નાણાંની શોધ ક્યારે થઈ અને ડૉલર વિશ્વમાં મુખ્ય કરન્સી ક્યારે બન્યો?

    • લેેખક, સેસિલિયા બારિયા
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ

પૈસાનો ઇતિહાસ રોમાંચક છે અને તે હજારો વર્ષોથી ચુકવણી તથા સંપત્તિની થાપણ ઉપરાંત અનેક અર્થમાં ઉપયોગી થયો છે.

તે હિસાબનો એકમ બન્યો છે એટલે કે એક એવી વ્યવસ્થાનો કારક બન્યો છે, જે આપણને કિંમત નક્કી કરવાની તથા દેવાંની નોંધ કરવાની સવલત આપે છે.

પૈસાની ઉત્પત્તિ, તેની પરિભાષા જેટલી જ વિવાદાસ્પદ છે. વિનિમય પછી માનવજાતે સૌપ્રથમ વેપારીપ્રણાલી વિકસાવી તે બાબતે પુરાતત્ત્વવિદો, ઇતિહાસકારો, ફિલસૂફો અને અર્થશાસ્ત્રીઓના પોતપોતાના સિદ્ઘાંતો છે.

પૈસાનું મૂળ વર્ષો પહેલાં અનાજ, ચાંદી, માટીની વસ્તુઓ, દરિયાઈ છીપ અથવા કોકો બીન્સથી માંડીને પ્રાચીન ઈરાકના રાજાઓ દ્વારા સત્તાવાર રીતે બનાવવામાં આવેલા ધાતુના સિક્કામાં મળે છે.

તેનાં ઘણાં વર્ષો પછી, ધાતુના સિક્કાનું વહન કરવાનું અત્યંત મુશ્કેલ બન્યું ત્યારે ચીનમાં સૌપ્રથમ કાગળની બૅન્કનોટ અસ્તિત્વમાં આવી હતી.

માંડ 70 વર્ષ પહેલાં, પહાડો વચ્ચેની હોટલમાં મોડી રાત સુધી ચાલેલી ગુપ્ત રાજકીય વાટાઘાટ દરમિયાન ડૉલર નામનું લીલા રંગનું ચલણ વિશ્વની સૌથી શક્તિશાળી ચલણ બન્યું હતું.

સુમેરિયન લોકોના વેપારી વ્યવહારો

આપણને વ્યવહારો કરવાની સગવડ આપતી કોઈક સામગ્રી તરીકે આપણે પૈસાનો વિચાર કરીએ ત્યારે કેટલાક નિષ્ણાતો એવી દલીલ કરે છે કે તેનું મૂળ ચાંદી અથવા જવમાં મળે છે. તે એક એવું અનાજ છે કે જેનો વિનિમય સુમેરિયનો આશરે 5,000 વર્ષ પહેલાં મેસોપોટેમિયા (હાલના ઈરાક)માં કરતા હતા.

તે ઉત્પાદનોનું પોતાનું આગવું મૂલ્ય હોવા ઉપરાંત તે માપના એકમ તરીકે પણ ઉપયોગમાં લેવાતા હતા અને તેનો ઉપયોગ તેમના વજન દ્વારા કામની મજૂરી, દેવાં પરનું વ્યાજ અને ચુકવણીના વચન જેવી અન્ય બાબતોનું મૂલ્ય માપવા માટે કરવામાં આવતો હતો.

બ્રિટિશ મ્યુઝિયમના મિડલ ઇસ્ટ વિભાગમાંના ક્યુનિફોર્મ તથા સિલિન્ડર સીલ સંગ્રહના સંરક્ષક જોન ટેલરના જણાવ્યા મુજબ, કેટલાક કામદારોને બિયર અથવા ફર્નિચર જેવી વસ્તુઓમાંથી નિશ્ચિત રકમની ચુકવણી કરવામાં આવતી હતી.

