You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરત : ‘એક દિવસની બાળકીને કોઈ તરછોડી ગયું, તેના આંખ, કાન, નાક બધે કીડીઓ હતી’
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
“તેના મોઢે, નાક, કાન, આંખ બધે કીડીઓ અને જીવજંતુઓ ચોંટેલાં હતાં. આખું મોઢું લાલ હતું. નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. એ તો જાણે દરદથી બેસૂધ થઈ ગઈ હોય એવું લાગી રહ્યું હતું. હુંય દીકરીનો બાપ છું. મારી આંખ સામે આ બાળકીની આવી દશા જોઈને મારું તો હૃદય બેસી ગયું.”
આ વાત કરતાં સુરતના 33 વર્ષીય વિજયભાઈ ભૂવા માંડમાંડ પોતાનાં આંસુ રોકી શક્યા.
સુરતના કતારગામમાં વિજયભાઈને ગત 26 ફેબ્રુઆરીએ માત્ર એક દિવસ પહેલાં જન્મેલી બાળકી કતારગામ બાળાશ્રમના પાછળના ગેટ પાસેથી તરછોડાયેલી અવસ્થામાં મળી આવી હતી.
તેઓ એ દૃશ્ય અંગે વધુ વાત કરતાં કહે છે કે, “મેં જોયું કે મોઢું છોડીને તેને દુપટ્ટા વડે ચારે બાજુથી બાંધેલી હતી. તેના દુપટ્ટા પર પણ ચારે બાજુ કીડીઓ હતી. અમે તેને ખંખેરીને બાળકી પર હઠાવી. અમારી પાસે હતી ત્યાં સુધી એ બાળકી જીવિત હતી. અમે 108ને જાણ કરીને તેનો ઇલાજ માટે મોકલી પણ આપી, પરંતુ બાદમાં કદાચ તેના કાન, નાક, આંખ વગેરેમાં કીડીના ડંખથી થયેલી ઈજાને કારણે તેનું મૃત્યુ નીપજ્યું. અમારા ભાગે આવું દૃશ્ય જોવાનું અને આ ખરાબ સ્થિતિ અનભવવાનું દુર્ભાગ્ય લખાયું હશે.”
પોલીસે આપેલી માહિતી અનુસાર આ બાળકીના સંબંધીઓ મહારાષ્ટ્રથી આવ્યા હતા અને સુરત ખાતે એક દવાખાનામાં બાળકીના જન્મ બાદ તેને તરછોડી દેવાના ઇરાદે કતારગામ બાળાશ્રમ પાસે મૂકી ગયા હતા. આ મામલે કતારગામ પોલીસ દ્વારા એફઆઇઆર નોંધીને બાળકીને તરછોડનારા સંબંધીઓ સહિત પાંચની સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ધરપકડ કરાઈ હતી.
આવા જ અન્ય એક કિસ્સામાં ગત સોમવારે અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે લોકશક્તિ એક્સપ્રેસના એક ડબ્બામાં હૂકથી લટકતી એક બૅગ મળી આવી હતી. જેમાં એક બે-ચાર દિવસની બાળકી જીવિત અવસ્થામાં મળી આવી હતી.
ડબ્બામાં રહેલા અંતિમ મુસાફરની તકેદારીના કારણે બાળકીનો જીવ બચી ગયો.
આ મામલે પણ અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં બાળકીને તરછોડનારા સામે એફઆઇઆર નોંધાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમ, માત્ર ગુજરાતમાં પાછલા સાત દિવસમાં બાળકીઓને જોખમી રીતે તરછોડાવાના બે ગુના નોંધાયા છે. જેમાંથી એકમાં બાળકીનું કંપાવનારું મોત પણ થયું છે.
આ તો માત્ર બે જ કિસ્સા છે, પરંતુ બીબીસી ગુજરાતીએ કરેલી એક માહિતી અધિકારની અરજીના જવાબમાં રાજ્યમાં લગભગ દર અઠવાડિયે બાળકી તરછોડાવાના કિસ્સા નોંધાતા હોવાનું સામે આવ્યું છે.
માહિતી અધિકારની અરજીના જવાબમાં ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટીએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં વર્ષ 2012થી જૂન 2023 સુધીના ગાળામાં કુલ 647 બાળકીઓ તરછોડાયેલી અવસ્થામાં મળી આવી છે.
જો આવી રીતે તરછોડાવાના કારણે થતાં મૃત્યુની વાત કરીએ તો સમગ રાજ્યમાં આ સમયગાળા દરમિયાન કુલ 61 બાળકીઓ કાં તો મૃત અવસ્થામાં મળી આવી અથવા તો તરછોડાવાના કારણે બાદમાં મૃત્યુ પામી છે.
રાજ્યમાં બાળકો તરછોડાવાની આવી ઘટનાઓ પાછળનાં કારણો જાણવા માટે બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો.
શું છે આ વલણનાં કારણો?
પંજાબના જાલંધરમાં અનેક તરછોડાયેલ દીકરીઓનાં મા બની તેમની સંભાળ લેનાર પ્રકાશકોરને વર્ષ 2021માં પદ્મશ્રીથી સન્માનિત કરાયાં છે. તેઓ આ ક્ષેત્રમાં પોતાના કામ માટે માત્ર રાષ્ટ્રીય જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખ્યાત છે.
તેઓ જાલંધર ખાતે યુનિક હોમ નામે સંસ્થા ચલાવે છે. આ સંસ્થા પ્રકાશકોરના નેતૃત્વમાં તરછોડાયેલ બાળકીઓના પાલનપોષણથી માંડીને શિક્ષણ સુધીની જવાબદારી વર્ષોથી ઉઠાવી રહી છે.
