"હું જળવાયુ પરિવર્તનને નહોતી માનતી, હવે હું એના વિશે નવી પેઢીને જાગૃત કરું છું"

    • લેેખક, માર્કો સિલ્વા
    • પદ, બીબીસી સંવાદદાતા

વિશ્વભરનાં નેતાઓ દુબઈમાં ચાલી રહેલી COP28 સમીટમાં કલાઇમેટ ચેન્જ વિરુદ્ધ નિર્ણાયક પગલાં લેવાં મામલે સહમતી બનાવવાના પ્રયાસો કરશે. પરંતુ દુનિયામાં ઘણા એવા લોકો છે જે કલાઇમેટ ચેન્જને એક ગંભીર વૈશ્વિક સમસ્યા માનતા નથી. કોણ તેમનો મત બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે?

ઇજિપ્તમાં ઉછરેલાં કલાકાર હોસ્ના હનાફીએ કલાઇમેટ ચેન્જને કયારેય એક સાચી સમસ્યા તરીકે ગણકારી નહી. તેમણે કહ્યું, “મેં કયારેય પણ વિચાર્યુ નહીં કે આ એક વૈશ્વિક સમસ્યા છે જે માણસોનાં વ્યવહાર સાથે પણ સંકળાયેલુ છે.”

વૈજ્ઞાનિકો કહે છે કે જેમ-જેમ પૃથ્વીનું તાપમાન વધતું જશે અને ધ્રુવીય હિમખંડો ઓગળતા જશે તેમ મેડિટેરેનિયન દરિયાકાંઠે આવેલું હનફીનું મૂળ વતન ઍલેકઝાન્ડ્રિયા પણ વધતાં સમુદ્રજળસ્તરનાં ખતરા હેઠળ છે.

હનફીએ જણાવ્યું કે મારી સ્કૂલમાં શિક્ષકો પણ આવી વાતોની મજાક કરતા અને કહેતા કે એવું કયારેય પણ નહીં થાય.

વૈજ્ઞાનિકોએ ઇજિપ્તમાં ઉનાળામાં સતત વધી રહેલી ગરમી અને શિયાળામાં સતત વધતી ઠંડી માટે કલાઇમેટ ચેન્જને જવાબદાર ગણાવે છે. પરંતુ હનફી તેને ઇશ્વર અને કુદરતનું કામ માને છે.

હનફીએ યાદ કરતા કહ્યું કે, “મેં બાળપણમાં કયારેય આ વિશે સવાલો ના કર્યા.” તેમણે ત્યાં સુધી સવાલો ના કર્યા જ્યાં સુધી તેમની પોતાની બહેને હનફીની આ માન્યતાઓને પડકારી અને હનફીને આ વિષયમાં વધુ રિસર્ચ કરવા મજબુર કરી.

હનફી શરૂઆતમાં આ બાબતે શંકાસ્પદ હતાં અને તેમને લાગતું કે વૈજ્ઞાનિકો કલાઇમેટ ચેન્જ બાબતે અતિશયોક્તિ કરી રહ્યા છે. પરંતુ હનફીની પોતાની બહેન સાથેની વાતચીત અને કન્ટેન્ટ પર વધુ માહિતી મેળવ્યા બાદ તેનો મત બદલી ગયો.

“કલાઇમેટ ચેન્જ એક સમસ્યા છે” તેમણે બીબીસીને કહ્યું, “તે મેં જેટલું વિચાર્યું હતું તેના કરતાં ખૂબ જ ગંભીર સમસ્યા છે.”

હનફી હાલમાં એક આર્ટ વર્કશોપ ચલાવે છે જ્યાં બાળકો કલાઇમેટ ચેન્જ વિશે શીખી શકે અને પોતાના પરિવારો સાથે આ સમસ્યા પર વાતચીત શરૂ કરી શકે.

તથ્યો સાથે અસત્યનો સામનો કરવો

લોકોનાં કલાઇમેટ ચેન્જને ન માનવાં પાછળ અલગ-અલગ કારણો છે જેમાં ઓછી વૈજ્ઞાનિક સમજ, સંસ્થાઓ પર અવિશ્વાસ અને વૈચારીક મતભેદો પણ સામેલ છે.

બાંગ્લાદેશના ઢાંકાનો 16 વર્ષીય વિદ્યાર્થી યુધિષ્ઠીરચંદ્ર બિશ્વાસ કહે છે કે, “મારી એક પિતરાઈ બહેન માનતી હતી કે કલાઇમેટ ચેન્જ એ રાજનૈતીક ઉદ્દેશો માટે ફેલાવાતી એક અફવા છે.”

