જૂનાગઢ: દલિત યુવાનને પોલીસ કસ્ટડીમાં 'માર મારતા મોત'નો આરોપ, પોલીસ સામે શું ફરિયાદ નોંધાઈ?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

જૂનાગઢ બી-ડિવિઝન પોલીસે તેના એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સામે હત્યા કરવાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.

તેમની સામે હર્ષિલ જાદવ નામના એક 43 વર્ષીય દલિત વ્યક્તિનું કસ્ટોડિયલ ટોર્ચર કરીને ભયંકર માર મારવાનો આરોપ છે. હર્ષિલ જાદવનું 24મી જાન્યુઆરીએ મૃત્યુ થયું છે.

ઈન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે મુકેશ મકવાણા નામના પોલીસકર્મી સામે ગઈ કાલે 24 જાન્યુઆરીએ સવારે એફઆઈઆર નોંધવામાં આવી હતી.

આ અહેવાલ પ્રમાણે એફઆઈઆર નોંધવામાં આવી ત્યાં સુધી હર્ષિલ જાદવનું મૃત્યુ થયું ન હતું.

શું હતો મામલો?

સુરતના રહેવાસી એવા હર્ષિલ જાદવ એક ટ્રાવેલ કંપની ચલાવતા હતા. તેમની સામે જૂનાગઢના રિક્ષાચાલક એવા હાશિમ સિદા દ્વારા 1.20 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ઈન્ડિયન ઍક્સપ્રેસને ઇન્સ્પેક્ટર ગાયત્રી રાજપૂતે આપેલી માહિતી પ્રમાણે હર્ષિલ જાદવ સામે જૂનાગઢ પોલીસને અંદાજે ચાર મહિના પહેલા ફરિયાદ મળી હતી અને જૂનાગઢ પોલીસે તેમને ઘણી વાર હાજર થવા માટે સમન્સ પાઠવ્યા હતા.

ત્યાર બાદ 9 જાન્યુઆરીએ તેમની અટકાયત કરવામાં આવી હતી અને તેમને 10 તારીખે જૂનાગઢ મૅજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. તેમને 12 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

એફઆઈઆર પ્રમાણે, સબ-ઇન્સ્પેક્ટર મકવાણાએ ત્યાર બાદ હર્ષિલના પરિવારજનોને બોલાવ્યા હતા અને તેમની પાસે પાંચ લાખની લાંચની માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે આ રકમ આપી દેવામાં આવશે તો કેસ હળવો કરી દેવામાં આવશે અને તેને કસ્ટડીમાં માર નહીં મારવામાં આવે. પછી તેણે 3 લાખ આપશો તો પણ ચાલશે તેવું કહ્યું હતું.

મૃતકના ભાઈ બ્રિજેશે કરેલી ફરિયાદ પ્રમાણે પરિવારજનોએ આ રકમ ગજા બહારની હોવાનું જણાવી લાંચ આપવાની ના પાડી હતી. પોલીસે 11 જાન્યુઆરીએ તેના પરિવારજનોને હર્ષિલને મળવા દેવામાં આવ્યા ન હતા.

ત્યાર બાદ પરિવારજનોને અજાણ્યા નંબર મારફત હર્ષિલે ત્રણ ફોન કર્યા હતા અને કહ્યું હતું કે, “જે રકમ માગવામાં આવી છે આપી દેવામાં આવે નહીંતર મને મુશ્કેલી પડશે.”

હર્ષિલ જાદવના ભાઈના જણાવ્યા અનુસાર, 12 જાન્યુઆરીએ તેમને મૅજિસ્ટ્રેટની કોર્ટમાં ફરીથી હાજર કરવામાં આવ્યા ત્યારે તેમને રિક્ષા દ્વારા લાવવામાં આવ્યા હતા અને તેમને માથા પર પાટા બાંધવામાં આવ્યા હતા તથા તેમને ચાલવામાં પણ તકલીફ પડી રહી હતી.

હર્ષિલે કોર્ટમાં કહ્યું હતું કે તેને પોલીસકર્મી મકવાણા દ્વારા લાકડીથી માર મારવામાં આવ્યો છે. ત્યાર બાદ તેમને જજના આદેશથી જૂનાગઢ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને પછી 15મી જાન્યુઆરીએ તેમને જામીન મળ્યા હતા.

અમદાવાદ પરત ફર્યા બાદ તેમણે બંને પગમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને પછી 16મી તારીખે તેમને અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના બંને પગના લિગામેન્ટ ફાટી ગયા હોવાનું નિદાન થયું હતું.

21મી જાન્યુઆરીએ તેઓ તેમના વકીલની ઑફિસે જવા નીકળ્યા હતા ત્યારે તેઓ ઢળી પડ્યા હતા અને ફરીથી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બુધવારે સવારે તેમનું મોત થઈ ગયું હતું.

