You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઝારખંડ : સ્પેનિશ પર્યટક સાથે ગૅંગરેપ, અત્યાર સુધી ચારની ધરપકડ
- લેેખક, રવિ પ્રકાશ
- પદ, રાંચીથી, બીબીસી હિંદી માટે
ઝારખંડમાં એક સ્પેનિશ પર્યટક સાથે કથિત સામૂહિક બળાત્કારના મામલામાં પોલીસે અત્યાર સુધી ચાર આરોપીની ધરપકડ કરી છે.
ઝારખંડના ડીજીપી અજયકુમારસિંહ જણાવે છે કે, “આ ઘટનામાં સામેલ ચાર આરોપીની ધરપકડ કરી લેવાઈ છે અને અન્ય ત્રણ આરોપીને ઓળખી કઢાયા છે. ટૂંક સમયમાં જ તેમની પણ ધરપકડ કરાશે.”
તેમજ આ મામલાની સંવેદનશીલતાને જોતાં રાજ્યના મુખ્ય મંત્રી ચંપઈ સોરેને સમગ્ર મામલાનો રિપોર્ટ માગ્યો છે. તેમણે કહ્યું છે કે, “જે પણ દોષિત હોય, તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે.”
વિદેશી પર્યટક સાથે સામૂહિક બળાત્કારની આ ઘટનાએ ઝારખંડના પોલીસ પ્રશાસન અને કાયદા વ્યવસ્થાની સ્થિતિને સવાલોના કઠેડામાં લાવી દીધાં છે.
સોશિયલ મીડિયા પોસ્ટથી આપી માહિતી
બ્રાઝીલિયન મૂળનાં સ્પેનિશ યુવતી હિયાના અને તેમના પતિ જૉને (બંનેનાં નામ બદલ્યાં છે) આ વાત 2 માર્ચની સવારે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ સ્ટેટસમાં લખી હતી.
આ એ બંનેનું સંયુક્ત એકાઉન્ટ છે. આ સાથે બંનેએ બે વીડિયો પણ પોસ્ટ કર્યા હતા.
વીડિયોમાં હિયાના અને જૉન પોતાની સાથે થયેલી ઘટનાની જાણકારી આપી છે. સ્પેનિશ ભાષામાં રેકૉર્ડ કરાયેલા આ તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં તેમણે કહ્યું, “અમારી સાથે જે થયું, અમે નથી ઇચ્છતાં કે આવું અન્ય કોઈની સાથે બને. સાત લોકોએ મારો રેપ કર્યો. એ લોકોએ અમારી સાથે મારઝૂડ કરી અને અમને લૂંટી લીધાં. એ લોકોએ બીજું કશું ન કર્યું, કેમ કે એ લોકો મારા પર બળાત્કાર કરવા માગતા હતા. અમે પોલીસ સાથે હૉસ્પિટલમાં છીએ અને અમારી સાથે ઘટના ભારતમાં બની છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વધુ એક વીડિયોમાં જૉન કહે છે કે, “મારો ચહેરો બગડી ચૂક્યો છે. પરંતુ હિયાનાની હાલત મારા કરતાં પણ ખરાબ છે. તેમણે મને હેલમેટથી ઘણી વખત માર્યો. ઈશ્વરનો આભાર કે મેં જાકીટ પહેર્યું હતું. તેથી મને ઓછી ઈજા થઈ.”
આ વીડિયોઝમાં બંનેના ચહેરા પર ઘણી જગ્યાએ ઈજાનાં નિશાન જોવા મળી રહ્યાં છે. આ વીડિયો હૉસ્પિટલમાં રેકૉર્ડ કરાયો છે.
તે બાદ હિયાનાએ પોતાના વ્યક્તિગત ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર એક સ્ટેટસ મૂકીને જણાવ્યું કે પોલીસ તેમને મામલાની જાણકારી પોસ્ટ કરવાની ના પાડી રહી છે, કારણ કે આનાથી તપાસમાં મુશ્કેલી પડી શકે છે.
સ્પેનનાં નાગરિક
જૉન અને હિયાના સ્પેનિશ પર્યટક છે. જૉન સ્પેનમાં સમુદ્ર કાંઠે વસેલા ગ્રેનેડા શહેરના રહેવાસી છે. જ્યારે હિયાના મૂળ બ્રાઝીલનાં છે, પરંતુ તેમણે સ્પેનનું નાગરિકત્વ લીધું છે. આ બંને પાસે સ્પેનના પાસપૉર્ટ છે.