“તેની માન્યતાઓ મોટે ભાગે સોશિયલ મીડીયા અને કેટલાક સમાચારો થકી ફેલાયેલી ખોટી માહીતી દ્વારા પ્રભાવિત છે. ”

બિશ્વાસે તેની માન્યતાઓને બદલવા માટે તેનું ધ્યાન વૈજ્ઞાનિક પુરાવા અને અહેવાલો તરફ દોર્યુ જે દર્શાવે છે કે હવામાનમાં થતાં વિષમ બદલાવો માટે કલાઇમેટ ચેન્જ એક મુખ્ય પરિબળ છે.

પરંતુ જ્યારે બિશ્વાસે તેની સાથે માહીતી શેર કરી જે બતાવે છે કે કેવી રીતે વિષમ હવામાનથી પૂર અને વાવાઝોડાં જેવી ઘટનાઓ બાંગ્લાદેશનાં લોકો પર કેવી રીતે અસર કરે છે. ત્યારબાદ તેણે પોતાનો મત બદલ્યો.

વૈજ્ઞાનિકોના મતે વિષમ હવામાનની ઘટનાઓ જેવી કે પૂર અને વાવાઝોડામાં સતત વધારો જોવા મળ્યો છે અને કલાઇમેટ ચેન્જ તેનું મુખ્ય કારણ છે અને તેની અસર વિશ્વભરમાં વર્તાઈ રહી છે.

મધ્ય આફ્રિકાના દેશ ચાડનાં પર્યાવરણીય એક્ટિવિસ્ટ ડેનેમ્બે જુલિયેને કહ્યું, “શરૂઆતમાં મારો સમુદાય માનતો હતો કે કલાઇમેન્ટ ચેન્જ એ કુદરતી ઘટના છે અથવા તો ઇશ્વરનો પ્રકોપ છે.”

જુલિયેને એક ચાડ તળાવનો એક જુનો અને એક નવો ફોટો શેર કર્યો અને લોકોને આ બન્ને ફોટા વચ્ચેના તફાવતનું અવલોકન કરવા માટે કહ્યું.

યુએનનાં 2018માં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ અનુસાર ચાડ તળાવ છેલ્લા 60 વર્ષમાં 90%થી વધુ સંકોચાઈ ગયુ છે, જેની પાછળ કલાઇમેટ ચેન્જ એક મુખ્ય પરિબળ છે.

જુલિયેને કહ્યું કે આ ફોટાઓ અને પોતાના દેશમાં અનુભવાતા સખત દુકાળનાં ઉદાહરણો થકી સમજાવ્યા બાદ તેના સમુદાયની સમજ કલાઇમેટ ચેન્જ વિશે બદલાવા માંડી છે.

વલણ બદલવામાં 'સમય લાગે છે'

પાકિસ્તાની યુનિવર્સિટીના વિદ્યાર્થી મુર્તઝા હબીબે પણ જેમને કલાઇમેટ ચેન્જ રોજીંદાં જીવનમાં અસર કરતું નથી એવા પોતાના સબંધીઓ સાથે કલાઇમેટ ચેન્જ વિશે વાત કરતા આવા જ અનુભવો થયા.

વૈજ્ઞાનિકોના મત પ્રમાણે માનવ નિર્મિત કલાઇમેટ ચેન્જનાં કારણે પાકિસ્તાનમાં ચોમાસા દરમિયાન અતિવૃષ્ટીની ઘટનાઓ વધી રહી છે, પરંતુ મુર્તઝાના સબંધીઓ આ ઘટનાઓને ભગવાનનું કાર્ય માને છે.

મુર્તઝાના કહેવા પ્રમાણે તેમના સબંધીઓનો કલાઇમેટ ચેન્જ પ્રતિ અભિપ્રાય બદલવા માટે સતત પ્રયાસો, ધીરજ અને ઘણો સમય લાગ્યો. કારણ કે તેમની માન્યતાઓનાં મૂળ ખૂબ ઊંડાં છે અને તેમનો અભિપ્રાય એક જ દિવસમાં નહી બદલાય.