એકમેકની સરખામણી વખતે કાચા માલનું મૂલ્ય સામાન્ય બાબત ગણાતું હતું. દાખલા તરીકે ઊન તથા ખજૂરનું મૂલ્ય ચાંદી જેટલું માનવામાં આવતું હતું.

જોન ટેલર કહે છે કે, “સુદૂર વિસ્તારો સુધી કામગીરી કરતા વેપારીઓ એકબીજા સાથે એક પ્રકારની સાખને આધારે વેપાર કરતા હતા. એ વ્યવસ્થા મુજબ તેઓ એક જગ્યાએથી માલ ઉપાડીને બીજી જગ્યાએ પરત મોકલી શકતા હતા અથવા સંસાધનો પરનો અધિકાર અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી શકતા હતા. તેને ચલણ કહેવાય કે પૈસા એ ચર્ચાનો મુદ્દો છે.”

પહેલો સિક્કો કે ચલણી નોટ ક્યારે બન્યા અને કોણે બહાર પાડ્યા એ જાણો છો?

  • આપણે અવારનવાર એવું સાંભળીએ છીએ કે પહેલાંના જમાનામાં સોના-ચાંદી અને સાટા વ્યવહાર થકી વસ્તુઓનું – ખરીદ વેચાણ થતું
  • નાણાંની ઉત્પત્તિ સાથે જોડાયેલી પણ ઘણી કથાઓ તમે આજ સુધી વાંચી ચૂક્યા હશો
  • પરંતુ શું આપને ખ્યાલ છે કે પહેલો આધિકારિક સિક્કો ક્યારે બહાર પાડવામાં આવ્યો અને કોણે બહાર પાડ્યો?
  • કે પછી પહેલી ચલણી નોટ ક્યારે ચલણમાં આવી?
  • જો આ બધું વિચાર્યું હોય તો પણ શું ક્યારેય એ વાત તમારા મગજમાં આવી છે ખરી કે આખરે દેશો વચ્ચેના વેપાર માટે સામાન્ય ચલણ તરીકે ડૉલર ક્યારે સર્વસ્વીકૃત બન્યો? આવી અને બીજી ઘણી બધી રસપ્રદ વાતો વાંચો બીબીસી ગુજરાતીના આ ખાસ અહેવાલમાં.

વ્યાજ સાથેની લોન

બધાનો આધાર આપણે વિભાવનાને કેવી રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ તેના પર છે. અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીના મ્યુઝિયમ ઑફ આર્કિયૉલૉજી એન્ડ એન્થ્રૉપૉલૉજીના પ્રોજક્ટ ફિલ્ડ ડિરેક્ટર વિલિયમ બી હેફોર્ડ એવી દલીલ કરે છે કે પૈસા “મૂલ્યનું પ્રમાણ નક્કી કરવાનો એક પ્રયાસ છે, જ્યારે ચલણ એ નાણાંનું ભૌતિક સ્વરૂપ કરવાનો પ્રયાસ છે.”

આ સંદર્ભમાં વિચાર કરીએ તો જવ અને ચાંદીના ચલણનાં સ્વરૂપો અને કદાચ આજ સુધીનાં જાણીતાં ભૌતિક નાણાંનો સૌથી જૂનો પ્રકાર હતાં.

હવે એવું કહેવામાં આવે છે કે નાણાંનું મૂળ લેણદેણના વ્યવહારોમાં છે, જે પ્રાચીન મેસોપોટેમિયામાં અસ્તિત્વમાં હતા. હેફોર્ડે મેસોપોટેમિયાના સૌથી મહત્ત્વપૂર્ણ સુમેરિયન શહેરો પૈકીના મહત્ત્વના એક વિસ્તારમાં વર્ષો સુધી ખનન કાર્ય કર્યું હતું.

વ્યક્તિ ભાવિ વિનિમયના બદલાનું વચન આપીને બીજી વ્યક્તિ પાસેથી કંઈક મેળવી શકતી હતી. બધા વ્યવહાર આ હકીકત પર આધારિત હતા. આ રીતે દેવાંનો ખ્યાલ આકાર પામ્યો હતો.

