હોટલના રૂમમાં માતા ચાર વર્ષના પુત્રની હત્યા કરીને ભાગતી હતી, એક ભૂલથી કેવી રીતે પકડાઈ?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

નોંધ – આ અહેવાલના અમુક અંશ સંવેદનશીલ વ્યક્તિને વિચલિત કરી શકે છે. વાચકનો વિવેક અપેક્ષિત છે.

'નૈતિક આચરણ અને ઉત્તમ ટેકનિકલ રીતિ વચ્ચે કોઈ વિરોધાભાસ ન હોઈ શકે. બંને એક બીજા સાથે જોડાયેલાં છે. આ બાબત મારા હૃદયની નજીક છે.' પર્સનલ ડેટા પ્રોટેક્શનના મુસદ્દા વિશે જાન્યુઆરી 2021માં યોજાયેલા વર્ચ્યુઅલ સંવાદમાં ચર્ચા કરતી વખતે સૂચના શેઠે આ વાત કહી હતી.

ત્રણ વર્ષ બાદ જાન્યુઆરી 2024માં તેઓ ફરી એક વખત ચર્ચામાં આવ્યાં હતાં. જોકે, આ વખત સૂચનાનાં માતા તરીકેનાં આચરણ ઉપર સવાલ ઊઠી રહ્યા છે.

સૂચના શેઠ ઉપર ગોવામાં તેમના ચાર વર્ષના દીકરાની હત્યા કરી તેને બૅગમાં ભરીને ટૅક્સી મારફત બૅંગ્લુરુ લઈ જવાનો આરોપ છે. ત્રણ લોકોની સતર્કતા અને બે રાજ્યોની પોલીસની સક્રિયતાને કારણે સૂચના બાળકના મૃતદેહ સાથે રંગે હાથે ઝડપાઈ ગયાં હતાં.

તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા ડેટા સાયન્સના ક્ષેત્રમાં સક્રિય હતાં અને બૅંગ્લુરુમાં સ્ટાર્ટઅપ કંપની સ્થાપી હતી. તેઓ આ ક્ષેત્રનાં ટોચના લોકો સાથે જોડાયેલાં હતાં.

કોલકતામાં ગુજરાતીઓ દ્વારા સંચાલિત શૈક્ષણિક સંસ્થામાંથી સૂચના શેઠે અભ્યાસ કર્યો હતો અને તેઓ ગુજરાતીઓની બહુમતીવાળા વિસ્તારમાં રહેતાં. દેશવિદેશમાં અભ્યાસ કરનારાં સૂચના સારી શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ધરાવે છે.

બુધવારે મૃત બાળકની અંતિમક્રિયાની તજવીજ હાથ ધરાઈ હતી. ગોવાની અદાલતે સૂચનાને છ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યાં છે.

સૂચનાએ ગોવાથી બૅંગ્લુરુ જવા માટે ટૅક્સી મગાવી

મળતી માહિતી પ્રમાણે ગત શનિવારે બૅંગ્લુરુસ્થિત સ્ટાર્ટઅપ કંપની માઇન્ડફુલ એઆઈનાં સહસ્થાપક અને સીઇઓ સૂચના શેઠે ગોવા ખાતેના સર્વિસ ઍપાર્ટમૅન્ટમાં ચેક-ઇન કર્યું હતું. તેમણે ટ્રાવેલ ઍગ્રિગેટર ઍરબીએનબી મારફત બુકિંગ કરાવ્યું હતું.

સોમવારે સૂચનાએ સર્વિસ ઍપાર્ટમૅન્ટના સ્ટાફને બૅંગ્લુરુ જવા માટેની ટૅક્સી બુક કરાવવા માટે કહ્યું હતું. જોકે, ગોવાથી બૅંગ્લુરુ જવાનું મોંઘું પડે તેમ હોઈ તેમણે ટૅક્સીને બદલે પ્લેન મારફતે જવાનું સૂચન કર્યું હતું.

આમ છતાં સૂચનાએ ટૅક્સીનો આગ્રહ કરતાં હોટલના સ્ટાફે જરૂરી વ્યવસ્થા કરી આપી હતી. ઉતાવળે ચેક-આઉટ કરતી વખતે સૂચના સાથે તેમનું બાળક ન હતું. સ્ટાફે આ અંગે પૃચ્છા કરતાં તેમણે ગોળગોળ જવાબ આપ્યા હતા.