પ્રકાશકોર સમાજમાં બાળકીઓને તરછોડી દેવાના આ વલણ અંગે વાત કરતાં કહે છે કે, “મોટી સમસ્યા શિક્ષણની છે. આપણે આપણાં બાળકો માટે જીવનજરૂરી શિક્ષણમાં નીતિલક્ષી શિક્ષણને સ્થાન આપતા નથી. જો બાળકોને શરૂઆતથી જ જાતિગત ભેદભાવથી દૂર રહેવાની સમજ આપવામાં આવે તો તેઓ મોટાં થઈને બાળકીને તરછોડવા જેવું કૃત્ય જ નહીં કરી શકે.”
આ સિવાયનાં કારણો અંગે ધ્યાન દોરતાં તેઓ કહે છે કે, “આપણે સમાજમાં રહેલાં દૂષણો અંગે પણ કામ કરવાની જરૂર છે. બાળકીને ભાર સમજવાની માતાપિતાની માનસિકતામાંથી તેમને બહાર લાવવાની જરૂર છે અને એ માત્ર શિક્ષણથી જ સંભવ છે.”
પ્રકાશકોર બાળકીને તરછોડી દેવાના વલણનાં કારણો અંગે જણાવતાં કહે છે, “આમાં દહેજપ્રથા જેવા કુરિવાજો, માતાપિતામાં શિક્ષણનો અભાવ કે ઓછું શિક્ષણ, સંવદેનશીલતા અને જાગૃતિનો અભાવ, પુત્ર માટેની ઘેલછા અને સૌથી વધુ ગરીબી મોટી ભૂમિકા ભજવે છે.”
ગુજરાતના જાણીતા સમાજશાસ્ત્રી ડૉ. ગૌરાંગ જાની પણ આ વાત સાથે સંમત થતા કહે છે કે, “આપણા સમાજમાં પુત્ર માટેની ઘેલછા અને દીકરી જન્મે ત્યારથી તેનાથી છૂટકારો મેળવવાનું વલણ આ પ્રકારનાં કૃત્યોને અંજામ આપે છે.”
તેઓ સરકારી તંત્ર અને શિક્ષણની રીતો પર સવાલ ઉઠાવતાં કહે છે કે, “આપણે ત્યાં સમાજસુધારાની પ્રવૃત્તિ પર ઘણાં વર્ષોથી જોઈએ એટલું ધ્યાન અપાતું નથી. આના કારણે આ પ્રકારનાં દૂષણો સમાજમાં ટકી રહે છે. આ બાબતને સમસ્યા તરીકે સ્વીકારી તેના માટે સંવેદનશીલતા અને જાગૃતિ વધારવા માટે શિક્ષણની પદ્ધતિમાં થોડો ફેરફાર કરવાની આવશ્યકતા છે. તેમજ જાગૃતિ વધારવા માટે વધુ પ્રયત્નો કરવાની જરૂર છે.
તેઓ આ સમસ્યાનાં અન્ય કારકો અંગે વાત કરતાં કહે છે કે, “આપણે ત્યાં પ્રેમલગ્ન કે લગ્ન વગર માતાપિતા બન્યાના કિસ્સામાં સમાજના તિરસ્કારની બીકે પણ આવી ઘટનાઓ બનતી હોય છે.”
યુનિક હોમ સંસ્થામાં પાછલાં 12 વર્ષથી કામ કરતાં ઘનશ્યામ કહે છે કે, “કોઈ સામાજિક શરમને પરિણામે માતાપિતા કે સંબંધી બાળકીને તરછોડી દે એ તો સમજાય છે, પરંતુ બાળકીને કીડીના ઢગલામાં, કચરામાં કે ટ્રેનમાં બૅગમાં લટકાવીને મૂકી દેવા જેવી ક્રૂરતા સમજની પરે છે.”
બીબીસી ગુજરાતીએ ગુજરાત સરકાર દ્વારા બાળકો તરછોડાવાની ઘટનામાં કરાયેલી કાર્યવાહી અને આ સંદર્ભે કરાતા જાગૃતિલક્ષી અને સંવેદનશીલતા વધારવા માટેના પ્રયાસો અંગે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, હજુ સુધી આ સંદર્ભે કરાયેલા ઇમેઇલનો કોઈ જવાબ મળ્યો નથી.
ગુજરાતમાં તરછોડાયાં 1174 બાળકો
માહિતી અધિકારની અરજીના જવાબમાં ગુજરાત ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટીએ શૅર કરેલા ડેટા અનુસાર વર્ષ 2012થી જૂન 2023 સુધીમાં રાજ્યમાં કુલ 1174 બાળકો તરછોડાયાં હતાં.
જે પૈકી 647 બાળકીઓ અને 527 બાળકો હતાં.
આ સમયગાળા દરમિયાન સૌથી વધુ 110 બાળકીઓ અમદાવાદ જિલ્લામાંથી મળી આવી હતી.
આ સિવાય રાજકોટ, સુરત અને બનાસકાંઠામાંથી અનુક્રમે 68, 64 અને 60 બાળકીઓ તરછોડાયેલી અવસ્થામાં મળી આવી હતી.
ઉપરાંત કુલ તરછોડાયેલ બાળકો પૈકી કુલ 102 બાળકો મૃત્યુ પામ્યાં હતાં. જેમાં 61 બાળકીઓ હતી.