You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બેડરૂમમાં રાક્ષસો હોવાની ત્રણ વર્ષની બાળકીની ફરિયાદની માતાપિતાએ તપાસ કરતાં શું મળ્યું?
- લેેખક, રેચલ લુકેર
- પદ, બીબીસી ન્યૂઝ
ત્રણ વર્ષની બાળકી સેઇલર ક્લોઝ ઘણીવાર તેના માતાપિતાને ફરિયાદ કરતી હતી કે તેના બેડરૂમમાં રાક્ષસો, દૈત્યો છે. બાળકીનાં માતાપિતાએ તેની આ કલ્પનાઓ અને ડર પર વધુ ધ્યાન ન આપ્યું.
પરંતુ ત્યારપછી આ બાળકીના બેડરૂમમાંથી હજારો મધમાખીઓ મળી આવી હતી.
નોર્થ કેરોલિનાના શેરલોટમાં આવેલા એક ફાર્મહાઉસમાં એક સેઇલર ક્લોઝ સતત એવી ફરિયાદો કરી રહી હતી કે તેના બેડરૂમમાં રાક્ષસો છે.
આ બાળકીનાં માતાપિતા સતત તેની ફરિયાદોને અવગણી રહ્યા હતા.
તેમને એવો ભ્રમ હતો કે તેમની દીકરીને ફિલ્મોમાં રાક્ષસો જોવાને કારણે આ પ્રકારનો અનુભવ થઈ ગયો છે.
બાળકીના માતા મૅસિસ ક્લોઝે કહ્યું હતું કે, “અમે તેને પાણીની બોટલ પણ આપી રાખી હતી અને કહ્યું હતું કે આ મૉન્સ્ટર સ્પ્રે છે. જો તેને રાક્ષસ દેખાય તો તેના પર તેને સ્પ્રે કરવા માટે પણ અમે કહ્યું હતું.”
પરંતુ જેમ જેમ મહિનાઓ પસાર થતા ગયા તેમ તેમ એ બાળકી અતિશય ગભરાટ અનુભવવા લાગી. તે સતત કહેતી રહી કે તેનો રૂમ ચેક કરવામાં આવે. તે એવું કહી રહી હતી કે તે જ્યાં કપડાં રાખે છે તે કબાટમાં કંઈક છે.
આખરે માતાપિતાએ તપાસ કરાવી ત્યારે રહસ્ય ખૂલ્યું
જોકે, તેમના સો-વર્ષ જૂના ઘરની બહારથી મધમાખીઓનું ટોળું મળી આવ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારપછી તેમને એવું લાગ્યું કે તેમની દીકરી જે કહી રહી છે તેમાં થોડીઘણી સત્યતા છે. તેમને એવું લાગ્યું કે આ મધમાખીઓનું ટોળું ઊડતું હશે ત્યારે તેના ગણગણવાથી બાળકી ડરી જતી હશે.
ત્યારબાદ તેમણે પેસ્ટ કંટ્રોલ સર્વિસ કંપનીને ફોન કર્યો હતો. આ કંપનીએ એ શોધી કાઢ્યું કે તેમના ઘરની બહાર ઊડી રહેલી મધમાખીઓ એ અમેરિકામાં સંરક્ષિત પ્રજાતિઓમાંથી એક મનાય છે.
મૅસિક ક્લોઝ અને તેમના પતિએ તેમની પુત્રીના બેડરૂમની ઉપરના માળિયામાં ફ્લોરબૉર્ડની આસપાસ આ મધમાખીઓ ઊડતી જોઈ અને તે પછી તેઓ જાણે કે મધમાખી ઉછેર કરી રહ્યા છે તેવું તેમને લાગવા લાગ્યું.
તેમના ઘરની દીવાલોમાં આ મધમાખીઓ છેલ્લા આઠ મહિનાથી અહીં મધપૂડા બનાવી રહી હતી.
ત્યારબાદ તેમણે થર્મલ કૅમેરાથી બાળકનાં બેડરૂમની આ દીવાલનું સ્કૅનિંગ કરાવ્યું હતું. સ્કૅન કરનારા લોકોએ કહ્યું કે તેમણે ક્યારેય દીવાલમાં આટલે ઊંડે સુધી મધપૂડા બનેલા જોયા નથી.
માળિયાના ખૂણામાં રહેલા એક નાનકડા કાણાંથી મધપૂડાની શરૂઆત થતી હતી પરંતુ ત્યાંથી અંદર દીવાલમાં મધપૂડો ખૂબ ઊંડે સુધી ફેલાયેલો હતો. બહારથી એ એટલો મોટો દેખાતો ન હતો. આમ, હવે તેમને ખ્યાલ આવ્યો કે બાળકી ક્યા રાક્ષસની વાત કરી રહી હતી.
મૅસિક ક્લોઝ કહે છે, “જ્યારે આ મધપૂડો બહાર કાઢવામાં આવ્યો ત્યારે એવું લાગતું હતું કે જાણે કે અમે હોરર ફિલ્મ જોઈ રહ્યા હોઈએ. મધમાખી ઉછેર કરનારા લોકોએ 55 હજારથી 65 હજાર જેટલી મધમાખીઓ કાઢી હશે. તેમાંથી અંદાજે 45 કિલો મધ કાઢવામાં આવ્યું હશે.”
આ મધમાખીઓને બહાર કાઢવા માટે ત્રણ વખત રિવર્સ વેક્યુમિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેને દીવાલમાંથી બહાર કાઢીને બૉક્સમાં મૂકવા માટે આ ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા હતા જેથી કરીને તેમને જ્યાં આ પ્રકારની મધમાખીઓ રહે છે ત્યાં સલામતીપૂર્વક છોડી શકાય.
ક્લોઝ કહે છે કે તેમના ઘરના તમામ ઇલેક્ટ્રિક વાયર મધમાખીઓ અને મધને કારણે ખરાબ થઈ ગયા હતા. જો આ પ્રકારે જીવજંતુઓને કારણે ઘર ખરાબ થઈ જાય ત્યારે વીમાના પૈસા પણ મળતા નથી.
મધમાખીઓને કારણે તેમને ભારતીય ચલણ પ્રમાણે અંદાજે 16.68 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.