પેટના દુખાવાની સારવાર માટે મહિલાને હૉસ્પિટલમાં દાખલ કરાયાં અને બે કિડની કાઢી લીધી...

    • લેેખક, સીટૂ તિવારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે, મુઝફ્ફરપુર (બિહાર)થી
  • સુનીતા મુઝફ્ફરપુરના શ્રીકૃષ્ણ ચિકિત્સા મહાવિદ્યાલય હૉસ્પિટલ(એસકેએમસીએચ)ના આઈસીયુમાં સારવાર લઈ રહ્યાં છે
  • સપ્તાહમાં ત્રણ દિવસ કરવામાં આવતા આ ડાયાલિસીસને કારણે સુનીતા જીવંત છે
  • બિહારનાં 28 વર્ષનાં સુનીતા ચાર મહિનાથી વધુ સમયથી કિડની વગર જીવી રહ્યાં છે
  • ત્રણ સંતાનોનાં માતા સુનીતાનું સૌથી મોટું સંતાન 11 વર્ષનું છે
  • તેમના પતિ અકલૂ રામ મજૂરી કરે છે
  • ક્લિનિકના સંચાલક પવન કુમારે ગર્ભાશયના ઑપરેશનની સલાહ આપી હતી
  • તેમણે ક્લિનિકમાં રૂ. 20,000 જમા કરાવ્યા હતા અને 2022ની ત્રીજી સપ્ટેમ્બરે તેમના પર ગર્ભાશયનું ઑપરેશન કરવામાં આવ્યું હતું
  • રોજ મજૂરી કરીને ગુજરાન ચલાવતા અકલૂ રામે ગયા સપ્ટેમ્બરથી સુનીતાના ડાયાલિસીસને કારણે સતત હૉસ્પિટલમાં રહેવું પડે છે

હું સુનીતાને મળી ત્યારે તેઓ જમીન પર બેસીને શિયાળાના તડકાનો સેક લઈ રહ્યાં હતાં. સુનીતા મુઝફ્ફરપુરના શ્રીકૃષ્ણ ચિકિત્સા મહાવિદ્યાલય હૉસ્પિટલ(એસકેએમસીએચ)ના આઈસીયુમાં સારવાર લઈ રહ્યાં છે.

તેમના પતિ અકલૂ રામ મને ત્યાં લઈ ગયા હતા. સુનીતાનું એ દિવસ ચાર કલાક સુધી ડાયાલિસીસ થયું હતું. સપ્તાહમાં ત્રણ દિવસ કરવામાં આવતા આ ડાયાલિસીસને કારણે સુનીતા જીવંત છે.

ડાયાલિસીસના સહારે તો ઘણા લોકો જીવન પસાર કરતા હોય છે, પરંતુ બિહારનાં 28 વર્ષનાં સુનીતા ચાર મહિનાથી વધુ સમયથી કિડની વગર જીવી રહ્યાં છે.

એસકેએમસીએચમાં મેડિસીન વિભાગનાં અધ્યક્ષ ડૉ. એ એ મુમતાઝે તેની પુષ્ટિ કરતાં બીબીસીને કહ્યું હતું કે “સુનીતાની બન્ને કિડની નથી.”

શું છે આખો મામલો?

સુનીતા દેવી બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના બરિયારપુર પંચાયત હેઠળના મથુરાપુર સિહો ગામનાં રહેવાસી છે. ત્રણ સંતાનોનાં માતા સુનીતાનું સૌથી મોટું સંતાન 11 વર્ષનું છે. તેમના પતિ અકલૂ રામ મજૂરી કરે છે.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સુનીતા પેટમાં પીડાને કારણે પરેશાન હતાં. તેમણે પરિવારજનોને આ વાત કરી ત્યારે તેઓ તેમને ઇલાજ માટે સ્થાનિક ક્લિનિકમાં લઈ ગયા હતા.

તે ક્લિનિકના સંચાલક પવન કુમારે ગર્ભાશયના ઑપરેશનની સલાહ આપી હતી. તે સલાહના આધારે તેમણે ક્લિનિકમાં રૂ. 20,000 જમા કરાવ્યા હતા અને 2022ની ત્રીજી સપ્ટેમ્બરે તેમના પર ગર્ભાશયનું ઑપરેશન કરવામાં આવ્યું હતું.

અકલૂ રામ કહે છે કે “મેં સુનીતાને ઑપરેશન કરાવવાની ના પાડી હતી, પણ તે ઝઘડો કરીને ધરાર ચાલી ગઈ હતી.”

