You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજસ્થાન: દલિત મજૂરનો પુત્ર આઈઆઈટીમાં ભણીને અધિકારી બન્યો, પછી આપઘાત કેમ કર્યો?
- લેેખક, મોહરસિંહ મીણા
- પદ, રાજસ્થાનના નીમકાથાનાથી મુલાકાત લીધા પછી
2019માં આઈઆઈટી કાનપુરથી ઇકૉનૉમિક્સમાં બીએસસી ગ્રેજ્યુએટ. 2021માં રાજસ્થાન લોકસેવા આયોગ (આરપીએસસી)ની આરએએસની ભરતીની મેઇન્સની પરીક્ષા આપી.
2022માં સંઘ લોકસેવા આયોગ (યુપીએસસી)ની આઈએએસ ભરતીની મેઇન્સની પરીક્ષા આપી.
2023માં રાજસ્થાન સરકારમાં ગ્રામ વિકાસ અધિકારીના પદ પર પસંદગી પામ્યા.
2023માં સતત બીજી વાર યુપીએસસી સિવિલ સર્વિસની મેઇન્સની પરીક્ષા આપી.
આ સફળતા મનરેગામાં મજૂર અને ઈંટોની ભઠ્ઠીમાં છૂટક મજૂરી કામ કરનારાં માતા-પિતાના સંતાન અને ત્રણ બહેનના મોટા ભાઈ 25 વર્ષીય લલિત બેનીવાલની, જેમનો મૃતદેહ ગત 18 ફેબ્રુઆરીએ તેમના ઘરેથી મળ્યો હતો.
22 ફેબ્રુઆરીના દિવસે બપોરના સમયે નીમકાથાના-અજિતગઢ રોડ પર બનેલા થોઇ પોલીસ સ્ટેશનમાં લાજ કાઢેલી એક મહિલાને ત્રણ છોકરીઓ સાંત્વના આપતા પ્રવેશ કરે છે.
ભાવરહિત ચહેરા, ધીરે ધીરે આગળ મંડાતાં ડગલાં અને અવાક આંખો પરથી જ તેમની મનોદશા કળી શકાતી હતી.
આ મહિલા લલિત બેનીવાલનાં માતા આંચી દેવી છે અને સાથે ચાલી રહેલી છોકરીઓ પૂજા, અન્નુ અને અનીતા તેમની બહેનો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બધાં લલિત બેનીવાલની આત્મહત્યાના મામલામાં નોંધાયેલી એફઆઈઆર પછી પાંચમા દિવસે પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન નોંધાવવા આવ્યાં હતાં.
આત્મહત્યા એક ગંભીર મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવમાંથી પસાર થઈ રહ્યા હોય તો ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 18002333330 પરથી મદદ લઈ શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.
ઉચાપતની એફઆઈઆર
થોઈ પોલીસ સ્ટેશનથી આશરે 12 કિલોમીટર દૂર ચીપલાટા ગ્રામ-પંચાયત છે. ગામના મુખ્ય રસ્તાની જમણી બાજુ ગ્રામ-પંચાયત કચેરી છે.
આ જ ગ્રામ-પંચાયતમાં લલિત બેનીવાલ ગ્રામ વિકાસ અધિકારી (વીડીઓ)ના પદ પર 19 એપ્રિલ 2023થી એટલે કે પાછલા 10 મહિનાથી કામ કરતા હતા.
અજિતગઢ પંચાયત સમિતિ હેઠળ આ પંચાયતમાં વિતેલા કેટલાક સમયમાં વર્ષ 2021-22 અને 2022-23 દરમિયાન થયેલી આર્થિક લેવડ-દેવડ મામલે ઑડિટ થયું હતું. જેમાં પાંચ લાખ વીસ હજાર અગિયારની સરકારી રકમની અનિયમિતતા સામે આવી હતી.
ઑડિટ રિપોર્ટના આધારે અજિતગઢ બ્લૉક ડેવલપમૅન્ટ અધિકારી (બીડીઓ) અજયસિંહના મૌખિક આદેશના આધારે લલિત બેનીવાલે થોઈ પોલીસ સ્ટેશનમાં 15 ફેબ્રુઆરીએ ચીપલાટા સરપંચ મનોજ ગુર્જર અને પૂર્વ સરપંચ બિરબલ ગુર્જર સામે સરકારી રૂપિયાની ઉચાપત કરવાની ફરિયાદ નોંધાઈ.
