You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જુનિયર ક્લાર્ક પેપર લીક : જવાબદાર કોણ? સરકારે જવાબ આપવાનું ટાળ્યું
- લેેખક, બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની નવી સરકારની રચના બાદ યોજવામાં આવેલી સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર વખત ફૂટી જતાં પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે.
આ પરીક્ષાનું આયોજન પંચાયત સેવા સરકારી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. રવિવાર સવારે લેવાનારી આ પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કર્યા બાદ આ મુદ્દે બપોરે ત્રણ વાગ્યે પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સંદીપકુમારે પ્રેસ કૉન્ફરન્સ બોલાવી અને કોઈપણ મીડિયાના કોઈ પણ પ્રશ્નોના ઉત્તર આપ્યા વિના જ નીચે મુજબનું નિવેદન વાંચીને સ્થળેથી જતા રહ્યા હતા.
"ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ધ્વારા પંચાયત સેવા વર્ગ-૩ની જાહેરાત ક્માંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક (વહીવટ / હિસાબ)ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯-૦૧-૨૦૨૩ (રવિવાર)ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી.
તારીખ ૨૯-૦૧-૨૦૨૩ ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ હતી.
આ બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે અને આ પરત્વે માત્ર બે જ કલાકમાં અસરકારક પગલા લઇ તાકીદની કાર્યવાહી કરવામાં આવેલ છે.
અત્યાર સુધીની તપાસમાં બહાર આવેલ તથ્યો જોતા સદર કૃત્ય ગુજરાત રાજય બહારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલ સંગઠિત ગૅંગ હોવાનું જણાય છે, જે ઓર્ગેનાઇઝડ ક્રાઇમ છે. ઉપરોકત પરીક્ષાના આયોજનને ધ્યાને લઇ પોલીસ તંત્ર ધ્વારા ઘનિષ્ઠ સર્વેલન્સ ગોઠવવામાં આવેલ હતું અને અનિષ્ટ તેમજ અસામાજિક તત્ત્વો ઉપર નજર રાખવામાં આવી હતી, જેના પરિણામે ઉપરોકત ગુન્હો બને તે પહેલાં જ આવા કૃત્યમાં સંડોવાયેલ ૧૫ જેટલા ઇસમોની અટક કરી આગળની ઘનિષ્ઠ પુછપરછ તથા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
મહેનતુ અને સાચા ઉમેદવારોને નુકશાન ન થાય તે હેતુથી ઉમેદવારોના વિશાળ હિતમાં તાત્કાલિક નિર્ણય લઈ તા.29-01-2023ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા “મોકૂફ” કરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે.
આ મોકૂફ રાખવામાં આવેલી સ્પર્ધાત્મક પરીક્ષા હવે આગામી 100 દિવસમાં યોજવામાં આવશે. રાજ્યની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો તેમજ શાળા કોલેજોની પરીક્ષાની તારીખો ધ્યાને લઈને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મંડળ દ્વારા એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે, હવે પછીની પરીક્ષા માટે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો ખાતે આવવા તથા પરત જવા માટે તેમના ઓળખપત્ર (કોલ લેટર/ હોલ ટીકીટ)ના આધારે ગુજરાત એસ.ટી.બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.
મંડળ ધ્વારા અત્યાર સુધી છેલ્લા 05 વર્ષમાં 21 હજાર જેટલી જગ્યાઓ ભરવા માટે 41 જેટલા પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં 30 લાખથી વધારે ઉમેદવારો ધરાવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ સફળતા પૂર્વક યોજેલ છે, અને આ પરીક્ષાઓમાં તમામ સુરક્ષા, તકેદારી અને કાળજી રાખીને ઉમેદવારોની તદ્દન પારદર્શક પદ્ધતિથી પસંદગી કરવામાં આવી છે.
જેથી ઉપરોકત સંવર્ગ માટે પારદર્શક રીતે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી માત્ર લાયક ઉમેદવારોની જ પસંદગી કરવા મંડળ કટિબદ્ધ છે."
ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની નવી સરકારની રચના બાદ યોજવામાં આવેલી સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર વખત ફૂટી જતાં પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે.
જેને કારણે જુનિયર ક્લાર્કના પદની 1181 બેઠકો માટે જે 9.53 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતા તેમનો રોષ ફાટી નીકળ્યો છે. પરીક્ષાના ઉમેદવારો અને વિપક્ષના રાજકીય નેતાઓ પેપર ફૂટવાની અને પરીક્ષા મોકૂફ થવા માટે ગુજરાત સરકારને જવાબદાર ઠેરવે છે.
વિપક્ષનું કહેવું છે કે આ પરીક્ષા યોગ્ય રીતે કરાવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. પરીક્ષા પહેલાં જ પેપર ફૂટતા છેલ્લી ઘડીએ રદ કરવી પડી છે.
જોકે, પંચાયત સેવા પસંદગી મંડળનું કહેવું છે કે સરકાર યોગ્ય ઉમેદવારો, યોગ્ય પસંદગી પ્રક્રિયાથી જ આ પદો પર જોડાય તે માટે પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે.
પંચાયત સેવા પસંદગી મંડળનાં સંદીપ કુમાર અગાઉ સવારે મંડળનાં સભ્ય રાજિકા કચેરિયા, જેઓ ભાજપના આઈટી સેલના પ્રભારી પણ રહી ચૂક્યાં છે, તેમણે આ મુદ્દે સ્થાનિક ટીવી ચેનલોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી.
આ વાતચીત દરમિયાન તેમણે પરીક્ષાનું પેપર કેવી રીતે ફૂટ્યું તેની વિગતો પણ આપી હતી.
કેવી રીતે ફૂટ્યું પેપર?
સમગ્ર મામલે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સભ્ય રાજીકા કચેરિયાએ સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “પેપર લીક થયાની વાત મોડી રાત્રે ખબર પડી હતી, ત્યારપછી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.”
તેમનો દાવો છે કે, પેપરલીક માટે જવાબદાર લોકો ગુજરાતની બહારના છે અને ગુજરાત પોલીસ અને એસઓજી દ્વારા છેલ્લાં 72 કલાકથી તેમના પર નજર રાખવામાં આવી રહી હતી. અને આખરે તેમને પકડી લેવામાં આવ્યા હતા.
આ અંગે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “જે પણ અસામાજિક તત્ત્વો છે એ લોકો કોઈ પણ પરીક્ષા યોજાય, ત્યારે સક્રિય થઈ જતા હોય છે, આ સમયે આખી ટોળકી ગુજરાત બહારની હતી અને ગુજરાત બહાર આ પેપર લીક થયું છે.”
રાજિકા કચેરિયાએ પરીક્ષા પ્રક્રિયાની પારદર્શિતા વિશે વાત કરતાં કહ્યું, "આ એક ખાનગી પ્રક્રિયા હોય છે. જેણે પણ આ પેપર લીક કર્યું છે તેમને સજા જરૂર થશે અને ફરીથી આ પરીક્ષા યોજવામાં આવશે. પરીક્ષાર્થીઓની ચિંતા હોવાના કારણે જ સરકારે પરીક્ષા મોકૂફ રાખી છે.”
“આવી પરીક્ષા માટેની સિસ્ટમ ઘણી લાંબી હોય છે, જેમાં 9 લાખ જેટલી અરજીઓ હતી, 7 લાખ જેટલા ઉમેદવારો અને 70 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ સહિતના કર્મચારીઓ લગભગ 6 મહિનાથી આ કામમાં લાગી ગયા હતા.”
