જુનિયર ક્લાર્ક પેપર લીક: “અમે ઘરે શું મોઢું બતાવીએ સાહેબ! આ સરકારે પેપર ફોડી નાખ્યું”

“અમારાં માતા-પિતાની એક જ આશા હોય છે કે મારો દીકરો મોટો અધિકારી બને અને ગુજરાતની જનતાની સેવા કરે. એ બધી આશા પર પાણી ફેરવાઈ ગયું છે. માતા-પિતાનાં સપનાં હોય છે કે અમારો દીકરો આજે વિજયી થઈને આવશે, પણ અહીં આવીએ ત્યારે ખબર પડે છે કે પેપર તો ફૂટી ગયું છે.” મયૂરસિંહ પરમારના આ શબ્દો છે, જેઓ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે જામનગરથી આવ્યા હતા.

આટલું કહેતાં કહેતા મયૂરસિંહના ગળામાં ડૂમો બાઝી ગયો અને આંખોમાં રોકાયેલા આંસું સરી પડ્યાં.

મયૂરસિંહ પરમાર એ સાડા નવ લાખ યુવાનોમાંથી એક છે, જેમનું સરકારી નોકરી મેળવવાનું સપનું ફરી એકવાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાને કારણે તૂટી ગયું. હવે આ લાખો યુવાનોએ ફરી એકવાર પરીક્ષાની નવી તારીખની રાહ જોવાની થશે.

ગુજરાતમાં નવી સરકારની રચના થયા બાદ યોજાનારી પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે 29 જાન્યુઆરીના રોજ યોજાનારી જુનિયર ક્લાર્કના પદ માટેની પરીક્ષા પેપરલીક થવાથી મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતની પાછલી સરકાર પણ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થવા મામલે ઘણી ચર્ચાઈ હતી, ત્યારે નવી સરકારમાં પણ આ મૂશ્કેલી હજુ યથાવત જ છે. આ પહેલાં પણ સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા જેવા વિસ્તારમાંથી વારંવાર સરકારી પેપર ફૂટવાના કિસ્સા બહાર આવ્યા છે.

મયૂરસિંહ પરમારે રડતાં-રડતાં કહ્યું હતું કે, “અમે અમારી નોકરીમાંથી રજા લઈને પરીક્ષા આપવા આવતા હોઈએ છીએ. અમે ઘણાં વર્ષોથી આ પરીક્ષાની મહેનત કરતા હતા. દરેક પરીક્ષાના પેપર ફૂટતાં હોય છે. અમારાં માતા-પિતા એટલો હરખ રાખીને બેઠાં હતાં કે મારો દીકરો કે દીકરી પરીક્ષા આપવા ગયાં છે, એક દિવસ તેઓ ગુજરાત સરકારમાં કોઈ કર્મચારી તરીકે નોકરી મેળવશે."

તેમણે વધુમાં કહ્યું હતું કે, “માતા-પિતાની એક જ આશા હોય છે કે મારો દીકરો મોટો અધિકારી બને અને ગુજરાતની જનતાની સેવા કરે. એ બધી આશા પર પાણી ફેરવાઈ ગયું.”

“અમે ઘરે શું મોઢું બતાવીએ સાહેબ! આ સરકારે પેપર ફોડી નાખ્યું.” અમે કેટલી મહેનત કરીએ હવે અમે થાકી ગયા છીએ. અમે પરીક્ષા આપવા માટે રાત્રે 11 વાગ્યાના ઘરેથી નીકળ્યા હતા. અમે માનસિક રીતે થાકી ગયા છીએ, અમે કેટલી વાર એકની એક વસ્તુ વાંચીએ? અત્યાર સુધી મેં જેટલી પણ પરીક્ષા આપી છે એ બધામાં પેપર ફૂટ્યા જ છે.”

“સરકારને એક જ વિનંતી છે કે, વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડાં કરવાનું બંધ કરો અને પારદર્શિતા સાથે ભરતી પ્રક્રિયા હાથ ધરો.”

'અમે પરીક્ષા આપવાનું જ બંધ કરી દઈશું'

સુરેન્દ્રનગરના રશ્મિતા પરમારે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, “મે એમ.એ, બીએડનો અભ્યાસ કર્યો છે, હાલ બેરોજગારી ઘણી હોવાથી હું આ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા પણ તૈયાર થઈ ગઈ છું. સરકારે આવી રીતે જ પેપર લીક જ કરવા હોય તો આવી પરીક્ષા લેવાનો કોઈ અર્થ જ નથી.”

