You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'જ્યારે મારી દીકરી જન્મી, ત્યારે હથેળી કરતાં પણ નાની હતી'
- લેેખક, સુશીલા સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
જ્યારે મારી દીકરી જન્મી, ત્યારે તે હથેળી કરતાં પણ નાની હતી. મેં જ્યારે તેને પ્રથમ વખત જોઈ, તો તેની આંખો ખુલ્લી હતી અને એ જોઈને મને આશા બંધાઈ કે તે જીવી જશે.
- ઉજ્જવલા, શિવાન્યાનાં માતા
ડૉક્ટરોએ કહ્યું હતું કે જિયાના જીવતી નહીં રહી શકે, પરંતુ એ હવે ચાર વર્ષની થઈ ચૂકી છે અને ડૉક્ટરોની સલાહ અનુસાર હું તેને એક સામાન્ય બાળક પ્રમાણે જ ઉછેરું છું.
- દીનલ, જિયાનાનાં માતા
આ કહાણી એવી બે બાળકીઓની છે કે જેમણે બે અલગ અલગ કૂખે સમય પહેલાં જન્મ લીધો અને તેમને જીવતી રાખવી એ કરિશ્માથી ઓછું નહોતું મનાતું.
ગત વર્ષે મે મહિનામાં મુંબઈનાં રહેવાસી ઉજ્જવલા પવારે ગર્ભાવસ્થાનાં 22મા અઠવાડિયામાં શિવાન્યાને જન્મ આપ્યો.
ડૉક્ટર સચીન શાહે મુંબઈથી બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ઉજ્જવલા પવારનું બાઇકાર્નેટ યુટેરસ હતું. તેમના યુટેરસમાં બાળક રહી નહોતું શકતું જેના કારણે પ્રીટર્મ લેબર કે પ્રસૂતી પીડા શરૂ થઈ ગઈ.
ઉજ્જવલાને પહેલા ખોળે દીકરો જન્મ્યો હતો અને તેની પ્રસૂતિમાં કોઈ મુશ્કેલી નહોતી પડી. પરંતુ જ્યારે તેમણે બીજી વખત ગર્ભ ધારણ કર્યો એટલે કે શિવાન્યા જ્યારે તેમના ગર્ભમાં હતી ત્યારે તેમને પરેશાની મહેસૂસ થવા લાગી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગર્ભાશયમાં બાળકનો પૂરો વિકાસ નહોતો થઈ રહ્યો, તેથી ઉજ્જવલાને નવ મહિના પૂરા થાય એ પહેલાં જ પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ.
બાઇકોર્નેટ યુટેરસને સાધારણ શબ્દોમાં સમજાવીએ તો ગર્ભાશય બે પોલાણમાં વહેંચાયેલો હોય છે. આ એક દુર્લભ પ્રકારની વિસંગતિ હોય છે.
જો કોઈ મહિલાને બાઇકોર્નેટ યુટેરસ હોય તો ઘણા મામલે મહિલા ગર્ભધારણના નવ મહિના પૂરા નથી કરી શકતી અથવા તો તેનો ગર્ભપાત થઈ જાય છે, અથવા તો આવી મહિલાઓને સમય પહેલાં જ પ્રસૂતિની પીડા શરૂ થઈ જાય છે અને ડિલિવરી કરાવવી પડે છે.
જો કોઈ મહિલાને 28 અઠવાડિયાથી પહેલાં ડિલિવરી થાય તો આવી સ્થિતિને પ્રીમૅચ્યોર કે સમય પહેલાંની ડિલિવરી કહે છે.
પુણેસ્થિત સૂર્યા હૉસ્પિટલના નિયોનેટલ ઍન્ડ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર સર્વિસ સાથે જોડાયેલા ડૉક્ટર સચીન શાહ જણાવે છે કે ઉજ્જવલાને હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં અને અલ્ટ્રાસાઉન્ડમાં એવી ખબર પડી હતી કે બાળકનું વજન લગભગ 500 ગ્રામ હતું.
નિયોનેટોલૉજિસ્ટ એટલે એ ડૉક્ટર, જે નવજાતના જન્મ બાદ થનારી મુશ્કેલીઓનો ઇલાજ કરે છે.
આશાઓની બે કહાણીઓ
જ્યારે ડિલિવરી થઈ ત્યારે બાળકીનું વજન 400 ગ્રામ જ હતું. એ હથેળીના આકાર કરતાં પણ નાની હતી અને માતા-પિતા બંને ઇચ્છતાં હતાં કે બાળકીને બચાવાય.
