ગીર સોમનાથ: સરકારી નોકરી અપાવવાના નામે '99 લાખ રૂપિયા' ઠગવાના આરોપી કેવી રીતે ઝડપાયા?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી માટે

"અમે અભણ લોકો છીએ. અમને કંઈ ખબર પડી નહીં અને ચીટિંગ થઈ ગયું."

આ શબ્દો ફરિયાદી કાનજીભાઈ વાળાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યા. તેઓ ગીર સોમનાથ જિલ્લાના તલાલાના તાલુકાના મોરુકા ગામના વતની છે.

કાનજીભાઈ વાળાની ફરિયાદના આધારે જ નોકરીવાંચ્છુ યુવક યુવતીઓના વાલીઓને કથિત રીતે 99 લાખનો ચૂનો ચોપડનારા ત્રણ આરોપીઓ હાલ જેલમાં ધકેલાયા છે.

જોકે તેમણે આગળ કહ્યું કે, "અમે કંટાળી ગયા છીએ. આ અંગે તપાસ ચાલી રહી છે. આ અંગે વધુ કોઈ વાત કરવી નથી."

ત્રણ આરોપીઓ સામે તારીખ 1 જાન્યુઆરી 2024ના રોજ ગીર સોમનાથ અને જૂનાગઢ સહિત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં નોકરીવાંચ્છુ યુવક યુવતીઓને સરકારી નોકરી અપાવવાના નામે છેતરપિંડી કરીને લાખો રૂપિયા પડાવવાનો આરોપ છે.

આ ત્રણ આરોપીઓએ ગીર સોમનાથ અને અન્ય જિલ્લામાં રહેતા લોકોને સરકારી નોકરી અપાવી દેવાના વાયદા કરીને ખોટા નિમણૂક પત્રો આપી લાખો રૂપિયાની છેતરપિંડી કર્યા હોવાની માહિતી ગીર સોમનાથ જિલ્લાના પોલીસને ધ્યાને આવી હતી.

પોલીસે આ સંબધમાં કાર્યવાહી કરીને આ કથિત કૌભાંડનો ભોગ બનેલા પીડિતોને શોધવાની કવાયત હાથ ધરી હતી. તપાસમાં કાનજીભાઈ વાળા સાથે પણ છેતરપિંડી થયા હોવાનું સામે આવ્યું હતું.

પોલીસ આ કેસમાં ત્રણ આરોપીઓ સામે આઈપીસીની કલમ 419, 420, 465, 467, 468, 471 અને 114 મુજબ પોલીસ ફરિયાદ નોંધી હતી.

આ સમગ્ર કેસમાં પોલીસે 35 વર્ષીય જેઠા ઉર્ફે સુભાષ ચુડાસમા, 55 વર્ષીય હસમુખ ચૌહાણ અને 45 વર્ષના પિન્ટુ ઉર્ફ નીલકંઠકુમાર જ્યંતિલાલ પટેલની ધરપકડ કરી હતી.

શું છે નોકરીના નિમણૂક પત્ર આપવાનું સમગ્ર કૌભાંડ ?

પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લા એક દાયકામાં સરકારી નોકરી આપવાના નામે નોકરીવાંચ્છુ યુવાનો કે તેમના વાલીઓ સાથે છેતરપિંડીના કિસ્સામાં નોંધાયેલી ફરિયાદોમાં કે પછી પેપર લીક થવાની ઘટનાઓમાં મોટાભાગે આરોપીઓ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી એકૅડેમી સાથે જોડાયેલા હોય છે તેવું બહાર આવતું હોય છે.

આ કિસ્સામાં પણ એવું ધ્યાને આવ્યું હતું કે, આરોપી સુભાષ ચુડાસમા પણ જ્યોતિબા ફુલે એકૅડેમીના નામે યુવક યુવતીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા હતા.