બીજા દિવસે સવારે જ્યારે સ્ટાફે સૂચના દ્વારા ભાડે રાખવામાં આવેલા રૂમની સફાઈ હાથ ધરી ત્યારે તેમને હોટલનાં કેટલાંક કપડાં પર લોહી જેવા લાલ ડાઘ જોવા મળ્યા હતા. આથી તેઓ તરત સતર્ક થઈ ગયા હતા.

સ્ટાફે તરત જ ગોવાના કલિંગોટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પરેશ નાઈકના જાણ કરી હતી. પ્રારંભિક તપાસમાં કપડાં પરના લાલ ડાઘા લોહીના હોવાની ખબર પડી. ડિસેમ્બર મહિનામાં જ ગોવા મુક્તિ દિવસે સીએમ પોલીસ ગૉલ્ડમેડલથી સન્માનિત પરેશનું મગજ સંભાવનાઓ ચકાસવા લાગ્યું હતું.

સૂચનાનું બાળક મિત્રના ઘરે હોવાનું રટણ

ઇન્સ્પેક્ટર નાઈકે હોટલના સ્ટાફને સૂચના આપી હતી કે તેઓ ફોન ઉપર સૂચનાનો સંપર્ક કરે અને તેમને બાળક વિશે પૂછે. જોકે, સૂચનાએ તેમનો કૉલ લીધો ન હતો. સૂચનાના સામાનમાં રહેલી બૅગની સાઇઝને ધ્યાને લેતાં ઇન્સ્પેક્ટર નાઈકને શંકા ગઈ.

બૅંગ્લુરુ જવા માટે ટૅક્સીની વ્યવસ્થા સ્ટાફે જ કરી આપી હતી. આથી ઇન્સ્પેક્ટર નાઈકે તેમની પાસેથી ટૅક્સીચાલકનો નંબર મેળવ્યો અને તેમના થકી સૂચનાનો સંપર્ક કર્યો. વાતચીતમાં તેમણે બાળક વિશે પૂછ્યુ હતું.

સૂચના શેઠે કૉલ ઉપર ગોવા પોલીસને જણાવ્યું હતું કે તેમનો દીકરો મડગાંવમાં એક મિત્રને ત્યાં છે અને થોડા દિવસ ત્યાં જ રહેશે. પોલીસે આગ્રહ કરતા સૂચનાએ મડગાંવની વ્યક્તિનાં નામ-સરનામું આપ્યાં હતાં.

ઇન્સ્પેક્ટર નાઈકે ગોવાના ફટરોડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરનો સંપર્ક કર્યો હતો અને સૂચના શેઠે આપેલાં નામ-સરનામાની જાતતપાસ માટે વિનંતી કરી હતી.

ફટરોડા પોલીસ તરત હરકતમાં આવી ગઈ હતી અને જાતતપાસ કરતાં નામ-સરનામું ખોટાં હોવાનું કલિંગગોટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પરેશ નાઈકને જણાવ્યું હતું. દાળમાં કંઈક કાળું હોવાનું ઇન્સ્પેક્ટર નાઈકના અનુભવી મગજે પામી લીધું હતું.

ઇન્સ્પેક્ટર નાઈકે 39 વર્ષીય સૂચનાની ટૅક્સી ચલાવી રહેલા ડ્રાઇવરને ફોન કર્યો હતો અને તેઓ ક્યાં પહોંચ્યા છે એ વિશે માહિતી મેળવી હતી. સાથે જ સૂચનાને ગંધ ન આવે તે માટે કોંકણી ભાષામાં ગાડી નજીકના પોલીસ સ્ટેશને લઈ જવાની સૂચના આપી.

સૂચના શેઠ અને ટૅક્સીચાલક ગોવાની હદ બહાર નીકળી ગયાં હતાં એટલે ઇન્સ્પેક્ટર નાઈકે ઉત્તર ગોવાના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ નિધિન વાલસનને સમગ્ર ઘટનાક્રમ વિશે માહિતી આપી. નિધિને ચિત્રદુર્ગ જિલ્લાના એસપી સાથે વાત કરી હતી અને સહકારની માગણી કરી.

ડ્રાઇવરે સિફતપૂર્વક ગાડીને કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના આયમંગલા પોલીસ સ્ટેશને લઈ લીધી હતી. ઇન્સ્પેક્ટર નાઈકે ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટરને વિનંતી કરી હતી કે સૂચનાને અટકાવવામાં આવે અને તેમના સામાનની ચકાસણી કરવામાં આવે.