હબીબ દલીલ કરે છે કે લોકોની ચિંતાઓ અને ડરને કુશળતાપૂર્વક સંબોધવા જોઈએ. “તેના માટે સારા શ્રોતા બનવું જરૂરી છે. જયારે તેઓ સવાલ કરે કે તેમને કોઈ શંકા હોય તો તેને આદરપૂર્વક અને ધીરજથી સાંભળવા અને વાતચીતને ફ્રેન્ડલી અને ખુલ્લી રાખવી.” તેમણે કહ્યું.

હબીબે કબૂલ્યું કે તેમના સબંધીઓએ સંપૂર્ણ રીતે તેમની જૂની માન્યતાઓ છોડી નથી. પરંતુ તેમને કલાઇમેટ ચેન્જને કારણે થતા બદલાવ વિશે અવગત કરાવતા તેઓ સસ્ટેનેબલ જીવનશૈલી અપનાવવાનો પ્રચાસ કરે છે – જેમકે હવે ભોજન બનાવવા માટે તેઓ લાકડાની જગ્યાએ રાંધણ ગેસનો ઉપયોગ કરવા લાગ્યા છે.

યુનિવર્સિટી ઑફ રીડિંગનાં ઍપ્લાઇડ બિહેવિયેરલ સાયન્સનાં ઍસોસિયેટ પ્રોફેસર રેચેલ મૅકલોયનું માનવું છે કે, “માત્ર કલાઇમેટ સંબંધી સંદેશાઓ થકી તમે લોકોના અભિપ્રાય બદલી શકો નહીં”

જો કોઈ સામાન્ય સમજ ના હોય તો શું?

જોકે દરેક વ્યક્તિ પોતાના મિત્રો કે સંબંધીઓની કલાઇમેટ ચેન્જ બાબતની શંકાઓને દૂર કરાવવામાં સફળ થતી નથી.

ફઝીલા મુબારક પોતાનો સમય લંડન અને કેન્યાનાં મોમ્બાસામાં ફાળવે છે. મોમ્બાસામાં તે કલાઇમેટ ચેન્જથી અસરગ્રસ્ત મહિલાઓએ અને બાળકો માટે કાર્ય કરી રહી છે.

જ્યારે તેની એક મિત્રએ તેને કહ્યું વાતાવરણ હંમેશાંથી બદલાતું રહ્યું છે અને તેના વિશે આપણે કશું ન કરી શકીએ.

ફઝીલાએ તેનો મત બદલવાનો પ્રયાસ કર્યો અને તેણીને સમજાવ્યું કે અશ્મિભૂત ઈંધણનાં ઉપયોગથી વાતાવરણમાં છોડાતા ગ્રીનહાઉસ ગૅસને લીધે પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે અને તેને લીધે વિષમ હવામાનની પરિસ્થિતિઓ પૃથ્વીનાં અનેક ભાગોમાં વધી રહી છે.

ફઝીલાની મિત્ર તેના તર્કો સાથે સમંત ના થઈ. “બન્ને મિત્રો છે પરંતુ હવે તેઓ કલાઇમેટ ચેન્જ વિશે ચર્ચા કરતાં નથી,” ફઝીલાએ કહ્યું.

એક તરફ વૈશ્વિક સર્વેક્ષણો દર્શાવે છે કે કલાઇમેટ ચેન્જને લોકો એક વૈશ્વિક સમસ્યા માને છે. તેમ છતાં તેની વિરુદ્ઘ કૉન્સ્પિરસી (ક્લાઇમેટ ચેન્જ એક ષડ્યંત્ર હોવાની) થિયરીઓ સતત ઓનલાઇન ફેલાઈ રહી છે અને તેમને ફેલાવનારોના મત બદલવા એટલા સરળ નથી.

પ્લેમાઉથ યુનિવર્સિટીમાં સોશિયોલૉજી વિભાગનાં પ્રોફેસર ઍલિસન એન્ડરસન કહે છે કે, “તે લોકો સાથે વાત કરવામાં અને તેમને મનાવવાનો પ્રયાસ કરવામાં ઘણો સમય પસાર કરવો તે કેટલું ઉપયોગી છે તેના સંદર્ભમાં મર્યાદાઓ છે.”

“જયારે બીજી તરફ લોકોનો એક મોટો સમૂહ એવો છે જેમને કલાઇમેટ ચેન્જ વિશેની શંકાઓ અથવા ખોટી ધારણાઓ છે. પરંતુ તેઓ અલગ વિચારોને સમજવા માટે તૈયાર છે. તે લોકો સાથે વાત કરવી વધુ સાર્થક છે.”