You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતી બાળકને દત્તક લઈ વીમાની રકમ લેવા તેની હત્યા કરાવનારા NRI દંપતીને 33 વર્ષની જેલ કેવી રીતે થઈ?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
બ્રિટનની નેશનલ ક્રાઈમ એજન્સી અનુસાર, ઑસ્ટ્રેલિયામાં કોકેઇનનો મોટું કન્સાઇનમૅન્ટ મોકલવા બદલ ભારતીય મૂળના દંપતીને 33 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
આ દંપતી ઑસ્ટ્રેલિયામાં આશરે અડધો ટન કોકેઇનની દાણચોરીમાં સામેલ હતા. આરતી ધીરની ઉંમર 59 વર્ષની હતી જ્યારે કંવલજીતસિંહ રાયજાદા 35 વર્ષની છે.
2017માં ભારતે એક બાળકની હત્યાના મામલામાં બ્રિટન પાસે આ દંપતીના પ્રત્યાર્પણની માગ કરી હતી. આરોપ એવો હતો કે દંપતીએ ગુજરાતમાં એક બાળકને દત્તક લીધું હતું અને પછી વીમાની રકમ માટે તેની હત્યા કરી હતી.
પંજાબીઓ ભારતની જનસંખ્યામાં 2 ટકા હિસ્સો ધરાવે છે પરંતુ માદક દ્રવ્યોનાં વ્યસનને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 20 ટકા છે.
ભારતે દંપતીના પ્રત્યાર્પણની માગ કેમ કરી?
2022માં જ્યારે આરતી 55 વર્ષની હતી ત્યારે રાયઝાદા 30 વર્ષનો હતો. તે સમયે 11 વર્ષના ગોપાલ નામના બાળકની વીમાની રકમ માટે હત્યાનો આરોપ તેમના પર લાગ્યો હતો.
ગોપાલ સેજાણીની 2017માં હત્યા કરાઈ હતી.
દંપતીએ ગુજરાતમાં આવી સ્થાનિક સમાચારપત્રમાં જાહેરાત આપી હતી કે તેઓ એક બાળકને દત્તક લેવા ઇચ્છે છે. જેને તે પોતાની સાથે બ્રિટન લઈ જશે અને તેને એક સારું જીવન મળશે.
ગોપાલના પરિવારને મળવા આ દંપતી 2015માં હૅનવેલથી ગુજરાત આવ્યું હતું. ગોપાલ તેની મોટી બહેન અને જીજાજી સાથે રહેતો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાત પોલીસે કહ્યું કે બ્રિટનમાં ધીર અને રાયઝાદાનું પોતાનું કોઈ સંતાન નહોતું. હકીકતમાં બાળક સાથે સંકળાયેલી તેમની યોજના કંઈક અલગ જ હતી.
જૂનાગઢ પોલીસના તત્કાલિન અધિકારી સૌરભસિંહે બીબીસીને જણાવ્યું કે ગોપાલને દત્તક લીધા પછી ધીરે બાળકનો દોઢ લાખ પાઉન્ડનો વીમો ઉતરાવ્યો હતો અને 15,000 પાઉન્ડના બે ઇન્સ્ટોલમૅન્ટ ભરી દીધા.
આ વીમાની રકમ વીમો ઉતરાવ્યાના 10 વર્ષ પછી અથવા બાળકનાં મૃત્યુની સ્થિતિમાં મળે તેમ હતી.
ઔપચારિકતાઓ પૂરી કરી બંને બ્રિટન પાછા જતા રહ્યા પણ વિઝા પ્રક્રિયાને કારણે ગોપાલ ભારતમાં જ રહી ગયો.
આઠ ફેબ્રુઆરી, 2017ના રોજ ગોપાલનું બે બાઇક સવારોએ અપહરણ કરી લીધું અને પછી ચપ્પુના ઘા મારી તેની હત્યા કરી દેવાઈ.
જ્યારે ગોપાલને તેના જીજાજી હરસુખ કરદાનીએ બચાવવાનો પ્રયાસ કર્યો તો તેમના પર પણ હુમલો કરી દેવાયો. એક મહિના પછી બંનેનું મૃત્યુ હૉસ્પિટલમાં જ થઈ ગયું.
ધીર અને રાયઝાદાની ભારત સરકારના આદેશ પર જૂન, 2017માં બ્રિટનમાં ધરપકડ કરાઈ હતી. તેમની સામે ભારતમાં અપહરણ અને હત્યા કરાવવા સહિતના કુલ છ આરોપો હતા.
જોકે બાદમાં બ્રિટિશ ન્યાયાલયે માનવાધિકારના આધારે દંપતીના ભારત પ્રત્યાર્પણ પર રોક લગાવી દીધી.
કોકેઇનની નિકાસ માટે કંપની બનાવી હતી
બ્રિટનની ક્રાઈમ એજન્સીએ કરેલી તપાસમાં જાણવા મળ્યું કે બંને એક શેલ કંપની સાથે જોડાયેલાં હતાં. જેણે મે 2021માં ધાતુના ટૂલ બૉક્સમાં છુપાવીને પ્લેનથી વિદેશમાં ડ્રગ્સ મોકલ્યું હતું. ઑસ્ટ્રેલિયન બોર્ડર સિક્યોરિટી ફોર્સે મે 2021માં આ કન્સાઇન્મૅન્ટ જપ્ત કર્યું હતું.
