You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું, પરીક્ષા મોકૂફ
ગુજરાતમાં નવી સરકારની રચના થયા બાદ યોજાનારી પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે 29 જાન્યુઆરીના રોજ યોજાનારી જુનિયર ક્લાર્કના પદ માટેની પરીક્ષા પેપરલીક થવાની આશંકાથી મોકૂફ કરવામાં આવી છે.
નોંધપાત્ર છે કે, ગુજરાતમાં વિવિધ સરકારી નોકરીઓ માટેની ભરતી પરીક્ષામાં સતત પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવતી રહી છે.
દર વર્ષની જેમ વર્ષે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે પેપર ફૂટ્યાની શંકા જતા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.
આ બાબતે પંચાયત સેવા પસંદગી મંડળના સચિવ દ્વારા પસંદગી મંડળની વેબસાઈટ પર સૂચના મૂકવામાં આવી હતી.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની સ્પર્ધાત્મક પરીક્ષા 29 જાન્યુઆરીના રોજ સવારે 11થી 12 વાગ્યા દરમિયાન વિવિધ જિલ્લાઓમાં યોજાવાની હતી.
પોલીસ દ્વારા મળેલી માહિતી પ્રમાણે, પોલીસ દ્વારા એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી પૂછપરછ કરતાં તેમની પાસેથી પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવી છે. આ મુદ્દે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ સાથે પરીક્ષાર્થીઓનું હિત ધ્યાનમાં રાખીને મંડળ દ્વારા આ સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પરીક્ષા કેન્દ્રો પર લાગી સૂચના
ગુજરાતના લગભગ નવ લાખ યુવાનો પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજ્યના ખૂણે-ખૂણેથી જિલ્લાઓમાં 2,995 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા યોજાવાની હતી. જોકે, પરીક્ષા આપવા માટે કેન્દ્રો પર પહોંચેલા પરીક્ષાર્થીઓ માટે આ સમાચાર આઘાત આપનારા સાબિત થયા છે.
પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આ પરીક્ષા મોકૂફીની જાહેરાત 29 જાન્યુઆરીના રોજ સવારે કરવામાં આવી હતી, જ્યારે પરીક્ષાનો સમય સવારે 11 વાગ્યાનો હતો.
પરીક્ષાર્થીઓના વિરોધ પ્રદર્શન
આ સ્થિતિને કારણે હજારો પરીક્ષાર્થીઓ જેઓ પરીક્ષા આપવા માટે બસ અને જાહેર પરિવહનમાં મુસાફરી કરી રહ્યા હતાં, તેમને અડધા રસ્તેથી ઊતારી દેવામાં આવ્યા હોવાની વિગતો પણ મળી રહી છે.
પેપરલીક થવાને કારણે પરીક્ષા મોકૂફ થવાથી પરીક્ષાર્થીઓનો આક્રોશ ફાટી નીકળ્યો છે.
પરીક્ષાર્થીઓેએ રસ્તા પર ચક્કાજામ કરી દીધા છે. રાજ્યના વિવિધ બસ સ્ટેશનો પર પણ પરીક્ષાર્થીઓએ સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કર્યાં હતા.
જુનિયર ક્લાર્કની પરીક્ષામાં સાડા નવ લાખ ફોર્મ્સ ભરાયાં હતા
પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્ક વર્ગ-3ની પરીક્ષા પેપરલીક થઈ જવાને પગલે લાખો પરીક્ષાર્થીઓ રઝળી પડ્યા છે.
આ પદ માટે કુલ 1181 ખાલી જગ્યાઓ હતી, જેના માટે લગભગ સાડા નવ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યા હતા.
જેમાં સામાન્ય વર્ગના ઉમેદવારો માટે 585, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે 104, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગમાં 285, અનુ.જાતિમાં 59, અનસુચિત જનજાતિમાં 148, દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યા 85 અને માજી સૈનિક માટે અનામતની જગ્યા 104 હતી.
જુનિયર ક્લાર્ક તરીકે પસંદગી પામેલા ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે 19,950 પ્રતિમાસનો ફિક્સ પગાર આપવાનો છે.
