શું ઠંડીમાં હૃદયરોગના હુમલાની શક્યતા વધી જાય છે?

  • શિયાળાની ઋતુમાં હૃદયરોગની સમસ્યા વધવાનો વધુ ખતરો હોવા અંગે ડૉક્ટરોએ ચેતવ્યા
  • કેમ શિયાળામાં પણ હૃદયરોગની સમસ્યા વિકરાળ બની હાર્ટ ઍટેકમાં પરિણમે છે?
  • આ સ્થિતિ ન સર્જાય તેની કાળજી લેવા માટે નિષ્ણાત ડૉક્ટરો શું સલાહ આપે છે?

‘ફૂલ ગુલાબી ઠંડી’, સામાન્ય રીતે આપણા મનમાં ઠંડીની આ મુજબની જ વ્યાખ્યા છે. જોકે, ઘણી વાર શિયાળાની ઋતુમાં ઠંડી ઘણા લોકો માટે ‘અસહ્ય’ બની હોય તેવું પણ તમે સાંભળ્યું હશે.

પરંતુ આ ‘ફૂલ ગુલાબી ઠંડી’ની મોજ માણવા આતુર લોકોને ઘણી વાર પોતાના સ્વાસ્થ્યને ‘ગંભીર નુકસાન’ પણ પહોંચાડી શકે છે.

આ વાત અંગે હૃદયરોગના નિષ્ણાત ડૉક્ટરો પણ હવે ચેતવી રહ્યા છે.

ખાસ કરીને બાળકો અને મોટી ઉંમરના લોકોનેે ઠંડીની ઋતુમાં ખાસ કાળજી લેવાની સલાહ અપાઈ રહી છે.

હૃદયરોગના નિષ્ણાત ડૉક્ટરોની વાત માનીએ તો ખાસ કરીને મોટી ઉંમરના લોકો જેઓ ‘હૃદયની સમસ્યા’ સામે ઝઝૂમી રહ્યા છે, તેમણે આ સિઝનમાં ખાસ કાળજી લેવાની જરૂરિયાત છે.

નિષ્ણાત ડૉક્ટરો ચેતવે છે કે ઠંડીમાં કાળજી ન લેવામાં આવે તો હૃદયરોગનો હુમલો આવવાની શક્યતા વધી જાય છે.

આ અંગેનાં કારણો બાબતે જાણવા માટે બીબીસી ગુજરાતીએ હૃદયરોગના નિષ્ણાત સાથે વાત કરી હતી. અને આવી સ્થિતિથી બચવાના ઉપાયો જાણવાનો પણ પ્રયાસ કર્યો હતો.

ઠંડીમાં ‘હૃદયરોગના હુમલાની વધુ શક્યતા’

અમદાવાદના હૃદયરોગના નિષ્ણાત ડૉક્ટર સુકુમાર મહેતા શિયાળાની ઋતુમાં હૃદયરોગના દર્દીઓએ વધારે કાળજી રાખવાની સલાહ આપે છે.

તેઓ આ દરમિયાન હૃદયરોગના હુમલાની શક્યતા વધુ હોવાની વાત કરતાં કહે છે કે, “શિયાળાની ઋતુમાં વૃદ્ધ લોકો, હૃદયરોગની સમસ્યાથી અગાઉથી પીડાતા લોકોએ ખાસ કાળજી લેવી જોઈએ. કારણ કે ઠંડીની ઋતુમાં હૃદયરોગના હુમલાની શક્યતા વધી જવાની પૂરેપૂરી સંભાવના છે, આ એક જાણીતી હકીકત અને એક ડૉક્ટર તરીકે મારું અવલોકન રહ્યું છે.”

તેઓ આ સમસ્યાનાં કારણો અંગે વાત કરતાં કહે છે કે, “જે લોકો હૃદયરોગની સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને જેમના હૃદયની નળીઓમાં થોડું-ઘણું બ્લોકેજ હોય તેમના માટે શિયાળામાં આ પરિસ્થિતિ વધુ વિકટ બને છે.”

“આ સિઝનમાં અચાનક દુખાવો ઉપડવાના અને ઘણી વાર હાર્ટ ઍટેક આવવાના બનાવ પણ વધી જાય છે. ઠંડીની સિઝન દરમિયાન હાર્ટ ઍટેકનો દુખાવો અને એન્જાઇનાનો દુખાવો થવાની સંભાવના રહેલી છે.”

ઠંડીની હૃદય અને તમારા સ્વાસ્થ્ય પરની અસરો અંગે વાત કરતાં ડૉ. મહેતા જણાવે છે કે, “ઠંડીની ઋતુમાં હૃદયની નળીમાં આવેલ સ્નાયુઓ સંકોચાઈ શકે છે. તેના કારણે તેના પરિઘમાં ઘટાડો થઈ શકે છે, દુખાવો અને ઘણી વાર હાર્ટ ઍટેકનું કારણ પણ બની શકે છે.”