પોલીસે નોંધેલી ફરિયાદ મુજબ, ફરિયાદી કાનજીભાઈ વાળાના એક સગા ઘટિયા પ્રાંચી ગામ ખાતે આવેલી જ્યોતિબા ફુલે નામની એકૅડેમીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે જતા હતા. કાનજીભાઈ પણ દોઢ વર્ષ પહેલાં પોતાનાં સંતાનોને નોકરી મળે તેની પૂછપરછ માટે અહીં ગયા હતા. જ્યાં આરોપી સુભાષ ચુડાસમાએ પોતે આરોગ્ય ખાતામાં નોકરી કરતો હોવાની અને પોતે જ્યોતિબા ફુલે એકૅડેમીનો પ્રમુખ હોવાની માહિતી આપી હતી.

આ ઉપરાંત ફરિયાદમાં મુજબ 'આરોપીએ ફરિયાદીની પુત્રીને સરકારી નોકરી અપાવી દેવાની વાત કરી હતી સાથે આરોપીએ પોતાના મોબાઇલ ફોનમાં પોલીસની દોડમાં નાપાસ થયેલી યુવતીને પાસ થયાનો સિક્કાવાળો લેટર બતાવીને વિશ્વાસમાં લીધા હતા.'

'પ્રથમ છ લાખ રૂપિયાની માગણી કરી હતી જેમાં ત્રણ લાખ રૂપિયા નક્કી કર્યા હતા પછી એક લાખ રૂપિયા ફરિયાદી પાસેથી તાત્કાલિક લીધા હતા પછી ફરિયાદીના સગા સંબધીઓના અન્ય પાંચ-છ યુવક યુવતીઓ પાસેથી કુલ સાત લાખ રૂપિયા મેળવ્યા હતા.'

ફરિયાદ અનુસાર 'તા.21 માર્ચ 2023ના દિવસે ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમામને ગાંધીનગર ખાતે આવેલા ડૉ. જીવરાજ મહેતા ભવનના કર્મયોગી ભવન ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં "સચિવાલય કારકૂન/સચિવાલય ઑફિસ આસિ. સર્વગ 3"ની ભરતીનો લેટર આપ્યો હતો.'

'બાદમાં જૂનાગઢ કલેકટર ઑફિસ મહેસૂલ વિભાગનો નિમણૂક પત્ર આપી જૂનાગઢ જિલ્લા કલેકટર ઑફિસ ખાતે તમામને લઈ ગયા હતા.'

પોલીસે નોંધેલી ફરિયાદ અનુસાર, આરોપી સુભાષ ચુડાસમાએ આરોપી હસમુખ ચૌહાણને નિમણૂક પત્રો આપવાનું કહી ત્યાં તમામ યુવાનોને ઊભા રાખ્યા હતા અને પછી બંને કલેકટરના બંગલે તેમને મળવા જવાનું કહી ત્યાંથી જતા રહ્યા હતા. કાનજીભાઈ વાળાએ જ્યારે આરોપીઓને ફોન કર્યો તો બહાના બતાવવા લાગ્યા હતા.'

પોલીસ તપાસમાં આ આરોપીઓની કથિત મોડસ ઑપરેન્ડી સામે આવી હતી જેમાં આરોપી સુભાષ ચુડાસમા વાલીઓ પાસે તેમનાં સંતાનોને નોકરી અપાવવા માટે વિશ્વાસમાં લેતા હતા પછી તેમને મોબાઇલમાં ખોટા કૉલ લેટર દેખાડતા હતા અને પછી વાલીઓને ગાંધીનગર ખાતે ધક્કા ખવડાવી ખોટા નિમણૂૂક પત્રો આપીને રૂપિયા પડાવતા હતા.'

પોલીસની તપાસ અનુસાર હસમુખ નોકરીવાંચ્છુ યુવાનોને શોધી લાવતા હતા. પરીક્ષા આપ્યા વિના તેમનું સિલેક્શન એસસી કૅટેગરી ક્વોટામાં સરકારી નોકરી અપાવવા માટેની લાલચ આપીને પૈસા પડાવતા હતા. આરોપી પિન્ટુ પટેલ ગાંધીનગર સચિવાલય ખાતે નોકરી કરતા હોવાનું કહીને યુવક યુવતીઓના વાલીઓને ખોટા નિમણૂક પત્રો આપતા હતા.

