પેપર લીક: છેક બિહારથી ગુજરાતમાં પેપર ફોડવાનું કૌભાંડ કેવી રીતે ગોઠવાયું?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં ફરી એક વાર સરકારી ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટતાં ફરી પરીક્ષાર્થીનાં ભાવિને લઈને ચર્ચા ચાલી છે. પરીક્ષા રદ થતાં લાખો ઉમેદવારોને પરીક્ષા આપ્યા વિના ઘરે પરત ફરવું પડ્યું હતું.

ઉમેદવારો પરીક્ષા આપે એ પહેલાં જ પેપર ફૂટ્યું હોવાના સમાચાર વહેતા થયા હતા અને આખરે પરીક્ષા મોકૂફ રખાઈ હતી.

1181 જગ્યા માટે અંદાજે સાડા નવ લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં.

ગુજરાતમાં ચૂંટણી પત્યા બાદ આ પહેલી મોટી સરકારી ભરતી હતી, તેના માટે ઉમેદવારો ઘણા સમયથી તૈયારી કરતા હતા, જોકે પરીક્ષા રદ થતા ઉમેદવારો ફરી નિરાશ થયા હતા અને તેમણે સરકારી કામગીરી અને વહીવટ પર સવાલ ઉઠાવ્યા હતા.

આ પેપરકાંડમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. જોકે આ પેપરકાંડના તાર છેક બિહાર અને ઓડિશા સુધી સંકળાયેલા છે.

અગાઉ આવી રીતે પેપરકાંડમાં સીબીઆઈના હાથે ઝડપાઈ ગયેલા આરોપીઓએ જામીન પર છૂટ્યા બાદ ફરી એક ગૅંગ બનાવી અને કરોડપતિ થવાની લ્હાયમાં પેપર ફોડ્યું. જોકે તેમને પોલીસે પકડી પાડ્યા છે.

તેમણે આજથી પોણા ચાર વર્ષ પહેલાં રાજસ્થાનની એક ડીમ્ડ યુનિવર્સિટીના ડિસ્ટિંક્શન માર્ક સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને નકલી માર્કશીટથી પાસ કરાવાનું કૌભાંડ આચર્યું હતું.

રાજસ્થાનની ડીમ્ડ યુનિવર્સિટીની ફરિયાદના આધારે સીબીઆઈએ દિલ્હી, ગુજરાત અને મુંબઈમાં રેડ કરી હતી અને તેમને પકડી પાડ્યા હતા.

પરીક્ષા અગાઉ પેપર સોલ્વ કરાવવાનો પ્લાન

એ સમયે ગાંધીનગર સીબીઆઈમાં કામ કરતા (હાલ નિવૃત્ત) ઑફિસર એસબી યાદવે બીબીસી સાથે કરેલી વાતચીતમાં કહ્યું કે "2019માં સીબીઆઈના હાથે પકડાયેલો મૂળ બિહારનો ભાસ્કર ચૌધરી 2017-18માં દિલ્હીના ભીખાજી કામા પ્લેસમાં ઍડમિશન કન્સલ્ટન્ટ તરીકે એક ઑફિસ ચલાવતો હતો. એણે એક આઈટી એક્સપર્ટને નોકરી પર રાખી પૈસા કમાવવાનો ખેલ ખેલ્યો હતો."

"એ સમયે એણે જોયું કે ગુજરાતમાંથી લોકો નોકરી માટે આઈટી એક્સપર્ટની પરીક્ષા મોટા પાયે આપી રહ્યા છે, ત્યારે ઇન્ટરનેટની મદદથી ગુજરાતમાં ઍડમિશન કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા લોકોનો સંપર્ક સાધવાનું શરૂ કર્યું."

"અમે અમદાવાદમાં દિશા એજ્યુકેશનના કેતન બારોટનો સંપર્ક કર્યો હતો. અરવલ્લીના બાયડનો કેતન પૈસા લઈને ઍડમિશન કરાવવા માટે જાણીતો હતો. એ કેટલાક સમયથી બાયડ છોડીને અમદાવાદમાં નાના ચિલોડામાં વૈભવી બંગલામાં રહેતો હતો. રાજસ્થાનની ડીમ્ડ યુનિવર્સિટીમાં આઈટી એક્સપર્ટ તરીકે પાસ કરાવવા માટે વિદ્યાર્થીઓ લઈ આવતો હતો."

"સીબીઆઈએ અમદાવાદ અને વડોદરામાં ઍક્ઝામ સેન્ટર ચલાવનારા બે લોકોનો સંપર્ક કર્યો હતો. જાણવા મળ્યું કે ભાસ્કર ચૌધરી 10થી 12 લાખ રૂપિયામાં ઑનલાઇન પરીક્ષામાં છેતરપિંડી કરીને લોકોને પાસ કરાવતો હતો. એ સમયે ભાસ્કર ચૌધરી સહિત છ લોકોની ધરપકડ થઈ હતી, જેમાં 33 લાખ રોકડા મળ્યા હતા અને કેટલાક બ્લૅન્ક ચૅક અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન પણ મળ્યાં હતાં."