હેફોર્ડના જણાવ્યા મુજબ, આમ વિનિમયનું આ સ્વરૂપ પહેલાં નાનાં સમુદાયોમાં ઉદ્ભવ્યું હતું અને પછી લેખનનો આવિષ્કાર થયો ત્યાં સુધી મોટા સમુદાયમાં વિકસ્યું હશે.

તેઓ કહે છે કે, “અમારી પાસે પ્રાચીન મેસોપોટેમિયાના લોન અને દેવાના સંખ્યાબંધ દસ્તાવેજો છે. તેમાં વ્યાજ પણ લેવાતું હતું.”

ચાંદીનું વજન

મેસોપોટેમિયાના ઇતિહાસમાં મોટાભાગની વસ્તુઓનું મૂલ્ય માપવા માટે ચાંદી સામાન્ય માધ્યમ હતી.

હેફોર્ડ કહે છે કે, “રક્ષણના હેતુસર જમીનમાં દાટવામાં આવેલો ચાંદીનો ખજાનો અમને ઘણીવાર મળી આવે છે. તેમાં ચાંદીની ફૂલદાનીના ટુકડાને, જૂની માળાને ગાળીને બનાવવામાં આવેલા ચાંદીના ગઠ્ઠા અથવા સર્પાકાર રિંગ્ઝનો સમાવેશ થાય છે.”

સર્પાકાર રિંગ્ઝ એ ધાતુને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાનો આસાન માર્ગ હતી. ક્યારેક તેને વાળ સાથે પણ બાંધવામાં આવતી હતી. તેના ટુકડા કરીને વસ્તુઓ માટે ચુકવણી કરી શકાતી હતી. તેનો ટિપિકલ વિનિમય દર આશરે 300 લિટર ધાન્ય માટે ચાંદીનો એક શેકલ (આશરે 8.4 ગ્રામ) હતો.

મેસોપોટેમિયન દસ્તાવેજો વિશેની ચર્ચા

પ્રાચીન મેસોપોટેમિયાના માટી પરના હિસાબનો કેટલોક રેકૉર્ડ મળી આવ્યો છે. ઇતિહાસકાર નિઆલ ફર્ગ્યુસનના જણાવ્યા મુજબ, હાથ કરતાં પણ નાના આકારની કેટલીક વસ્તુઓ તેના ધારકને ચુકવણીનું વચન અથવા એક પ્રકારનો ખરીદીનો ઑર્ડર હતી.

ઉદાહરણ તરીકે, કેટલાકમાં એવું લખવામાં આવ્યું હતું કે માટીનો દસ્તાવેજ ધરાવતી વ્યક્તિને દેવા પેટે ચોક્કસ પ્રમાણમાં જવ આપવી પડશે. તે મુજબ વ્યવહારમાં વસ્તુનું રૂપાંતર પૈસાના સ્વરૂપમાં થયું હતું.

યેલ યુનિવર્સિટીના નીયર ઇસ્ટર્ન લેંગ્વેજ અને સંસ્કૃતિના પ્રોફેસર ઇકર્ટ ફ્રામ એવી દલીલ કરે છે કે મેસોપોટેમિયાના વેપારીઓ પરંપરાગત ધાતુઓને બદલે પ્રસંગોપાત પૈસાના વર્ચ્યુઅલ સ્વરૂપનો ઉપયોગ કરતા હતા.

તેઓ કહે છે કે, “દાખલા તરીકે, ઈસવી પૂર્વેની વીસમી તથા ઓગણીસમી સદીના લાંબા અંતરના વેપારી ઉદ્યમોમાં અસીરિયન વેપારીઓએ મધ્ય તુર્કીના કાનેશ શહેરમાં માટી પરના લગભગ 24,000 દસ્તાવેજો બનાવ્યા હતા, જેમાં બેરર ચેક જેવી આધુનિક વસ્તુઓનો સમાવેશ થાય છે. કનેશ દસ્તાવેજના સ્વરૂપમાં ચેક ધરાવતી વ્યક્તિને ચુકવણી કરવામાં આવી હતી.”