તેમના સોશિયલ મીડિયા પ્રોફાઇલ અનુસાર મોટરસાઇકલથી વિશ્વભ્રમણ પર નીકળેલાં આ પતિ-પત્ની ગત પાંચ વર્ષ દરમિયાન પોતાની મોટરસાઇકલ વડે 66 દેશોમાં મુસાફરી કરી ચૂક્યાં છે અને એક લાખ 70 હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડી ચૂક્યાં છે.
ભારત બાદ તેઓ નેપાળ થઈને ઑસ્ટ્રેલિયા જવાનાં હતાં. તેઓ બંને પોતપોતાની મોટરસાઇકલનો ઉપયોગ કરીને મુસાફરી કરે છે.
પોતાની મુસાફરી દરમિયાન જૉન અને હિયાના ઈરાન, ઇરાક, તુર્કી, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, સાઉદી અરેબિયા, ઈટાલી, જ્યોર્જિયા અને અફઘાનિસ્તાનથી થઈને પસાર થયાં છે.
આ દંપતી પાછલા છ માસથી ભારતમાં હતાં. ઝારખંડ આવતા પહેલાં તેઓ દક્ષિણ ભારત, કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળનાં જુદાં જુદાં પર્યટનસ્થળોની મુસાફરી ખેડી ચૂક્યાં હતાં.
સોશિયલ મીડિયા પર તેમના લાખો ફૉલોઅર્સ છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સિવાય યૂટ્યૂબ પર પણ તેમની હાજરી છે.
ઝારખંડમાં શું થયું?
હિયાના અને જૉન પોતપોતાની અલગઅલગ મોટરસાઇકલથી ઝારખંડ થઈને ભાગલપુર તરફ જઈ રહ્યાં હતાં. તેમની યોજના બિહાર થઈને નેપાળ જવાની હતી. તેઓ બંને પર્યટક વિઝા પર ભારત ફરવાં નીકળ્યાં હતાં.
એક માર્ચની રાત્રે દુમકા જિલ્લાના નાના ગામ કુરમાહાટ (કુંજી)માં રસ્તાથી થોડે દૂર એક જગ્યાએ તંબુ તાણીને સૂઈ ગયાં હતાં.
એ સમયે કેટલાક છોકરા ત્યાં પહોંચ્યા. તેમણે પોતાના અન્ય સાથીઓને બોલાવ્યા. એ લોકો તંબુમાં ઘૂસી ગયા અને તેમણે હિયાનાને પોતાના કબજામાં લઈ લીધાં.
આ દરમિયાન હિયાના અને જૉન સાથે મારઝૂડ થઈ. હિયાના સાથે કથિતપણે બળાત્કાર કરનારા લોકો ત્યાંથી ફરાર થઈ ગયા. આ દરમિયાન તેમને લૂંટી પણ લેવાયાં.
આ ઘટનાથી અત્યંત ગભરાઈ ગયેલાં જૉન અને હિયાના પોતાનો સામાન લઈને રસ્તા પર આવી ગયાં. પેટ્રોલિંગ કરી રહેલા હંસડીહા પોલીસ સ્ટેશનના કર્મીઓને રાત્રે સાડા દસ વાગ્યે બંને ખરાબ હાલતમાં મળી આવતાં પૂછપરછ કરી. જ્યારે પોલીસ તેમને લઈને સરૈયાહાટ હૉસ્પિટલ પહોંચી ત્યારે તેમણે હિયાના સાથે સામૂહિક બળાત્કાર અને લૂંટની ઘટના બની હોવાની સંપૂર્ણ જાણકારી મળી.
સંવાદમાં પડી મુશ્કેલી
દુમકાના એસપી પીતાંબરસિંહ ખેરવારે બીબીસીને જણાવ્યું કે હંસડીહા પોલીસ તેમની હાલત જોઈને સમજી ગઈ હતી કે તેમની સાથે કંઈક ખોટું બન્યું છે.
પરંતુ ભાષાની મુશ્કેલીને કારણે તેમનો સીધો સંવાદ ન થઈ શક્યો.
એસપી પીતાંબરસિંહ ખેરવારે બીબીસીને કહ્યું કે, “તેઓ માત્ર સ્પેનિશ બોલી રહ્યાં હતાં. તેમની અંગ્રેજી પણ એટલી સારી નહોતી. પોલીસકર્મી તેમની સાથે હિંદીમાં વાત કરી રહ્યા હતા. તેથી શરૂઆતમાં તો તેમની સાથે શું બન્યું છે એ ખબર જ ન પડી.”