ઑપરેશનના થોડા કલાકો બાદ જ સુનીતાની તબિયત બગડવા લાગી હતી. તેને પેશાબ આવવાનું બંધ થઈ ગયું હતું.

ક્લિનિકના સંચાલક પવન કુમારે પરિવારને એવું કહીને દિલાસો આપ્યો હતો કે તેઓ સુનીતાને ઇલાજ માટે “પોતાના પટનાવાળા ગુરુજી પાસે લઈ જશે.”

તેઓ સુનીતાને ગંગારામ હૉસ્પિટલ લઈ ગયા હતા, પરંંતુ એ હૉસ્પિટલે સુનીતાને પટનાની મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલ(પીએમસીએચ)માં મોકલી આપ્યાં હતાં.

સુનીતાનાં માતા તેતરી દેવીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં લખવામાં આવ્યું છે કે “પવન એ લોકોને પટનાના ગાયઘાટસ્થિત ગંગારામ હૉસ્પિટલ લઈ ગયા હતા, પરંંતુ એ હૉસ્પિટલે પણ રૂ. 40,000 વસૂલીને તેમને પીએમસીએચમાં મોકલી આપ્યાં હતાં.”

પોલીસ શું કહે છે?

પોલીસ ફરિયાદમાં પવન કુમાર ઉપરાંત ડૉ. આર કે સિંહ (સર્જન), સહાયક જિતેન્દ્રકુમાર પાસવાન અને પવનનાં પત્નીના નામ આરોપી તરીકે લખવામાં આવ્યાં છે.

મુઝફ્ફરપુરના પોલીસ વડા રાકેશ કુમારે બીબીસીને કહ્યું હતું કે “આ મામલે પવનની ધરપકડ કરવામાં આવી છે. અન્ય આરોપીઓની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. ફરિયાદમાં જે આર કે સિંહનું નામ છે તેમની વિરુદ્ધ પણ પુરાવા મળ્યા છે. પવન કુમાર તબીબી ઇલાજ સંબંધી શૈક્ષણિક યોગ્યતા ધરાવતા નથી. તેમણે બિહારમાં કોઈ ડૉક્ટર પાસે કમ્પાઉન્ડર તરીકે કામ કર્યું હતું. આરોપીઓ પૈકીના કોઈનો ગુનાહિત ભૂતકાળ નથી.”

‘એક હૉસ્પિટલથી બીજી હૉસ્પિટલ વચ્ચે ફૂટબૉલ બન્યા છીએ અમે’

અકલૂ રામ કહે છે કે “ગંગારામ હૉસ્પિટલમાં સુનીતાને દાખલ કરાવ્યા પછી પવન ભાગી ગયો હતો. એ પછી અમે ક્યારેક પીએમસીએચ તો ક્યારેક એસકેએમસીએચ અને આઈજીઆઈએમએસ વચ્ચે આંટાફેરા કરતા રહ્યા હતા. આયુષ્માન કાર્ડના પૈસા ખતમ થઈ ગયા ત્યારે આઈજીઆઈએમએસ હૉસ્પિટલે અમારું નામ કાઢી નાખ્યું હતું. એ પછી સુનીતા એસકેએમસીએચમાં સારવાર હેઠળ છે. અમને ફૂટબૉલ બનાવી દીધા છે.”

રોજ મજૂરી કરીને ગુજરાન ચલાવતા અકલૂ રામે ગયા સપ્ટેમ્બરથી સુનીતાના ડાયાલિસીસને કારણે સતત હૉસ્પિટલમાં રહેવું પડે છે. તેઓ કહે છે કે “અમે મજૂર છીએ. ગામ જઈશું તો અહીં હૉસ્પિટલમાં ડાયાલિસીસ માટે સપ્તાહના ત્રણ દિવસ કેવી રીતે આવીશું? સુનીતા મરી જશે.”

દસમું નાપાસ, ફળ વેચનારો બની ગયો ડૉક્ટર

સુનીતા સાથે જે થયું તે પહેલી નજરે ઊંટવૈદ્યનું કારસ્તાન લાગે છે. બરિયાપુરના મુર્ગીફાર્મ ચોક પાસેનું આ ક્લિનિક રસ્તા પર આવેલું છે. તેની ચારેય બાજુ ખેતરો છે. બંધ પડેલું આ ક્લિનિક પહેલી નજરે મરઘા ઉછેરનું ફાર્મ હોય તેવું લાગે છે. પોલીસ ફરિયાદમાં ક્લિનિકનું નામ શુભકાંત ક્લિનિક લખવામાં આવ્યું છે.

