓસિલેશન (ઈએનએસઓ)એ જાહેર કરેલી અદ્યતન માહિતી અનુસાર, "પેસિફિક મહાસાગરમાં વિષુવવૃત્ત પર ચાલી રહેલી અલનીનોની ઘટના એપ્રિલ 2024 સુધી ચાલુ રહી શકે છે અને નવેમ્બર અને જાન્યુઆરી વચ્ચે ટોચ પર હોઈ શકે છે."
આનાથી વૈશ્વિક સરેરાશ તાપમાનમાં હજી પણ વધારો થઈ શકે છે અને ગરમ મોજાં, જંગલની આગ અને દુષ્કાળ જેવી આત્યંતિક હવામાનની ઘટનાઓમાં વધારો થઈ શકે છે. ભારત માટે, તેનો અર્થ એ છે કે, મોટાભાગના ભારતમાં સામાન્ય કરતાં વધુ ગરમ શિયાળો અને ઉત્તર-પશ્ચિમ ભારત માટે ચોમાસા પૂર્વેની ઋતુ સામાન્ય કરતાં વધુ તોફાની હોઈ શકે છે.
તેથી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટના અહેવાલમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે 2001 અને 2019 વચ્ચે અરબી સમુદ્ર પર ચક્રવાતની ગતિવિધિની તીવ્રતા અને સંખ્યા વધી છે.
અગાઉના ત્રણ દાયકાઓમાં (1984 અને 2013 વચ્ચે) કચ્છમાં સરેરાશ મોસમી વરસાદ 378 મીમીથી વધીને 674 મીમી થયો છે.
ગુજરાતમાં મહત્તમ ફેરફાર ક્યાં જોવા મળે છે?
આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના વડા ડૉક્ટર મનોજ લુણાગરિયાનું કહેવું છે કે ગુજરાતમાં ગરમ રાતોની સંખ્યા વધી છે, એટલે કે આખા વર્ષમાં 25 ડિગ્રી સેલ્સિયથી વધારે તાપમાન હોય એવી રાતોની સંખ્યા વધી છે અને ઠંડી રાતોની સંખ્યા ઘટી છે. એટલે કે આખા વર્ષમાં 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું તાપમાન હોય રાતોની સંખ્યા ઘટી છે.
ડૉ. લુણાગરિયા જણાવે છે કે, ગ્લોબલ વોર્મિંગ, વરસાદની પૅટર્નમાં બદલાવ અને સમુદ્રનાં લેવલમાં વધારાના લીધે, ગરમાવો વધી રહ્યો છે. તેથી પશ્ચિમ અને દરિયાકાંઠાના વિસ્તારમાં શિયાળામાં પણ ગરમી વધી રહી છે. આ બદલાવથી મધ્ય અને ઉત્તર ગુજરાત બાકાત છે.
હીટ અને કોલ્ડ વેવ્સ અહેવાલમાં ગુજરાતમાં ભુજ, ડીસા, રાજકોટ, અમદાવાદ, વેરાવળ, સુરત અને દ્વારકામાં - 1970 થી 2020 સુધીના ઠંડા દિવસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.
જ્યારે ડીસા, વેરાવળ અને સુરતમાં તાપમાનમાં વધારો થયો છે અને અમદાવાદમાં ગરમીના દિવસોમાં ઘટાડો નોંધાયો છે.
એક સંશોધન પેપર મુજબ, 1969-1978ના દાયકામાં સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં સરેરાશ 103 કોલ્ડ વેવ્સ (શીતલહેર)ના દિવસોની સરખામણીમાં, છેલ્લા એક દાયકા (1999-2008)માં નોંધાયેલી સરેરાશ કોલ્ડ વેવ્સ દિવસ માત્ર 13 હતા. શિયાળાની મોસમ દરમિયાન સામાન્ય સરેરાશ લઘુત્તમ તાપમાન વાર્ષિક સરેરાશ લઘુત્તમ 0.107ºC ના વધારાની સરખામણીમાં 0.3ºC જોવા મળ્યું હતું.
વર્ષના અન્ય મહિનાઓની સરખામણીમાં શિયાળાના મહિનાઓમાં લઘુત્તમ તાપમાનમાં મહત્તમ વધારો જોવા મળ્યો હતો. ત્રીજા ભાગના ગુજરાતના દક્ષિણ ભાગમાં હીટ વેવની સ્થિતિ વધી છે, જ્યારે ઉત્તર ભાગોમાં તેમાં ઘટાડો થયો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનાં સ્ટેશનો પર વધુ વધારો નોંધાયો હતો.
ગુજરાતમાં શિયાળો ગરમ થશે તો કેવી અસર થશે?
ડૉક્ટર લુણાગરિયા કહે છે, " ગરમ શિયાળાની તાત્કાલિક અસર ખેતી પર સૌથી પહેલાં થશે. શિયાળાના મુખ્ય પાકો જેવા કે ઘઉં, જીરું, રાયડો વગેરેને અસર થશે. જો શિયાળામાં તાપમાન નીચું નહીં જાય તો પાકનું જીવનચક્ર ટૂંકું થશે, તેના ઉત્પાદન અને ગુણવતા પર અસર થશે.
આ સિવાય વાદળછાયા વાતાવરણ અને ઝાકળના લીધે પાકમાં રોગ વધશે અને જીવાત માટે અનુકૂળ સ્થિતિ બનશે, જે પાક માટે નુકસાનકારક હશે.
ડૉક્ટર વિજય કુમાર કહે છે કે, “દરેક વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની એક મહત્તમ ક્ષમતા હોય છે. જ્યાં સુધી હવામાનના ફેરફારો તે મહત્તમ ક્ષમતાની મર્યાદાને પાર ન કરે ત્યાં સુધી જીવો હવામાનના ફેરફારોને સહન કરી શકે છે. એકવાર તાપમાન તે મર્યાદા કરતાં વધી જાય પછી છોડ અને પ્રાણીઓમાં હવામાનમાં આવી રહેલી પરિવર્તનની અસર દેખાશે.
ડૉ. મોહંતી કહે છે કે, યાયાવર પક્ષીઓ ઉત્તર ધ્રુવ પરથી ગરમ હવામાનની શોધમાં આવે છે, તેથી તાપમાનમાં નજીવા ફેરફારો યાયાવર પક્ષીઓની ઇકોસિસ્ટમને અસર નહીં કરી શકે.
પરંતુ હાલ શિયાળો વધુ ગરમ નથી રહ્યો. આ વર્ષે મધ્યમ શિયાળો રહેવાની અપેક્ષા છે. તેથી સ્થિતિ વધુ ગંભીર નથી.