કહેવાય છે કે એફઆઈઆર નોંધાઈ હોવાની ખબર પડ્યા પછી સરપંચ અને અન્ય લોકોએ લલિત બેનીવાલને ધમકાવ્યા અને માનહાનિનો કેસ નોંધવાની ધમકી પણ આપી.
એફઆઈઆર નોંધાયા પછી 18 ફેબ્રુઆરીની સવારે લલિત બેનીવાલના ઘરેથી તેમનો મૃતદેહ મળ્યો.
ઘટનાસ્થળ પરથી પોલીસને નવ પાનાંની સ્યૂસાઇડ નોટ મળી છે. જેમાં ડરાવવા-ધમકાવવા, ખોટી રીતે કામ કરવાનું દબાણ કરવાનો પ્રયાસ, સરકારી આઈડીથી ઓટીપી મેળવી લાખો રૂપિયાની ઉચાપત અને ભ્રષ્ટાચારના આરોપ લગાવાવમાં આવ્યા છે.
ઘટના પછી પરિવારજનોની ફરિયાદ પર થોઈ પોલીસ સ્ટેશનમાં પંચાયતના ક્લાર્ક જગદેવ, ઠેકેદાર પોખર, સરપંચ મનોજ ગુર્જર, પૂર્વ સરપંચ બિરબલ ગુર્જર, પૂર્વ ગ્રામસેવક નરેન્દ્ર પ્રતાપ, અજિતગઢ વિકાસ અધિકારી અને મંગલ સામે એફઆઈઆર નોંધાઈ છે.
‘અમને લાગ્યું વાંચી રહ્યો છે’
થોઈ પોલીસ સ્ટેશનથી આશરે આઠ કિલોમીટર દૂર ઝાડલી ગામના કાચા-પાકા રસ્તા અને શાંત શેરીઓમાંથી પસાર થતા અમે ગામમાં પહોંચ્યા.
મુખ્ય રસ્તાની જમણી બાજુએ તંબુ તાણી કેટલાક લોકો છેલ્લા પાંચ દિવસથી શોકસભામાં બેઠા છે. એક ટેબલ પર લલિત બેનીવાલની તસવીર પર ફૂલ અને માળા ચડાવેલાં છે.
શોકસભાની બરાબર પાછળ નાના પણ પાક્કાં મકાનોમાં બે ઓરડાનું એક મકાન લલિત બેનીવાલનું છે.
રસોડાની બાજુમાં બનેલા નાના ઓરડામાં સિમેન્ટની બનેલી બારી તૂટેલી છે. આ જ ઓરડામાંથી લલિત બેનીવાલની આત્મહત્યા પછી મૃતદેહ મળ્યો હતો.
શોકસભામાં બેઠેલાં લલિત બેનીવાલની ત્રણ બહેનમાં સૌથી મોટાં બહેન પૂજા નજર નીચે રાખીને ગળામાં ડૂમો ભરાયેલા અવાજે કહે છે, “સત્તર ફેબ્રુઆરીની સાંજે ભાઈ લાઇબ્રેરીથી મને લઈને ઘરે આવ્યો ત્યારે ખૂબ પરેશાન હતો. મેં કહ્યું કે ભાઈ તું નોકરી છોડી દે, અમને તું ખુશ જોઈએ.”
"રાત્રે મેં કહ્યું કે ભાઈ અમે તને એકલો નહીં રહેવા દઈએ, અમે પણ આ જ ઓરડામાં સૂઈ જઈશું. પરંતુ તેણે અમને એવો દિલાસો આપ્યો કે હવે જાણે તે બિલકુલ ચિંતામુક્ત છે. અમે બધા ઊંઘી ગયા. મમ્મી મોડી રાત્રે જાગી હતી ત્યારે લલિત કંઈક લખી રહ્યો હતો. મમ્મીએ પૂછ્યું તો કહ્યું કે હું અભ્યાસ કરી રહ્યો છું, તું સૂઈ જા. સવારે આશરે ચાર વાગ્યાની વાત છે."
લલિતનાં માતા આંચી દેવી કહે છે, "હું સવારે ચાર-પાંચ વાગે જાગી જાઉં છું. હું ત્રણ વાગે જાગી ત્યારે કદાચ તે ફોન પર વાત કરી રહ્યો હતો. મેં ચાર વાગે જાગીને જોયું તો તે ઓરડામાં ટેબલ પર બેઠેલ હતો અને કંઈક લખી રહ્યો હતો."