તેઓ વધુમાં કહ્યું હતું કે, “આ પહેલા પણ ઘણી બધી પરીક્ષાઓ મોકૂફ રહી છે, એમાં હું પણ સામેલ હતી. અમે હાલ ખાનગી સ્કુલમાં નોકરી કરીએ છીએ, તેમાં પણ સરકાર પૂરતો પગાર આપતી નથી. સરકારે આવું જ કરવું હોય તો અમે આવી પરીક્ષા આપવાનું બંધ કરી દઈએ.”

'અમે અમારી જમીનો વેચીને તમારી નોકરીએ લાગી જઈશું'

જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જવાના કારણે પરીક્ષા મોકૂફ રાખવી પડી છે. જેને કારણે રાજ્યભરમાં વિદ્યાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ દરમિયાન સરકારે વિદ્યાર્થીઓને પરત જવા માટે એસટી બસની સેવા નિઃશુલ્ક કરી આપી છે.

વીરમગામના ઉમેદવાર મગન ડાભીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, “2017થી સતત આ પેપર લીક થવાની પરંપરા ચાલતી આવી છે, સરકારે ઘરના છોકરા લગાવવા માટે જો આવા પ્રયત્ન કરવા હોય તો અમારી જેવા વિદ્યાર્થીઓને ના પાડી દો કે આ તમારા કામનું નથી. તો અમે છાનામાના ડબ્બા લઈને કંપનીમાં જતા રહીશું.”

“અમે અમારા માવતરની ફી કે અમારો સમય બગાડવા માગતા નથી. 25-25 વર્ષ સુધી અમે સતત મહેનત કરીએ છીએ, છતાં પણ અમારા હાથમાં નોકરી આવતી નથી તો આ સરકારનું અમારે શું કરવાનું. આ સરકારને યુવાપેઢીએ મત આપીને જીતાડ્યા છે, તેમ છતાં ભૂપેન્દ્રભાઈની સરકારે આવા પ્રયત્નો કર્યા!”

“સરકારે પેપર લીક કરવા હોય તો ફી જાહેર કરે કે આટલા વિદ્યાર્થીઓ અને આટલી ફી છે તમે લાગી જાવ નોકરી, તો અમે અમારી જમીનો વેચીને તમારી નોકરીએ લાગી જઈશું.”

'સાત વર્ષથી મહેનત કરું છું'

અમદાવાદમાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “ભાવનગરથી હું અમદાવાદ પરીક્ષા આપવા માટે આવ્યો છું, પરંતુ પેપર ફૂટી ગયું એટલે અફસોસ થયો. ભાવનગરથી અહીં પ્રાઇવેટ બસમાં ભાડું ભરીને ઊભા-ઊભા મુસાફરી કરીને આવ્યો હતો, સવારમાં સ્ટેશને પહોંચ્યો, ત્યારે ખબર પડી કે પેપર ફૂટી ગયું છે.”

તેમણે રડતાં-રડતાં કહ્યું હતું કે, “પેપર લીક થયાના સમાચાર સાંભળતા ખૂબ દુખ થયું હતું, કારણ કે સાત વર્ષથી હું મહેનત કરું છું, પણ એક-બે માર્ક્સ માટે રહી જવાય છે. ઘરનું પણ ગુજરાન ચલાવવાનું હોય છે, પણ હાલ જે પરિસ્થિતિ છે તેનું શું કરી શકું. માતા-પિતા પણ નારાજ થઈ જાય છે.”

“સરકારની નીતિ જ એવી છે કે રાજકારણમાં પૈસા આપીને પેપર લીક કરી નાખે અને પાછળ અમારા જેવાનું ભવિષ્ય બગાડી નાખે છે.”

તેઓએ વધુમાં કહ્યું હતું કે, “આ પરીક્ષા માટે ઘણા સમયથી મહેનત કરતા હોઈએ છીએ, તેના માટે ટ્યુશન પણ રાખતા હોઈએ છીએ અને આમ પેપર લીક થઈ જાય તો અમે શું કરી શકીએ. આ પહેલા મેં બિન સચિવાલયની પરીક્ષા પણ ચાર વખત આપી છે અને એમાં પણ પેપર લીક થયા હતા.”

“માતા-પિતાની ઈચ્છા છે તેથી હું આગળ તો પરીક્ષા આપીને પ્રયત્ન કરતો જ રહીશ. જેને પણ પેપર લીક કર્યું છે તેમને કડક સજા થવી જ જોઈએ.”