જોકે, મેસોપોટેમિયામાં પૈસાના એક સ્વરૂપ તરીકે આવા દસ્તાવેજોના ઉપયોગના વિચાર સાથે બધા લોકો સહમત નથી.

બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીના પુરાતત્ત્વવિદ અને ઈરાક ખાતેની સ્કૂલ ઑફ બ્રિટિશ આર્કિયૉલૉજીના ભૂતપૂર્વ ડિરેક્ટર નિકોલસ પોસ્ટગેટ એવી દલીલ કરે છે કે મેસોપોટેમિયાના સંદર્ભમાં માટીના દસ્તાવેજોમાં વ્યવહારોનો રેકૉર્ડ સમાવિષ્ટ હતો, પરંતુ તેનો ઉપયોગ સિક્કા તરીકે થતો ન હતો.

તેઓ કહે છે કે, “પૈસાની સૌથી નજીકની વસ્તુ, કહો કે કરન્સી તો ચાંદી અને જવ જ હતી.”

બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટીના એશિયન તથા મિડલ ઇસ્ટર્ન સ્ટડીઝ વિભાગના પ્રોફેસર જેકબ ડાહલ જેવા સંશોધકો પણ આ મુદ્દો ઉઠાવે છે. તેઓ એવી દલીલ કરે છે કે, “એ દસ્તાવેજો પૈસાનું સ્વરૂપ ન હતા. તેમના લોન દસ્તાવેજોમાં ઉછીના લીધેલા પૈસા અને વ્યાજની ગણતરી હોઈ શકે. પ્રાચીન બેબીલોનિયા અને પ્રાચીન એસીરિયામાં પછીના સમયગાળામાં તે પ્રોમિસરી નોટ હતી.”

તેઓ ઉમેરે છે કે પૈસાની માફક ચાંદી વિનિમયના માધ્યમ તરીકે કામ કરતી હતી, “પરંતુ તેને મધ્યસ્થ બૅન્ક કે સરકારનું સમર્થન ન હોવાથી તેને પૈસા કહી શકાય નહીં.”

સત્તાવાર રીતે બનાવવામાં આવેલો પહેલો ચલણી સિક્કો

સરકાર દ્વારા સત્તાવાર રીતે બનાવવામાં આવેલા સૌપ્રથમ સિક્કાઓ એનાટોલિયા(હાલના તુર્કી)માં ઈસવી પૂર્વે 640ની આસપાસ બહાર પાડવામાં આવ્યા હશે. તેના પર લિડિયાના રાજા એલિએટ્સની મહોર હતી.

લીડિયન સ્ટેટર નામે ઓળખાતા તે સિક્કા ઇલેક્ટ્રમ તરીકે ઓળખાતી સોના તથા ચાંદીની મિશ્ર ધાતુ વડે બનાવવામાં આવ્યા હતા. એ સિક્કા ચીન, ભારત કે ઇજિપ્ત, પર્શિયન, ગ્રીક અથવા રોમન સંસ્કૃતિમાં બહાર પાડવામાં આવેલા સિક્કા કરતા પુરાણા હતા.

સિક્કાઓ ટકાઉ, પરિવહનમાં સરળ અને આગવું મૂલ્ય ધરાવતા હોવાને કારણે તેમનું નિર્માણ અત્યંત સફળ સાબિત થયું હતું. આ સિક્કાઓ એટલા કાર્યક્ષમ તથા મૂલ્યવાન સાબિત થયા હતા કે રાજકીય નિયંત્રણનું સાધન બની ગયા હતા. સિક્કાઓને કારણે ચુનંદા વર્ગની સુખાકારી માટે કર વસૂલવાનું સૈન્યોને નાણાં પૂરાં પાડવાનું અને સરહદ પાર વેપાર કરવાનું શક્ય બન્યું હતું.