જેમાં મૂળ ગુજરાતના હોય તેવા અનામત કેટેગરીના ઉમેદવારો તથા મહિલા, શારિરીક અશકતતા ધરાવતા ઉમેદવાર તેમજ માજી સૈનિક ઉમેદવારોને વયમર્યાદામાં નિયમોનુસાર છૂટછાટ આપવા આવી હતી.
ફોર્મ ભરતી વખતે માત્ર જનરલ કૅટેગરીમાં આવતા ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમથી 100 રૂપિયા ફી ભરવાની હતી. અન્ય વર્ગમાં આવતા કોઈપણ ઉમેદવારો માટે કોઈ જ પરીક્ષા ફી રાખવામાં આવી નહોતી.
જનરલ કેટેગરીના ઉમેદવારોએ પોસ્ટ ઓફિસ મારફતે ફી ભરવાની હોય તો તેઓએ 100 રૂપિયા અને સાથે 12 રૂપિયા પોસ્ટલ ચાર્જ ભરવાનો હતો. આ સાથે જે ઉમેદવારો ફી ભરવાનું ભૂલી ગયા હોય તેમણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની કચેરીએ કામકાજના દિવસો અને કચેરી સમય દરમિયાન) રૂબરૂ જઈને 500 રૂપિયા ફી ભરવાની હતી.
સરકાર પરીક્ષાર્થીઓને એસટી દ્વારા વિના મૂલ્યે ઘરે પહોંચાડશે
પેપરલીકને કારણે પરીક્ષા મોકુફીની જાહેરાત કર્યા બાદ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રના સ્થળેથી તેમના મૂળ રહેઠાણે પરત ફરવા માટે વિના મૂલ્યે મુસાફરી કરવા દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ માટે ઉમેદવારોએ પોતાનો પરીક્ષાનો કોલ લેટર દેખાડવાનો રહેશે.
ઉમેદવારોની કિસ્મત ફૂટી છે - ઇસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરીને પેપરલીકની ઘટના પર સવાલ ઉઠાવ્યા છે.
તેમણે કહ્યું, "જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ થવા અંગે અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું હતું કે, “ગુજરાતમાં લગભગ દરેક પરીક્ષા લીક થઈ જાય છે. કેમ? કરોડો યુવાઓનું ભવિષ્ય બર્બાદ થઈ ગયું છે.”"
આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ આ મામલે ટ્વીટ કરીને ઘટનાની નિંદા કરી છે.
તેમણે પોતાના ટ્વીટમાં કહ્યું કે, 'પેપર નહીં ઉમેદવારોની કિસ્મત ફૂટી છે! ભરોસાની ભાજપ સરકારના કરોડો રૂપિયાના ખર્ચે લાગેલ બેનરોથી ઉમેદવારો અને તેમના માતા પિતા ભરી ભરોસો કરીને 99થી વધારીને 156 આપી પરંતુ ભાજપે ફરી કૌભાંડો અને પેપર ફોડવાનું શરૂ કરી દીધું!'
ઇસુદાન ગઢવીએ પેપર ફૂટવા અંગે જણાવ્યું હતું કે, “ગુજરાત સરકારની બેકાળજીના કારણે ફરી આજે પેપર ફૂટ્યું છે. પેપર ફૂટવાનો સિલસિલો ચાલુ જ છે. ગુજરાતમાં ફટાકડા નથી ફૂટતા તેનાથી વધારે પેપર ફૂટે છે. જેમાં દુખની વાત એ છે કે ભાજપ સરકાર, તેના મંત્રીઓ, તેના નેતાઓને શરમ નથી આવતી.”
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “ફરીથી પેપર ફૂટ્યું લાખો ઉમેદવારોના સપના તૂટ્યા છે. એમનેમ પેપર ફૂટતું નથી, જ્યાં સુધી કોઈ મંત્રી કે મુખ્ય મંત્રી લેવલ પગલાં નહીં લેવામાં આવે ત્યાં સુધી પેપર ફૂટતા રહેશે. હવે ફરીથી મીડિયાની સામે આવશે ભાજપના નેતાઓ અને હસતાં-હસતાં કહેશે કે, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પેપર જેણે પણ લીક કર્યું છે એમને છોડવામાં નહીં આવે, પણ તેઓ ચરમબંધીને પકડશે જ નહીં.”