આ વાતની પુષ્ટિ કરતા ગુજરાત એટીએસના ડીસીપી સુનીલ જોશીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "આ કેસમાં પકડાયેલા ભાસ્કર ચૌધરી અને કેતન બારોટ ભૂતકાળમાં ગેરકાયદે માર્કશીટ બનાવવાના કેસમાં જેલમાં જઈ આવ્યા છે. એ પછી ભાસ્કર ચૌધરી કેતન સાથે મળીને ગુજરાત આવી ગયો હતો. વડોદરાના અટલાદરાના પ્રમુખનગરમાં ઍડમિશન કન્સલ્ટન્ટ અને ઑનલાઇન ઍક્ઝામ સૅન્ટર ખોલ્યું હતું."

ડીસીપી સુનીલ જોશી કહે છે કે સરકારી પરીક્ષાનાં પેપર લીક ના થાય માટે અમે પેપર લીક કૌભાંડના જૂના આરોપીઓ પર નજર રાખી રહ્યા હતા. અગાઉ જ્યાં પેપર ફૂટ્યાં હતાં એ સંવેદનશીલ જિલ્લા સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા ઉપરાંત અમે વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ અને અમદાવાદમાં નજર રાખી રહ્યા હતા.

"અગાઉ આવા જ પેપર લીક કૌભાંડમાં સીબીઆઈના હાથે પકડાઈ ચૂકેલો કેતન બારોટ ફોન કોલથી ઓડિશાના પ્રદીપ નાયક સાથે વાત કરતો હતો. અમે અમારી હ્યુમન ઇન્ટેલિજન્સને કામે લગાડી તો ખબર પડી કે જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર વિદ્યાર્થીઓને પહોંચાડવાનું આયોજન થઈ રહ્યું છે. આ વખતે વડોદરાની એક હોટલમાં પરીક્ષાના આગલા દિવસે વિદ્યાર્થીઓને પેપર સોલ્વ કરાવવાનો પ્લાન થયો હતો."

ઉમેદવારોનાં ભાવિ સાથે ચેડાંનો પ્લાન

ડીસીપી જોશી કહે છે કે અમે કેતનના ફોનની ડિટેઇલ જોઈ તો પ્રદીપ નાયક ઉપરાંત સુરતમાં ઓડિશાના નરેશ મોહંતી સાથેના સંપર્કમાં હતો. નરેશ મોહંતી હજીરામાં કૉન્ટ્રાકટર તરીકે કામ કરતો હતો અને એણે ભાસ્કર ચૌધરી સાથે પણ વાત કરી હતી.

"અમે આ બાતમીના આધારે નરેશ મોહંતી અમદાવાદના કેતન બારોટ અને વડોદરાના ભાસ્કર ચૌધરી સતત એકબીજાના સંપર્કમાં હોવાનું જણાયું. એમાં અમને શંકાસ્પદ બાબત એ લાગી કે ડ્રાઈવર રાજ બારોટ, ખેતી કરનાર વડોદરાનો અનિકેત ભટ્ટ અને બિહારમાં માછીમારીનું કામ કરનાર મુકેશકુમાર રામબાબુના ફોનના સંપર્કો સામે આવ્યા, ત્યારે લાગ્યું કે કોઈ મોટું ષડ્યંત્ર ચાલી રહ્યું છે."

એ પછી એટીએસની ટીમે આ ઑપરેશનમાં વડોદરા એલસીબી અને સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદ લીધી અને પ્રદીપ નાયકના ફોનના સીડીઆર પરથી એની હિલચાલ પર નજર રાખવાનું શરૂ કર્યું.

તેઓ કહે છે, "તે બિહારના બે વિદ્યાર્થીઓ પ્રભાત શશીધરણ અને મિન્ટુ રાય સાથે સંપર્કમાં હોવાનું બહાર આવ્યું. બિહાર, ઓડિશા અને ગુજરાત કનેક્શન બેસી રહ્યા હતા, કારણ કે સુરતનો નરેશ મોહંતી ઓડિશાનો હતો, ભાસ્કર ચૌધરી બિહારનો હતો અને કેતન બારોટ ગુજરાતનો હતો."

"આ લોકો જે રીતે ખેડૂત, ડ્રાઈવર અને માછીમાર સાથે સંપર્ક કરતા હતા એ પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે કરતા હોય એમ લાગતું હતું. અમારા હ્યુમન ઇન્ટેલિજન્સ પાસેથી મળેલી માહિતી પ્રમાણે પ્રદીપ નાયકના સીડીઆર પ્રમાણે બધું અગાઉથી નક્કી થયું હોય એમ જ ચાલી રહ્યું હતું."