આયમંગલા પોલીસ સ્ટેશનના ફરજ પર રહેલા અધિકારીઓએ જરૂરી કાયદાકીય વિધિ કરીને સામાનની ચકાસણી કરતાં તેઓ ચોંકી ઊઠ્યા હતા. બૅગમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.

આમ બે રાજ્યોની પોલીસની સક્રિયતાને કારણે સૂચના આગળનું પગલું ભરે તે પહેલાં જ ઝડપાઈ ગયાં હતાં. ગોવા પોલીસે સૂચનાને સ્થાનિક અદાલતમાં રજૂ કર્યાં હતાં અને ટ્રાન્ઝિટ રિમાન્ડ ઉપર તેમને ગોવા લાવ્યાં હતાં.

ઍજ્યુકેટેડ અને ટેક કંપનીનાં સીઇઓ છે સૂચના

સૂચનાની કંપનીની લિંક્ડઇન-પ્રોફાઇલ પ્રમાણે દસથી ઓછા લોકો કંપની માટે કામ કરી રહ્યા હતા. જોકે, કંપની દ્વારા એઆઈ અને એમએલ વિશે માહિતી મેળવવા માગતા લોકો માટે 'ઓપન ઑફિસ અવર્સ' રાખ્યા હતા.

મંગળવારે જ્યારે બૅંગ્લુરુ પોલીસ કંપનીના સરનામે પહોંચી ત્યારે માલૂમ પડ્યું હતું કે સૂચના શેઠની પોતાની ઑફિસ ન હતી, પરંતુ તેઓ કૉ-વર્ક સ્પેસમાં કામ કરીને કંપનીનું સંચાલન કરી રહ્યાં હતાં.

સૂચના શેઠના લિંક્ડઇન- પ્રોફાઇલ પરની વિગતો પ્રમાણે, તેઓ એઆઇમાં ઍથિક્સ આચરણ તથા ડેટા સાયન્સના નિષ્ણાત છે. તેઓ 12 વર્ષથી આ ક્ષેત્રમાં કાર્યરત છે. સ્ટાર્ટઅપ તથા ઇન્ડસ્ટ્રી રિસર્ચ લૅબને મશીન લર્નિંગ માટે સલાહ આપતાં.

બીબીસીના સહયોગી જયદીપ વસંત જણાવે છે કે, "મંગળવાર પહેલાં બેંગ્લોરના સ્ટાર્ટઅપ વર્તુળોમાં તેમનાં નામની ખાસ કોઈ ચર્ચા ન હતી. જોકે, સ્ટાર્ટઅપનાં મહિલા ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર દ્વારા તેમના જ બાળકની હત્યાનાં આરોપી સૂચના શેઠ વિશે કુતૂહલ ઊભું થવા લાગ્યું હતું."

"સૂચનાએ ભારતીય ઈ-કૉમર્સ જાયન્ટના પ્રતિષ્ઠિત ઉચ્ચ અધિકારી, અમેરિકામાં એઆઇ કંપનીની સ્થાપના કરનારા ભારતીય તથા બૅંગ્લુરુની એક કંપનીમાં ચીફ ડેટા ઑફિસર તરીકે કામ કરનારાં મહિલા સાથે મળીને પેટન્ટ મેળવી હતી."

"આ પેટન્ટનો હેતુ જ્યારે કોઈ ગ્રાહક કંપનીનો સંપર્ક સાધે ત્યારે તેને 'વ્યક્તિગત પ્રકારનો અનુભવ' થાય તેવી વ્યવસ્થા તૈયાર કરવાનો હતો. જોકે, એ પછી પેટન્ટનું શું થયું તે અંગે કોઈ સ્પષ્ટતા નથી."

સૂચનાની લિંક્ડઇન પોસ્ટ પ્રમાણે તેમનું નામ '100 બ્રિલિયન્ટ વીમેન ઇન ઍથિક્સ લિસ્ટ'માં સામેલ થયું હતું. યાદી બહાર પાડનારી સંસ્થાની વેબસાઇટ ઉપર તપાસ કરતા સૂચનાની પોસ્ટમાં દેખાતી અન્ય મહિલાઓનાં નામ હતાં, પરંતુ તેમનું નામ ન હતું.

સૂચનાએ કોલકાતામાં ગુજરાતીઓ દ્વારા સંચાલિત 'ભવાનીપુર ઍજ્યુકેશન સોસાયટી'માંથી ફિઝિક્સમાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હતો અને પ્રથમ વર્ગ સાથે ઉત્તીર્ણ થયાં હતાં. તેઓ સૉલ્ટ લૅક વિસ્તારમાં રહેતાં, જ્યાં ગુજરાતીઓની સંખ્યા સારી એવી છે. જોકે, ત્યાં રહેતા સ્થાનિકોને તેમના વિશે કોઈ નક્કર માહિતી ન હતી.