શિવાન્યાનાં માતા ઉજ્જવલા કહે છે કે, “મેં પોતાની દીકરીને જોઈ તો માત્ર તેનો ચહેરો દેખાયો અને તેની આંખો ખૂલી હતી, આ વાતે તે જીવશે એ વાતની મને આશા બંધાઈ. મેં મારા દિલમાં એકેય નકારાત્મક ભાવ ન આવવા દીધો અને જીવન પ્રત્યેની હકારાત્મકતા જ અમને મદદરૂપ થઈ.”
પિતા શશિકાંત પવાર કહે છે કે, “શિવાન્યાના જન્મ બાદ જ્યારે મને તેની પાસે જવા દીધો, ત્યારે તેની નાની આંગળીએ મને અડક્યો. મને જે અહેસાસ થયો, તેને હું શબ્દોમાં વ્યક્ત ન કરી શકું અને આ વાતે જ મને એ વાતની આશા બંધાવી કે મારી દીકરી સલામત રહેશે.”
આવી જ રીતે ચાર વર્ષ પહેલાં ગુજરાતના સુરતમાં જિયાના 22મા અઠવાડિયામાં જ જન્મી હતી. તેના જન્મ વખતે જિયાનાનો વજન 492 ગ્રામ હતું.
જિયાના વર્ષ 2018માં ઑક્ટોબર માસમાં જન્મી હતી.
અમદાવાદસ્થિત અર્પણ ન્યૂબૉર્ન કેર સેન્ટરના નિદેશક અને ચીફ નિયોનેટોલૉજિસ્ટ ડૉક્ટર આશીષ મહેતાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “જ્યારે દીનલનો કેસ મારી પાસે આવ્યો, એ સમયે તેમના ગર્ભાશયમાંથી પાણીની થેલી થઈ રહી હતી.”
તેઓ જોડિયાં બાળકોનાં માતા બનવાનાં હતાં અને તે પૈકી એકની વૉટર બૅગ લીક થઈ રહી હતી.
તેઓ જણાવે છે કે, “દીનલ 21 અઠવાડિયાંથી ગર્ભવતી હતાં. આવી પરિસ્થિતિમાં જોડિયાં બાળકો બચે એ મુશ્કેલ હતું. તેમજ ઑબ્સ્ટેટ્રીશિયને પણ પોતાના હાથ ખડા કરી દીધા હતા કારણ કે 21મા અઠવાડિયે ડિલિવરી કરાવીને બાળકને જીવતું રખાયું હોય તેવો મામલો મેડિકલ ઇતિહાસમાં ક્યારેય સામે નહોતો આવ્યો.”
તેઓ આગળ જણાવે છે કે, “મેં પણ આ મામલાનો અભ્યાસ કર્યો અને આવી ડિલિવરી બાદ બાળક જીવતું રહેશે એ અંગે આશંકા વ્યક્ત કરી.”
દીનલ હૉસ્પિટલમાં દાખલ થયાં અને એ દરમિયાન તેમનું 22મું અઠવાડિયું પૂરું થયું. પરિવાર ઇચ્છતું હતું કે દીનલ બાળકને જન્મ આપે.
જોકે, ડૉક્ટરોએ જણાવી દીધી હતું કે જો 24મા અઠવાડિયા પહેલાં ડિલિવરી થાય તો બાળકમાં વિકાર રહેવાની સંભાવના વધી જાય છે.
દીનલ જણાવે છે કે, “અમે ડૉક્ટરોને કહ્યું કે તેઓ ગમે તે કરે અમારા બાળકે બચાવે. જોકે તેઓ એકને જ બચાવી શક્યા. આવી સ્થિતિમાં હિંમત અને સંયમની ખૂબ જરૂર હોય છે.”
મુંબઈ અને સુરત, આ બંને મામલામાં બાળકોનો જન્મ 24મા અઠવાડિયા પહેલાં જ થયો.
આવાં બાળકો પર કયા ખતરા હોય છે?
ડૉક્ટર સચીન શાહ અને આશીષ મહેતા જણાવે છે કે સમય પહેલાં જન્મેલાં બાળકોના જીવિત રહેવાની સંભાવના પાંચથી દસ ટકા હોય છે.
- આવાં બાળકોનાં મસ્તિષ્કની સોનોગ્રાફીમાં જો બ્લીડિંગ દેખાય તો ભવિષ્યમાં તેમના અપંગપણાનો ખતરો વધી જાય છે
- બાળક જન્મે તેનાં ત્રણ-ચાર અઠવાડિયાંમાં આકલન કરી લેવાય છે કે બાળકને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે
- આંખો વિકસિત થઈ ન હોય તો આંખોની રોશની જાય તેવી પણ આશંકા રહે છે
- બહેરાશ આવવાનો પણ ખતરો રહે છે
- આવાં બાળકોનાં અંગો સંપૂર્ણપણે વિકસ્યાં ન હોય તો પ્રતિરોધક ક્ષમતા પણ નથી હોતી
- સેપ્સિસ થવાનો ખતરો
- ઇન્ફેક્શનનો ખતરો
- કિડની ફેઇલ થવાનો ખતરો પણ વધી શકે છે
હાઇપોથર્મિયાની સ્થિતિ ત્યારે થાય છે, જ્યારે વજન પ્રમાણે શરીરમાં ચરબી ન હોય. ત્યારે આવાં બાળકો કમજોર રહે છે કારણ કે તેમનું શરીર સંપૂર્ણપણે વિકસિત નથી હોતું.