"હું લલિતને બાબુ કહું છું. મેં કહ્યું કે ઊંઘી જા તો કહ્યું કે સારું ઊંઘી જઉં છું. આ અમારી છેલ્લી વારની વાતચીત હતી. અમને લાગ્યું તે વાંચી રહ્યો છે પણ તે તો સ્યૂસાઇડ નોટ લખી રહ્યો હતો."
બહેન પૂજાએ કહ્યું, "હું સવારે જાગી તો મેં જોયું કે ઓરડામાં લાઇટ ચાલુ હતી. મેં બારણું ખખડાવ્યું પણ ભાઈએ બારણું ન ખોલ્યું. પછી મમ્મી આવી અને બારીમાંથી જોયું તો ભાઈ લટકેલા હતા."
"અમને કંઈ સમજાયું નહીં અને અમે બારણું અને બારી તોડવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. એવામાં ગામલોકો પણ ત્યાં ભેગા થઈ ગયા. ભાઈને હૉસ્પિટલ લઈ ગયા જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કરી દીધા."
પરિવારજનોનો આરોપ
"ભાઈ અમને પણ ભ્રષ્ટાચાર સામે લડવા અને ઈમાનદારી સાથે જીવવા પ્રોત્સાહિત કરતા હતા. ભાઈએ હંમેશાં ઈમાનદારીથી કામ કર્યું એનું આ પરિણામ આવ્યું છે."
આવું જણાવતાં અન્નુનું ગળું ભરાઈ આવે છે.
અન્નુ કહે છે, "એફઆઈઆર થયા પછી તેઓ ખૂબ તણાવમાં રહેતા હતા. તેમને ધમકીઓ આપવામાં આવતી હતી. તેઓ તણાવમાં રહેવા લાગ્યા. તે રાત્રે જમ્યા પણ નહોતા. તેઓ આત્મહત્યા ના કરી શકે, તેમને આવું કરવા મજબૂર કરાયા હતા. તેઓ માત્ર ભાઈ નહોતા, અમારું વિશ્વ હતા. તેમણે અમારી પાસેથી અમારા ભગવાન છીનવી લીધા છે."
તો માતા આંચી દેવી કહે છે, "મહિના કરતાં વધારે સમયથી પરેશાન હતો. પણ તે ઘરના લોકોથી છુપાવતો હતો."
"એક દિવસ મને ગળે મળીને રોયો હતો. કહ્યું કે હું નોકરી છોડી દઈશ, ખૂબ પરેશાન થઈ ગયો છું. તે કહેતો કે તેઓ ખોટા કાગળ પર હસ્તાક્ષર કરાવે છે અને ભ્રષ્ટાચાર કરે છે."
લલિતનાં બહેન અન્નુએ જણાવ્યું. "મારા ભાઈને માનસિક રીતે ખૂબ પરેશાન કરાયા. પૂર્વ સરપંચ બિરબલ ગુર્જર, વર્તમાન સરપંચ મનોજકુમાર અને અજિતગઢ વિકાસ અધિકારીએ બહુ પરેશાન કર્યા હતા."
"ભાઈને રજાઓ ન આપી. રાજીનામું આપવા ગયા તો ન સ્વીકાર્યુ. કેટલાક દિવસ માટે તેમણે મેડિકલ લિવ લીધી હતી. એ સમયે પણ તેમને કામ કરવા માટે બોલાવી લેવાતા."
'આરોપો પાયાવિહોણા'
ચીપલાટા સરપંચ, પૂર્વ સરપંચ, પંચાયતના કર્મચારી સહિત બધા એફઆઈઆર પછી ફરાર છે.
ચીપલાટા ગામના પૂર્વ સરપંચ બિરબલ ગુર્જરના દીકરા મનોજ ગુર્જર વર્તમાન સરપંચ છે. બંને પોતાના ઘરે નહોતા, પણ મનોજના નાના ભાઈ રાહુલ ગુર્જરે આ મામલે પોતાનો પક્ષ જણાવતા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
રાહુલે સરકારી રૂપિયાની ઉચાપતના આરોપ બાબતે કહ્યું, "વર્ષ 2021-22 અને 2022-23ના ઑડિટમાં કેટલીક ખામીઓને ઉચાપત નામ અપાયું છે. જ્યારે એ ઉચાપત છે જ નહીં. અમારી પાસે તેનાં બિલ છે."