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલમાં મૅક્સ હૉસ્પિટલના સિનિયર કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. મનોજકુમારે ઠંડીની ઋતુમાં હૃદયરોગના હુમલા વધુ ખતરાની સ્થિતિ અંગે ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, “શિયાળામાં હાર્ટ ઍટેકનું પ્રમાણ વધે છે. મોટી ઉંમરના લોકોમાં હાર્ટ ઍટેકનો ખતરો વધુ હોય છે, પરંતુ આજકાલ આ ખતરો યુવાનોમાં પણ જોવા મળી રહ્યો છે.”

મૅક્સ હૉસ્પિટલના ડૉ. ચંદ્રશેખરે પણ ઠંડીમાં હાર્ટ ઍટેકની સમસ્યા વધવાની શક્યતા વ્યક્ત કરતાં કહે છે કે, “ઠંડી બ્લડ પ્રેશરમાં વધારાનું કારણ બની શકે છે, તેમજ આ દરમિયાન રક્ત ગંઠાવાની સમસ્યા પણ સર્જાઈ શકે છે.”

તેઓ ઠંડીમાં હૃદયરોગની સમસ્યા વકરવાનાં અન્ય કારણો આપતાં જણાવે છે કે, “ઘરની અંદર પુરાયેલા રહીને સાવ સક્રિય ન રહેતી વ્યક્તિઓ જેઓ જંક ફૂડ અને બિનઆરોગ્યપ્રદ ભોજન લેતા રહે છે, તેવી વ્યક્તિઓને ઠંડીમાં હૃદયરોગનો હુમલો થઈ શકે છે. આ સિવાય સ્ટ્રેસ, ફ્લૂ પણ આ દરમિયાન હૃદયરોગનું કારણ બની શકે છે.”

ડૉ. સુકુમાર મહેતા ઠંડીની ઋતુમાં યુવાનોમાં હૃદયરોગની સમસ્યા વધવાની વાત પર ભાર મૂકતાં કહે છે કે, “જે યુવાનો નિયમિત તમાકુ કે અન્ય કોઈ વ્યસનમાં જોડાયેલા રહે છે તેમને પણ ઠંડીમાં પોતાના હૃદયની ખાસ કાળજી રાખવી જોઈએ, એ દરમિયાન હૃદયરોગનો હુમલો થવાની શક્યતા આ જૂથમાં પણ વધી શકે છે.”

એનસીબીઆઈની વેબસાઇટ પર પ્રકાશિક એક પેપરઅનુસાર ઋતુમાં હૃદય સંબંધિત (કાર્ડિયોવેસ્ક્યુલર) રોગનો સ્પષ્ટ ટ્રેડ જોવા મળે છે જેમાં ઘણા દેશોમાં શિયાળાની ઠંડીમાં સૌથી વધારે ટ્રેન્ડ જોવા મળે છે. આ શિયાળામાં થતાં મૃત્યુમાં એક કારણ હોઈ શકે છે.

ઠંડીમાં હૃદયરોગની સમસ્યા ન વધે તે માટે શું ધ્યાન રાખવું?

શિયાળાની ઋતુમાં હૃદયરોગની સમસ્યાથી બચવા માટે સલાહ આપતાં ડૉ. સુકુમાર મહેતા જણાવે છે કે, “આ હેતુ માટે કોઈ ખાસ કાળજી રાખવાની હોતી નથી, જેવી કાળજી સામાન્યપણે ઠંડીમાં ખૂબ ઓછા તાપમાનથી બચવા માટે રાખવામાં આવે તેવી કાળજી રાખવાની છે. જેથી શરીર અને હૃદયને વધારે પડતી ઠંડીથી બચાવી શકાય. વધુ ઠંડીથી બચવા માટે નાસ લેવો, ચાલવું, રૂમનું તાપમાન કાબૂમાં રાખવા હીટરનો ઉપયોગ વગેરે જરૂરી છે.”

ઠંડીમાં રાખવાની અન્ય તકેદારીઓ અંગે વાત કરતાં તેઓ કહે છે કે, “ઠંડીમાં હૃદયરોગની સમસ્યાથી પીડાતા લોકો અને મોટી ઉંમરના લોકો ખૂબ ઓછા તાપમાનમાં વહેલી સવારે મૉર્નિંગ વૉક લેવાનું ટાળવું જોઈએ. કારણ કે એ દરમિયાન હૃદયસંબંધી સમસ્યા સર્જાવાની શક્યતા વધી શકે છે, એના સ્થાને સૂર્યોદય બાદ તાપમાનમાં થોડો વધારો થાય ત્યારે મૉર્નિંગ વૉક લેવાથી ચાલવાના ફાયદાની સાથોસાથ હૃદયસંબંધી જોખમને પણ ટાળી શકાય છે.”