તેમણે યુનિવર્સિટી ઑફ કલકત્તામાંથી પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થઈને ફિઝિક્સમાં અનુસ્નાતક કર્યું હતું. આ સિવાય રામકૃષ્ણ સંસ્થાનમાંથી સંસ્કૃતમાં પણ અભ્યાસ કર્યો હતો.

તેઓ રમણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ફૉર્ડ-મૉઝિલા ઓપન વેબ, હાર્વર્ડ યુનિવર્સિટીના બર્કમૅન ક્લૅન સેન્ટર ઑફ ઇન્ટરનેટ ઍન્ડ સોસાયટીના ફેલો રહ્યાં હતાં. વર્ષ 2020માં પોતાની કંપની શરૂ કરી, તે પહેલાં ડૅટા સાયન્ટિસ્ટ તથા ઍનાલિસ્ટ તરીકે અલગ અલગ કંપનીઓમાં કામ કર્યું હતું.

વર્ષ 2011થી સૂચના સોશિયલ નેટવર્કિંગ સાઇટ એક્સ પર હતાં. પરંતુ જાન્યુઆરી-2021થી તેઓ નિષ્ક્રિય હતાં. સૂચના ઇન્સ્ટાગ્રામ પર પણ હતાં. જેમાં તેમણે ત્રણેક મહિના પહેલાં તેમના દીકરાની માછલીઘર પાસેની તસવીર મૂકી હતી. જેમાં તેમણે 'પામવું અને ગુમાવવું' અને 'શું થશે?' જેવા હૅશટૅગ વાપર્યા હતા. જેના આધારે તેમની મન:સ્થિતિ વિશે નિષ્કર્ષ કાઢવામાં આવી રહ્યા છે.

સૂચના શેઠની કંપની માઇન્ડફુલ એઆઇની વેબસાઇટ ઉપર આપવામાં આવેલી વિગતો પ્રમાણે, કંપની ડેટા સંચાલન, મશીન લર્નિંગ તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું સિસ્ટમ ઑડિટ, માનવકેન્દ્રિત મશિનલર્નિંગ, ફિડબૅક માટેની પ્રોસેસ મૉનિટર કરવાના ક્ષેત્રમાં નિપુણતા ધરાવે છે.

સૂચના અને પતિ વચ્ચેનો કેસ બન્યું બાળકના મોતનું કારણ?

પોલીસને મળેલી પ્રાથમિક માહિતી પ્રમાણે સૂચના શેઠ અને તેમના પતિ વેંકટરમણ મૂળ કેરળના છે. બંને વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો. જે તેના અંતિમ તબક્કામાં પહોંચ્યો હતો. અદાલતે દર રવિવારે એક વખત વેંકટ તેમના બાળકને મળી શકે તે પ્રકારનો આદેશ આપ્યો હતો અને કથિત રીતે સૂચના તેનાથી નારાજ હતાં.

પોસ્ટમૉર્ટમ કરનાર ડૉક્ટરને ટાંકતાં ન્યૂઝ એજન્સી પીટીઆઇ લખે છે કે બાળકની હત્યા કરવા હાથનો નહીં, પરંતુ ઓશિકા કે અન્ય કોઈ કપડાનો ઉપયોગ થયો હતો. બાળકના મૃત્યુને 36 કલાક જેટલો સમય થઈ ગયો હતો.

બાળકના મૃત્યુના સમાચાર સાંભળીને વેંકટરમણ ઇન્ડોનેશિયાથી ભારત ધસી આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી કરીને બાળકના મૃતદેહનો કબજો લીધો હતો.

બુધવારે બાળકના મૃતદેહને ચિત્રદૂર્ગથી બૅંગ્લુરુમાં વેંકટરમણના ઍપાર્ટમૅન્ટ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાંથી અંતિમ ક્રિયા માટે લઈ જવામાં આવશે.

ગોવાની અદાલતે સૂચનાને છ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યાં છે, જ્યાં તેમની પૂછપરછના આધારે નવી વિગતો બહાર આવશે.

ગોવાની પોલીસે આઇપીસીની કલમ 302 તથા ગોવા બાળ સંરક્ષણ ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. જો સૂચના દોષિત ઠરશે તો આગામી વર્ષો તેમના માટે પડકારજનક બની રહેશે.