"બિલને રેકૉર્ડ પર લાવવાનું કામ તત્કાલીન વીડીઓ નરેન્દ્રપ્રતાપસિંહે કર્યું હતું અને અહીંથી તેમની ટ્રાન્સફર પછી તેમણે બધો ડેટા ગામની પંચાયત સમિતિમાં જમા કરાવી દીધો હતો.”
રાહુલ કહે છે, "નરેન્દ્રની ટ્રાન્સફર પછી લલિત બેનીવાલ અહીં જોડાયા. અજિતગઢના બીડીઓએ દબાણ કરી લલિત પાસે એફઆઈઆર નોંધાવડાવી દીધી. પછી તેમને ખબર પડી કે આ ઉચાપત નથી. અમારી પાસે બિલ છે. અમે પોતે ઇચ્છીએ છીએ કે આની નિષ્પક્ષ તપાસ થાય. જો અમે ખોટા સાબિત થઈએ તો બિલકુલ કાર્યવાહી થવી જોઈએ."
ઓટીપી માગીને સરકારી ખાતામાંથી અગિયાર લાખ રૂપિયા ઉપાડી લેવાયા. આ આરોપ બાબતે રાહુલ કહે છે, "બિલકુલ સકારાત્મક પ્રક્રિયા હેઠળ ઓટીપી માગવામાં આવ્યો હતો, જેના માટે ચુકવણી કરવા ઓટીપી માગવામાં આવ્યો હતો તે કામ ત્રણ મહિના જ થઈ ગયું હતું."
આરોપી વિકાસ અધિકારી શું બોલ્યા?
લલિતની આત્મહત્યાના મામલામાં એફઆઈઆરમાં અજિતગઢ બીડીઓનો ઉલ્લેખ છે.
એફઆઈઆર પછી સરકારે અજિતગઢના વીડીઓ અજયસિંહને એપીઓ (ફીલ્ડ પોસ્ટિંગથી દૂર કરાયા છે) બનાવી દીધા છે.
અજયસિંહ પર આરોપ છે કે સરપંચ હેરાન કરી રહ્યા છે તેવી ફરિયાદ પછી પણ તેમણે લલિતની ટ્રાન્સફર ન કરી. કામનું દબાણ કરતા હતા અને રાજીનામું પણ ન સ્વીકાર્યુ.
અજયસિંહ તેમના પર લાગેલા આ આરોપો મામલે કહે છે, "લલિતે ઑક્ટોબરમાં રાજીનામું આપી દીધું હતું. પરંતુ રાજીનામાને સ્વીકારવાનો અધિકાર સીઈઓ જિલ્લા પરિષદ પાસે હોય છે. એટલે મેં અહીંથી તેને સીઈઓને મોકલી આપ્યું. સીઈઓએ લલિતને બોલાવ્યો અને વાતચીત કરી એ પછી લલિતે રાજીનામુ પરત લઈ લીધું.”
વિકાસ અધિકારી કહે છે, "બીજી વાર તેમણે પંદરમીએ મૌખિક રીતે કહ્યું કે હું રાજીનામુ આપવા માગું છું, કારણ કે સરપંચ મને હેરાન કરી રહ્યા છે. પરંતુ લલિતે ક્યારેય મને લેખિતમાં ના આપ્યું કે પૂર્વ સરપંચ તેને કેવી રીતે પરેશાન કરી રહ્યા છે."
ટ્રાન્સફર ન કરવાના આરોપ બાબતે તેઓ કહે છે, "પંચાયતી રાજ વિભાગના નિયમ અનુસાર પ્રખંડ વિકાસ પદાધિકારી પાસે ગ્રામ વિકાસ અધિકારીને ટ્રાન્સફર કરવાની સત્તા નથી. પ્રધાનની અધ્યક્ષતામાં 10 સભ્યોની સ્ટેન્ડિંગ કમિટી ટ્રાન્સફર કરે છે. 19 તારીખે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. મેં કહ્યું કે હું પ્રધાનને કહી દઈશ કે ટ્રાન્સફર કરાવી દે."