સિક્કાઓની સાથે પૈસાનાં અન્ય સ્વરૂપોને ઉપયોગ પણ ચાલુ રહ્યો હતો. વાસ્તવમાં સૅલરી (પગાર) શબ્દ લૅટિન શબ્દ સેલેરિયમ પરથી આવ્યો છે, જેનું મૂળ મીઠું (નમક) છે. રોમન સામ્રાજ્યના સમયમાં સૈનિકો તથા સરકારી અધિકારીઓને મીઠાના સ્વરૂપમાં મહેનતાણું આપવામાં આવતું હતું. મીઠું એ સમયે બહુ મૂલ્યવાન જણસ હતું અને તેનો ઉપયોગ અન્ય વસ્તુઓની સાથે ખાદ્યસામગ્રીની જાળવણી માટે કરવામાં આવતો હતો.

કેટલાક પ્રાચીન સિક્કાઓ દુર્લભ છે, કારણ કે તે બહુ સુંદર છે અને તેમને સાચવી રાખવામાં આવ્યા હોવાથી આપણને આપણા યુગ પહેલાંના સંસ્કૃતિના વિદ્વાનો વિશે મૂલ્યવાન માહિતી મળે છે. એ પૈકીનો એક સિક્કો એથેન્સમાં ઈસવી પૂર્વે 450ની આસપાસ બનાવવામાં આવેલો ટેટ્રાડ્રેક્મા છે. તેના પર ઘુવડના ચિત્ર સાથે દેવી એથેનાનું પ્રતીક હતું.

કાગળની નોટનું આગમનઃ ચાઇનીઝ જિયાઓઝી

ચીનમાં વચ્ચે કાણું ધરાવતા તાંબા અથવા કાંસાના ચોરસ સિક્કા મૂળભૂત નાણાકીય એકમ તરીકે વપરાશમાં હતા. વચ્ચે કાણું હોવાને કારણે એ સિક્કાઓને એક દોરીમાં પરોવીને લટકાવી શકાતા હતા, પરંતુ પ્રવાસ અને વેપારનો વિકાસ થયો તેમ વ્યવહારો માટે સિક્કાની માગ પણ વધી હતી. એક સમયે તાંબુ દુર્લભ બની ગયું હતું અને તેનાથી વધુ મહત્ત્વની વાત એ છે કે ચલણ પર નિયંત્રણ જાળવી રાખવું બહુ મહત્ત્વનું છે એ શાસકોને સમજાયું હતું.

પોતાના સિક્કા પરદેશીના હાથમાં ન જાય તેવું તેઓ ઇચ્છતા હતા. તેથી તેમણે નિયમ બનાવ્યો હતો કે એ માટે માત્ર લોખંડના સિક્કાઓનો ઉપયોગ કરી શકાશે.

વેલ, લોખંડના સિક્કા એટલા વજનદાર હતા કે મોટા વ્યવહાર કરવા હોય ત્યારે ખચ્ચર કે બળદ પણ તેના વહનનો ભાર ખમી શકતા ન હતા. કલ્પના કરો કે મુઠ્ઠીભર ચાંદી માટે તેઓ એક વ્યક્તિના શરીર જેટલો મોટો કોથળો ભરીને લોખંડના સિક્કા આપતા હતા.

મોટા પ્રમાણમાં આવી સિક્કાઓની હેરફેર ટાળવાના હેતુસર વેપારીઓએ ‘નાણાકીય સાધન’ તરીકે કાગળનો વપરાશ શરૂ કર્યો હતો.