ઇસુદાન ગઢવીએ મુખ્ય મંત્રીને જાતે જવાબદારી લેવા અને જે પણ મંત્રી જવાબદાર છે તેઓ રાજીનામું આપે. સાથે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં પેપર લીકના સીલસીલાઓની તપાસ થાય અને તમામને સજા થાય એવી માગ કરી હતી.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સહ મંત્રી ગોપાલ ઇટાલિયાએ પણ સરકાર પર તીવ્ર કટાક્ષ કરતાં પોતાના ટ્વીટમાં લખ્યું કે, "પેપર લીક > કડક કાર્યવાહી કરવામાં આવશે > કોઈને છોડવામાં નહિ આવે > તપાસ ચાલુ છે > ચુંટણી આવી > હિન્દુ મુસ્લિમ પાકિસ્તાન દેશદ્રોહી > ભાજપની ભવ્ય જીત > પેપર લીક > કડક કાર્યવાહી > કોઈને છોડવામાં નહિ આવે > ચુંટણી આવી > હિન્દુ મુસ્લિમ પાકિસ્તાન > ભાજપની ઐતિહાસિક જીત"
પેપર ફોડીને પોતાના મળતીયાઓને નોકરીમાં ઘૂસાડવાનું એક ષડ્યંત્ર ચાલે છે - કૉંગ્રેસ
ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના કૉંગ્રેસના નેતા અમિત ચાવડાએ પેપરલીક મામલે પ્રતિક્રિયા આપી છે.
તેમણે કહ્યું હતું કે, “પેપર નહીં પણ ભાજપની સરકારે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય ફોડવાનું ફરી એકવાર પાપ કર્યું છે. પાછલા વર્ષોમાં પેપર ફોડવાની પરંપરા રહી છે. આ પેપર ફોડ સરકારને ઘરભેગી કરવા માટે કૉંગ્રેસ રસ્તા પર ઊતરીને લડી હતી.”
તેમણે વધુમાં કહ્યું, “ચૂંટણી આવી હતી, ત્યારે પણ વારંવાર અપીલ કરી કે આ પેપરફોડ સરકારને ઘર ભેગી કરો અને પેપર ફોડનારને જેલ ભેગા કરો, પણ ગુજરાતના યુવાનો નરેન્દ્ર મોદી અને અમિત શાહની વાતોમાં આવી ગયા અને ફરી બહુમતી આવી.”
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, “જે પરીક્ષા જુનિયર ક્લાર્કની યોજાવાની હતી, જેમાં લગભગ 10 લાખ જેટલા યુવાનો ગુજરાતના તેમના ભવિષ્ય માટે પરીક્ષા આપવા જઈ રહ્યા હતા, ત્યારે ફરી પાછું પેપર ફૂટ્યું છે.”
“આનો સ્પષ્ટ અર્થ થાય છે કે ભાજપ સરકારમાં બેઠેલા લોકો દ્વારા પેપર ફોડીને પોતાના મળતીયાઓને નોકરીમાં ઘૂસાડવાનું એક ષડ્યંત્ર ચાલે છે. જેની પાસે પૈસા, લાગવગ હોય તેમને જ ગુજરાતમાં નોકરી મળે, સામાન્ય ગુજરાતીના દીકરા-દીકરીને નોકરી ના મળે એવું આ ભાજપ સરકારમાં છેલ્લા 25 વર્ષ કરતા વધારે સમયથી ચાલે છે.”
તેઓએ ગુજરાતના યુવાનોને વિનંતી કરતા કહ્યું છે કે, “ફરીવાર કૉંગ્રેસ તમારા માટે લડવા માગે છે અને આપણે સાથે મળીને લડીએ, માત્ર એક પેપર કે પરીક્ષા માટે નહીં પણ ગુજરાતમાં કોઈ પણ પેપર ફોડવાની હિંમત ના કરે એવી એકતાનું દર્શન આપણે બતાવવું પડશે. યુવાનોના ભવિષ્ય માટે જે કોઈ જવાબદાર છે તેમને જેલ ભેગા કરવા જોઈએ.”
કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ટ્વિટરના માધ્યમથી આ પેપરલીક પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે , "ગુજરાતમાં ફરી એકવાર પરીક્ષાનું પેપર લીક થયું છે. આ ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથ રમત છે અને 156 બેઠકોનો ઘમંડ."