રજાઓ નહીં આપવાના આરોપ બાબતે તેઓ કહે છે, "રજાઓ તેમણે માગી અને તેમને રજાઓ અપાઈ પણ હતી. 10 જુલાઈથી 25 સપ્ટેમ્બર વચ્ચે 78 દિવસ સુધી તેઓ રજા પર હતા."
"પસંદગી થયા પછી તેમણે પહેલી પોસ્ટિંગ તરીકે 19 એપ્રિલ 2023ના રોજ ચીપલાટા પંચાયતમાં ગ્રામ વિકાસ અધિકારી તરીકે પદ સંભાળી લીધું. એ પછી તેઓ 10 જુલાઈથી 25 સપ્ટેમ્બર સુધી 78 દિવસ સુધી યુપીએસસી મેઇન્સ પેપરની તૈયારી માટે રજા પર જતા રહ્યા."
"19 એપ્રિલથી લઈ 18 ફેબ્રુઆરી સુધી 10 મહિના એટલે કે 300 દિવસની નોકરીમાં તેમણે 101 દિવસની રજાઓ લીધી છે. એમાં પણ શનિવાર અને રવિવારની સરકારી રજાઓ તો અલગ છે."
ગેરકાયદેસર રીતે રૂપિયા ઉપાડવા બાબતે અજયસિંહ જણાવે છે, "મેં તેમને ફોન પર કહ્યું હતું કે પંચાયતના ઑડિટમાં આર્થિક સમસ્યાઓ સામે આવી રહી છે. એટલે કોઈ ટ્રાન્ઝેક્શનના કરતા. મેં ના પાડી હતી છતાં તેમણે ટ્રાન્ઝેક્શન માટે ઓટીપી આપી દીધો."
હાલ સુધી શું કાર્યવાહી થઈ છે?
લલિતની આત્મહત્યાના મામલામાં એફઆઈઆર નોંધાયા પછી પીડિત પરિવારનાં નિવેદનો નોંધાઈ ગયાં છે. પણ બધા આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.
અજિતગઢના ડેપ્યુટી એસપી રાજેન્દ્રસિંહ થોઈ પોલીસ સ્ટેશનમાં બીબીસીને જણાવે છે, "18 ફેબ્રુઆરીએ સાત આરોપીઓ સામે એફઆઈઆર નોંધાઈ છે. ઘટનાસ્થળેથી સ્યૂસાઇડ નોટ મળી છે, મોબાઇલ જપ્ત કરાયો છે. પીડિત પરિવારનાં નિવેદનો લેવાયાં છે."
તેઓ કહે છે, "પુરાવા ભેગા કરી રહ્યા છીએ. જલદી જ આરોપીઓને પકડી લેવાશે. સ્યૂસાઇડ નોટ અને પરિવારજનોનો આરોપ છે કે આરોપીઓ તરફથી હેરાનગતિ હતી. ખોટી રીતે તેમની પાસેથી ઓટીપી મેળવી રકમ ઉપાડવામાં આવી છે. તપાસ ચાલી રહી છે. જે પણ અન્ય આરોપીઓ આ દરમિયાન સામે આવશે તેમની પણ ધરપકડ કરાશે."
15 તારીખે લલિતે સરપંચ અને પૂર્વ સરપંચ સામે સરકારી રૂપિયાની ઉચાપતની એફઆઈઆર નોંધાવી હતી. એની તપાસમાં શું થયું.
બીબીસીના આ સવાલ બાબતે ડેપ્યુટી એસપી કહે છે, "ઑડિટ દરમિયાન સામે આવેલી પાંચ લાખ રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાવાઈ હતી. લલિતનું નિવેદન લેવાઈ ગયું હતું. એ મામલામાં પણ રેકૉર્ડ લેવાઈ રહ્યા છે અને તપાસ ચાલુ છે.”
સમાજસેવક ગીગરાજ જાડોલી આ આખા ઘટનાક્રમમાં પીડિત પરિવારને દસ્તાવેજી કામોમાં મદદ કરી રહ્યા છે. તેઓ કહે છે, "આ આત્મહત્યા નહીં પણ સુનિયોજિત હત્યા છે. પોલીસ તંત્રે સાત દિવસમાં કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે."
"જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સાત દિવસ પછી આખા વિસ્તારમાં આંદોલન કરાશે. ઍટ્રોસિટી ઍક્ટમાં એફઆઈઆર નોંધાતા જ પોલીસની પ્રાથમિકતા બને છે કે આરોપીઓની ધરપકડ થાય. પણ એવું નથી થયું."