આખરે કૌભાંડનો પર્દાફાશ

એટીએસે પાંચ ટીમ બનાવી હતી, જે ઓડિશા, બિહાર અને તેલંગાણામાં હતી. એક ટીમ વડોદરા અને એક અમદાવાદમાં હતી.

જોશી કહે છે, "પરીક્ષાના આગળ દિવસે એ લોકોની મોડેસ ઑપરેન્ડી પ્રમાણે વિદ્યાર્થીઓને વડોદરા લઈ જઈ પ્રશ્નપત્ર પ્રમાણે જવાબ ગોખાવવાના હતા. વિદ્યાર્થીઓને વડોદરાની હોટલ પર બોલાવવાના હતા. અમારા હ્યુમન ઇન્ટેલિજન્સ પ્રમાણે વિદ્યાર્થીઓ વડોદરા પહોંચે એ પહેલાં અમારી ટીમ પ્રદીપ નાયકનો પીછો કરતા વડોદરા પહોંચી ગઈ હતી."

"વડોદરામાં ભાસ્કર ચૌધરીની ઑફિસે પૈસાની લેવડદેવડ માટે ઓડિશાથી આવેલો પ્રદીપ નાયક સુરતના નરેશ મોહંતીને લઈ વડોદરા પહોંચ્યો હતો. તેઓ વડોદરાની સયાજીગંજની હોટલમાં ઊતર્યા હતા, પોલીસે એમનાં આઈડીકાર્ડ ચેક કર્યાં તો એક પ્રદીપ નાયક અને બીજો નરેશ મોહંતી હતો, એમની પાસેથી પ્રશ્નપત્ર મળી આવ્યું, તો બીજી તરફ કેતન બારોટ એના એજન્ટને લઈને વડોદરા પહોંચ્યો હતો."

"ભાસ્કર ચૌધરીની ઑફિસ પર મિટિંગ કરી હોટલમાં છોકરાઓને પ્રશ્નપત્ર દેખાડી પેપર પ્રમાણે જવાબો ગોખાવવાનું પ્લાનિંગ ચાલતું હતું. એ સમયે અમે પ્રદીપ અને નરેશ મોહંતીને સાથે રાખીને રેડ કરી તો અમને પ્રશ્નપત્ર અને આન્સર પેપર મળ્યાં, પ્રશ્નપત્ર અંગે અમે તાત્કાલિક રાત્રે જ ગાંધીનગર ગુજરાત સેવા પસંદગી મંડળના અધિકારીઓને જાણ કરી તો આ પ્રશ્નપત્ર સાચાં હોવાની પુષ્ટિ થઈ."

અનામત આંદોલન બાદ પેપર ફૂટવાનો સિલસિલો

ગુજરાતમાં 1981માં થયેલા અનામત આંદોલન પછી પેપર ફૂટવાનો સિલસિલો શરૂ થયો. આ આંદોલન બાદ 1983માં પહેલી વાર 12 સાયન્સનું પેપર ફૂટ્યું હતું.

પછી સમયાંતરે ગુજરાતમાં પેપર ફૂટવાના કિસ્સા સામે આવતા રહ્યા છે. અગાઉ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં પણ પેપર ફૂટવાની ઘટનાઓએ ગુજરાતમાં ખાસ્સી ચર્ચા જગાવી હતી.

એ સમયે ઉમેદવારોએ અનેક જગ્યાએ વિરોધપ્રદર્શન પણ કર્યું હતું.

જોશી કહે છે કે પ્રદીપ નાયકનો સગો જીત નાયક હૈદરાબાદમાં કેએલ હાઈ-ટેક પ્રેસમાં કામ કરતો હતો અને એણે પૈસા લઈને આ પેપર પ્રદીપ નાયકને આપ્યું હતું. એ પછી પ્રદીપે ઓડિશામાં એજ્યુકેશન ક્લાસ ચલાવતા એના મિત્ર સરોજનો સંપર્ક કર્યો અને સરોજે બિહારના મિન્ટુ રાયનો સંપર્ક કરાવ્યો. મિન્ટુ રાય ભાસ્કર ચૌધરીને ઓળખતો હતો.

"ભાસ્કર ચૌધરી અને કેતન બારોટે ગુજરાતમાં પોતાના એજન્ટોને વિદ્યાર્થીઓ ભેગા કરવાનું કામ સોંપ્યું હતું. આ તમામની અમે ભાસ્કર ચૌધરીની ઑફિસ પરથી ધરપકડ કરી અને સરકારી પરીક્ષાનાં પેપર લીક કરવાની આંતરરાજ્ય ગૅંગને પકડી પાડી છે અને જીત નાયકની હૈદરાબાદથી ધરપકડ કરી છે."