'મુખ્ય મંત્રીની ભલામણના પત્ર આપીને કરી છેતરપિંડી'

પોલીસ તપાસમાં બહાર આવેલી માહિતી મુજબ, સુભાષ ચુડાસમાએ નોકરીવાંચ્છુ યુવાનોના વાલીઓને લાલચ આપી કે શિડ્યુલ કાસ્ટનાં યુવાનો માટે રિઝર્વ ક્વોટામાં 20 ટકા સીટો મુખ્ય મંત્રીના ભલામણ પત્રથી ભરવામાં આવે છે, જે ડાયરેક્ટ ભરતી હોય છે. જે માટે તેમણે છ લાખ રૂપિયા માગ્યા હતા પરંતુ ચર્ચાના અંતે ત્રણ લાખમાં એક ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે પૈસા આપ્યા બાદ સુભાષ ચુડાસમા પીડિતોને ત્રણ વાર ડૉક્યુમેન્ટ વેરિફિકેશનના નામે ગાંધીનગર લઈ ગયા હતા. જ્યાં તેમણે ડૉક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા હોવા અંગે એક લેટર તેમજ મુખ્ય મંત્રીની ભલામણવાળો એક પત્ર પણ આપ્યો હતો. પીડિતોને જૂનાગઢ કલેકટર ઑફિસના ક્લાર્કના ઑર્ડર આપવામાં આવ્યા હતા. આ ઑર્ડર લીધા બાદ સુભાષ ચુડાસમા પીડિતોની એચ.પી ચૌહાણ (નિવૃત્ત આર્મીમેન)ના ઘરે જૂનાગઢ લઈ ગયા હતા. જ્યાં પીડિતોને પાસેથી તેમના ભલામણપત્ર અગાઉ આપેલા ઑર્ડર તેમજ પાંચ કોરા કાગળમાં સહી કરાવી હતી અને બીજા પાંચ સ્ટૅમ્પવાળા કોરા કાગળમાં સહી કરાવી હતી ત્યારબાદ પીડિતોને રસ્તા પર કોઈ જગ્યાએ ઉપર બેસાડી સુભાષ અને હસમુખ ચૌહાણ કલેકટરને મળવાનું કહી ત્યાંથી નીકળ્યા હતા.

ફરિયાદીએ દાવો કર્યો કે તેઓ કલાકો સુધી પરત ન આવતા હોય તેમને ફોન લગાવવાનું શરૂ કર્યું હતું પરંતુ તેમના મોબાઇલ પણ બંધ થઈ ગયા હતા.

ફરિયાદી કાનજી વાળાનો દાવો છે કે ત્યારબાદથી તેઓ આરોપીઓને શોધતા હતા. લગભગ 6 મહિના બાદ તેમણે તા.31 ડિસેમ્બર 2023 ના રોજ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જૂનાગઢમાં રહેતા નિવૃત્ત આર્મીમૅન એચ. પી. ચૌહાણ પૈસાનું કલેક્શન કરતા હતા.

પોલીસ પિન્ટુ પટેલની ગાંધીનગર સચિવાલયમાં કરાર આધારિત નોકરી કરવાના દાવાની તપાસ કરી રહી છે.

પોલીસ તરફથી માહિતી મળતી અનુસાર, " આરોપીઓએ અલગ અલગ ઉમેદવારો પાસેથી અત્યાર સુધીમાં 99 લાખ જેટલા પૈસા ભેગા કર્યા છે, જેમાંથી 70 લાખ રૂપિયા તેમણે કડીના પિન્ટુ પટેલને આપ્યા છે. પોલીસ પૂછપરછમાં 70 લાખ અંગે પૂછતા પિન્ટુ પટેલએ આ પૈસા સટ્ટામાં હારી ગયો હોવાનું કહ્યું છે. જોકે, પોલીસ આ અંગેની તપાસ કરી રહી છે."

અત્યાર સુધીની તપાસના આધારે પોલીસનું કહેવું છે કે આ કૌભાંડમાં 90 ટકા લોકો એસસી અને 10 ટકા લોકો ઓબીસી કૅટેગરીના છે. અને આ કૌભાંડની શરૂઆત વર્ષ 2019માં થઈ હતી.