ગીગરાજ કહે છે, "હજુ સુધી વળતર નથી મળ્યું. આરોપીઓની ધરપકડ, પચાસ લાખનું વળતર, એક સરકારી નોકરીની માગ સરકાર પાસે કરાઈ છે. અમે 23 ફેબ્રુઆરીએ કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપીને આરોપીઓની ધરપકડની માગ કરી છે."
પરિવારની સ્થિતિ શું છે?
લલિતનું બે ઓરડાનું નાનું ઘર છે. ઘરમાં જરૂરી સામાનના નામે બે ખાટલા, રસોડાનો સામાન અને કપડાં છે. પણ દીવાલોમાં બનેલા કબાટમાં ઘણાં પુસ્તકો છે.
લલિતનાં બહેન અન્નુ જણાવે છે, "ભાઈ આ નોકરીમાં ખુશ નહોતા, પણ પરિવારની સ્થિતિને જોતા તેમણે નોકરી સ્વીકારી હતી. તે તો યુપીએસસીથી આઈએએસ બનવા માગતા હતા.”
લલિતનાં માતા આંચી દેવી મનરેગામાં મજૂરી કરે છે. પિતા હીરાલાલ બેનીવાલ પાંચ વર્ષ અગાઉ લકવાગ્રસ્ત થઈ ગયા હતા. ગયા વર્ષે થોડા સ્વસ્થ થયા તો પંજાબમાં ઈંટોની ભઠ્ઠીમાં છૂટક કામ કરતા હતા. લલિત પર જ આખા પરિવારની જવાબદારી હતી.
લલિતના પરિવારજનો અને તેમને જાણનારા લોકો કહે છે, "લલિત આ વખતે યુપીએસસી ક્લિયર કરી દેત. અમારા ગામે એક આઈએએસ ગુમાવી દીધો."
તેમનાં ત્રણેય બહેનો સરકારી શાળામાં અભ્યાસ કરે છે અને શાળામાં અવ્વલ રહ્યાં છે.
લલિતનાં સૌથી નાના બહેન અનીતા સીકરથી નીટની તૈયારી કરી રહ્યાં છે. બીજા બહેન અન્નુ રાજસ્થાન વિશ્વવિદ્યાલયના મહારાણી કૉલેજમાંથી ડિસ્ટિંક્શન સાથે સ્નાતક થયાં છે અને હાલ તેઓ યુપીએસસીની તૈયારી કરી રહ્યાં છે.
જ્યારે ત્રીજા બહેન પૂજાએ બીએસસી કર્યું છે અને હવે બીએડ કરી રહ્યાં છે.
ઝાડલી ગામના જ પ્રમોદ એક ખાનગી શાળામાં શિક્ષક છે. તેઓ દાયકાથી લલિતના પરિવારને ઓળખે છે.
તેઓ કહે છે, "ખૂબ મુશ્કેલીઓ વચ્ચે માતા-પિતાઓ બાળકોને ભણાવ્યાં છે. આર્થિક તકલીફોને ક્યારેય શિક્ષણમાં બાધારૂપ નથી બનવા દીધી."
"લલિત ગામના યુવાનો માટે આદર્શ હતો, તેઓ માટે તે પ્રેરણા હતો. લલિતને બધા ભાવિ આઈએએસના રૂપે જોતા હતા. અમે એક ઇમાનદાર આઈએએસ ગુમાવી દીધા છે."
ઘટના પછી ચીપલાટાનો માહોલ
થોઈ પોલીસ સ્ટેશનથી બાર કિલોમીટર દૂર ચીપલાટા પંચાયત મુખ્યાલય પર હાલ તાળું છે. ગામમાં આ ઘટનાની ચર્ચા દરેકના મોઢે છે.
આશરે આઠસો ઘર ધરાવતા ગામ ચીપલાટામાં વૃક્ષ નીચે એક વૃદ્ધ પત્તાં રમી રહ્યા હતા. તેઓ આ ઘટના વિશે વાત કરવાનો ઇનકાર કરી દે છે. પણ આ ઘટનાને દુખદ ગણાવે છે.
પંચાયત કચેરી પાસે સરકારી શાળા છે. આ શાળા સામે રસ્તાના છેવાડે એક દુકાન ચલાવે છે પુરણસિંહ.