“હૉસ્પિટલ પહોંચ્યા બાદ ગૂગલ ટ્રાન્સલેટરની મદદથી તેમણે પોલીસને તમામ જાણકારી આપી. તેમણે ગુનેગારો અંગે માહિતી આપી. અડધી રાત્રે મને આખી ઘટનાની જાણકારી મળતાં હું ઘટનાસ્થળે પહોંચ્યો. પોલીસે રાત્રે જ કેટલાક આરોપીઓને પકડી પાડ્યા. પૂછપરછ દરમિયાન તેમણે આ ઘટનામાં પોતાની સામેલગીરી હોવાની વાત સ્વીકારી લીધી અને પોતાના બીજા સાથીઓનાં નામ પણ આપી દીધાં. અમે અન્યોને પકડવા માટેનું ઑપરેશન ચલાવી રહ્યા છીએ. આ કામમાં અમારી ઘણી ટીમો લાગેલી છે.”
તેમણે કહ્યું, “અમે જલદી જ તમામ આરોપીઓની ધરપકડ કરી લઈશું. આ મામલો વિદેશીઓ સાથે સંકળાયેલો છે. તેથી અમે તપાસ દરમિયાન આંતરરાષ્ટ્રીય પ્રોટોકૉલનુંય પાલન કરી રહ્યા છીએ. પીડિતાની મેડિકલ તપાસ કરાઈ છે. તેમને દુમકા લાવીને કડક સુરક્ષામાં રખાયાં છે, જેથી આગળની કાર્યવાહી પૂરી કરી શકાય.”
તેમણે એ વાતની પણ માહિતી આપી છે કે સ્પેનિશ પર્યટકોનું નિવેદન કોર્ટમાં સીઆરપીસીની કલમ 164 અંતર્ગત નોંધી લીધું છે. એસપી પ્રમાણે સ્થાનિક પોલીસ પાસે વિદેશી પર્યટકોની દુમકા આવવાની અને કૅમ્પ કરવાની કોઈ જાણકારી નહોતી.
વિધાનસભામાં ઊઠ્યો મુદ્દો
ભાજપના ધારાસભ્ય અમિત મંડલે ઝારખંડ વિધાનસભામાં આ મામલો ઉઠાવ્યો અને આ અંગે પોલીસ કાર્યવાહીની માગ કરી.
ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને ભાજપના પ્રદેશાધ્યક્ષ બાબુલાલ મરાંડીએ પણ આ ઘટનાની નિંદા કરતાં રાજ્ય સરકાર પર સવાલ ઉઠાવ્યા.
તેમણે કહ્યું કે, “ઝારખંડમાં ગુનેગારોનું મનોબળ વધેલું છે. આ ઘટનાથી દેશની છબિ ખરાબ થઈ છે અને આ માટે ઝારખંડ સરકાર જવાબદાર છે.”
કૉંગ્રેસ ધારાસભ્ય દીપિકા પાંડેય સિંહે આને શરમજનક ઘટના ગણાવી છે.
તેમણે કહ્યું કે, “પોલીસ વિશ્વાસ અપાવ્યો છે કે અન્ય આરોપીઓને જલદી જ પકડી લેવાશે. અમે સીએમ સામે માગ કરી છે કે આરોપીઓને સજા અપાવવા માટે ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં મામલાની સુનાવણી કરાય.”
દૂતાવાસને જાણકારી
સ્પેનિશ નાગરિકો સાથે થયેલી આ ઘટનાની જાણકારી મળ્યા બાદ ભારતમાં સ્પેનના દૂતાવાસના અધિકારીઓએ ઝારખંડમાં અધિકારીઓ સાથે વાત કરી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે દૂતાવાસના એક અધિકારી દુમકા જઈને સર્વાઇવર સાથે મુલાકાત કરશે અને સંપૂર્ણ મામલાની જાણકારી મેળવશે.
ઝારખંડમાં દરરોજ ચારથી વધુ મહિલાના બળાત્કાર
ઝારખંડમાં મહિલાઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
ઝારખંડ પોલીસની વેબસાઇટ પ્રમાણે રાજ્યમાં દરરોજ સરેરાશ ચાર કરતાં વધુ મહિલા સાથે બળાત્કારની ઘટના બને છે.
ગત નવ વર્ષ દરમિયાન ઝારખંડમાં બળાત્કારની કુલ 13,533 ઘટનાઓ નોંધાઈ છે. આ મામલામાં આરોપીઓને સજા મળી હોવાના મામલા પણ સંતોષજનક નથી.
ઝારખંડ પોલીસના આંકડા પ્રમાણે વર્ષ 2015થી વર્ષ 2023 દરમિયાન રાજ્યમાં બળાત્કાર અને સામૂહિક બળાત્કારની કુલ 13,533 ઘટનાઓ નોંધાઈ છે.