સ્થાનિક મીડિયામાં પ્રકાશિત એક ચોપાનિયામાં ક્લિનિકના સંચાલકોના નામ ડૉ. પવન કુમાર અને ડૉ. નારાયણ યાદવ લખેલાં છે. ચોપાનિયા પર એવું પણ લખેલું છે કે “અહીં 24 કલાક ઈમરજન્સી સારવાર ઉપલબ્ધ છે અને તમામ પ્રકારનાં ઑપરેશનની વ્યવસ્થા તેમજ તમામ પ્રકારની બીમારીનો સફળ ઇલાજ કરવામાં આવે છે.”

રજિસ્ટ્રેશન વિના છેલ્લાં બે વર્ષથી ચાલી રહેલા શુભકાંત ક્લિનિકની બરાબર સામે, રસ્તાની બીજી તરફ કૃતિ ઑટો સ્પેર્સની દુકાન છે. એ દુકાન પવનના નાના ભાઈ અવિનાશ કુમાર ચલાવે છે. પવનના પિતા રઘુનાથ પાસવાન મજૂરી કરે છે. પવનનો એક ભાઈ બરિયાપુર ગામમાં ટ્યૂશન ક્લાસ ચલાવે છે.

પવનના ભાઈ અવિનાશ કહે છે કે “આ ક્લિનિક ડૉ. આર કે સિંહનું છે. તેઓ ઑપરેશન કરતા હતા. પવન સિંહ તેમાં સફાઈકામ કરે છે અને ક્યારેક નાની-મોટી બીમારીની દવા આપવાનું કામ કરે છે. પવનનાં પત્ની સંગીતા દેવી ઘરમાં જ રહે છે. મારા ભાઈને ફસાવી દેવામાં આવ્યો છે.”

પવન દસમુ ધોરણ પાસ પણ નથી. ક્લિનિક ચલાવતા પહેલાં તે ભૂતાન જઈને ફળ અને ખાસ કરીને સંતરાનું પેકેજિંગ કરીને તે બિહાર લાવીને વેચતો હતો.

મુઝફ્ફરપુર જિલ્લાના સિવિલ સર્જન યૂ સી શર્માએ બીબીસીને કહ્યું હતું કે “આર કે સિંહ નામનો કોઈ ડૉક્ટર અમારા જિલ્લામાં રજિસ્ટર્ડ નથી. શુભકાંત ક્લિનિક પણ ગેરકાયદે છે. શરીરમાંથી કાઢવામાં આવેલાં અંગની જે તસવીર સુનીતાના પરિવારે મીડિયાને ઉપલબ્ધ કરાવી છે તેને જોતાં એવું નથી લાગતું તે માનવ તસ્કરી માટે છે. એવું લાગે છે કે જેણે ઑપરેશન કર્યું હશે તેને પેટના રચના બાબતે પૂરતી જાણકારી પણ નથી.”

બરિયારપુરની આરોગ્ય સેવા કેવી છે?

શુભકાંત ક્લિનિક જે બરિયારપુર પંચાયત હેઠળના વિસ્તારમાં આવેલું છે ત્યાં પવન પ્રત્યે લોકોમાં બહુ સહાનુભૂતિ છે. તેનું એક કારણ છે અહીંની ભાંગી પડેલી આરોગ્ય સેવા વ્યવસ્થા. અહીં માત્ર એક હેલ્થ ઍન્ડ વેલનેસ સેન્ટર છે. પહેલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અહીંથી 12 કિલોમીટર દૂર સકરામાં આવેલું છે. સકરા સુધીનો માર્ગ એટલો ખરાબ છે કે ત્યાં પહોંચતા એક કલાકથી વધુ સમય લાગે છે.

બરિયારપુર પંચાયતના સરપંચ રંજીત રાય કહે છે કે “હેલ્થ ઍન્ડ વેલનેસ સેન્ટરમાં ડૉક્ટર જ નથી. સકરા સુધીનો રસ્તો એટલો ખરાબ છે કે લોકો ત્યાં સુધી પહોંચી શકતા નથી. તેથી ગામમાં જ કેટલાક લોકો પ્રાથમિક ઉપચાર કરી આપે છે.”

બિહારના પાંચ લાખ ઊંટવૈદ્યમાંથી માત્ર 21,000 પ્રશિક્ષિત

રાજ્ય સરકારે 2015માં નિર્ણય કર્યો હતો કે આ ઊંટવૈદ્યોને તાલીમ આપીને ‘ગ્રામીણ ચિકિત્સક’ બનાવવામાં આવશે. તેનો વ્યવસાયિક અભ્યાસક્રમ તૈયાર કરવા માટે રાજ્ય સરકારે એક સમિતિ બનાવી હતી. તેના અધ્યક્ષ ડૉ. એલ બી સિંહ છે.