62 વર્ષના પુરણસિંહ કહે છે, "એ છોકરા સાથે બહુ ખોટું થયું છે. ગામમાં બધે એ જ ચર્ચા છે કે સરપંચ અને આ બધા લોકોએ અહીં ભ્રષ્ટાચાર કર્યો છે.”
તેઓ કહે છે, "એ ઘટના પછી પંચાયત કચેરી બંધ છે. ત્યારથી અહીં કોઈને નથી જોયા. પણ પોલીસ રોજ આવે છે."
ચીપલાટા ગામના બજારમાં ચાની દુકાન પર કેટલાક લોકો બેઠા હતા. તેમાંથી એક હતા પૂર્વ સરપંચ મહાવીરપ્રસાદ મીણા. તેઓ કહે છે, "આ ખૂબ દુખદ ઘટના બની છે. લોકોમાં આક્રોશ છે કે એક ગરીબ પરિવારના બાળકને પરેશાન કર્યો."
'મેં અત્યાર સુધી કંઈ ખોટું નથી કર્યું'
લલિતે નવ પાનાંની સ્યૂસાઇડ નોટમાં લખ્યું છે, 'હું 15 તારીખે પંચાયત સમિતિ અજિતગઢમાં રાજીનામું આપવા ગયો હતો, કારણ કે હું ચીપલાટા પંચાયતમાં આ નોકરીથી ખૂબ પરેશાન રહું છું. તેમણે કહ્યું કે પહેલાં એફઆઈઆર નોંધાવો અને પછી જ ટ્રાન્સફરની વાત કરીશ. હું પહેલાં જ ખૂબ ડરેલો હતો અને તણાવમાં હતો.'
''મેં ઑડિટ રિપોર્ટના આધારે 5,20,011 રૂપિયાના ભ્રષ્ટાચારની એફઆઈઆર નોંધાવી દીધી. પૂર્વ સરપંચ બિરબલે ફોન કરી કહ્યું કે હું માનહાનિનો કેસ કરી દઈશ. પણ મારે પોલીસ કે કોર્ટના ચક્કરમાં નથી પડવું.''
''પૂર્વ સરપંચ, ક્લાર્ક જગદીશ અને પોકર ઠેકેદારે ઓટીપીના માધ્યમથી ચુકવણું કરી દીધું. કામ તો થઈ ગયું હતું પણ તેની ફાઇલ તૈયાર નહોતી કરી. બધી ફાઇલ મારે બનાવવી પડી રહી છે.''
તેમણે લખ્યું હતું, ''ઉતાવળે ચુકવણી કરાવી, કારણ કે તેમને ખબર હતી કે ઑડિટના ચક્કરમાં એકાઉન્ટ ફ્રીઝ થવાનું છે. જોકે બધાને લાગે છે કે મેં લાલચમાં આવીને ચુકવણી કરાવી છે. દરેક જગ્યાએ મને જ બદનામ કરાઈ રહ્યો છે.''
''હવે મારાથી આ દબાણ સહન નથી થઈ રહ્યું. મેં બીડીઓને કહ્યું કે ટ્રાન્સફર કરાવી દો અથવા રાજીનામું લઈ લો.''
'હું આઈઆઈટી સ્નાતક છું. યુપીએસસી કરતાં કરતા ગ્રામ વિકાસ અધિકારીની નોકરીમાં ફસાઈ ગયો ને હવે મારાથી યુપીએસસી નથી થઈ રહ્યું.’
લલિતે પોતોની સ્યૂસાઇડ નોટનાં અંતમાં બહેનોને સંબોધિત કરતા લખ્યું છે, ‘જે હું ના કરી શક્યો તે તમે ત્રણેય કરજો અને દુનિયાને બતાવજો. હું ના લડી શક્યો, તમે ખૂબ લડત આપજો, આગળ વધજો..’
મહત્ત્વપૂર્ણ જાણકારી -
જો તમને આત્મહત્યાના વિચાર આવી રહ્યા છે અથવા અન્ય કોઈ સાથે આવું થઈ રહ્યું હોય તેવી બાબત તમારી જાણમાં હોય તો ભારતમાં આશરા વેબસાઇટ પર અથવા વૈશ્વિક સ્તરે બી ફ્રેન્ડ્ઝ વર્લ્ડવાઇડના માધ્યમથી મદદ મેળવી શકો છો.