પરિવારજનોનું શું કહેવું છે?

મૃતકના ભાઈ બ્રિજેશ જાદવે બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, “મારા ભાઈ સામે પહેલેથી જ જૂનાગઢમાં એક ગ્રાહકે ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ 420 અને 406ની કલમ હેઠળ નોંધાઈ હતી.”

તેમણે કહ્યું કે, “મારા ભાઈ હર્ષિલની અમદાવાદના બોડકદેવમાં ઑફિસ હતી. તેમાં એક વ્યક્તિ કામ કરતી હતી. તે ડેટા વગેરેની આપ-લે કરતી. મારા ભાઈએ તેની ઑફિસમાં જ કામ કરતા આ માણસ સામે જ ફરિયાદ નોંધાવી હતી અને નિવેદન આપવાનું બાકી હતું. આ માણસ જૂનાગઢના પેલા ગ્રાહકને પણ ફરિયાદ માટે ઉશ્કેરતો હતો. પછી મારો ભાઈ ઘરે આવ્યો ત્યારે તેણે મને કહ્યું હતું કે આ ઑફિસમાં કામ કરનારો માણસ પોલીસકર્મીને પણ ફોન કરીને સલાહ આપતો હતો. એટલે અમને આ ઑફિસમાં કામ કરતા માણસ પર વધુ શંકા છે.”

તેઓ કહે છે કે, “પોલીસ કસ્ટડીમાં હોવા છતાં મારો ભાઈ ફોન કરતો હતો અને કહેતો હતો કે તમે પોલીસને પૈસા આપી દો નહીંતર મને મારી નાખશે. એ ખૂબ ગભરાયેલો હતો.”

“કોર્ટના પ્રાંગણમાં જ મારો ભાઈ ચાલી શકતો ન હતો છતાં પણ પીએસઆઈ મકવાણાએ તેને લાત મારી હતી અને કહ્યું હતું કે તને માર્યાનો કોઈ અફસોસ નથી.”

“મારા ભાઈએ કહ્યું હતું કે તેને પીઆઈની ચેમ્બરમાં મારવામાં આવ્યો હતો. બીજા પોલીસકર્મી તેના પગ પર બેસી ગયા હતા, તો અન્ય એક કર્મીએ તેને પટ્ટાથી માર માર્યો હતો. પીએસઆઈ મકવાણાએ માથામાં લાકડી ફટકારી હતી અને લોહી નીકળવા છતાં, કરગરવા છતાં તેને લાકડીઓ મારી હતી.”

ડૉક્ટરે પણ કહ્યું હતું કે તેના શરીરમાં અનેક ફ્રૅક્ચર છે અને સર્જરી કરવી પડશે તથા તેને ગંભીર રીતે માર મારવામાં આવ્યો હતો.

તેમણે આરોપ પણ લગાવ્યો છે કે પીએસઆઈ મકવાણાએ તેમની પાસેથી પાંચ લાખની લાંચની માગણી કરી હતી અને પછી ત્રણ લાખ આપશો તો ચાલશે એવું કહ્યું હતું.

પોલીસનું શું કહેવું છે?

બીબીસી સહયોગી પત્રકાર હનીફ ખોખરે આપેલી માહિતી અનુસાર, જૂનાગઢના નાયબ પોલીસ અધીક્ષક હિતેશ ધાંધલિયાએ કહ્યું હતું કે, “જૂનાગઢ પોલીસ સ્ટેશનને અમદાવાદ સિવિલ હૉસ્પિટલ તરફથી મોકલવામાં આવેલી માહિતી અનુસાર એક ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં પીડિતના ભાઈએ નોંધાવેલી ફરિયાદ અનુસાર હર્ષિલ જાદવને અટકાયત દરમિયાન પીએસઆઈ મકવાણા દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ માહિતી હર્ષિલભાઈએ કોર્ટમાં પણ આપી હતી. પરંતુ તેમની તબિયત ગઈ કાલે વધુ બગડી હતી. પીએસઆઈ મકવાણા સામે આઈપીસીની કલમ 307 અને 331 હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.”

તેમણે જણાવ્યું હતું કે કલમ 302 ઉમેરવી કે નહીં તેની તપાસ અને ચર્ચા ચાલુ છે.

ઇન્સ્પેક્ટર ગાયત્રી રાજપૂતના જણાવ્યા પ્રમાણે મુકેશ મકવાણાને મંગળવારે 23 તારીખના રોજ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા પરંતુ તે ફરાર છે.

તેમની સામે કલમ 307 (હત્યા કરવાની કોશિશ) અને કલમ 331 (બળજબરીથી કબૂલાત કરાવવા માટે ગંભીર ઈજા પહોંચાડવી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

મૃતક હર્ષિલ જાદવ પરિણીત છે અને તેમને 14 વર્ષનો દીકરો અને 10 વર્ષની દીકરી છે.