જ્યારે બ્રિટનથી વેપારી જહાજ મારફતે મોકલવામાં આવેલાં સાધનોનાં છ બૉક્સ ખોલવામાં આવ્યાં ત્યારે તેમાંથી 524 કિલો કોકેઇન મળી આવ્યું હતું.
ઑસ્ટ્રેલિયામાં કોકેઇનની કિંમત બ્રિટન કરતાં ઘણી વધારે છે. બ્રિટનના હોલસેલ માર્કેટમાં એક કિલો કોકેનની કિંમત 26 હજાર પાઉન્ડ છે, જ્યારે ઑસ્ટ્રેલિયામાં તેની કિંમત 11,00,00 પાઉન્ડ છે. રાજધાની સિડનીમાંથી જપ્ત કરાયેલા કોકેઇનની ઑસ્ટ્રેલિયન માર્કેટમાં કિંમત 57 મિલિયન પાઉન્ડ (લગભગ 6 અબજ ભારતીય રૂપિયા) હતી.
તપાસ દરમિયાન આ માલ ધીર અને રાયજાદાનો હોવાનું સાબિત થયું હતું. બંનેએ આ દવાઓની નિકાસ માટે જ આ કંપની બનાવી હતી.
2015માં તેની સ્થાપના પછી તેઓ કંપનીના ડિરેક્ટર રહ્યાં છે.
રાયઝાદાની ફિંગરપ્રિન્ટ એ પ્લાસ્ટિક પર મળી આવ્યા હતા જેમાં બૉક્સ વીંટાળેલા હતાં. જ્યારે દંપતીના ઘરેથી જપ્ત કરાયેલા સામાનની રસીદો મળી આવી હતી.
ઘરેથી શું મળ્યું?
જ્યારે ધીર અને રાયઝાદાની જૂન 2021માં હેનવેલ ખાતેના તેમનાં ઘરેથી ધરપકડ કરાઈ હતી, ત્યારે એક બૉક્સ સેફમાંથી 5,000 પાઉન્ડની કિંમતની ગોલ્ડ પ્લેટેડ ચાંદીની લગડીઓ, 13,000 પાઉન્ડની રોકડ અને અન્ય વસ્તુઓ મળીને કુલ 60,000 યુરોનો સામાન જપ્ત કરાયો હતો.
વધુ તપાસ પછી 2023માં બંનેની ફરી ધરપકડ કરાઈ. આ વખતે આશરે 30 લાખ પાઉન્ડની રોકડ મળી. રાયઝાદાએ આ ઘર તેમના માતાના નામ પર ભાડે લીધું હતું.
તપાસમાં સામે આવ્યું કે રાયઝાદાએ આઠ લાખ પાઉન્ડનું એક ઘર અને 62,000 પાઉન્ડની લૅન્ડરોવર પણ ખરીદી હતી.
ઊંડી તપાસમાં જે લેવડ-દેવડ થઈ હતી તે આવકવેરામાં બતાવાયેલી આવક કરતાં વધારે હતી.
તપાસમાં જાણવા મળ્યું કે દંપતીએ 2019થી 2022 વચ્ચે 18 જેટલાં અલગ અલગ બૅન્ક ખાતામાં આશરે 7.40 લાખ પાઉન્ડ રોકડા જમા કરાવ્યા હતા. આ સાથે જ તેમના પર હવાલાનો પણ આરોપ લાગ્યો હતો.
ધીર અને રાયઝાદાએ આરોપોને નકાર્યા છે. જોકે નેશનલ ક્રાઇમ એજન્સી તેમની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરશે.
એજન્સીના વરિષ્ઠ અધિકારીર પિયરિસ ફિલિપે કહ્યું કે આરતી ધીર અને કંવલજીતસિંહ રાયઝાદાએ બ્રિટનથી ઑસ્ટ્રેલિયા સુધી લાખો પાઉન્ડ કોકેઇન મોકલવા માટે ઍર કાર્ગોની પોતાની પાસે રહેલી અંદરની માહિતીનો ઉપયોગ કર્યો હતો. તેમને ખબર હતી કે આનાથી તેમને ઘણો આર્થિક ફાયદો થશે.
“ગેરકાયદેસરની આવી કમાણીને તેમણે તેમનાં ઘર અને સંપત્તિમાં રોકડરૂપે રાખી, આવકને છુપાવવા કેટલુંક રોકાણ સોના-ચાંદીમાં કર્યું. તેમણે વિચાર્યું હતું કે નશીલા પદાર્થોના વેપારની આગમાંથી તેઓ બચી જશે પણ તેમની વધતી લાલચ તેમને આ વેપારમાં ઊંડે સુધી ખેંચી ગઈ."
ફિલિપે કહ્યું, "એનસીએએ ધીર અને રાયઝાદાએ સ્થાપેલી આખી વ્યવસ્થાને પકડી પાડવા અને ન્યાયના કઠેડા સુધી પહોંચાડવા માટે ઑસ્ટ્રેલિયા અને યુકેના સીમા સુરક્ષા દળમાં અમારા સહયોગીઓએ સાથે મળીને કામ કર્યું હતું."