લગભગ 1,000 ઈસવીમાં ચીનના સિચુઆન પ્રાંતમાં સોંગ રાજવંશના શાસનકાળમાં વિશ્વની સૌપ્રથમ કાગળની ચલણી નોટ બહાર પાડવામાં આવી હતી. જિયાઓઝી તરીકે ઓળખાતી તે નોટ શેતૂરના ઝાડની છાલમાંથી બનાવવામાં આવી હતી.

એ પછી વેપારીઓએ તેમના પોતાના ચલણનો ઉપયોગ બંધ કર્યો હતો અને જિયાઓઝીને સત્તાવાર કરન્સી બનાવીને શાસકોએ વ્યવસ્થા પર નિયંત્રણ મેળવ્યું હતું.

ડૉલર 1972માં સત્તાવાર આદેશ દ્વારા અમેરિકાની કરન્સી બન્યો હતો.

ડૉલરની સર્વોપરિતાને જન્મ આપનારી વાટાઘાટ

બીજા વિશ્વયુદ્ધનો અંત આવતાંની સાથે સાથી સરકારોને તેમની સમસ્યાનું ભાન થયું હતું. તેમનાં અર્થતંત્રો બરબાદ થઈ ગયાં હતાં અને તેઓ વિચારતા હતા કે પુનઃનિર્માણ શરૂ થશે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે વેપારનું માધ્યમ કઈ કરન્સી બનશે.

એ વખતે 44 દેશોના પ્રતિનિધિઓએ અમેરિકાના બ્રેટન વૂડ્ઝ શહેરની માઉન્ટ વૉશિંગ્ટન હોટલમાં, જુલાઈ – 1944માં 22 દિવસ સુધી, યુદ્ધ પછીનાં નાણાં તથા વેપારના ભાવિ વિશે વાટાઘાટ કરી હતી.

યુરોપના પાયમાલ થઈ ગયેલા દેશો એ વાટાઘાટમાં ભારે આશા સાથે આવ્યા હતા અને અમેરિકા પાસે વિશ્વનો સૌથી મોટો સુવર્ણ ભંડાર હતો.

એડ કોનવેના પુસ્તક ‘ધ સમીટ’માં જણાવ્યા અનુસાર, એ શિખર પરિષદમાં દિવસ દરમિયાન વાટાઘાટ કક્ષમાં તથા રાતે હોટલના ધ મૂન રૂમ બારમાં તીવ્ર રાજકીય લડાઈ સાથેની બેઠકો થઈ હતી.

તેમાં બે બુદ્ધિશાળી નેતાઓ વચ્ચે લગભગ મૃત્યુની હદ સુધીનું બૌદ્ધિક દ્વંદ્વયુદ્ધ થયું હતું. એ પૈકીના એક બ્રિટિશ જોન મેનાર્ડ કેન્સ સમગ્ર વિશ્વ માટે ‘બેન્કોર’ નામનું સર્વસામાન્ય ચલણ અમલી બનાવવા ઇચ્છતા હતા, જ્યારે બીજા હતા અમેરિકાના નાણાવિભાગના હેરી ડેકસ્ટર. આખરે હેરીનો વિજય થયો હતો.

બ્રેટોન વૂડ્ઝ ખાતેની વાટાઘાટના અંતે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે અમેરિકન ડૉલર આંતરરાષ્ટ્રીય વ્યવહારો માટેની કરન્સી બનશે. એ માટે બે સંસ્થાની રચના કરવામાં આવી હતી. તેમાં આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ અને વિશ્વ બૅન્કનો સમાવેશ થાય છે. આ બન્ને સંસ્થાઓ યુદ્ઘના અંતે આર્થિક સમસ્યાઓથી ઘેરાયેલા દેશોને ડૉલરમાં લોન આપશે, તેવું પણ નક્કી થયું હતું.

એ વખતે કોણે કલ્પના કરી હશે કે પહાડ પરની હોટલમાં થયેલી વાટાઘાટ આજે પણ અસ્તિત્વ ધરાવતા ઇન્ટરનેશનલ ફાઇનાન્સ આર્કિટેક્ચરને જન્મ આપશે.