સરકારનો બચાવ કરતા રાજિકા કચેરિયાએ કહ્યું કે, “સરકાર કે પોલીસ ડિપાર્ટમૅન્ટ કે ગુજરાતમાંથી કોઈની ભૂલ થઈ નથી. ગુજરાત બહાર આ ઘટના બની છે. હાલ પોલીસ ડિપાર્ટમૅન્ટ પેપર લીક પાછળના આરોપીઓની તપાસ કરી રહ્યું છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “સરકારને ખબર જ નથી હોતી કે પ્રિન્ટીંગ પ્રેસ કઈ હોય છે, પ્રિન્ટીંગ પ્રેસની પસંદગી એજન્સી નક્કી કરતી હોય છે, સરકાર કે સભ્યો નક્કી કરતા નથી. આ એક ખાનગી માહિતી હોય છે આ વિશે કોઈને જ ખબર હોતી નથી. હાલ પોલીસ તેમની ધરપકડ કરી રહ્યા છે.”
“પ્રિન્ટિંગ પ્રેસમાં કઈ રીતે ભૂલ થઈ છે, એ અંગે પોલીસ તપાસ ચાલું છે. ગુજરાત બહાર આ ઘટના ઘટી છે, આમાં ગુજરાતના લોકો કે ગુજરાત સરકાર આ ઘટનામાં સામેલ નથી. ગુજરાત બહારની ટોળકી આ પેપર લીક કરવા માગતી હતી પણ ગુજરાત સરકારના કર્મચારીઓ સતત કાર્યરત રહેતા તેમને આ ઘટનાની ખબર પડતા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.”
નોંધપાત્ર છે કે સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર પેપર લીકની ઘટના વડોદરામાં બની હતી. જેમાં એક કોચિંગ ક્લાસના સંચાલક અને તેમના પત્ની સહિત ગુજરાતના 5 અને રાજ્ય બહારના 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
બીબીસી આ વિગતોની પુષ્ટિ કરતું નથી.
સાડા નવ લાખ યુવાનોએ આ પરીક્ષા માટે ફોર્મ ભર્યાં હતા
પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્ક વર્ગ-3ની પરીક્ષા પેપરલીક થઈ જવાને પગલે લાખો પરીક્ષાર્થીઓ રઝળી પડ્યા છે.
આ પદ માટે કુલ 1181 ખાલી જગ્યાઓ હતી, જેના માટે લગભગ સાડા નવ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યા હતા.
જેમાં સામાન્ય વર્ગના ઉમેદવારો માટે 585, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે 104, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગમાં 285, અનુ.જાતિમાં 59, અનસુચિત જનજાતિમાં 148, દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યા 85 અને માજી સૈનિક માટે અનામતની જગ્યા 104 હતી.
જુનિયર ક્લાર્ક તરીકે પસંદગી પામેલા ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે 19,950 પ્રતિમાસનો ફિક્સ પગાર આપવાનો છે.
જેમાં મૂળ ગુજરાતના હોય તેવા અનામત કેટેગરીના ઉમેદવારો તથા મહિલા, શારિરીક અશકતતા ધરાવતા ઉમેદવાર તેમજ માજી સૈનિક ઉમેદવારોને વયમર્યાદામાં નિયમોનુસાર છૂટછાટ આપવા આવી હતી.
ફોર્મ ભરતી વખતે માત્ર જનરલ કૅટેગરીમાં આવતા ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમથી 100 રૂપિયા ફી ભરવાની હતી. અન્ય વર્ગમાં આવતા કોઈપણ ઉમેદવારો માટે કોઈ જ પરીક્ષા ફી રાખવામાં આવી નહોતી.
જનરલ કેટેગરીના ઉમેદવારોએ પોસ્ટ ઓફિસ મારફતે ફી ભરવાની હોય તો તેઓએ 100 રૂપિયા અને સાથે 12 રૂપિયા પોસ્ટલ ચાર્જ ભરવાનો હતો. આ સાથે જે ઉમેદવારો ફી ભરવાનું ભૂલી ગયા હોય તેમણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની કચેરીએ કામકાજના દિવસો અને કચેરી સમય દરમિયાન) રૂબરૂ જઈને 500 રૂપિયા ફી ભરવાની હતી.