ડૉ, એલ બી સિંહ કહે છે કે “બિહારમાં હાલ લગભગ ચારથી પાંચ લાખ ડૉક્ટર સક્રિય છે. એ પૈકીના 21,000 પ્રશિક્ષિત ગ્રામીણ ચિકિત્સક છે. બીજા 30,000 તાલીમ લઈ રહ્યા છે. ગ્રામીણ ચિકિત્સક બનવા માટે દસમુ પાસ હોવું અનિવાર્ય છે. આવા ચિકિત્સકોનું કામ પ્રાથમિક ઉપચાર કરવાનું અને સરકારની સ્વાસ્થ્ય યોજનાઓ બાબતે લોકોને જાગૃત કરવાનું છે. ગ્રામીણ ચિકિત્સક એનાથી વધારે કશું કરી શકતા નથી.”

‘મને પવનની કિડની લગાવી આપો’

ચાર મહિનાથી પણ વધુ સમયથી કિડની વિના જીવી રહેલાં સુનીતાના ચહેરા પર સોજો સ્પષ્ટ દેખાય છે. તેઓ કહે છે કે “શરીરમાં બીજી કોઈ તકલીફ નથી. બસ, ડૉક્ટર માત્ર અર્ધો લીટર પાણી પીવાનું જ કહે છે. પાણી પીધા વિના કોઈ કઈ રીતે જીવી શકે?”

સ્થાનિક મીડિયામાં સુનીતાના સમાચાર પ્રકાશિત થયા બાદ ઘણા લોકો કિડની દાન કરવા આગળ આવ્યા છે, પરંતુ હજુ સુધી કશું નક્કર થયું નથી.

બેચેન સુનીતા વારંવાર કહે છે કે “પવનની કિડની કાઢીને મારા શરીરમાં લગાવી આપો. એક કિડની આપશે તો પણ હું દસ વર્ષ જીવી લઈશ. મારાં સંતાનો મોટાં થઈ જશે. પતિની કિડની મેચ થઈ નથી અને મારાં માતા કિડની આપતાં પહેલાં જરૂરી તપાસ માટે પણ તૈયાર નથી.”

સુનીતાની સારવાર ચાલી રહી છે તે એસકેએમસીએચમાં કોઈ નેફ્રોલૉજિસ્ટ જ નથી. હૉસ્પિટલના એકમાત્ર નેફ્રોલૉજિસ્ટ ડૉ. ધર્મેન્દ્ર પ્રસાદની પણ ગયા ડિસેમ્બરમાં બદલી થઈ ગઈ હતી.

હૉસ્પિટલના અધીક્ષક બી એસ ઝાએ બીબીસીને કહ્યું હતું કે “સુનીતાની તબિયત હાલ તો સારી છે, પણ આ ટ્રાન્સપ્લાન્ટનો કેસ છે. અમારી હૉસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટની સુવિધા નથી. તેની માહિતી અમે સરકારને આપી છે. અમારી પાસે ડાયાલિસીસ તથા અન્ય સુવિધાઓ છે તે સુનીતાને નિઃશુલ્ક આપવામાં આવી રહી છે.”

આ ઘટનાની નોંધ રાજ્ય જ નહીં, રાષ્ટ્રીય માનવાધિકાર પંચે પણ લીધી છે. માનવાધિકાર પંચમાં આ કેસ સંબંધી કામગીરી સંભાળતા વકીલ એસ કે ઝા કહે છે કે “રાષ્ટ્રીય માનવાધિકાર પંચે મહિલાની સારવાર, આરોપીઓની ધરપકડ, ટ્રાન્સપ્લાન્ટ તથા વળતરની રકમ માટે રાજ્ય સરકાર પાસે માહિતી માગી છે.”

સુનીતા પાસે જીવતા રહેવાનો તરણોપાય શું છે?

આ સવાલના જવાબમાં પીએસસીએચ અને આઇજીઆઇએમએસના નેફ્રોલૉજી વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ હેમંત કુમાર કહે છે કે “કિડની વગરનો દર્દી અને જેની બન્ને કિડની ફેઈલ થઈ ગઈ હોય તે દર્દી બન્નેની સ્થિતિ એકસરખી જ હોય છે. આ કેસમાં દર્દીની વય નાની છે. તેથી ટ્રાન્સપ્લાન્ટ બહેતર વિકલ્પ છે.”