આવી પરિસ્થિતિમાં બાળકને ઇન્ક્યુબેટરમાં રાખવામાં આવે છે અને તાપમાન એ પ્રકારે રખાય છે જેથી બાળકનું શરીર હૂંફનો અનુભવ કરી શકે.
ડૉક્ટર આશીષ મહેતા અનુસાર, “આવાં બાળકોનાં અંગ જેમ કે ફેફસાં, કિડની, આંતરડાં, હૃદયનો સંપૂર્ણ વિકાસ ન થયો હોય, તો તેમના નાક પર માસ્ક લગાવીને (સીપેપ) ફેફસાં સુધી ઑક્સિજન પહોંચાડી શકે છે, કારણ કે તેઓ જાતે શ્વાસ નથી લઈ શકતાં.”
તેઓ આગળ જણાવે છે કે, “બાળક કારણ કે મોઢેથી દૂધ નથી પીતું. તો બાળક સુધી તમામ પોષકતત્ત્વો પહોંચે તે માટે નાભિ”માં અંબિલિકલ કૅથેટર દ્વારા પ્રોટીન, ફૅટ કાર્બોહાઇડ્રેટ, વિટામિન અને મિનરલ તેના સુધી પહોંચી જાય છે.”
“આ સાથે જ મોઢાથી પેટ સુધી રાઇલ્સ ટ્યૂબ નાખીને દૂધ અપાય છે અને જોવામાં આવે છે કે બાળક કેવી રીતે રિઍક્ટ કરી રહ્યું છે, જેમકે તેનું પેટ ફૂલી રહ્યું છે, તે ઊલટી કરી રહ્યું છે કે નહીં – આ બંને પ્રક્રિયા એક સાથે ચાલતી રહે છે.”
ડૉક્ટર મહેતા પ્રમાણે, “જ્યારે તેમને બાળકોમાં વિકાસ દેખાવા લાગે છે અને ડૉક્ટર એ વાતને લઈને સંતુષ્ટ થઈ જાય કે એ દૂધ પચાવી રહ્યું છે તો તેનું અંબિલિકલ કૅથેટર હઠાવી દેવાય છે.”
જે બાદ બાળકનું વજન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરાય છે. આવી સ્થિતિમાં બાળકને 11-12 અઠવાડિયાં સુધી ઇન્ક્યૂબેટરમાં રખાય છે.
34મા અઠવાડિયામાં બાળકના વિકાસનું આકલન કરીને જોવામાં આવે છે કે તે માતાનું દૂધ જાતે પી શકી રહ્યું છે કે નહીં. જો આવું કરવામાં તે સક્ષમ થઈ જાય છે તો તેને ડિસ્ચાર્જ કરી દેવાય છે.
બાળકનો ત્રણ, છ અને આઠ મહિનામાં નિયમિત ચેકઅપ કરાવાનું હોય છે.
બાળકીઓની તબિયત કેવી છે?
શિવાન્યા હવે લગભગ ચાર મહિનાની થઈ ચૂકી છે અને જિયાનાએ હાલમાં જ પોતાનો ચોથો જન્મદિવસ ઊજવ્યો છે.
શિવાન્યાના પિતા શશિકાંત કહે છે કે – એ હાથ-પગ મારી રહી છે, ખૂબ બૂમો પાડે છે અને સ્મિત આપે છે અને તેમનો પરિવાર ઘણો ખુશ છે કે એનો વિકાસ થઈ રહ્યો છે.
દીનલ કહે છે કે, “હું જિયાના બાદ બીજી વખત માતા બની અને હું એ જણાવી નથી શકતી કે એ નવ મહિના મેં કેટલા ભયમાં પસાર કર્યા. અમે ડૉક્ટરોને કહ્યું છે કે અમે જિયાનાને સામાન્ય બાળકની જેમ જ ઉછેરીએ. અમે બરાબર એવું જ કરી રહ્યા છીએ. જિયાના હવે દીદી બની ગઈ છે અને નાની બહેનનું ધ્યાન રાખે છે. હું માત્ર એટલું કહેવા ઇચ્છીશ કે હિંમત ન હારવી જોઈએ.”