પોલીસનું શું કહેવું છે?

ગીર સોમનાથ જિલ્લાના પોલીસ સુપ્રિટેન્ડન્ટ મનોહરસિંહ જાડેજાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "નકલી ઍપૉઇન્ટમૅન્ટ લેટર કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય લોકોના કોર્ટ દ્વારા 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે."

"આરોપીઓના ઘર અને ઑફિસમાંથી સર્ચ દરમિયાન અમને 30 જેટલા નકલી લેટર સહી સિક્કાવાળા મળ્યા છે. જેમાં બિનસચિવાલય ક્લાર્ક, આર્મીના નાયક એમ અલગ અલગ લેટર મળ્યા છે. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે."

તેમને ઉમેર્યું કે "અમને 22 લોકોનું લિસ્ટ મળ્યું છે, જેને જૂનાગઢ કલેક્ટર ઑફિસમાં બિન સચિવાલય ક્લાર્કનો લેટર મળ્યું છે. જેમાં જૂનાગઢ કલેક્ટરની પણ ડુપ્લિકેટ સહી કરવામાં આવી છે. અમને બીજા લેટર મળ્યા છે જે બૅન્કની નોકરીના છે. આ ઉપરાંત ડિફેન્સમાં બે લોકોની નાયકની પોસ્ટ માટેના ઍપૉઇન્ટમૅન્ટ લેટર મળ્યા છે. આ લેટરમાં પણ આર્મી ઑફિસરની ડપ્લિકેટ સહી કરવામાં આવી છે."

મનોહર સિંહ જાડેજાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે "આ પોલીસ ફરિયાદના બે દિવસ પહેલાં અમને વિગત મળી હતી કે, તાલાલામાં એક પીડિત છે, જેમને જૂનાગઢ કલેક્ટર ઑફિસનો ઍપૉઇન્ટમૅન્ટ લેટર આપેલો છે. આ ઍપૉઇન્ટમૅન્ટ લેટરના આધારે જ્યારે તેઓ હાજર થવા ગયા હતા ત્યારે એમને એવી વિગત મળી હતી કે, આ ઍપૉઇન્ટમૅન્ટ લેટરમાં કોઈ સમસ્યા છે. આ અંગેની વિગત પોલીસને મળ્યા બાદ પોલીસે રાત્રે જ પીડિત પાસેથી વિગતો લીધી હતી."

કેવી રીતે પોલીસ સામે આવ્યું હતું કૌભાંડ?

આ સમગ્ર કૌભાંડની મોડસ ઑપરેન્ડી અંગે વાત કરતા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, "આરોપી સુભાષ ચુડાસમા ડિફેન્સ અને પોલીસની ભરતી અંગેની તૈયારી માટેની એકૅડેમી ચલાવે છે. જે લોકો નાપાસ થાય અથવા જે લોકોને બીજી નોકરીની જરૂર હોય તેમને લલચાવી ઉમેદવારદીઠ પહેલાં ત્રણ લાખ રૂપિયા અને બાકીના હપ્તામાં એમ કુલ પાંચ લાખ રૂપિયા ભેગા કરતો હતો."

મનોહર સિંહ જાડેજાના મતે આ સમગ્ર કૌભાંડનો ભોગ બનેલા મોટાભાગના પીડિતો એસસી કૅટેગરીના ઉમેદવારો અથવા તો ઓબીસી કૅટેગરીના ઉમેદવારોના વાલીઓ છે, મોટાભાગના કિસ્સામાં ઓછું ભણેલા વાલીઓ કે પછી સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા વાલીઓ છે જેથી તેઓ સામે આવીને પોતાની વાત કહેવા તૈયાર નથી.

આ સમગ્ર કેસમાં તમામ વાલીઓને શોધીને તેમનાં નિવેદનો મેળવવાની કવાયત કરવામાં આવી રહી છે સાથે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા સિવાય પણ અન્ય જિલ્લાઓમાં આ પ્રકારે કોઈ આ કૌભાંડનું શિકાર બન્યું છે કે નહીં તેની તપાસ પણ કરવામાં આવી રહી છે.